Opinion Magazine
Number of visits: 9505825
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કહેવાતા સદ્ગુણો, ‘પરોપકાર’ અને ધાર્મિકતા’, માણસના મગજમાં ખીચડો ને ગૂંચવાડા ઊભા કરે છે. એને બદલે, દુનિયાને ‘સાદગી’ અને ‘અસલિયત’ ભણી વળવા દો ને !

સુમન શાહ|Opinion - Opinion|22 December 2018

હૈમ હંસને શ્વેત રહેવા માટે રોજ્જે સ્નાન કરવાની જરૂર નથી પડતી. કાગડાને કાળા રહેવા કશી કાળી શાહીની જરૂર નથી પડતી

એક પ્રાચીન સ્મરણીય મિલન

બે મોટા ધર્મગુરુઓ કે બે મહાન ધર્માત્માઓ એમના જીવન દરમ્યાન એકબીજાને મળ્યા હોય તો શું થયું હોય? કલ્પનાઓ તો ઘણી આવે પણ કોઇ જો જણાવે કે અમુક બે જણા આ રીતે મળેલા ને ત્યારે હકીકતમાં આ પ્રમાણે બનેલું, તો આપણને ખૂબ સારું લાગે, પ્રસન્ન થઇ જવાય. તાજેતરમાં મને ચિની ધર્મશાસ્ત્રવેત્તા જૉહ્ન મિન્ફર્ડના લેખથી જાણવા મળ્યું કે લાઓ-ત્સે અને કન્ફ્યુસિયસ મળેલા. લાઓ-ત્સે તાઓધર્મના ચિન્તક સ્થાપક અને કન્ફ્યુસિયસ ફિલસૂફ અને રાજનીતિજ્ઞ નેતા. બન્ને ઇસવી સન પૂર્વે છઠ્ઠી સદીમાં થઇ ગયેલા. સમકાલીન હતા. બન્ને પ્રસિદ્ધ હતા. લાઓ-ત્સે કન્ફ્યુસિયસથી વયમાં થોડા મોટા હતા. લાઓ-ત્સેને મળવા ગયેલા, કન્ફ્યુસિયસ. બે વાર ગયેલા. મિન્ફર્ડના લેખમાં મિલનનું સરસ નિરૂપણ છે. હું ખુશ થઇ ગયો. મને થયું, ચાલો, જરૂરી ટિપ્પણી ઉમેરીને હું તમને સહભાગી બનાવું…

મિલન દન્તકથારસે રસાયેલું છે. તેમ છતાં એમાંથી ઊપસતી બન્નેની વ્યક્તિમત્તા હૈયે વસી જાય એવી સાચકલી છે.

વાત એમ છે કે કન્ફ્યુસિયસ પંચાવન વર્ષના થયા ત્યાં લગી એમણે તાઓ વિશે કંઇ જ સાંભળેલું નહીં.

'તાઓ' શબ્દનો અક્ષરશ: અનુવાદ અશક્ય મનાય છે. પણ એના અર્થસંકેતો જાણીતા છે. તાઓ એટલે સર્વ કાંઇ. આ ધરતી પર છે, કે હરેફરે છે, એ સૌ. પ્રકૃતિ, મનુષ્યો અને અન્ય પ્રાણીઓ. તાઓ એટલે પથ કે માર્ગ; જ્ઞાન-વિજ્ઞાન, શાસ્ત્ર કે સિદ્ધાન્ત. તાઓને તાઓધર્મીઓ આ વાસ્તવિક જગતનું ચાલકનિયામક ઋત ગણે છે. અને એને અજ્ઞેય લેખે છે.

પણ પછી કન્ફ્યુસિયસ એક વાર દક્ષિણમાં ગયા અને લાઓ-ત્સેને મળ્યા. હવે, એમની વચ્ચે થયેલો નર્માળો-મર્માળો સંવાદ સાંભળો : 'ઓહ ! તો તમે છો', લાઓત્સેએ કહ્યું, 'ઉત્તરમાં વસતી એક સુપાત્ર વ્યક્તિ તરીકે મેં તમારે વિશે સાંભળ્યું છે. તમે તાઓને કદી લક્ષમાં લીધું છે? પામ્યા છો?' : 'ના, હજીલગી તો નહીં' : 'તો એને વિશે જાણ્યું શી રીતે?' : 'સિદ્ધાન્તો અને વિધિવિધાનથી; એમાં પાંચ વર્ષ વીતી ગયાં તો પણ પામી શક્યો નહીં' : 'તો પછી બીજી કોઇ રીતે જાણ્યું?' : 'યિન અને યાન્ગથી જાણ્યું. એમાં બાર વર્ષ વીતી ગયાં તો પણ પામી શક્યો નહીં'.

