Opinion Magazine
Number of visits: 9507200
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જૂની મૂડી: ૧ 

દીપક મહેતા|Opinion - Literature|4 October 2023

‘બુદ્ધિપ્રકાશ’ માસિકમાં ‘જૂની મૂડી’ નામની લેખ શ્રેણી સપ્ટેમ્બર ૨૦૨૩ના અંકથી શરૂ કરી છે. ૧૯મી સદીનાં અજાણ્યાં અથવા આજે બહુ ઓછાં જાણીતાં પુસ્તકોનો તેમાં પરિચય આપવા ધાર્યું છે. અહીં રજૂ કર્યો છે એ શ્રેણીનો પહેલો લેખ :-

(સ્વામી આનંદની ક્ષમાયાચના સાથે)  

વિધવા વિવાહનો પુરસ્કાર કરતી પહેલી ગુજરાતી નવલકથા 

આપણા દેશની બધી ભાષાઓમાં પહેલવહેલી નવલકથા ૧૮૫૭માં મરાઠીમાં પ્રગટ થઈ: ‘યમુનાપર્યટણ’. તેના લેખક બાબા પદમનજીએ ખ્રિસ્તી ધર્મ સ્વેચ્છાએ અંગીકાર કર્યો હતો. અને તેઓ વિધવા વિવાહના પ્રખર હિમાયતી હતા. ‘યમુનાપર્યટણ’ દ્વારા તેમણે ખ્રિસ્તી ધર્મનો તેમ જ વિધવા વિવાહનો પુરસ્કાર કર્યો છે. અલબત્ત, બીજું લગ્ન કરતાં પહેલાં નાયિકા યમુનાને તેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતી બતાવી છે. પણ વિધવા પુનર્લગ્નનો કાયદો ૧૮૫૬માં પસાર થયો અને બીજે જ વરસે એક મરાઠી નવલકથામાં તેનો પુરસ્કાર થયો એ વાત નોંધપાત્ર તો ગણાય જ.

ભલે ગમે તે કારણસર, પણ સરસ્વતીચંદ્રમાં ગોવર્ધનરામ વિધવાવિવાહનો પુરસ્કાર કરતા નથી. એક માન્યતા એવી પણ છે કે આપણી નવલકથામાં વિધવાવિવાહ પહેલી વાર કરાવનાર કનૈયાલાલ મુનશી હતા. પણ હકીકતમાં ગોવર્ધનરામની નવલકથા સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ ૧૮૮૭માં પ્રગટ થયો તે પહેલાં ૧૮૮૧માં પ્રગટ થયેલી એક નવલકથામાં વિધવાવિવાહનો પુરસ્કાર કરવાનું સાહસ થયું હતું. એ નવલકથા તે ‘કમળા કુમારી’ અને તેના લેખક તે ભવાનીશંકર નરસિંહરાવ કવિ. જન્મ ૧૮૪૮માં. લીમડીના દેશી રાજ્યના વતની. અભ્યાસ અંગ્રેજી બે ધોરણ સુધીનો. ૧૯મી સદીના પ્રખર સમાજ સુધારક અને અગ્રણી પત્રકાર કરસનદાસ મૂળજી ૧૮૬૭માં એડમિનિસ્ટ્રેટર તરીકે લીમડી ગયા ત્યારે ભવાનીશંકર તેમના અનુયાયી બની રહ્યા. કરસનદાસના પ્રભાવ નીચે જ તેમણે સમાજ સુધારા વિષે લખવા માંડ્યું. તેમણે ચાર સામયિક જુદે જુદે વખતે શરૂ કરીને ચલાવેલાં : ૧૮૮૨માં ‘ગુજરાત માસિક પત્ર’, ૧૮૮૩માં ‘ત્રિમાસિક ટીકાકાર’, ૧૮૮૮માં ‘કાઠિયાવાડી’, અને ૧૯૦૦માં ‘વિદ્યાવિનોદ’. આ ઉપરાંત તેઓ જુદાં જુદાં અખબારો અને સામયિકોમાં નિયમિત રીતે લખતા. તેમનું અવસાન ૧૯૨૧ના મે મહિનાની ત્રીજી તારીખે લીમડીમાં થયું હતું.

કરસનદાસ મૂળજીના અવસાન પછી તેમને અંજલી આપતાં કાવ્યોનો સંગ્રહ ‘કૃષ્ણવિરહ’ ૧૮૭૬માં પ્રગટ થયો. ૧૮૭૭માં પ્રગટ થયેલા ‘ભવાની કાવ્યસુધા’માં તેમનાં બધાં કાવ્યો સંગૃહિત થયાં છે. તેમણે ૧૯૧૨માં પ્રગટ કરેલ ‘ગૂજરાતી જૂનાં ગીતો’ આપણાં લોકગીતોના સંપાદનનો એક શરૂઆતનો પ્રયાસ છે. તેમણે ‘સોરઠી સોમનાથ’, ‘મીઠા જળની માછલી’, ‘સરદાર ગઢનો સરદાર’, ‘મણીપુરનો મહારાજા’ જેવી નવલકથા લખી છે. અન્ય પુસ્તકોમાં ‘ગુજરાતી ગીતાવલી’, ‘કુંવારી કન્યા’, ‘પ્રધાન અનંતજી અમરચંદનું જીવન’, ‘બાવદીન વિજય’, ‘લાઈટ ઓફ સૌરાષ્ટ્ર’ વગેરેનો સમાવેશ થાય છે.

વિધવા વિવાહનો પુરસ્કાર કરતી નવલકથા ‘કમળા કુમારી’ની પહેલી આવૃત્તિ ૧૮૮૧માં પ્રગટ થઈ હતી. ૧૯૦૯માં પ્રગટ થયેલી બીજી આવૃત્તિની ૧૫ પાનાંની પ્રસ્તાવના રમણભાઈ નીલકંઠે અંગ્રેજીમાં લખી હતી. તેમાં તેઓ લખે છે :

ભવાનીશંકર નરસિંહરામ કવિ

The author Mr. Bhavanishankar Narasinhram of Limdi has rendered a service to the cause of social reform. He has depicted faithfully the condition of Hindu society and his story makes the necessity of reform self-evident.

અલકાપુર નામના રજવાડાના દીવાન વિવેકસાગરને ઘરે મોટી વયે કમળા કુમારીનો જન્મ થયો છે. બાળક ખાતર પત્ની પદ્માવતીના બીજાં લગ્ન કરી લેવાના આગ્રહને તે વશ થયો નથી. પુત્ર અંગેની રૂઢ માન્યતાઓથી તે ઘણો દૂર છે. તેને મન દીકરા-દીકરી વચ્ચે ભેદ નથી. એટલે કમળા કુમારીનો ઉછેર તે ઘણા લાડકોડપૂર્વક કરે છે. એ જમાનામાં તેને ભણવા માટે સ્કૂલે પણ મોકલે છે. પણ પદ્માવતી જૂનવાણી વિચારની છે. તે બને તેટલી જલ્દીથી દીકરીનાં લગ્ન કરવા માગે છે. છેવટે તેના હઠાગ્રહ આગળ વિવેકસાગરે નમતું જોખવું પડે છે. પાંચ વરસના એક સાવ માયકાંગલા છોકરા સાથે કમળા કુમારીનાં લગ્ન ખૂબ ધામધૂમથી થાય છે. લગ્ન પછી થોડા વખતમાં છોકરો માંદો પડે છે. વિવેકસાગર અને પદ્માવતીના આગ્રહને અવગણીને છોકરાનાં મા-બાપ વૈદ-ભૂવા પાસે સારવાર કરાવે છે. ભૂવો છોકરાને ડામ દે છે, અને બીજા નુસખા પણ અજમાવે છે. મા-બાપ મંદિરોમાં જાય છે, જોશીઓની સલાહ લે છે. પણ કોઈ કારી ફાવતી નથી અને છોકરો મૃત્યુ પામે છે.

માત્ર નવ વરસની ઉંમરે વિધવા બનેલી કમળા કુમારીને નથી તો લગ્ન જીવન એટલે શું એની ખબર, કે નથી તો વૈધવ્ય એટલે શું તેની ખબર. છતાં કેશ-વપન અને ચૂડા-કર્મની વિધિઓ તેણે મૂંગે મોઢે સહન કરી લેવી પડે છે. પણ દીકરી જેમ જેમ મોટી થાય છે તેમ તેમ તેના મનમાં સ્વાભાવિક આવેગો જાગતા જાય છે. અને પિતાની તેના ભવિષ્ય માટેની ચિંતા વધતી જાય છે. વિદ્યા વર્ધક સભા નામની સંસ્થામાં જુગલ કિશોર નામના યુવકનું વિધવા વિવાહ પરનું ભાષણ સાંભળ્યા પછી વિવેકસાગરનું મન ચકરાવે ચડે છે. જુગલકિશોર પોતે વિધુર હતો અને બીજાં લગ્ન કરવાં તો કોઈ વિધવા સાથે જ કરવાં એવું તેણે નક્કી કર્યું હતું. ધીમે ધીમે કમળા કુમારી અને જુગલ કિશોર નજીક આવતાં જાય છે અને કમળા કુમારીનાં માતા-પિતા બંનેનાં લગ્ન માટે રાજી થાય છે. રાજપરિવાર સહિત આખું રજવાડું એ લગ્નમાં જોડાય છે.

આમ, લેખકે પોતાના જમાનાના સમાજમાં પ્રવર્તતાં રૂઢિ-નિષેધનું આલેખન કર્યું છે તો સાથોસાથ જડ બંધનોમાંથી છૂટવા માટેની દિશા પણ બતાવી છે. વિધવા-વિવાહનો પુરસ્કાર કરતી આપણી પહેલી નવલકથા મુંબઈ-અમદાવાદ જેવા કોઈ શહેરના લેખકે નહિ, પણ લીમડી જેવા એક નાનકડા દેશી રાજ્યમાં વસતા લેખકે લખી એ ઘટના નોંધપાત્ર ગણાય. જો કે ૧૯મી સદીના આપણા ગોવર્ધનરામ સહિતના ઘણા નવલકથાકારોએ દેશી રાજ્યોની ભૂમિને કથાના મુખ્ય સ્થળ તરીકે પસંદ કરી છે. આ કૃતિ પ્રગટ થયા પછી આપણાં અખબારો અને ‘ચોપાનિયાં’એ તેને સારો આવકાર આપ્યો હતો. રાસ્ત ગોફ્તારે લખ્યું હતું : “મિ. ભવાનીશંકરે હિંદુ ઘર સંસારની સ્થિતિનું ચિત્ર રૂપે પ્રગટ કરેલો ગ્રંથ પહેલેથી છેલ્લે સુધી લખનારના સુધરેલા વિચારો દેખાડે છે. તેમાં હિંદુઓમાં પેઠેલી નઠારી રીતભાતોથી થતાં માઠાં પરિણામો દાખલા દલીલોથી તથા છટાદાર ભાષા વાપરીને દેખાડી આપ્યાં છે.” તો ગુજરાત શાળાપત્રના અવલોકનમાં લખ્યું હતું : “આ એક કલ્પિત વાર્તા છે અને એનો હેતુ વિધવા વિવાહને ઉત્તેજન આપવાનો છે. હાલને સમે, દેશમાં શું થાય છે તેવું નહિ, પણ શું થવું જોઈએ તેનું આ ચિત્ર છે. અને એ રીતે જોતાં આ વાર્તા સારી છે.” તો લેખક પરના અંગત પત્રમાં કવીશ્વર દલપતરામે લખ્યું હતું : “તમારી ‘કમળા કુમારી’ની વાર્તાનું પુસ્તક મેં વાંચી જોયું છે. તમારું ગદ્યનું લખાણ ઘણું સારું છે. એક રસીલી વાર્તાના આકારમાં સુધારાનો બોધ અને વહેમનું ખંડન, તથા દેશી લોકોની ચાલ ચલગતનું ચિત્ર જેવું જોઈએ તેવું, ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે.”

અલબત્ત, ‘કમળા કુમારી’માં જે પ્રશ્નો આલેખાયા છે તેમાંના મોટા ભાગના આજે રહ્યા નથી. વિધવા વિવાહ એ આજનો સળગતો પ્રશ્ન નથી. એટલે આજે તો આ નવલકથા ઐતિહાસિક મૂલ્ય ધરાવતી પણ એક મહત્ત્વની કૃતિ બની રહે છે.

xxx xxx xxx

પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”; સપ્ટેમ્બર 2023
સૌજન્ય : દીપકભાઈ મહેતાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

4 October 2023 Vipool Kalyani
← સ્મરણ શ્યામજીનું, એમને એક સો છાસઠમે, સાદર, સવિનય…અને સતર્ક!
વસૂકેલી ગાયને કોઈ ચારો નીરતું નથી →

Search by

Opinion

  • આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી
  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved