
હિતેશ રાઠોડ
વર્ષો પછી આજે વતનના ગામ ખારચિયા જવાનું થયું. સૌરાષ્ટ્રના બરડા ડુંગરની નજીક વસેલ અમારા આ ગામની વસતી આમ તો માંડ ત્રણેક હજાર જેટલી હશે, પણ ગામને અડીને વહેતી નદી અને ગામના પાદરમાંથી પસાર થતી મુખ્ય સડકની બરાબર મધ્યે વર્ષોથી અડીખમ ઉભેલ લીમડાનું ઘટાટોપ વૃક્ષ ગામની શોભામાં વધારો કરે છે. બહારથી આવતા વટેમાર્ગુને પહેલી નજરે જ ગમી જાય એવું રૂડું આ ગામ. એક સમયે સમૃદ્ધ ખેતીને લીધે ગ્રામજનોને રોજગારીની શોધમાં બીજે ક્યાં ય ભટકવું પડતું નહોતું.
એસ.ટી. બસમાંથી ઉતરતા જ વર્ષોથી વિખૂટા પડેલ કેટલાક ચિરપરિચિત ચહેરા ગામને પાદર નજરે ચઢ્યા. પાદરના ઓટલે બેઠેલા વડીલોમાંથી એક પરિચિત સ્વજન બોલ્યા,
“ભાઈ હીરજી, બહુ ઝાઝા વરહે ગામમાં ભૂલો પૈડો લાગે સે!”
“હા, બાપા, હવે વાસના જૂના મકાનનું પણ કંઈક કરવું પડશે ને, એટલે થ્યું કે લાવ ગામે એક આંટો મારી આવું.”
આટલું બોલી હું વાસ તરફ જવા આગળ વધ્યો. મનમાં વિચારોના વમળો ઉઠ્યા. ઉંમરને આંબી ગયેલ અને જીવનની કંઈ કેટલી ય તડકી-છાંયડી જોઈ ચૂકેલા એ વૃદ્ધોની વાત જરા ય ખોટી નહોતી. શહેરોની ઝાકમઝોળથી અંજાઈ ગયા પછી આપણા ખુદના ગામની નૈસર્ગિકતા અને સાદગીમાં રહેલા એ અનુપમ સૌંદર્યને આપણે વિસરતા જઈએ છીએ. ગામને છોડ્યા પછી વરસોનાં થર જામી જાય છે અને એ જુદારો એટલે સુધી હોય છે કે એ સાદગીભર્યા સૌંદર્યને માણવાની દૃષ્ટિ પણ પછી આપણે ખોઈ બેસતા હોઈએ છીએ.
પાદરે બેઠેલા સૌ વડીલોને રામ રામ કરી અમારા જૂના વાસમાં પ્રવેશ કરાવતી નાનકડી ગલીમાંથી હું પસાર થયો. ઘડીભર માટે એમ લાગ્યું કે મારા બાળપણની સાક્ષી એવી એ ગલી અને એના પરની ધૂળ જાણે મને કોઈક અગમ્ય નજરે તાકી રહી છે. વાસમાં મોટાભાગના કાચા અને અર્ધપાકા જેવા મકાનોએ હવે જાણે કે સમયને અનુરૂપ નવા વાઘા પહેરી લીધા છે. થોડાક મકાનો હજી પણ એવા જ છે જેવા મેં ગામ છોડ્યું ત્યારે હતા.
વાસની બંને તરફ આડાઅવળી કતારમાં ગોઠવાયેલા ઘરોની બરાબર મધ્યે અમારું ઘર આવેલ છે. વાસમાં જૂના પરિચિતો અને સગાઓને રામ-રામ કરતા કરતા હું મારા પૈતૃક ઘરની સન્મુખ આવી પહોંચ્યો. ગાર-માટીથી બનેલી દીવાલોમાં ઘરનો મુખ્ય દરવાજો જડાયેલો છે અને હવે જાણે કે આટલાં બધાં વર્ષોનો ભાર તે ખમી શકે એમ નથી એટલે એ દીવાલ જરાક આગળની તરફ નમી ગઈ છે. જૂના વખતના મજબૂત લાકડામાંથી બનેલ કમાડ હજી પણ ઘરની સુરક્ષા કરતા અડીખમ ઉભા છે. ક્યાંક કયાંક એમાં પડેલા છીંડા એના જીર્ણ થવાની સાક્ષી પૂરે છે. કમાડ પર ધૂળના થર જામી ગયા છે. કમાડની ઉપર લગાવેલ સાંકળ પરનું તાળું હવે કટાઈ ગયું છે. ઘડીભર માટે એ મારા એ પૈતૃક ઘરને નજરમાં સમાવી લેવાય એટલું સમાવવા પ્રયત્ન કરવા લાગ્યો, પણ આંખોનો દૃષ્ટિ વિસ્તાર જાણે કે એ માટે ઓછો પડ્યો.
