
રવીન્દ્ર પારેખ
એક સમય હતો જ્યારે દીકરી જન્મવા તો દેવાતી હતી, પણ પછી દૂધપીતી કરાતી હતી. પછી તો વિકાસ એટલો થયો કે ભ્રૂણહત્યા દ્વારા જન્મ વગર જ દીકરીને મોત અપાતું થયું. પશુને પણ મૃત્યુ જન્મ પછી છે, પણ કેટલીક દીકરી એવી છે, જેને મૃત્યુ જન્મ પહેલાં છે. આજકાલ ગાયનેકોલોજિસ્ટ બાળક ઊંધું છે એટલે સિઝેરિયન કરવું પડશે એમ કહીને લાખેક રૂપિયા ખંખેરી લે છે. કોઈ પણ રીતે હવે ડોકટરો (ને બીજા પણ) કમાણીમાં લાગ્યા છે. સેવા લગભગ આઉટડેટેડ થઈ ગઈ છે. સ્ત્રીઓનું એટલું શોષણ થયું કે કાયદામાં ફેરફારો કરવા પડ્યા, જેથી શોષિત સ્ત્રીઓને ન્યાય મળી રહે. એ દરમિયાન સ્ત્રી શિક્ષિત થઈ, ઘરકામ ઉપરાંત નોકરી-વ્યવસાય કરતી થઈ, ખુમારીથી એકલી રહેતી થઈ ને હવે ઘણી યુવતીઓને એવું લાગે છે કે લગ્ન કરીને કોઈ પર નિર્ભર પણ શું કામ રહેવું? તેવી યુવતીઓ હવે પરણતી નથી અથવા તો મોડી પરણે છે. પરણે તો જન્મ આપવા કરતાં તેને બાળક દત્તક લેવાનું વધારે અનુકૂળ આવે છે. તે એ પણ જાણે છે કે કાયદાઓ તેની તરફેણમાં છે ને નથી જાણતી એવી સ્ત્રીઓમાંની ઘણી ઘરેલુ હિંસાનો ભોગ બને છે ને નથી વેઠાતું તો આત્મહત્યા પણ કરી લે છે.
આજના સમયમાં બે પરિબળો નવાં ઉમેરાયાં છે. લિવ ઇનમાં રહીને અનુકૂળ આવે ત્યાં સુધી પાર્ટનર સાથે રહેવું અને ન ફાવે તો રસ્તે પડી જવું. હવે હસબન્ડ કે વાઈફ, પાર્ટનર કહેવાય છે. લિવ ઇનમાં પણ જટિલતા વધતી આવે છે. આધુનિક લગ્નજીવનની આડ પેદાશ એ છે કે તેનો એક ફાંટો લગ્નેતર સંબંધોમાં ખૂલે છે. આમ થવું અશક્ય ન હતું. નોકરી-ધંધા નિમિત્તે આઠેક કલાક પતિ કે પત્નીએ ઘર બહાર રહેવાનું થયું ને એમાં સહકર્મી સાથે ક્યારેક શેરિંગ વધ્યું ને એ જ નજીક આવવાનું કારણ પણ બન્યું. પછી તો વાત એટલી આગળ વધી કે છૂટાછેડાનું પ્રમાણ વધ્યું. એ શક્ય ન બન્યું તો પ્રેમ મેળવવા પતિ કે પત્ની કે નવા પ્રેમી/પ્રેમિકાની હત્યા પણ કરી નાખવામાં આવી. આવી હત્યાઓ હવે રોજિંદી થઈ ગઈ છે.
બીજી તરફ ગૃહિણીઓ એટલી સજાગ થઈ છે કે સાસરામાં થોડો પણ ત્રાસ અનુભવાય તો સીધી પોલીસચોકીએ પહોંચે છે. દહેજને નામે કે ઘરેલુ હિંસાને નામે પત્ની ધારે ત્યારે ફરિયાદ કરી શકે છે ને પોલીસ એક વાર તો સાસરાને દોડતું કરી જ દે છે. ફરિયાદો સાચી હોય ત્યાં તો કૈં કહેવાનું નથી. ગૃહિણીને ન્યાય મળે એટલું જ અપેક્ષિત હોય, પણ, બધી વખતે ફરિયાદો સાચી ન હોય એ પણ શક્ય છે. એ સંજોગોમાં પતિ, સસરા, સાસુ, નણંદ એમ બધા જ સભ્યો ધંધે લાગ્યા વગર રહેતાં નથી. જેમ બધી જ વખતે પતિ સાચો ન હોય એમ જ પત્ની પણ ન હોય એમ બને ને એ કાયદાએ જોવાનું રહે. એવે વખતે કાયદો કોઈની તરફેણ કરતો થઈ જાય તો તે અન્યાયકર્તા નીવડે.
કાયદો ન્યાય માટે હોય, એ પક્ષપાત કરનારો તો કેવી રીતે હોય? ન્યાયતંત્ર અન્યાય કરે તો એ પીડા વધારનારો જ નીવડે ને સંબંધિતોનો ન્યાય પર ભરોસો જ ન રહે એમ બને. એવો એક ચામડી તતડાવી નાખતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંગલુરુનો એક આઇ.ટી. પ્રોફેશનલ અતુલ સુભાષ પત્ની અને સાસરિયાંથી એટલો ત્રાસ્યો કે તેણે આત્મહત્યા કરી લીધી. 24 પાનાંની આત્મહત્યાની નોટમાં તેણે લખ્યું છે કે ન્યાય ન મળે તો મારાં અસ્થિ કોર્ટની ગટરમાં ફેંકી દેજો. અતુલે આત્મહત્યા પત્ની, સાસરિયાં અને ન્યાયતંત્રના અધિકારીઓના ત્રાસથી કરી છે. એ સાથે જ અતુલે એક કલાક વીસ મિનિટનો વીડિયો તેની પત્ની નિકિતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં, ‘ભારતમાં પુરુષો વિરુદ્ધ કાયદેસરનો નરસંહાર થઈ રહ્યો છે’ એવા ટાઈટલથી પોસ્ટ કર્યો છે. નિકિતા પોતે સોફ્ટવેર એન્જિનિયર અને બી.ટેક ઇન કોમ્યુટર સાયન્સ, એમ.બી.એ. ફાઇનાન્સ અને એ.આઈ. એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ છે.
courtesy : Satish Acharya – ‘Misuse of Law!
અતુલના ભાઈ વિકાસે બેંગલુરુની મરાઠાહલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ને તેને આધારે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી તરીકે અતુલનાં પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ, સસરા, સાળાનાં નામ નોંધવામાં આવ્યાં છે. અતુલે સુસાઇડ નોટમાં ઉત્તર પ્રદેશના જૌનપુરની પ્રિન્સિપાલ ફેમિલી કોર્ટના જજનું નામ પણ લખ્યું છે, પણ એફ.આઇ.આર.માં નામ નથી. સુસાઇડ નોટમાં ‘જસ્ટિસ ઈઝ ડ્યુ’ એવું હેડિંગ છે. નોટમાં તેણે લખ્યું છે કે કોર્ટમાં તેની પાસે લાંચ માંગવામાં આવી હતી, પણ તે તેણે આપવી ન હતી. અતુલનો આક્ષેપ એવો પણ છે કે બાળકોને આગળ કરીને પત્નીએ ભરણપોષણને નામે પૈસા પડાવ્યા હતા. નિકિતાએ પતિ સામે નવ કેસ કર્યા હતા. હાઇકોર્ટમાં ઝડપી સુનાવણી માટે ને રોકડની માંગણી માટે અરજીઓ કરવામાં આવી હતી. નિકિતાએ પોતે પતિને આત્મહત્યા માટે બે વખત ઉશ્કેર્યો હતો. એમાં એક ઉશ્કેરણી તો જજની હાજરીમાં થઈ હતી. કોર્ટમાં કર્મચારીઓએ અને બેલિફે માંગેલી રકમ નામ સાથે નોટમાં છે. જૌનપુર કોર્ટના ચુકાદા સંદર્ભે એવી નોંધ પણ છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું પાલન કરવામાં આવ્યું નથી. ન્યાયાધીશે એક તરફી ન્યાય કર્યો છે. કેસની પતાવટ પહેલાં અતુલ પાસેથી પહેલાં એક કરોડ ને પછી ત્રણ કરોડ માંગવામાં આવ્યા હતા. કેસની સુનાવણી 120 વખત મોકૂફ રાખવામાં આવી ને કેસ માટે અતુલે બેંગલુરુથી જૌનપુર 40 વખત દોડવું પડ્યું. તેના વૃદ્ધ માબાપે બિહારથી અને ભાઈએ દિલ્હીથી કોર્ટ સુધી આવવું પડ્યું તે નફામાં.
તેને ત્રણ વર્ષ સુધી સંતાન સાથે વાત ન કરવા દેવાઈ ને ઉપરથી ખર્ચ પેટે દર મહિને બે લાખની માંગણી કરવામાં આવી. નાનામોટા પ્રસંગે સાડીઓ ઉપરાંત દર વખતે 10 લાખના ઘરેણાંની માંગણીઓ થઈ. મકાન બાંધવા 50 લાખ માંગવામાં આવ્યા. પૈસા આપવાની ના થતી તો ઝઘડાઓ વધતા. આ માણસ સાસરિયાંથી એટલો ત્રાસ્યો હતો કે તેના મૃતદેહની નજીક કોઈ ફરકે કે કોઈ સમાધાન થાય તેવું તે ઈચ્છતો ન હતો. સાસરિયાંનો ત્રાસ કેટલો હશે તે તેની સાસુના આ સવાલ પરથી આવે કે જમાઈને તે પૂછે છે કે હજી તમે આત્મહત્યા કરી નથી? અતુલના પિતા પવનકુમારે પણ ન્યૂઝ એજન્સી એ.એન.આઇ.ને જણાવ્યું છે કે અતુલના સાસરિયાં પર મુકાયેલા તમામ આરોપો સાચા છે. અતુલની પત્ની મળી નથી એટલે નોટિસ તેનાં ઘર પર ચોંટાડાઈ છે. તેનું શું કહેવું છે એ બહાર આવ્યું નથી, એટલે અત્યારે તો એક બાજુ જ સામે છે, પણ કાયદાનો લાભ લઈને સ્ત્રીઓ પુરુષોને ટૉર્ચર કરતી થઈ છે તે નકારી શકાય એમ નથી. એવા ઘણા કિસ્સાઓ જાણ્યા પછી એટલું ઉમેરવાનું થાય છે કે સ્ત્રીઓનાં શોષણની ટકાવારી આજે પણ ઊંચી જ છે. સાથે જ કાયદાનો દુરુપયોગ અટકવો જોઈએ એ પણ એટલું જ સાચું છે. ટૂંકમાં, સ્ત્રી કે પુરુષ વચ્ચે ભેદ કરનારા કાયદામાં સમાનતા જળવાઈ રહે એવા ફેરફારો અનિવાર્ય છે.
એકમ ન્યાય ફાઉન્ડેશને બહાર પાડેલા અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું છે કે મહિલાઓ દ્વારા થતા ત્રાસને કારણે પુરુષોની આત્મહત્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 2023માં 306 કેસોમાં પુરુષોની હત્યા તેમની પત્નીઓ દ્વારા કરવામાં આવી હતી. તેમાંની 213 હત્યા લગ્નેતર સંબંધોને કારણે અને 55 હત્યા પારિવારિક વિવાદોને કારણે થઈ હતી, તો બાકીની હત્યા અન્ય કારણોસર થઈ હતી. આ જ સંસ્થાની અન્ય તપાસમાં 45 પુરુષોએ આત્મહત્યા તેમની સામે થયેલા ખોટા કેસને કારણે કરી છે. એમ લાગે છે કે અતુલ જેવા લોકોનું અપમૃત્યુ લિંગ આધારિત કાયદાઓનું પરિણામ છે. એ પણ છે કે ઘરેલુ હિંસા હવે સ્ત્રીઓ પૂરતી સીમિત નથી. સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે કાયદાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે ને દહેજના નામે પતિ અને પરિવારને ફસાવવાની પ્રવૃત્તિ થતી રહેતી હોય તો કોઈ નિર્દોષ પરિવાર હેરાન ન થાય તે જોવાવું જોઈએ. એ સંજોગોમાં સરકારે નવા કાયદા કરવા જોઈએ અથવા કાયદામાં સુધારા કરવા જોઈએ. આમ તો કાયદાની છટકબારીઓનો લાભ લેવાનું સામાન્ય છે, પણ મહિલાઓ સંબંધિત કેસોમાં સમસ્યા ને સંખ્યા વધુ વકરી રહી હોવાનું લાગે છે.
આની સામે સુરત, અમદાવાદમાં ‘પત્ની અત્યાચાર વિરોધી સંઘ’ સક્રિય થયો છે ને સુરતમાં જ છેલ્લાં થોડાં વર્ષોમાં 3,720 પતિઓએ પત્નીના ત્રાસની વિરુદ્ધ લેખિત ફરિયાદો નોંધાવી છે. દર મહિને અંદાજે 20 ફરિયાદો આવે છે ને ગુજરાતમાં જ તેના 76,000 સભ્યો છે તે સૂચક છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 ડિસેમ્બર 2024