1975ની કટોકટીના અંધકાર વચ્ચે ગુજરાત ‘સ્વાધીનતાનો ટાપુ‘ બનીને ઝળક્યું હતું. જસ્ટિસ ચાગલાએ નાગરિક સ્વાતંત્ર્ય પરિષદમાં ગૂંજતા શબ્દોમાં લોકશાહીના અજવાળાની આશા જગાવી

પ્રકાશ ન. શાહ
કેવા એ દિવસો હતા ને કેવી એ રાતો હતી … ગુજરાત ત્યારે સ્વાધીનતાનો ટાપુ કહેવાતું! 26 જૂન, 1975થી 12 માર્ચ, 1976ના અલ્પાયુ પણ અપ્રતિમ એ દિવસો, જે.પી. આંદોલનની આબોહવામાં ગુજરાતમાં જન્મેલા જનતા મોરચાના શાસનના હતા, જેણે ઇંદિરાઈ થકી બંધ દુનિયા વચાળે ખુલ્લાપણાનું ખમીર દાખવ્યું હતું.
આ ટાપુયોગ, ઓક્ટોબર 2025માં કેમ તીવ્રપણે સાંભરી આવ્યો? ભાઈ, 12મી ઓક્ટોબર ઢૂંકડી છે અને જેમ કાનમાં તેમ નજરો સામે ગૂંજતા ને તરતા ઉદ્દગારો છે : અંધારાં જાશે ને અજવાળાં આવશે. પચાસ વરસ પર મળેલી નાગરિક સ્વાતંત્ર્ય પરિષદમાં બોલતાં જસ્ટિસ એમ.સી. ચાગલાએ ઉચ્ચારેલા આ શબ્દો છે. પરિષદ દરમ્યાન, દરુ-તારકુંડે કહેતા હતા, ચાગલાએ વાત વાતમાં અમને એકથી વધારે વખત કહ્યું, હું ભારતમાં છું કે ક્યાં.
1975ના જૂનની 25/26મીએ કટોકટીના અમલ પછી આંતરરાષ્ટ્રીય પરિમાણ ધરાવતી રાષ્ટ્રીય સ્તરની આ એક મોટી ઘટના હતી. જયપ્રકાશ અને મોરારજી દેસાઈ સહિતનું રાષ્ટ્રીય નેતૃત્વ અને હજારો કાર્યકરો મિસાબંદી હતા. સર્વોચ્ચ અદાલત હેબિયસ કોર્પસ બાબતે નામકર ગઈ હતી. એટર્ની જનરલે અદાલતમાં દો ટૂક શબ્દોમાં કહ્યું હતું કે પોલીસની ગોળી કોઈનું નિશાન લે તો સરકાર જવાબદેહ નથી. મૂળભૂત અધિકારો મૂર્છિત હતા.
આ માહોલમાં સિટીઝન્સ ફોર ડેમોક્રસી (જનતંત્ર સમાજ)ની પહેલથી અમદાવાદમાં નાગરિક સ્વાતંત્ર્ય પરિષદનું મળવું મોટી વાત હતી. દિલ્હીમાં વિઠ્ઠલ મહાદેવ તારકુંડે અને અમદાવાદમાં ચંદ્રકાન્ત દરુ, આ બેની ધરી જનતા મોરચા દીધ સુવાણમાં એની પૂંઠે હતી … બાય ધ વે, એક એકરાર કરું? 1974માં જયપ્રકાશે તારકુંડેના સહયોગમાં જનતંત્ર સમાજ સ્થાપવાની પહેલ કરી ત્યારે મારો કાચો પ્રતિભાવ (સંઘર્ષના નવોત્સાહમાં) ‘વળી એક લૉયર્સ ક્લબ’નો હતો. પણ દરુ સ્થાપના અધિવેશનમાં ભાગ લઈ અમદાવાદ આવ્યા અને એમ ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના ઉપક્રમે એમનો જાહેર વાર્તાલાપ યોજ્યો ત્યારે આ પ્રકારના ઉપક્રમની ઉપયોગિતા કંઈક સમજાઈ હતી. પણ મિસા મહોત્સવ શરૂ થયો ત્યારે કોરટકચેરી થકી ને અન્યથા પડ જાગતું રાખવામાં આ મંડળીએ જે વિત્ત દાખવ્યું તે અજ્ઞેયે ‘બૌદ્ધિક બુલાયે ગયે’માં જે જીલબ્બે મંડળી ચીતરી છે એના કરતાં જમાતજુદેરી સૂરતમૂરતનું હતું.

મોહમેદઅલી કરીમ ચાગલા
એ દિવસોનો એક જોગાનુજોગ તો મને વારે વાર સાંભરે છે. જનતા મોરચા અને લોકસંઘર્ષ સમિતિની સંકલન સમિતિ કવચિત મુખ્ય મંત્રી બાબુભાઈના નિવાસસ્થાને મળે એવું પણ બનતું. એમને ત્યાં પ્રવેશતાં સામી ભીંતે જ અશ્વમેધના ઘોડાને આંતરતા લવ-કુશનું ચિત્ર નજરે પડતું. એમાં અમને ગુજરાત ને તામિલનાડુ એ બે ઇંદિરામુક્ત રાજ્યોનાં દર્શન થતાં.
અને દરુની ટીમ! હરિભાઈ શાહ ને પ્રસન્નદાસ પટવારી તો હોય જ. પણ રાજ્યશાસ્ત્રના અધ્યાપકો કીર્તિદેવ દેસાઈ, પ્રવીણ શેઠ, દિનેશ શુક્લ, જે.કે. પટેલ. એમાં પણ જે.કે. તો દરુની નાતના … રેડિકલ હ્યુમેનિસ્ટ. (હમણાં 2002માં એ આબાત ચમક્યા’તા – ગુજરાતના મુખ્ય મંત્રીને પોતાના વિદ્યાર્થી તરીકે ડિઝઓન કરીને!)
સંઘર્ષ સમિતિના વ્યાપક વર્તુળમાં જે.પી.ના સન બયાલીસના સાથી બી.કે. મઝુમદાર અને બેલાશક ગુજરાતમાં જે.પી.ની રૂખ સૌથી પહેલાં પકડનાર પૈકી ભોગીલાલ ગાંધી વિનાનું વરિષ્ઠ મંડળ કલ્પી શકાતું નથી. આરંભે જસ્ટિસ ચાગલાના જે ધન્ય ઉદ્દગારો સંભાર્યા તે વસ્તુત: દિનેશ શુક્લના ગુજરાતી અનુવાદને આભારી છે. ‘ભૂમિપુત્ર’માં એ છપાયું ને પ્રેસ સીલ થયું. ચાગલાએ આત્મકથાની ‘રોઝિઝ ઈન ડિસેમ્બર’માં નારાયણ દેસાઈના સ્મરણપૂર્વક એ ખાસ સંભાર્યું પણ છે.
અમદાવાદની નાગરિક સ્વાતંત્ર્ય પરિષદ સંભારું છું તો મીનુ મસાણી ને એસ.એમ. જોષી જેવા જૂના જોગીઓને તેમ પછીથી શાહ તપાસ પંચ થકી નમૂનેદાર કાર્યહેવાલ આપનાર જસ્ટિસ જે.સી. શાહ અને તરુણ કાનૂની પ્રતિભા સોલી સોરાબજ, યંગ ટર્ક કૃષ્ણકાન્ત, સાંસદો મોહન ધારિયા ને પુ.ગ. માવળંકર, આરઝી હકૂમત વેળાનાં જલતાં જિગર પૈકી ન્યાયમૂર્તિ નરેન્દ્ર નથવાણી ને કંઈકેટલા.
મને લાગે છે, ચાગલાના યાદગાર ભાષણની લગરીક પણ ઝલકઝાંખી વગર આ અક્ષરકૂચ અધૂરી લેખાશે. એમણે આરંભે જ 1921માં ગાંધીજીએ જે ‘યંગ ઈન્ડિયા’માં લખ્યું હતું તે સંભાર્યું હતું કે સ્વરાજમાં લોકો ઘેટાં જેવાં નહીં હોય.
પોતાના વિચારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું પ્રાણાન્તે પણ રક્ષણ કરશે. પણ આજકાલ ‘ક્યારેક હું વિમાસણમાં પડી જાઉં છું કે હું તે જાગતો છું કે કોઈ ભયંકર દુ:સ્વપ્ન જોઈ રહ્યો છું.’ આગળ ચાલતાં એમણે ઉમેર્યું હતું કે ‘આજે જે હજારો લોકો જેલમાં પડ્યા છે તેમને પોતાનો વાંકગુનો શો છે તે પણ ખબર નથી. અને જ્યાં આરોપ જ ન હોય ત્યાં બચાવ પણ શી રીતે કરે? … મને લાગે છે પાપની જડ આ કટોકટી છે.’
વળી, એમણે ‘વડા પ્રધાન એ કોઈ એવાં દેવી નથી કે જેમને મંદિરમાંથી ન ખસેડી શકાય,’ એવી સ્પષ્ટોક્તિ સાથે ઉમેર્યું હતું કે આ માગણીનો જવાબ હાલ ઇંદિરાજી અનિવાર્ય છે એવો અપાય છે, પણ ‘લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિને અનિવાર્ય કહેવું એ લોકશાહીના આત્મા વિરુદ્ધ આચરાયેલું પાપ છે.’
ખરું જોતાં આખું ભાષણ જ આપવું જોઈએ, પણ એનું કદ આ તનુકાય કોલમ ક્યાંથી ઝીલી શકે. સર્વોદય કાર્યકર રજની દવેનું પુસ્તક, ‘સરમુખત્યારી સામે લોકસંઘર્ષની કથા’ વર્ણવતું હાલ પ્રેસમાં છે. ગુજરાતીમાં સુલભ પુસ્તકોને મુકાબલે વધુ સર્વગ્રાહી હોઈ શકતા આ પુસ્તકમાં ચાગલાનો વિસ્તૃત પાઠ પણ સુલભ થશે. હમણાં તો, ચાગલાના અંતિમ વચનો સાથે આ નોંધ સમેટું : ‘રાતનું અંધારું સૌથી વધુ ઘેરું હોય ત્યારે જાણવું કે ઉષ: કાળ દૂર નથી.’
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 08 ઑક્ટોબર 2025