આ કોઈ સામાન્ય ઘર નહોતું. એક સમયે અહીં મારા દાદા-પરદાદાનો વિસ્તાર ફાલ્યો-ફૂલ્યો હશે, એમના સંતાનો અને એમના સંતાનોના બાળકોની કિલકારીઓના પડઘા હજી પણ દૂર દૂર ક્યાંક સંભળાઈ રહ્યા હોય એવો આભાસ થતો હોય એમ લાગ્યું. માએ આપેલ દોરીથી બાંધેલ કૂંચી ખિસ્સામાંથી કાઢી સાચેણું ખોલ્યું (પહેલાના સમયમાં લોકો તાળાને સાચેણું કહેતા હતા, કેટલો સરસ શબ્દ છે, સાચેણું, આપણે ઘરમાં ન હોઈએ ત્યારે ઘરને સાચવે એ સાચેણું!). તાળું ખોલતા જ બારણાના કિચડુક અવાજથી એકાદ-બે પારેવા ફફડીને બહાર જતા રહ્યા. મોભ પર સહેજ અટકી રહેલ એક આડી વળી નીચે પડી. મોભ પર કરોળિયાના જાળાં ઉપર જાળાં બાઝી ગયા હતા. દીવાલો પર ઠેર-ઠેર માટીના પોપડા ઉખડીને પડું પડું થઈ રહ્યા છે. ઘરમાં જેમ જેમ અંદર પ્રવેશતો ગયો એમ એમ કરોળિયાના જાળાં મને વીંટળાતા ગયા. ઘરની દીવાલો, કાંધીઓ, કાંધી પર રાખેલા અમુક તાંબા-પીત્તળ અને કાંસાના ઠામડાં ધૂળના થર લાગ્યા છતાં કાંધીએ રાહ જોતા એમ જ પડી રહ્યા છે. ઘરની અંદરના મેડામાં જૂનો-પુરાણો સામાન એમને એમ ધૂળ ખાતો પડ્યો છે. રસોડામાં દાખલ થતાં જ માટીના બે ચૂલા અને એની પાસે થોડા લાકડા હજી પણ બળવાની રાહ જોતા હોય એમ પડ્યા છે. ચૂલાની બાજુ પરની કાળી પડી ગયેલ દીવાલ પર આંગળીઓ ફેરવી. આંગળા સહેજ કાળા થયા પણ દિલને એ સારું લાગ્યું. એક સમયે ઘરનાઓ અને મહેમાનોને અહીંથી સ્વાદિષ્ટ દેશી ખાણું પીરસાતું હતું. રસોઈની એ સોડમ દીવાલો હજી પણ સંઘરીને બેઠી છે. એ દીવાલને અડીને ઉભા રહેતા ક્યારેક કપડાં કાળા થતાં તો મા ધમકાવી નાખતી! રસોડાની પાછળનું બારણું સાવ લટકી રહ્યું હોય એમ લાગ્યું. દરવાજામાંથી કૂતરા-બિલાડા અંદર આવી જાય એવું મોટું બાકોરું પડી ગયું છે. ઘરમાં દીવાલને અઢેલીને ઢાળેલો ઢોલિયો અને એના પર પાથરેલી ઝીણી-ઝીણી સિલાઈ કરેલી ગોદડીઓ જાણે કે મહેમાન આવવાની રાહ જોતી હતી. એક સમયે ઘરની આ બધી સાહ્યબી આગળ આજની જાહોજહાલી તો સાવ ફીકી લાગે. જેમ જેમ ઘરને નીરખી નીરખીને જોતો રહ્યો એમ એમ જૂનાં સંસ્મરણો આળસ મરડીને બેઠાં થવાં લાગ્યાં. મારા દાદા અને એમના દાદાઓની કંઈ કેટલી ય પેઢીઓએ આ ઘરમાં અનેક લીલી-સૂકી જોઈ હશે. પહેલાના લોકો એક વાતે બહુ સુખી હતા, સંતોષનો બહુ મહત્ત્વનો ગુણ એમનામાં હતો. અડધો ખાઈને રહીશું પણ ઘરમાં ભેગા રહીશું. ગમે તે થશે પણ ઘર નહિ છોડીએ. આ વાત જ એમને લાગણીના તાણાવાણાથી એકબીજા સાથે ગૂંથીને જકડી રાખતી હતી. પહેલા અભાવો વચ્ચે પણ સંતોષ હતો. આજે અપાર વૈભવ અને સમૃદ્ધિ વચ્ચે સંતોષ ગાયબ છે. તેઓ અભાવો અને અસુવિધાઓમાં પણ સુખી રહેતા હતા, આજે તમામ સુખ-સુવિધાઓ વચ્ચે પણ મનને એ શાંતિ નથી મળતી જેની મનને હંમેશાં ઝંખના રહેતી હોય છે.
પોતાના ઘરની આવી દુર્દશા જોતા પોતાની જાત પર જ ફિટકાર થવા લાગ્યો. થયું કે માણસ જાત કેટલી નગુણી અને સ્વાર્થી છે! જે ઘરમાં આપણો જન્મ થયો, પાલન-પોષણ થયું, જે ઘરમાં આપણું બચપણ વીત્યું, જે ઘરે આપણને ચાલતા શીખવ્યું, જે ઘર થકી આપણે આ દુનિયામાં પહેલો પગ મૂક્યો, એ ઘરને આપણે કેટલી સહજતાથી ત્યાગી દઈએ છીએ. આપણે પ્રાચીન સંસ્કૃતિની વાહ વાહ કરીએ છીએ પણ આપણા ખુદના પૈતૃક ઘરને સાચવવામાં આપણે કેટલા ઊણા ઉતરીએ છીએ. વર્ષે-દહાડે એકાદ વાર આવીને એ ઘરની દરકાર કરવાની પણ આપણે તસદી લેતા નથી. શહેરી સંસ્કૃતિએ આપણને એટલા બધાં આંજી નાંખ્યા છે કે આપણી વર્ષો જૂની સંસ્કૃતિ, ઓળખ, સગાં-વ્હાલાં, સંબંધો બધાને પાછળ છોડી દઈને આપણે એવી સંસ્કૃતિ તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં આપણો પાડોશી પણ આપણને ઓળખતો નથી.
થોડા ભારે મને ઘરની અંદર ફરતે આંટો માર્યો. આવા ખખડધજ ઘરની અંદર પણ મનમાં એક ન કળી શકાય એવી શાંતિનો અહેસાસ થતો હોય એમ લાગ્યું. કદાચ એ શાંતિ સંતોષની હશે જે મારા વડવાઓ આ ઘરની અંદર મૂકતા ગયા હોવા જોઈએ. ભારે હૈયે ઘરની બહાર નીકળ્યો. એક સમયે જે ઘર બધાને જોડવાનું નિમિત્ત બનતું હતું એ ઘર આજે તૂટી પડવાની અણી પર આવીને ઊભું છે એ વિચારથી અંતર વલોવાઈ જાય છે. ઘરને તાળું મારતા પહેલા ફરી એક વાર અમારા એ પૈતૃક ઘરને ધરાઈને જોઈ લેવાની ઈચ્છાને રોકી ન શકાઈ. ભારે હૈયે ઘરને એ જ જૂનું તાળું લગાવ્યું અને ઘરના ઉંબરેથી ચપટી ધૂળ લઈ માથે ચઢાવી ગમગીન વદને અને સજળ નયને ઘરથી વિદાય થવા પગ ઉપાડ્યા પણ પગ પર જાણે કે મણ મણના પથ્થરો બાંધી દીધા હોય એમ લાગ્યું …!!
સરગાસણ, ગાંધીનગર.
e.mail : h79.hitesh@gmail.com