'યિન અને યાન્ગ' શું છે? અન્ધકારમય અને પ્રકાશિત તેમ જ નકારાત્મક અને હકારાત્મક પરિબળો છે. વિશ્વ પોતે ભૌતિક શક્તિઓમાંથી યિન અને યાન્ગને સરજે છે. ચિની ફિલસૂફી અનુસાર, આ જગતમાં એકબીજાની વિરોધી દેખાતી વસ્તુઓ વાસ્તવમાં એકબીજા પર અવલંબિત છે, એકબીજાથી જોડાયેલી છે, એકબીજાની પૂરક છે. જરૂર પડ્યે એકમેકને પ્રગટાવે પણ છે. યિન સ્વીકારક છે અને યાન્ગ ક્રિયાશીલ છે. શિત-ઉષ્ણ ઋતુઓ, નર-નારી અથવા પુરુષ-સ્ત્રી કે સામાજિક-રાજકીય વ્યસ્થાઓ અને અવ્યવસ્થાઓ પણ, એના જ આવિષ્કારો છે…

એટલે, લાઓ-ત્સે બોલ્યા : 'ખરી વાત છે તમારી. એ રીતે તો તાઓને ન જ જાણી શકાય. જૂના સમયના 'પર્ફૅક્ટી' – પ્હૉંચેલા – પુરુષો જંગલોમાં મુક્તપણે ઘૂમતા રહેતા. તેઓને 'સાદગી'-નાં ખેતરોમાંથી પોષક આહાર મળી રહેતો. તેઓ 'નિરપેક્ષા'-ના બગીચામાં પોતાની ભૂમિકા ઊભી કરતા અને પોતાના નિશ્ચયોને ઉછેરતા. તેઓ 'નિષ્કર્મ'-માં વસીને વિકસતા. તેમની પરિવ્રજ્યાઓ તેમને 'સમ્યક્ તાઓ' પાસે દોરી લાવી. એવી હતી, તેમની સમ્પદા…

જોઇ શકાય છે કે લાઓ-ત્સે નિયત, વ્યાખ્યાયિત અને સાર્વત્રિક ફિલસૂફીથી ખસીને કન્ફ્યુસિયસને વૈયક્તિક નીતિરીતિનો વિરલ જીવનમાર્ગ ચીંધી રહ્યા છે.

કન્ફ્યુસિયસ લાઓ-ત્સેને બીજી વાર મળે છે અને ત્યારે 'પરોપકાર' અને 'ધાર્મિકતા' જેવા સદ્ગુણો વિશે પૂછે છે.

જવાબમાં લાઓ-ત્સે કહે છે : ધાન્યકણને છૂટા પાડતો પંખો જ્યારે છૉતરાં ઉડાડે છે ત્યારે આંખો સામે, સ્વર્ગ પૃથ્વી અને ચારે ય દિશાઓનાં ઠામઠેકાણાં નથી રહેતાં. બધું અલોપ થઇ જાય છે. મચ્છર કરડે કે બગાઈ સતાવે તો માણસ ઊંઘી શકતો નથી બલકે રાત આખી જાગતો રહે છે. એ જ પ્રકારે, તમારા આ કહેવાતા સદ્ગુણો, 'પરોપકાર' અને ધાર્મિકતા', માણસના મગજમાં ખીચડો ને ગૂંચવાડા ઊભા કરે છે. એને બદલે, દુનિયાને 'સાદગી' અને 'અસલિયત' ભણી વળવા દો ને ! દુનિયાને વાયુ સાથે વહેવા દો ને ! જંપવા દો એને એના 'આન્તર-જીવનના જગત'માં ! નગારું વગાડતા વગડાતા તમે તોફાની છોકરાનો પીછો કરો છો એવું એની જોડે ન કરો. એને હાંફળફાંફળમાં ન રાખો. હૈમ હંસને શ્વેત રહેવા માટે રોજ્જે સ્નાન કરવાની જરૂર નથી પડતી. કાગડાને કાળા રહેવા કશી કાળી શાહીની જરૂર નથી પડતી.'

