લેખકના બે શબ્દ :
નવલિકા ‘કન્યાદાન’નું કથાનક એક સત્યઘટના પર આધારિત છે. સાસુ-સસરાએ પુત્રવધૂનું, દીકરી માનીને કન્યાદાન કર્યું. સમાજમાં આવી ઘટના બહુ જુજ બને છે. પુત્રવધૂનું કન્યાદાન કરનાર એ મહાન માતાપિતાને વંદન, અને તેમના ઋણ સ્વીકાર સાથે હું આ નવલિકા પ્રકાશિત કરું છું. નવલિકામાં આવતાં પાત્રોનાં નામ અને પ્રસંગો કાલ્પનિક છે.
°
સુમનભાઈ અને મીનાબહેન આંખમાં ઝળઝળિયાં સાથે બેઠાં હતાં. દેવીના લગ્નની વિધિ ચાલી રહી હતી. આંખોમાંથી આસું ધોધની જેમ વહેવાં માટે બળવો કરી રહ્યાં હતાં, પણ સુમનભાઈ અને મીનાબહેને નક્કી કર્યું હતું કે જ્યાં સુધી દેવીના લગ્ન સંપન્ન ન થઇ જાય, અને સ્વસુરગૃહે પ્રસ્થાન ન કરે ત્યા સુધી આંખમાંથી એક પણ અશ્રુનું ટીપું પડવા દેવું નથી. બંને હૃદયથી અને મનથી આ લડાઈ લડી રહ્યાં હતાં. દિલમાં દેવીના લગ્ન પ્રસંગનો ઉમંગ હતો, સાથે છાને ખૂણે એક દુઃખ ભરી ઘટના પણ પડી હતી.
દેવીના લગ્ન સારી રીતે સંપન્ન થઇ ગયાં. સુમનભાઈ અને મીનાબહેને નિરાંતનો શ્વાસ લીધો. મન, હૃદય પરથી બોજ હળવો થયાની પ્રતિતિ થઇ. કન્યા વિદાયનો પ્રસંગ આવ્યો, સુમનભાઈએ જોયું તો દેવી કારમાં બેસવાને બદલે એકલી તેની પાસે આવી રહી હતી. મનમાં ધ્રાસકો પડ્યો કે શું થયું હશે? દેવી એકલી કેમ આવે છે? જમાઈ સુરેશ કેમ ક્યાં ય દેખાતા નથી?
દેવીએ આવીને એટલું જ કહ્યું, “તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું તમારા જમાઈ સુરેશની રજા લઈને તમને મળવા અને કહેવા આવી છું કે દશ દિવસ પછી હું અહીંયા આવીશ. તમે મને વચન આપ્યું છે એટલે તમારે બંનેએ મારી સાથે જ આવવાનું છે. મેં તમારા માટે મારા ફ્લેટની બાજુમાં જ અત્યારે તો ફ્લેટ ભાડેથી લીધો છે. તમારે ત્યાં મારી સાથે પણ સ્વતંત્ર રીતે રહેવાનું છે. તમને ફાવી જાય પછી ફ્લેટને ખરીદી લઈશું. સુરેશની પણ આ જ ઇચ્છા છે.”
“પણ, દીકરી …”
“પણ કે બણ કંઈ નહીં,” એમ કહીને દેવી ચાલવા માંડી, કારમાં બેસીને શ્વસુરગૃહે વિદાઈ થઇ ગઈ. સુમનભાઈ અને મીનાબહેન આસું ભરી આંખે દેવીને વિદાઈ થતી નીરખી રહ્યાં. સુમનભાઈ અતીતમાં ખોવાઈ ગયા.
સુમનભાઈનો પુત્ર અજય આઈ.ટી. એન્જીનિયર હતો; ફૂટડો અને તરવરિયો યુવાન હતો. કોઈને પણ ગમો જાય એવો અજય હતો. એક દિવસ સુમનભાઈએ કહ્યું, “અજય, અમે તારી માટે એક કન્યા જોઈ રાખી છે. મને અને તારી મમ્મીને ગમી છે. તું તેને મળી લે પછી તારા નિર્ણય પર અમે આગળ વધીશું.”
“પપ્પા, તમને અને મમ્મીને ગમી હોય તો પછી મારે શું જોવાનું. મમ્મીને વધારે સમય તેની સાથે રહેવાનું હોય. મમ્મી સાથે સેટ થઇ જાય એટલે મારી સાથે ચોક્કસ સેટ થઈ જશે.”
“ના બેટા, આ તારી જિંદગીનો સવાલ છે. તારી મમ્મીને વધારે સાથે રહેવાનું છે એ સાચું પણ તારી તો એ જીવનસંગિની બનવાની છે. વળી `દેવી`… હા, બેટા તેનું નામ દેવી છે એ પણ આઈ.ટી. એન્જીનિયર છે. અત્યારે કોઈ જોબ કરતી નથી આગળ ઉપર તમારા બંનેની ઇચ્છા; અમને તો દેવી જોબ કરે કે ના કરે કોઈ વાંધો નથી.”
અજયે દેવીને જોઈ; બંને એ પ્રાસ્તાવિક વાતો કરીને વડીલોને પોતાની ઇચ્છા જણાવી દીધી. દેવી અને અજયના ધામધૂમથી લગ્ન થઇ ગયા. દેવી મીનાબહેન, સુમનભાઈ તેમ જ અજય સંગાથે પૂરેપૂરી સેટ થઇ ગઈ હતી. સુમનભાઈ અને મીનાબહેનનું જીવન સુખરૂપ વિતી રહ્યું હતું; અચાનક નિયતિએ કરવટ બદલીને કોરોના અજયને ભરખી ગયો. સુમનભાઈએ અજયની સારવારમાં કોઈ કચાશ રાખી નહોતી, પણ નિયતિ પાસે બધાં લાચાર હતાં.
એક દિવસ મીનાબહેને સુમનભાઈને કહ્યું, “નિયતિએ આપણી પાસેથી અજયને છીનવી લીધો પણ દેવીની તો લાંબી જિંદગી છે. અત્યારના સામાજિક માહોલમાં એકલી સ્રીને રહેવું કેટલું મુશ્કેલી ભર્યું છે, એ આપણે સૌ જાણીએ છીએ. આપણે દેવીને ખરાબ ન લાગે એમ તેને પિયર જવું હોય તો પૂછી જોઈએ. દેવીને જોઈએ મારો જીવ બળે છે.”
“તારી વાત સાચી છે પણ હું નથી માનતો કે દેવી પિયર જવા માટે તૈયાર થાય. અત્યારે પણ એ આપણી માતાપિતા જેવી જ સેવા કરે છે. દેવીને આ વાત પૂછશું તો ચોક્કસ તેને ખરાબ લાગશે. હું દેવીને દુભવવા નથી માંગતો; છતાં તું કહે છે તો પૂછી જોઈશું; અને નહીંતર પછી આપણે એમ કરીશું; દેવી પણ આઈ.ટી. એન્જીનિયર છે જો તેને જોબ કરવી હોય તો પૂછી જોઈશું; જેથી તેનું મન પણ બહારની દુનિયા સાથે રહેવાથી ધીમે ધીમે સ્વસ્થ થઇ જશે.”
“દેવી, બેટા મારે તારી સાથે એક વાત કરવી છે.”
“હા, બોલોને પપ્પા, શું વાત છે?”
“બેટા, તારી સામે લાંબી જિંદગી પડી છે.તું અહીંયા રહીને કંઈ નહીં કરી શકે એટલે જો તારે પિયર જવું હોય તો….”
“અરે! અરે! પપ્પા, તમે આ શું બોલ્યા? શું મારી સેવામાં કે તમારું ધ્યાન રાખવામાં કોઈ કમી રહી ગઈ છે. અજય મને તમારી જવાબદારી સોપીને ગયો છે. એટલે આ વાત તો તમે ક્યારે ય વિચારશો જ નહીં; મારા માટે આ જ પિયર અને સાસરું છે.”
“તો એક વાત માનીશ; મારા મિત્રને આઈ.ટી. ફર્મ છે. તું આઈ.ટી. એન્જીનિયર છો; તેની ફર્મમાં જોબ કર જેથી તારું મન પણ સ્વસ્થ થાય. અમને પણ અમારી દીકરી કંઈક કરે છે એમ લાગે.”દેવીએ જોબ જોઈન કરી દીધી.
એક વખત સુમનભાઈને બાળપણનો મિત્ર મળવા આવ્યો; બંને ઘણાં સમય પછી મળ્યા હતા.”અરુણ, તને મળીને ખૂબ આનંદ થયો. કેમ ચાલે છે? બાળકો શું કરે છે?”
“સુમન, મારી તો તું વાત પૂછવી રહેવા દે. વિધિએ અમને એવી જોરદાર થપાટ મારી છે કે તેની કળ હજી વળી નથી. તું તો જાણે છો કે મારા પુત્ર સુરેશના લગ્ન મેઘા સાથે થયા હતા. ત્યારે તું કંઈક મુશ્કેલીમાં હોવાથી લગ્નમાં આવી શક્યો નહોતો. કોરોના કાળે તો ભલભલાના ઘરને તારાજ કરી દીધા હતા. તેમાં મારા સુરેશની પત્ની મેઘા ભોગ બની ગઈ હતી. ત્યારે આ રૂચિ છ મહિનાની હતી. અમે સુરેશને બીજા લગ્ન માટે સમજાવ્યો પણ તેનું કહેવું એવું હતું કે બીજી `મા` રૂચિને સારી રીતે ન સાચવે તો એટલે એ લગ્નની હા પાડતો નથી.”
“અરુણ, તારી જેવી જ અમારી પરિસ્થિતિ છે. મેં પણ અજયના દેવી સાથે લગ્ન કર્યા હતા. અજયને પણ કોરોના ભરખી ગયો. મારા અજયને કોઈ સંતાન નહોતું. દેવી, મારી પુત્રવધૂ, દીકરી બનીને અમારી સાથે જ રહે છે. એ આઈ.ટી. એન્જીનિયર છે. મારા મિત્રની ફર્મમાં જોબ કરે છે.”
“સુમન, તું ખોટું ન લગાડતો. એક વાત કહું, દેવી અને સુરેશ, બંનેએ પોતાના જીવનસાથી ગુમાવ્યા છે. બંનેની લાંબી જિંદગી છે. આપણે તો ખર્યું પાન કહેવાઈએ; જો બંને લગ્ન માટે સંમતિ આપે તો સાત વ્યક્તિનાં જીવન સુધારી જાય.”
“અરુણ, તારી વાત છે તો વિચારવા લાયક; એમ કર તું સુરેશ સાથે વાત કરી જો અને હું દેવી સાથે વાત કરી જોઉં; ઈશ્વરને કરવું હશે તો સૌ સારા વાના થશે.”
“દેવી બેટા, મારે તને એક વાત કહેવી છે.”
“તો પપ્પા, એમાં તમારે મને પૂછવાનું હોય. બોલો તમે શું વાત કરવા માંગો છો.”
“બેટા, વાત એવી છે કે તને પૂછવું પડે. તું અમારી વાતનો કોઈ અવળો અર્થ ન કરતી. આ તો અમે રહ્યાં ખર્યું પાન એટલે તારા ભવિષ્યની ચિંતા થાય.” એમ કહીને સુમનભાઈએ તેના મિત્ર અરુણની અને તેના દીકરા સુરેશની વાત કરી. પછી જવાબ માટે દેવી સામે બંને જોઈ રહ્યાં.
“પપ્પા, તમે આટલા સમય પછી આ વાત કરો છો એટલે તમે મારા માટે ખૂબ વિચાર્યા પછી વાત કરતા હશો. મને વાંધો નથી, પણ પહેલાં હું સુરેશજીને મળવા માંગું છું. મારી અમુક શરતો છે એ તેમને માન્ય હોય તો હું આગળ આ બાબતે વિચારીશ. પપ્પા, આજ સુધી મેં માતાપિતાને દીકરીને વળાવતા જોયા છે. તમારી જેવા કોઈક વિરલ માતાપિતા હશે કે જે પુત્રવધૂને દીકરી તુલ્ય માનીને કન્યાદાન કરવા તૈયાર થાય. બાકી તો સમાજમાં એવા ઘણા દાખલા મળે છે કે પુત્રવધૂને હડધૂત કરીને કાઢી મૂકે, બદનામ કરે કે પછી અગ્નિસ્નાન કરાવી દે છે. તમને હું વંદન કરું એટલાં ઓછા છે.”
“બેટા, તે શરતની વાત કરી, કેવી શરત, બેટા? સંબંધમાં કોઈ શરત ન હોય.”
“તો પપ્પા, આ વાત અહીયા જ પૂરી થાય છે.”
“ના બેટા, હું અરુણ સાથે વાત કરી જોઇશ.”
સુરેશ અને દેવીની મિટિંગ ગોઠવાઈ; દેવીએ કહ્યું, કે “આપણે એક બીજાની ઘણી વાતથી પરિચિત છીએ. મારે તમને મારી બે શરતની વાત કરવી છે; જો તમને એ મંજૂર હોય તો આગળ વધીએ.”
“હા, તમારી શરત તો કહો. મારી કોઈ શરત નથી.”
“પહેલી શરત કે હું મારા ભૂતકાળના સાથી અજયને ભૂલી શકી નથી. હજીપણ તેની સ્મૃતિઓમાં ખોવાઈ જાઉં છું અને તેની સાથે વર્તમાનને માણી લઉં છું. આ બાબતે તમારે ક્યારે ય કોઈ ટીકા ટિપ્પણ કે કોઈ વિરોધ નહીં કરવાનો.”
“ઓકે, હું પણ મેઘાને ભૂલી શક્યો નથી. આપણે સાથે રહીને આપણા અતિતને માણીશું. એક બીજાના સહકારથી એ દુષ્કર પળને ભૂલવાનો પ્રયત્ન કરીશું. તમારી બીજી શરત શું છે?”
“મારી બીજી શરતમાં મારા `સાસુ-સસરા` કે જેને મેં મારા `માતાપિતા`નું સ્થાન આપ્યું છે એ મારી નજીક રહેશે, અને તેની દરેક જવાબદારી મારી રહેશે. તેમના માટે આપણા ઘરની નજીક એક ફ્લેટ ખરીદી લેવાનો અને તેના પૈસા હું આપીશ. આ બાબતે આપણે ક્યારે ય કોઈ ચર્ચા નહી કરીએ.”
“અરે! આ તો બહુ સહેલી શરત છે. આપણા ફ્લેટની બાજુમાં જ ફ્લેટ ખાલી છે અને વેચાઉ છે એ આપણે ખરીદી લઈશું.”
દેવીએ કહ્યું, “પપ્પા, મને સુરેશ સાથે લગ્ન કરવા કોઈ વાંધો નથી, પણ તમારે મને એક વચન આપવું પડશે અને તો જ હું લગ્ન માટે હા કહીશ.”
“બોલ, દીકરી .. બોલ, મારે શું વચન આપવાનું છે.”
“પપ્પા, હું અહિંયાથી લગ્ન કરીને વિદાઈ થાઉં ત્યારે તમને હું જે કહું એ તમારે કરવાનું. ના નહીં કહેવાની.”
“પણ તું કહે તો ખરી મારે શેની ના નહીં કહેવાની.”
“પપ્પા, પરીક્ષા પહેલાં પેપર ફોડવું એ ગુનો બને છે. હું એ ગુનો કરવા માંગતી નથી.
“ઓકે, બેટા, તું કહે તેમ કરશું.”
દેવી અને સુરેશના લગ્ન વડીલોની હાજરીમાં સંપન્ન થઇ ગયા ને દેવીએ સુમનભાઈ પાસેથી લીધેલું વચન પાળવાનું સુમનભાઈને કહીને સાસરે જતી રહી.
સુમનભાઈએ મીનાબહેનને કહ્યું “કે આપણા પર ભવના પુણ્ય છે કે જતાં જતાં આપણી દીકરી આપણા ઘડપણને પણ સુરક્ષિત કરતી ગઈ.”
“આપણે તો આપણી ફરજ બજાવી, પણ દેવીએ તો ત્રણ ઘરને ઉજાળી દીધા.”
સુમનભાઈએ જોયું તો તેના હાથમાં દેવી એક ચબરખી મૂકતી ગઈ હતી; વિદાઈ સમયે ખબર નહોતી પડી … ચબરખીમાં લખ્યું હતું,
“મમ્મી-પપ્પા જન્મોજનમ તમે જ મારા જન્મદાતા, માતાપિતા બનો એવી પ્રભુને પ્રાર્થના. બાકી આજના જમાનામાં પુત્રવધૂ વિષે તો કોઈ વિચારતું જ નથી; જ્યારે પુત્રવધૂનું માતાપિતા બનીને કન્યાદાન કરવું એ તો દૂરની વાત થઇ ગઈ……વધુ નહી લખી શકું … પ્રણામ.
સુમનભાઈ અને મીનાબહેનની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો. સુમનભાઈએ આકાશ સામે જોયું તો તેને લાગ્યું કે અજય પણ ખુશ હતો …
ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com