થોડા દિવસો પહેલાં એક રવિવારે રાત્રે અમારી ગાડી દિલ્હીના એક શાનદાર રાજમાર્ગ પર જતી હતી, જ્યારે મેં બે પોલીસવાન જોઈ. વાન પર બત્તી ઝગમગતી હતી, પણ એને જરા ય ઉતાવળ હોય એવું નહોતું લાગતું.
કલાક પહેલાં અમને જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં નિર્દોષ વિદ્યાર્થીઓ પર થયેલા કારમા હુમલાના સમાચાર મળ્યા હતા. Twitter પર લોકો એક પછી એક ધડાધડ લખવા મંડ્યા હતા – કેટલીક હતી અફવા, કેટલાક હતા વીડિયો, અને કેટલાંક હતાં વર્ણન.
વિદ્યાલયના કૅમ્પસ પર બુકાની પહેરી ૩૦-૫૦ યુવક અને યુવતીઓએ દંડા, લોખંડી લાઠી, હૉકી સ્ટિક લઈ દરવાજા ખખડાવ્યા, કાચ ફોડ્યા, વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને માર્યાં અને કોલાહલ મચાવ્યો. જ્યારે આ તોફાનીઓનું ઝુંડ કૅમ્પસથી બહાર નીકળ્યું ત્યારે પોલીસે એમને જવા દીધા; પણ ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સની ઍમ્બ્યુલન્સને અંદર ન જવા દીધી. પત્રકારોને મરાયા તો મારવા દીધા; યોગેન્દ્ર યાદવને ધક્કો માર્યો કોઈએ તો, પોલીસે ચૂં કે ચાં ન કરી. કોઈની ધરપકડ ન કરી.
અમને ખબર હોય તો પોલીસને તો આ વાતની ખબર હોય જ ને? આમ જોઈએ તો દિલ્હીની પોલીસ ભરપૂર ચકાસણી કરે છે – બે અઠવાડિયા પહેલાં મારી એક મિત્ર નાગરિકતા કાયદાના વિરોધની એક સભામાંથી પાછી આવતી હતી, ત્યારે પોલીસે એને રોકી. મારી મિત્ર બીજા શહેરમાં રહે છે અને વિશ્વવિદ્યાલયમાં પ્રાધ્યાપિકા છે. પણ વિદ્યાર્થિની જેવી લાગે, એટલે પોલીસે તપાસ ચાલુ કરી. “ક્યાં જાવ છો? ક્યાં ગયાં હતાં? નામ શું છે? ક્યાં રહો છો?” ઇત્યાદિ. મારી મિત્રે કહ્યું, એ પ્રાધ્યાપિકા છે અને કોઈક બીજા શહેરમાં રહે છે. એને ન તો કોઈ કાયદો તોડેલો, ન તો પોતાનો ચહેરો છુપાવ્યો, ન તો હતું એની પાસે કોઈ શસ્ત્ર. તો ય પોલીસે એને રોકી અને ડરાવવાનો પ્રયત્ન કર્યો. એ લોકો નિષ્ફ્ળ રહ્યા અને મારી મિત્ર સુખ રૂપે ઘેર પહોંચી.
જ્યારે એક અહિંસક મહિલાને પોલીસ રોકી શકે, તો પેલા તોફાનીઓને કેમ નહીં રોકી શકે? જ્યારે બીજે દિવસે વિદ્યાર્થીઓએ એક વરિષ્ઠ પોલીસ અધિકારીને સવાલ પૂછ્યો, ત્યારે અધિકારીએ કહ્યું – “હમને તો નહીં મારા થા, ના?” હા ભાઈ, ઘણો ઉપકાર કર્યો તમે!
થયું છે હવે તો એવું કે જો પોલીસ કહે આજે કે પરિસ્થિતિ એમના કાબૂ હેઠળ છે, તો આપણને ચિંતા થાય કે એનો અર્થ શું? કઈ વસ્તુ એમના કાબૂ હેઠળ છે? કોના પર નિયંત્રણ છે? મારવાવાળાઓ પર કે માર ખાનારાઓ પર? જે કૅમ્પસમાં ‘ભારત કે ટુકડે ટુકડે’ જેવા નારા બોલાયા હતા, એવી દંતકથાઓ ફેલાવાઈ રહી છે, ત્યાં જ્યારે બુકાનીધારી યુવકોએ નારા લગાવ્યા, કે ‘દેશ કે ગદ્દારોં કો, ગોલી મારો સાલો કો,” ત્યારે પોલીસને જરા ય પોતાની ફરજ – અહિંસક નિર્દોષ લોકોની રક્ષા કરવી – યાદ ન આવી ! મને યાદ છે કે ૨૦૦૨માં જ્યારે ગુજરાત ભડકે બળતું હતું ત્યારે એક મુસ્લિમ કુટુંબ ડરનું માર્યું પોલીસ પાસે પહોંચ્યું હતું, અને ત્યારે એક અફસરે એમને કહ્યું – તમને સુરક્ષિત રાખવા એવો અમને કોઈ આદેશ સરકારે આપ્યો નથી (We have no orders to protect you).
૨૦૧૪ પછી પ્રજાને એક પ્રકારનું ઘેન ચડ્યું છે, અને કહેવાતા ગૌરક્ષકોની હિંસા, પુણેમાં મુસ્લિમ સૉફ્ટવેર ઇજનેરની હત્યા, ઉનામાં દલિતો પર અત્યાચાર, દાદરીમાં મહમદ અખલાકની હત્યા, અલવરમાં પહેલુખાનની હત્યા, જયંત સિંહાએ હિંસક કાર્યકર્તાઓને પહેરાવેલો હાર, ગૌરી લંકેશની હત્યા, ‘લવજેહાદ’ ને ‘ઘરવાપસી’ જેવી હાસ્યાસ્પદ અને હિંસક ઝુંબેશ, આવી ક્રૂરતા જ્યારે સ્વીકારાતી હોય, વાહિયાત વિચારસરણી પ્રચલિત થતી હોય, અને દેશની અધોગતિ થતી હોય, ત્યારે ઘણા લોકોએ આંખ આડા કાન કર્યા છે. પણ નાગરિકતા વિષેનો નવો કાયદો અને જે.એન.યુ. પર થયેલા હુમલા પછી જાગૃતિ પ્રસરી છે. સરકારના સમર્થકો પણ વિચારવા માંડ્યા છે કે શું આપણે દૂધ પાઈને સાપ ઉછેર્યો? ટેલિવિઝન પર રાહુલ કંવલ અને અખબારોમાં ચેતન ભગત જેવા સમીક્ષકોએ ભા.જ.પ.ને એમની દૃષ્ટિએ અઘરા સવાલ પૂછ્યા છે, પછી સલાહ પણ આપી છે કે આ સમસ્યા પ્રચારવૃત્તિથી હલ નહીં થાય. આ સમીક્ષકો સરકારને નવા દૃષ્ટિબિંદુથી જુએ એ તો સારી વાત થઈ, પણ ખરી વાત તો એ છે કે દેશભરનાં શહેરોમાં લાખો લોકો મેદાનો અને રસ્તાઓ પર આઝાદીનાં ગીતો ગાતાં થયાં છે, અને ત્રિરંગો લહેરાવે છે, એનું એક જ કારણ છે – એ ભારતના નવા વિભાજનનો વિરોધ કરી રહ્યા છે.
યુ ડિવાઇડ અસ, વિ વિલ મલ્ટિપ્લાય – તમે અમને તોડવાનો પ્રયત્ન કરી જુઓ, અમે વધતા જ રહીશું – આવાં સૂત્રો મુંબઈની તાજમહેલ હોટલ સામે દેખાય છે. સરકાર સામે વિરોધ કાયદાની નાની અમથી કડીઓને કારણે નથી, કાયદાના મૂળભૂત હેતુ સામે છે.
૨૦૧૪માં ઘણા મતદારો આર્થિક વિકાસની લાલચમાં સપડાઈને ભા.જ.પ. તરફ વળ્યા હતા. પણ હવે એમને સમજાયું છે કે ભા.જ.પ.ને હિંદુત્વના વિકાસમાં રસ છે, લક્ષ્મીની મૂર્તિપૂજામાં રસ છે, લક્ષ્મી પ્રસરાવવામાં કે દેશની સમૃદ્ધિ વધારવામાં નથી એમને રસ, કે નથી એમનામાં ક્ષમતા.
હિન્દુત્વ આગ્રહીઓનો જે.એન.યુ. ઉપર આક્રોશ છે, એનું મહત્ત્વનું કારણ તો એ કે ભારતની રાજનીતિ પર છેલ્લાં પચાસ વર્ષમાં આ વિદ્યાપીઠના ઘણા વિદ્વાનોનો પ્રભાવ પુષ્કળ રહ્યો છે. એંશીના દાયકામાં સુબ્રમણ્યમ સ્વામી જે.એન.યુ.ની મશ્કરી કરતા, અને એને ‘જમુના તટપર ક્રેમલિન’ કહેતા. નેવુંના દાયકામાં અરુણ શૌરીએ ‘પ્રસિદ્ધ ઇતિહાસકારો’ નામે પુસ્તક લખ્યું, જેમાં રોમિલા થાપર અને સતીશ ચંદ્રની વિદ્વત્તાની આલોચના કરી હતી. જે.એન.યુ.ના પ્રાધ્યાપકોને પરદેશી વિચારધારાના ગુલામ તરીકે દર્શાવ્યા હતા. કૅમ્પસ ભારતના સાંસ્કૃતિક યુદ્ધની રણભૂમિ બની ગયું. ૨૦૧૬ પછી જે.એન.યુ. પર પ્રહારો વધતા ગયા – કન્હૈયાકુમાર, ઉમર ખાલિદ અને શેહલા રશીદ જેવા ચબરાક, ચાલાક અને તેજસ્વી નવયુવાનોને ઊભરતા જોઈ ભા.જ.પ.ના નેતાઓ ભભૂક્યા. જે.એન.યુ.ના વિદ્યાર્થીઓ દેશદ્રોહી છે, એવા બેહૂદા અને વાહિયાત આક્ષેપો પ્રચલિત કર્યા. ચાર વર્ષ પછી, કોઈ પણ પુરાવા વગર, આ વિદ્યાર્થીઓને નામ આપ્યું છે ‘ટુકડે-ટુકડે ગેંગ,’ જે આરોપ વિશે ગૃહમંત્રાલય પાસે કોઈ પુરાવો નથી. (અગત્યનો સવાલ તો એ છે કે ધારો કે આવાં સૂત્રો બોલાયાં હોય, તો ય શું? શું ભારત એટલો નાજુક ને નબળો દેશ છે કે વિદ્યાર્થીઓના ઘોંઘાટથી જર્જરિત થઇ ને એનું પતન થઇ જાય?)
નોબેલ વિજેતા ઇલિયાસ કાનેટીએ ૧૯૬૦માં એમના પુસ્તક ક્રાઉડ્સ ઍન્ડ પાવર(ભીડની શક્તિ)માં ટોળાંની ફાસીવાદી વૃત્તિઓ વિશે ચેતવણી આપી લખ્યું હતું : “હંમેશાં (હુલ્લડની) શરૂઆત દુશ્મન જ કરે છે – ભલે એણે ઉત્તેજક શબ્દ ના ઉચ્ચાર્યા હોય, એ જરૂર ઉચ્ચારવાની યોજના કરતો હતો; અને યોજના ન પણ કરી હોય, તો એ યોજના કરવાનો વિચાર કરતો હતો; અને વિચાર ન કર્યો હોય, તો એ વિચાર જરૂર કરત.”
માટે એને, અને એના જેવા બધાને મારો.
ઘનશ્યામ દેસાઈએ ‘ટોળું’ કરીને એક વાર્તા લખી હતી, જેમાં એમણે વાચકોને સાવધાન રહેવા આદેશ કર્યો હતો – ફૈઝની નઝ્મ ગાતા, ત્રિરંગો લહેરાવતા, ટાગોરની પંક્તિઓ બોલતા, શાહિનબાગમાં સત્યાગ્રહ કરતાં દેશભરનાં લાખો બહેનો અને ભાઈઓ ભારતના આત્માની રક્ષા કરી રહ્યા છે.
E-mail : salil.tripathi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2020; પૃ. 07 તેમ જ 06