લાઓ-ત્સે સાથેની આ મુલાકાત પછી કન્ફ્યુસિયસ પાછા ફરે છે. ત્રણ દિવસ લગી અવાચક થઇ ગયેલા.

એમના શિષ્યોએ એમને પૂછેલું : મળ્યા ત્યારે, તમે લાઓ-ત્સેને શી સલાહ આપેલી? : કન્ફ્યુસિયસે ટુંકાવીને કહ્યું : ત્યાં છેવટે મેં એક ડ્રૅગનને જોયો…

ડ્રૅગન મહાકાય સરિસૃપ જેવો એક પૌરાણિક દાનવ છે પણ ચિની પુરાણગાથાઓમાં એને કલ્યાણકારી પ્રાણી કહ્યો છે. એટલે તો ચાઈનિઝ ડ્રૅગન્સ મત્સ્ય કચ્છપ કે સર્પ જેવા જીવો રૂપે વર્ણવાયા છે. જો કે એનું ચાર પગાળું સર્પસ્વરૂપ વધારે જાણીતું છે. ડ્રૅગન તો જળ વ્યોમ અને સ્વર્ગીયતાનું પ્રતીક લેખાય છે.

પણ પછી, શિષ્યોને કન્ફ્યુસિયસે વીગતે વર્ણન કરતાં કહ્યું : ડ્રૅગન એની કાયાનું પ્રદર્શન કરતો'તો. પોતાની ભિંગડાંદાર ત્વચાની ભાત દર્શાવવા ખાસ્સું પ્રસરી રહેલો. પણ પછી મેં જોયું કે એ તો વાદળાં પર સવાર થઇને સ્વર્ગ ભણી ઊડી રહ્યો છે ! મારું મૉં અચરજમાં, બસ ખુલ્લું રહી ગયેલું. એ ડ્રૅગન તે લાઓ-ત્સે પોતે ! એવા એમને ભલા, હું તે શી સલાહ આપવાનો'તો? : કન્ફ્યુસિયસે ઉમેર્યું : પક્ષીઓ ઊડે છે; માછલાં તરે છે; જાનવરો દોડે છે. એટલી વસ્તુઓની તો મને ખબર છે. દોડતાને રોકી શકાય છે; તરતાને જાળમાં ફસાવી શકાય છે; ઊડતાને બાણથી વીંધીને હેઠે પાડી દઇ શકાય છે; એ પણ હું જાણું છું. પરન્તુ વાદળો પર બેસીને સ્વર્ગ ભણી સંચરેલાને? -મારી તો સમજ બ્હારની વાત છે ! આજે મેં લાઓ-ત્સેને રૂડી પેરે નીરખ્યા રે, તેઓ એક ડ્રૅગન છે !

સાર એ છે કે લાઓ-ત્સેનું એ ઉડ્ડયન નિરાયાસ અને અબાધિત હતું. એમનામાં વસતું યાન્ગ એટલે કે ક્રિયાશીલ સત્ત્વ ક્રમે ક્રમે વિકસીને આમ પરિપૂર્ણ મુક્તિને પામ્યું.

આ બન્ને મહામનાના દૃષ્ટાન્તથી, હાલ પૂરતું મને એમ સમજાયું છે કે ધર્મ અને ધર્મશાસ્ત્રનું જ્ઞાન આપે, શાસ્ત્ર સમજાવે, યમનિયમ અને વિધિવિધાનના પાઠ ભણાવે, તેને ધર્મગુરુ કહેવાય. પરન્તુ ધર્મના આત્માને જાણે, હાર્દને ઓળખે, મૂળ ભાવને સમજે, તદનુસારનું નિરપેક્ષ જીવન પોતે જીવે અને બીજાને એમ જીવવા કહે, તેને ધર્માત્મા કહેવાય.

= = =

"સાહિત્ય સાહિત્ય" : લેખ-ક્રમાંક : 224 : શનિવાર તારીખ ૨૨ / ૧૨ / ૨૦૧૮

https://www.facebook.com/suman.shah.94/posts/2260704593960441  

Loading

22 December 2018 admin
← આપણા દેશની ખેતીની દુર્દશા નિવારવા માટે કામ અને લેખન કરનાર આદ્ય કર્મશીલ જોતીરાવ ફુલે
વડા પ્રધાને મૂલ્યવાન સમય વેડફી નાખ્યો કે વેડફાઈ ગયો? →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved