Opinion Magazine
Number of visits: 9670904
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાવ્ય-અકાવ્ય તો ઠીક મારા ભૈ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 December 2021

ટાંચણ અને ટિપ્પણ

જય વસાવડાએ એક રવૈયો મજાનો રાખ્યો છે કે વાંચવાલાયક પુસ્તકો અને જોવાલાયક ફિલ્મો વિશે વાચકોનું ધ્યાન વરસોવરસ દોરતા રહેવું. એમની હમણાંની યાદી(શતદલ, ‘ગુજરાત સમાચાર’, ડિસેમ્બર ૧, ર૦ર૧)માં એમણે પારુલ ખખ્ખરના કાવ્યસંગ્રહ ‘કરિયાવરમાં કાગળ’નોયે સમાવેશ કર્યો છે, તે નિમિત્તે કંઈક ઊહ અને અપોહના ખયાલથી થોડુંએક.

વાચનસૂચિમાં ‘કરિયાવરમાં કાગળ’નો સમાવેશ અલબત્ત સમુચિત જ છે. સામાન્યપણે બહોળો પ્રસાર ધરાવતા દૈનિકના વિશાળ વાચકગણને કવયિત્રીનાં નામ ને કામનો પરિચય નયે હોય. પણ પારુલના કિસ્સામાં એમનું નામ છેક અજાણ્યું ન ગણાય; કેમ કે ‘શબવાહિની ગંગા’એ એમને તાજેતરના મહિનાઓમાં ખરીખોટી પણ ખાસી ખ્યાતિ અપાવી છે. જયના ખયાલમાં આ વિગત હોઈ એમણે કવયિત્રીની કેટલીક હૃદ્ય પંક્તિઓ ટાંકવા સાથે ટિપ્પણી પણ જોડી છે કે “પારુલ ખખ્ખરને એકાદી પોલિટિકલ કવિતાને જ ત્રાજવે તોળવાની ભૂલ કરનારાને પોલિટિક્સમાં રસ હોય છે, પોએટ્રીમાં નહિ!”

જયની આ નુક્તેચીની બે રીતે ઘટાવી શકાય એમ મને લાગે છે : એક તો, પારુલ કવયિત્રી તરીકે ધ્યાનાર્હ છે તે છે જ. બીજું, આપણા સંદર્ભમાં મહત્ત્વની વાત એ છે કે કેવળ પોલિટિકલ ધોરણસર (ખરું જોતાં જો કે કારણસર) તે સ્વીકાર્ય અગર અસ્વીકાર્ય ન બનવી જોઈએ.

આ જે બીજી વાત, એના સંદર્ભમાં હું એકબે નિરીક્ષણ કરવા માગું છું. પ્રસ્તુત રચના (‘શબવાહિની ગંગા’)ને સરકારી સાહિત્ય અકાદમીના સત્તાવાર પ્રકાશન ‘શબ્દસૃષ્ટિ’માં અધ્યક્ષ-તંત્રી સ્તરેથી એમાં કવિતા બનતી નથી અને કેવળ ‘શબ્દોનું તિકડમ’ છે, કહીને ખતવવાની ચેષ્ટા થઈ. મુદ્દે, આ તર્ક બાબતે એટલું તો અવશ્ય કહી શકાય કે પ્રતિકારની કવિતા કહો, વિદ્રોહની કવિતા કહો, એનું ઇસ્થેટિક્સ સ્થાપિત પ્રવાહથી કંઈક જુદું પડતું હોઈ શકે. એને સમજવા સારુ સ્વાધ્યાય અને સંવેદનનું ફાઇન ટ્યુનિંગ આપણી કને બધો વખત હોય જ એવું ન પણ બને. ગમે તેમ પણ, પ્રતિકાર કે વિદ્રોહની કવિતા સાથે ચોક્કસ સંજોગોમાં અસુખ અનુભવાય ત્યારે એને અકાવ્યમાં મૂકવાની હદે મનોવૈજ્ઞાનિક તાણ વરતાતી હશે ? ન જાને.

જો કે ખરો મુદ્દો તો હજી આવે છે જેમાંથી તમને ને મને એટલું સમજાઈ રહે છે કે તંત્રી-અધ્યક્ષ સ્તરે આ પ્રશ્ન તત્ત્વતઃ કાવ્ય-અકાવ્યનો છે જ નહીં. એમના જ શબ્દોમાં “તેનો (અકાદમીનો) હેતુ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો છે … અકાદમી આવી રચના (‘શબવાહિની ગંગા’) અને આવાં (એટલે કે કેન્દ્રવિરોધી, કેન્દ્રની રાષ્ટ્રીય વિચારધારાના વિરોધી, જેમની નિષ્ઠા ભારત નહીં, અન્યત્ર છે, વામપંથી, કથિત ‘લિબરલ્સ’, ‘લિટરરી નક્સલો’ જેવાં) વલણો સાથે શતપ્રતિશત સંમત નહોતી, નથી અને નહીં હોય.”

વાચકમિત્રોને યાદ આપું કે, ‘શબ્દસૃષ્ટિ’ની આ સત્તાવાર (અને સત્તાવાહી) ભૂમિકા સામે ૧૮૦થી વધુ અક્ષરકર્મીઓએ સ્વયંભૂ નિવેદન રૂપે કહ્યું હતું કે “દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા જે મહત્ત્વની વાત કહેવાઈ કે ‘સરકારની ટીકા કરવી એ રાષ્ટ્રદ્રોહ નથી’, તેને અહીં યાદ કરી ગુજરાતી ભાષા અને ગુજરાતને લાંછનરૂપ આ લખાણ પાછું ખેંચાય તેવી અપીલ અમે ‘શબ્દસૃષ્ટિ’ના તંત્રી, અકાદમી-અધ્યક્ષ અને ગુજરાત સરકારને કરીએ છીએ.”

દર્શકની આદર્શલક્ષી વહેવારુ પહેલથી શક્ય બનેલી સ્વાયત્ત અકાદમી તો સત્તા-પ્રતિષ્ઠાનની વિચારધારાકીય તાંબુલવાહિની ન જ બને. પણ તે પૂર્વે હતી એ કાઁગ્રેસ સરકાર રચિત અકાદમીએ પણ જે ભાષામાં વાત નહોતી કરી તે ભાષામાં અકાદમી અધ્યક્ષે ર૦ર૧માં વાત કરી છે અને અસંદિગ્ધ શબ્દોમાં કહ્યું કે કાવ્ય-અકાવ્યનો નિર્ણય સરકારી વિચારધારાને સ્વાધીન છે.

આ તબક્કે રૂસી લેખક શોલોખોવ સાંભરે છે. સર્જકપ્રતિભાના આ ધની વિચારધારાવાદના એવા તો બંધાણી અને ઘોર સત્તા-પ્રતિષ્ઠાન તરફી હતા કે એમણે સત્તાવાર સોવિયેત દૃષ્ટિબિંદુથી ઉફરાટે વિચારતા લેખકો સંદર્ભે લગારે દિલચોરી વગર કહેલું કે લશ્કર જ્યારે તાલબદ્ધ કૂચ કરી રહ્યું હોય, ત્યારે શિસ્તભંગ કરનાર સૈનિકને ગોળીએ દેવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. શોલોખોવની લશ્કરી શબ્દાવલીથી પરહેજ કરીને પણ આપણે એટલું તો કહી જ શકીએ કે પારુલ ખખ્ખરની રચના પરત્વે વ્યક્ત થઈ રહેલી સત્તાવાર માનસિકતા સ્વતંત્ર અભિવ્યક્તિને વરેલા લેખકને કંઈ નહીં તો પણ unperson તો કરે જ છે.

પણ આપણે તંત્રી-અધ્યક્ષને કહીકહીને શું કહીએ ? અક્ષરકર્મીઓના નિવેદનને આટલા મહિના વીત્યા પછી ને છતાં એમને કોઈ પુનર્વિચારવિવેક જરૂરી લાગ્યાનું આપણી જાણમાં નથી. ઊલટું, આ નોંધ લખી રહ્યો છું, ત્યારે એમની પ ડિસેમ્બરની ફેસબુકનોંધ જોઉં છું કે, “ગુજરાત સાહિત્ય અકાદમીના વાચકોની મોટી સંખ્યા યુવાવયના, રાષ્ટ્રીયતા સાથે પ્રતિબદ્ધ … હોય તે ગુજરાતી સાહિત્યની ધ્યાન દોરે તેવી ઘટના છે … સાહિત્યને વિવાદ કે વિતંડાવાદથી અલગ રાખવામાં આવે, ત્યારે આવાં શુભ પરિણામ જોવા મળે છે.”

નોંધ્યું તમે? સહૃદયતાની કેળવણીનો આશય ગૌણક્રમે હોય તો હોય. રાષ્ટ્રીયતા સાથે પ્રતિબદ્ધતા હોય ત્યારે ‘શુભ પરિણામ’ જોવા મળે છે અને સ્વાયત્તતાનો આગ્રહ હોય કે પછી ‘એનિમલ ફાર્મ’ અને ‘૧૯૮૪’ની પૃષ્ઠભૂ સરખા વિચારધારાકીય બુલડોઝરનો વિરોધ હોય, અકાદમી-અધ્યક્ષના અધીન મત મુજબ તે વિતંડાવાદ છે. આ સંજોગોમાં કોઈ પણ સ્વમાની અક્ષરકર્મીએ ‘શબ્દસૃષ્ટિ’ સાથે શા સારુ જોડાવું, કોઈ તો કહો.

દરમિયાન, આભાર પારુલ અને જયનો (અલબત્ત, અકાદમી-અધ્યક્ષનો પણ) કે એક પાયાના મુદ્દા સારુ એમણે ઊહ ને અપોહનો અવસર આપ્યો.

ડિસેમ્બર ૬, ર૦ર૧

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2021; પૃ. 16

Loading

15 December 2021 admin
← બંધારણના ઘડતરમાં ડૉ. આંબેડકરનું અનન્ય પ્રદાન
ધનંજય કીર 1966 સુધી ચૂપ રહ્યા ! →

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved