
રવીન્દ્ર પારેખ
આજનો લેખ કેળવણીને લગતો છે. તે સીધો સ્ત્રીઓને લગતો નથી, પણ સ્ત્રીઓને કેળવણી સાથે પણ લેવાદેવા છે જ, એટલે સાવ જ વિષયાંતર ન લાગે એમ બને. કેળવણી, પછી તે કોઈ પણ વર્ગ, જાતિ-જ્ઞાતિને માટે હોય, પણ તે દરેક ભારતીયને કોઈકને કોઈક રીતે સ્પર્શે તો છે જ, કેળવણી માટે આપણી નિસ્બત કેવીક છે, તે અંગે અહીં વાત કરવા ધારી છે. પ્રાચીનકાળથી આપણે શિક્ષણનો મહિમા સ્વીકાર્યો છે ને ગુરુઓ દ્વારા જુદી જુદી વિદ્યાઓ શિષ્યોને ઉપલબ્ધ કરાવવાની પરંપરા વર્ષો સુધી ચાલી છે. એ પરંપરામાં શૂદ્રને અને કન્યાને વિદ્યાનો સીધો અધિકાર ન હતો, પણ રાજા કે રંકનાં સંતાનો ગુરુના આશ્રમમાં સાથે રહી શિક્ષા પ્રાપ્ત કરતા. કૃષ્ણ અને સુદામાએ સાંદીપનિના આશ્રમમાં સાથે વિદ્યા પ્રાપ્ત કરી. એકલવ્યને શિક્ષાનો અધિકાર ન હતો, પણ તેણે દ્રોણની પ્રતિમા સ્થાપી અને તેમની પાસેથી પરોક્ષ રીતે શિક્ષા પ્રાપ્ત કરી. શિક્ષાનું ત્યારે મહત્ત્વ હતું. સંપત્તિવાન પણ શિક્ષાનું મહત્ત્વ સમજતા ને રાજાઓ પણ સંતાનોને કેળવણી માટે ગુરુકુળમાં મોકલતાં. જો કે, દ્રૌપદી કે સીતા કે ગાંધારી કોઈ આશ્રમમાં રહીને ભણી હોય એવું જણાતું નથી. વૈદિક કાળમાં ગાર્ગીનો વિદુષી તરીકેનો ઉલેખ છે, પણ તેણે પણ વિધિવત શિક્ષણ પ્રાપ્ત કર્યું હોવાની જાણકારી નથી. રાજકારભારમાં રઝિયા સુલતાન, રાણી લક્ષ્મીબાઈ, રાણી અહલ્યાબાઈનો ઉલ્લેખ છે, પણ શિક્ષાનો અધિકાર સ્ત્રીઓને ન હતો, એવું લાગે છે.
અંગ્રેજોનાં શાસન દરમિયાન અને સ્વાતંત્ર્યોત્તર કાળમાં કન્યા કેળવણીનો વ્યવસ્થિત પ્રારંભ થયો. 1857થી યુનિવર્સિટીનો મહિમા વધ્યો ને આજે તો 1,113 યુનિવર્સિટીઓ અને 43,796 કોલેજો દેશમાં છે. ગુજરાતમાં જ છેલ્લાં 5 વર્ષમાં ઉચ્ચ શિક્ષણમાં કન્યાઓની ટકાવારી 21 ટકા વધી છે, પાંચ વર્ષમાં જ વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ 70,999 છે તો વિદ્યાર્થિનીઓનું 1.24 લાખ વધ્યું છે.
આ બધું જોતાં શિક્ષણની વધેલી ટકાવારી સંદર્ભે આનંદનો અનુભવ થવો જોઈએ, પણ થતો નથી. એક પ્રકારની ગ્લાનિનો જ અનુભવ થાય છે. તેનું સીધું કારણ એ છે કે શિક્ષણ વધ્યું છે, પણ તેનું મૂલ્ય ઘટ્યું છે. જ્ઞાન વગર પણ સંપત્તિને જોરે પ્રભાવ પાથરવાનું સરળ થઈ ગયું છે. શિક્ષિત હોવું ઘણીવાર બેકારીનું, નિરાશાનું, આપઘાતનું કારણ બને છે તે દુ:ખદ છે. પૂરતું ભણતર છતાં, યોગ્ય નોકરી નથી. એ જ કારણે યુવાનો દેશ છોડીને વિદેશને વ્હાલું કરી રહ્યા છે. સરકારને પણ ‘વિદેશ ગમન’ની ચિંતા હોય એવું લાગતું નથી. સરકારને બાહ્ય દેખાડા ને વૈશ્વિક ટાપટીપમાં જેટલો રસ છે, એટલો પાયાના પ્રશ્નોમાં નથી. યુવાનોને અહીં ભણતરની, નોકરીની, તકો આપવાને બદલે સરકાર તેનાં પ્રોજેક્ટોમાં વિદેશી રોકાણ અને નોકરીની સુવિધા પૂરી પાડે છે. દેશી, વિદેશી થઈ રહ્યા છે ને વિદેશી, દેશી ! તંત્રો એટલાં ભ્રષ્ટ છે કે યોગ્યને અયોગ્ય અને અયોગ્યને યોગ્ય તકો પૂરી પાડી રહ્યાં છે. આખા ય દેશમાં વિકાસ, વ્યવસ્થા અને વિજ્ઞાપનને મામલે અપ્રમાણિકતા ને ભ્રષ્ટતાએ આડો આંક વાળ્યો છે. કામ થાય છે, પણ થાય છે ત્યારે એ કામ કરાવનારને લૂંટાયાનો જ અનુભવ થાય છે ને એ વ્યાપક અને ઊંડા ભ્રષ્ટાચારનું પરિણામ છે.
આપણે શિક્ષણને ભોગે સંપત્તિઓનો મહિમા વધાર્યો એને કારણે સાચા શિક્ષિતો હાંસિયામાં ધકેલાયા ને ભ્રષ્ટાચારથી આગળ આવેલાઓએ સત્તા ને સંપત્તિ પર કબજો વધારવા માંડ્યો. રાજકારણ કેવળ સંપત્તિ શાસ્ત્રીઓનો જ વ્યવસાય બની રહ્યું. પૈસા હોય તો રાજકારણમાં આવો અને આવીને ખર્ચેલાં નાણાંનું અનેકગણું વળતર મેળવો. આવું ભ્રષ્ટાચારે શક્ય કરી આપ્યું. એને કારણે ઉચ્ચ શિક્ષણ પામેલાઓ હતાશ થયા. એમણે જોયું કે ઓછી પાત્રતાવાળો જાતિ, જ્ઞાતિ ને ભ્રષ્ટાચારથી આગળ, ઉચ્ચ સ્થાનોમાં બિરાજમાન છે. આજે ગુજરાતમાં યુનિવર્સિટીઓમાં બિરાજમાન કુલપતિઓ કરતાં વધુ પાત્રતાવાળા અધ્યાપકો સાધારણ નોકરી કૂટે છે ને ઉચ્ચ હોદ્દે રાજકીય વગ, ભ્રષ્ટાચાર અને સંપત્તિ આરામ ફરમાવે છે. નબળો મંત્રી તેની હાથ નીચેના કલેક્ટરો ને કમિશનરો સાથે કેવી રીતે વર્તે છે તે કોઇથી અજાણ્યું નથી.
ઓડિશાના આરોગ્ય મંત્રી દાસની બીજા એક એ.એસ.આઈ. દાસે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી છાતી પર ગોળી મારી હત્યા કરી નાખી. મંત્રી દાસ, ચાલુ વિધાનસભાએ પોર્ન ફિલ્મ જોતાં પકડાયેલા ને અઠવાડિયા માટે સસ્પેન્ડ પણ થયેલા, તો પોલીસ દાસને આ મામલે અણબનાવ થયેલો એવી શંકા પણ સેવાય છે. ટૂંકમાં, બંને પક્ષે ગરબડ છે. આવું અનેક જગ્યાએ હશે જ. કારણો અનેક હોઈ શકે છે, પણ આપણે શિક્ષણની ધરાર અવગણના કરી છે ને તેને ભોગે અનેક ભ્રષ્ટતાઓ ને વિકૃતિઓ પોષી છે. શિક્ષણમાં જ અનેક સ્તરે ભ્રષ્ટતા આચરાતી હોય અને એવાં ભ્રષ્ટ શિક્ષિતો પણ જ્યાં જાય ત્યાં ભ્રષ્ટતા ન આચરે તો જ આશ્ચર્ય થાય. લાખો રૂપિયા ખર્ચીને ડૉક્ટર કે એન્જિનિયર બનેલો વિદ્યાર્થી દયા દાનમાં તો ઓપરેશન ન કરે કે પુલ ન બાંધે. એ ભણતરમાં ખર્ચેલાં નાણાં તો વસૂલ કરશે જ ને ! એ પૈસા ખર્ચીને ભ્રષ્ટ રીતે જે તે ક્ષેત્રમાં પ્રવેશ્યો હોય તે પ્રમાણિકતાથી સેવા કરે એવું તો સપનું ય ન પડે. બધે જ બધું ભ્રષ્ટ છે એવું નથી, પણ હાલમાં તો આનું પ્રમાણ ચરમસીમાએ છે. આ બધાંમાં શિક્ષણની મજાક ઊડે છે. પૈસા હોય તો ગમે તે શિક્ષણ કે નોકરી પ્રાપ્ત કરી શકાય એ હદે ભ્રષ્ટતાઓ વિકસી છે. અરે ! ભણ્યા વગર પણ ભણેલાની કક્ષાના લાભ પૈસાને જોરે લેનારાઓનો તોટો નથી.
છેલ્લાં થોડાં વર્ષોમાં બાર બાર વખત ગુજરાતમાં જુદી જુદી નોકરીનાં પેપરો ફૂટે ને તેનું ભાન સરકારને છેક હવે થાય અને તે કાયદો કરવાનું વિચારે એની પણ કમાલ જ છેને ! હૈદ્રાબાદમાં છપાયેલું જુનિયર ક્લાર્કનું પેપર લાખોમાં વેચાય ને તે ખરીદાય પણ ને એ વેપલામાં સાડા નવ લાખ ઉમેદવારોના ઉજાગરા દાવ પર લાગે એ શરમજનક છે. એના પરથી એટલું ફલિત થાય છે કે કોઈ પણ પ્રકારની સાચી મહેનત કરતાં પૈસા વધુ મહત્ત્વના છે. પૈસા હોય તો પેપર ફોડી શકાય ને ફૂટેલું પેપર પણ એવી જ રીતે પૈસા ખર્ચીને, ગરીબ, લાચાર ને સાચાનું ભવિષ્ય ધૂળધાણી કરી શકે છે. ખોટી રીતે આગળ જવાના એટલા બધા માર્ગો પૈસાએ ખોલી આપ્યા છે કે પૈસા વેરતા જાવ ને ધારેલું પદ પ્રાપ્ત કરો. એક કાળે આવું ન હતું, હવે આવું જ છે. પૈસા હોય તો આ બધું સરળ છે. ઉપલે સ્તરે યોગ્ય સ્થાનો પર બેઠેલાં ભ્રષ્ટ ને જૂઠાં લોકોને કારણે આ બધું બને છે. એ કેવી રીતે શક્ય છે ને ક્યાં સુધી શક્ય છે એની એક કલ્પના કરી છે. આમ જ થાય છે એવું નથી, પણ એમ થતું જ નથી એવું પણ નથી –
એક બાપ તેનાં વેદિયા દીકરાને કહે છે કે નકામા ઉજાગરા કરીને વાંચવાનું બંધ કર, તો દીકરો મૂંઝાય છે કે પપ્પા ન વાંચવાનું કેમ કહે છે, તો બાપ ખુલાસો કરતાં કહે છે કે થોડા લાખ ખર્ચીને તે પેપર ફોડી લાવ્યો છે. તો દીકરો કહે છે કે પેપર હોય તો ય શું? એના જવાબો તો પરીક્ષામાં લખવા પડશેને. બાપે એનો રસ્તો પણ કાઢ્યો કે પૈસા આપતાં પેપર લખનારો પણ મળી ગયો છે. દીકરો એ વાતે ગૂંચવાય છે કે એ લહિયો ખોટા જવાબ લખશે તો નાપાસ તો પોતે થશે. પિતા કહે છે કે એ ચિંતા પણ છોડ. ખોટા જવાબના ખરા માર્કસ મૂકી આપનાર એક્ઝામિનર પોતે જ પૈસા લઈને એ કામ કરી આપશે. છોકરો કહે છે કે છેલ્લી ઘડીએ એ નામુકર ગયો તો મારી તો ડિગ્રી જાય. બાપ હસતાં હસતાં કહે છે કે ડોબા, વાંચવાનું બંધ કર. તને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટનું યુનિવર્સિટીનું સર્ટિફિકેટ છપાવી આપું, પછી છે કૈં? તો, દીકરો શંકાથી કહે છે કે એમ નકલી સર્ટિફિકેટથી નોકરી ન મળે. તો બાપ કહે છે કે આપણી પાસે એટલા પૈસા છે કે નોકરીએ બીજાઓને તું રાખીશ. દીકરો કહે છે – ના, મારે તો સ્વમાનથી જીવવું છે. તો બાપ કહે છે – તું જરૂર કલેકટર કે કમિશનર થઈશ. દીકરો ખુશ થાય છે તો બાપ, નિરાશ થતાં કહે છે, એનાં કરતાં તો મંત્રી થા. માનથી રહીશ અને સ્વમાની કલેકટર કે કમિશનરને એડીએ રાખીશ.
તો, આવી સ્થિતિ થઈ શકે છે. પૈસા હોય તો કોઈ પણ પદ પ્રાપ્ત કરી શકાય એમ છે. આ બધાં પદો એક કાળે યોગ્ય વ્યક્તિને અપાતાં, હવે એ પૈસા ખર્ચનારને મળે છે ને એ કૈં દાન નથી. એ તો અનેકગણું વસૂલી લેવા અંગેનું રોકાણ છે. અજ્ઞાન, ભ્રષ્ટતા, અસત્ય જેવું બધું જ સત્યમાં ફેરવી શકાય છે, જો પૈસા હોય તો ! એ શક્ય બન્યું છે, સંપત્તિને આપણે શિક્ષણની ઉપર મૂકી છે એટલે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 05 ફેબ્રુઆરી 2023