અમેરિકન વ્યંગકાર માર્ક ટ્વેઇનના નામે એક કથિત વિધાન છે (કથિત એટલા માટે કે એવા જ મતલબનું વિધાન એન્ગલો-આઈરિશ લેખક જોનાથન સ્વિફ્ટ નામે અંકિત છે) : "સત્ય હજુ ચપ્પલ પહેરે તે પહેલાં જૂઠ અડધી દુનિયામાં પહોંચી જાય છે." કોરોનાની મહામારીમાં આ વિધાન સાચું પડ્યું છે. અમેરિકામાં એક સર્વેમાં બહાર આવ્યું છે કે આ મહામારી કોઈ કારસ્તાનના ભાગરૂપે ફેલાઈ છે તેવી માન્યતાના કારણે લોકો વાઈરસ ફેલાતો રોકાય તેવા (માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, લોક ડાઉન, હાથની સફાઈ વગેરે જેવા) ઉપાયોમાં સહકાર આપવા તૈયાર નથી થતા.
યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના અન્નેનબર્ગ પબ્લિક પોલિસી સેન્ટરે કરેલા આ સર્વેમાં અમેરિકન લોકોમાં કોરનાને લઈને કારસ્તાનની ત્રણ મુખ્ય શંકાઓ હતી : એક, ચીનની સરકારે તેની જૈવિક શસ્ત્રોની નીતિ હેઠળ લેબોરેટરીમાં કોરોના વાઈરસને પેદા કરીને છોડ્યો હતો. બે, યુ.એસ. સરકારના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી જીતીને ન આવે તે માટે કોરોનાનો વધારે પડતો હાઉ ઊભો કર્યો હતો, અને ત્રણ, ફાર્માસ્યુટિકલ કંપનીઓએ તેમની દવાઓ અને પાછળથી રસીઓ વેચવા માટે આ મહામારી ઊભી કરી છે.
દુનિયાના લગભગ દરેક દેશમાં, કોરોનાને લઈને લોકોમાં જાતભાતની માન્યતાઓ પ્રચલિત છે. દિલ્હીમાં તબલીગી જમાતના સંમેલનનો ફિયાસ્કો થયો, તે પછી આખા દેશમાં એવી માન્યતા ઘર કરી ગઈ હતી કે એ સંમેલનનો હેતુ જ કોરોના ફેલાવવાનો હતો. મીડિયાએ તેના માટે ‘સુપરસ્પ્રેડર’ શબ્દ ઘડી કાઢ્યો હતો. હવે એ શબ્દ ગાયબ થઇ ગયો છે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈને ભારતીય ન્યૂઝ ટેલિવિઝન પર બે મહિના સુધી રોજ એક નવી ‘થિયરી’ આવતી હતી.
અમેરિકાના ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ સમાચારપત્ર અનુસાર, કોરોનાના ઉદ્ભવને લઈને ટેલિવિઝન અને સોશ્યલ મીડિયા પર ૧૨ લાખ વખત માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સનું નામ સંડોવામાં આવ્યું હતું. કેમ? બિલ ગેટ્સે ૨૦૧૫માં વાનકોવરમાં યોજાયેલી ટેડ કોન્ફરન્સમાં સીધી જ ચેતવણી ઉચ્ચારી હતી કે, “આગામી થોડા દાયકાઓમાં કોઈ યુદ્ધ નહીં, પણ અત્યંત ચેપી વાઈરસના કારણે એક કરોડથી વધુ લોકો મરી જશે.” ગેટ્સનું ફાઉન્ડેશન એઈડ્સ અને બીજી મહામારી માટે થઈને આખા વિશ્વમાં કામ કરે છે. ગેટ્સ ફાઉન્ડેશન રોગોના અભ્યાસ પણ કરે છે, પરંતુ ‘વાંકદેખ્યા’ લોકોએ એવો કુતર્ક કર્યો કે ગેટ્સે ભવિષ્યવાણી કરી હતી કારણ કે તેમને કોરોનાના કારસ્તાનની આગોતરી જાણ હતી અને તેમનું ફાઉન્ડેશન કોરોનાની રસી વેચવા અને માઈક્રોચીપ બેસાડવા સક્રિય છે.
બિલ ગેટ્સ સાથેના જ એક પોડકાસ્ટમાં, ઇઝાયેલી ઇતિહાસકાર યુવલ નોઆ હરારીએ કહ્યું હતું કે આપણી સામે કોરોના વાઈરસ કરતાં ય સૌથી વધુ મોટો ખતરો કારસ્તાનની આવી થિયરીઓનો છે. તેમણે કહ્યું હતું કે જૂઠ અને કલ્પનામાં ફર્ક એ છે કે જૂઠમાં તમને ખબર હોય કે તે સત્ય નથી, છતાં તમે બીજા લોકોને છેતરવા માટે તેને ફેલાવો, જયારે કલ્પનામાં તમને વિશ્વાસ હોય અને બીજા લોકો તેને માને એટલા માટે તેને ફેલાવો. દાખલા તરીકે, ધર્મમાં કે ઈશ્વરના અસ્તિત્વમાં માનવું એ જૂઠ નથી, કારણ કે તેમાં ઈરાદો બીજા લોકોને છેતરવાનો નથી, પરંતુ જર્મનીમાં નાઝી શાસકોની વંશીય થિયરી (કે એક જાતિનું લોહી શ્રેષ્ઠ છે અને બીજી જાતિનું કનિષ્ઠ છે) શુદ્ધ રૂપે જૂઠ અથવા કારસ્તાન હતું.
સવાલ એ છે કે આપણી પાસે પૂરતા પ્રમાણમાં વૈજ્ઞાનિક જાણકારી છે, આપણે પ્રમાણમાં ઘણા શિક્ષિત છીએ, આપણી પાસે ટેકનોલોજીઓ છે, છતાં આપણે એવું કેમ માનવા પ્રેરાઈએ છીએ કે ચીની લોકોએ વિશ્વગુરુ બનવા માટે વાઈરસને છોડીને દુનિયાને નમાવી દીધી છે અથવા દવા કંપનીઓએ ભેગા થઈને રોગનું કારસ્તાન કર્યું છે?
તેનું એક કારણ છે કે મોટા ભાગના લોકોને સાદી રીતે સમજમાં આવે તેવી વાતો વધુ સાચી લાગે છે. આપણા દિમાગની આ એક વિશેષતા છે. આપણે દિમાગને દુનિયાનું સૌથી કાર્યક્ષમ અને સૌથી વિકસિત ‘યંત્ર’ ગણીએ છીએ, જે સાચું પણ છે, પરંતુ જ્યારે પરસ્પર વિરોધાભાસી માહિતીઓ આવતી હોય અથવા ગૂંચવાડાભરી પરિસ્થિતિ હોય, ત્યારે દિમાગ સૌથી સુસંગત જાણકારીને સાચી માની લે છે. આપણને અનિશ્ચિતતા ગમતી નથી. જગત જટિલ છે તે સાચું, પરંતુ આપણા માટે રોજેરોજ જગત સાથે પનારો પાડવાની અનિવાર્યતા હોય છે, એટલે એ જરૂરી બની જાય છે કે ગમે તેવી જટિલતા હોય, પણ આપણે તેને ‘આપણી રીતે’ બોધગમ્ય બનાવીને નિત્ય જિંદગી જીવતા રહીએ.
દાખલા તરીકે, કોરોના વાઈરસને લઈને એટલી બધી વિરોધાભાસી જાણકારીઓ છે (વૈજ્ઞાનિકો પણ એકરાર કરે છે કે તેમની પાસે હજુ વાઈરસના વર્તનને લઈને સંપૂર્ણ માહિતી નથી) કે મોટા ભાગના લોકો નિષ્ણાતોની જેમાં કપાળ પર આંગળી મુકીને વાઈરસનું વિજ્ઞાન શું છે, કોરોના કેવી રીતે વિકસ્યો હશે, તેની પહેલી જાણ કોને થઇ હશે, ચીનના વડાનો પહેલો પ્રતિભાવ શું હતો, ચીને બીજા દેશોને શું જાણ કરી હતી, વગેરે સવાલોનું વિશ્લેષણ કરવા બેસી રહેતા નથી.
તેના કરતાં ‘આ ચાઇનીઝ લોકો દુષ્ટ છે અને તેમને મહાસત્તા બનવું છે એટલે વાઈરસનું કારસ્તાન ઘડ્યું છે’ એવી વાત આસાનીથી સમજમાં આવે તેવી હોય છે. બીજું એક કારણ એ છે કે લોકો તેમની સમજને અનુકૂળ આવે તેવી વાત વધુ સ્વીકારે છે. દાખલા તરીકે, ચીન પ્રત્યે અમેરિકામાં વધુ નફરત છે એટલે ‘ચીનનું કારસ્તાન છે’-વાળી વાત અમેરિકનો વધુ માને. પાકિસ્તાનમાં ચીન માટે પ્રમાણ દુશ્મનાવટની ભાવના ઓછી છે એટલે ત્યાં આ થિયરીને હસી કાઢવામાં આવે.
વાસ્તવિકતા જ્યારે અસ્પષ્ટ અને અણધારી હોય ત્યારે આપણે સહજ રીતે એવું માનવા પ્રેરાઈએ છીએ કે તે ઘટના પાછળ કોઈ યોજના હશે. આપણે તેમાં અકસ્માતની કલ્પના કરી શકતા નથી. દાખલા તરીકે જેના કારણે પોણા બે કરોડ લોકો માર્યા ગયા હોય અને જે છેલ્લા એક વર્ષથી દુનિયાના તમામ દેશોને ધમરોળી રહ્યો હોય તેવો વાઈરસ એક સાધારણ અકસ્માત કેવી રીતે હોઈ શકે?
આપણે સ્કૂલમાં હતા ત્યારે આપણને ન ગમતા છોકરાઓ કે છોકરીઓ આપણી સામે કોઈ કાવતરું ઘડી રહ્યા છે એવા વિચારને પંપાળવાનું આપણને ગમતું હતું. ઘર કે ઓફિસ બહાર પાર્ક કરેલી આપણી કારના બોનેટ પર કોઈએ તીક્ષ્ણ વસ્તુથી કોઈ અક્ષર પાડ્યો હોય, તો તે મસ્તી-મજાકનું પરિણામ છે તેવું માનવાને બદલે આપણે તેમાં ‘છૂપો’ સંદેશો શોધવા પ્રયાસ કરીએ છીએ : મને હેરાન કરવા માટે હશે? મને ધમકી હશે?
કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ છુપી રીતે અમુક કામોને અંદાજ આપી રહ્યો છે તે વિચાર એટલો તાકતવર છે કે વૈજ્ઞાનિકોથી લઈને ઓફિસનું મેનેજમેન્ટ કે એક સરકાર આવી રીતે ષડ્યંત્રકારી તરીકે કોઈને પણ નજર આવી શકે.
કારસ્તાનની થિયરીની સૌથી મોટી સમસ્યા એ છે કે તેને (સાચી નહીં) ખોટી સાબિત ન કરી શકાય! જો કોઈ એમ કહે કે બિલ ગેટ્સ જેવો માણસ એમાં સામેલ ન હોય, તો તેની સામે દલીલ એવી આવે કે એ તો તમને ગેટ્સ ફાઉન્ડેશને પૈસા આપીને ખરીદી લીધા છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો વિશાળ ચાહક વર્ગ એવું માને છે કે પર્યાવરણનું સંકટ એ અમેરિકા વિરોધી દેશો, ઉધોગપતિઓ અને વૈજ્ઞાનિકોએ ઊભું કરેલું તુત છે. એટલા માટે ટ્રમ્પની સરકાર ગ્લોબલ વોર્મિંગ ઓછું કરવા માટેની આંતરરાષ્ટ્રીય પેરિસ સંધીમાંથી નીકળી ગઈ હતી. જો બાઈડેનની સરકાર હવે તેમાં પાછી જોડાવાની છે.
આ જ ડોનાલ્ડ ટ્રમ્પે કોરના વાઈરસને ‘ચાઇનીઝ વાઈરસ’ કહીને તેને ચાઇનીઝ કારસ્તાનનો રંગ ચડાવ્યો હતો. પ્રોફેસર યુવલ નોઆ હરારી કહે છે કે, “કોરોના વાઈરસના ઉદ્દભવને લઈને કોઈ વ્યક્તિ તમને કોઈ થિયરી ગળે ઉતારવા મથતી હોય, તો તમારે એને કહેવું કે તમે મને વાઈરસ શું છે અને એ કેવી રીતે ફેલાય છે તે સમજાવી શકો? જો તમને એક સાદી બાયોલોજીમાં સમજણ ન પડતી હોય, તો તેમની થિયરી શું કામની !”
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 03 જાન્યુઆરી 2021