જેના હૃદયમાં પ્રેમ અને આક્રોશ એકસાથે વસતાં હોય, અને ગ્લેમર વિશ્વનો એક હિસ્સો હોવા છતાં જેનામાં પોતાનાં મૂલ્યો અને સર્જનાત્મકતાને અક્ષુણ્ણ રાખવાની જિદ હોય એવા દુર્લભ કવિઓમાંના એક એટલે શૈલેન્દ્ર. શેલીના ‘ટુ અ સ્કાયલાર્ક’ કાવ્યની અમર ઉક્તિ ‘અવર સ્વીટેસ્ટ સોંગ્સ આર ધોઝ ધેટ ટેલ ઑફ સેડેસ્ટ થોટ્સ’ પરથી શૈલેન્દ્રએ અદ્દભુત ગીત લખેલું, ‘હૈ સબસે મધુર વો ગીત જિસે હમ દર્દ કે સુરમેં ગાતે હૈં’ ..

શૈલેન્દ્ર
લોકપ્રિયતા અને ઉત્કૃષ્ટતાનો સંગમ જેનામાં હોય, જે લોકોને ધરતી અને આકાશ બંને સાથે જોડી શક્યા હોય, જેના હૃદયમાં પ્રેમની પવિત્ર ધારા અને સામાજિક અન્યાય પ્રત્યે આક્રોશની આગ એકસાથે વસતાં હોય, અને ગ્લેમર વિશ્વનો એક હિસ્સો હોવા છતાં જેનામાં પોતાનાં મૂલ્યો અને સર્જનાત્મકતાને બરબાદી વહોરી લેવાની હદ સુધી જઈ અક્ષુણ્ણ રાખવાની જિદ હોય એવા દુર્લભ કવિઓમાંના એક એટલે શૈલેન્દ્ર. 14 ડિસેમ્બરે રાજ કપૂરનો જન્મદિન અને શૈલેન્દ્રની પુણ્યતિથિ બંને હતાં. એ દિવસે આપણે રાજ કપૂરનો સંગીતપ્રેમ ઉજવ્યો, આજે શૈલેન્દ્રની શબ્દસાધનાને શ્રદ્ધાંજલિ આપીશું.
1966ની એ 13મી ડિસેમ્બરે હોસ્પિટલ જતાં પહેલાં શૈલેન્દ્રએ કાર રાજ કપૂરના ઘર તરફ લેવડાવી. રાજ કપૂરે કહ્યું, ‘જલદી પાછો આવ. મેરા નામ જોકરનું ગીત અધૂરું છે ..’ શૈલેન્દ્રએ કહ્યું, ‘આવું છું. કાલનો તમાશો (રાજ કપૂરના જન્મદિનની ઉજવણી) થઈ જાય, પછી બેસીએ.’ પણ ચોવીસ કલાકમાં તો ખેલ ખતમ થઈ ગયો. તરુણ પુત્ર શેલીએ પિતાએ ગિફ્ટ આપેલી પેનથી પિતાનું અધૂરું ગીત પૂરું કર્યું, ‘કલ ખેલ મેં હમ હો ન હો, ગર્દિશ મેં તારે રહેંગે સદા ..’ પુત્ર શેલીનું નામ એમણે પ્રસિદ્ધ કવિ શેલીના નામ પરથી પાડ્યું હતું અને પોતાના બંગલાનું નામ, ફિલ્મજગતમાં તરક્કી કરાવનાર ફિલ્મ ‘બરસાત’ના નામ પરથી ‘રિમઝિમ’ રાખ્યું હતું.
મૂળ નામ શંકરસિંહ કેસરીલાલ. સ્થાનિક કવિસંમેલનોમાં વિદ્યાર્થી શંકરસિંહ ‘શૈલેન્દ્ર’ તરીકે ભાગ લેતા. ઘરની આર્થિક સ્થિતિ કફોડી થતાં મુંબઈની રેલવે વર્કશૉપમાં કામે રહ્યા. મહાનગરના કામદાર સમુદાયના પ્રશ્નો જાણીને આ સંવેદનશીલ કવિ ખળભળી ઊઠતા અને આક્રોશભર્યા નાટકો અને ગીતો ‘શચીપતિ’ ઉપનામથી લખતા. ‘ઇપ્ટા’ સાથે પણ જોડાયા હતા.
એક વાર મુંબઈમાં ‘જનનાટ્ય સંઘ’ દ્વારા આયોજિત કવિસંમેલનમાં 23 વર્ષના શૈલેન્દ્રની બે કવિતા ‘જલતા હૈ પંજાબ સાથિયોં’ અને ‘મોરી બગિયા મેં આગ લગા ગયો રે ગોરા પરદેશી’ને ખૂબ દાદ મળી. પૃથ્વીરાજ કપૂર સમારંભના અધ્યક્ષ હતા, શ્રોતાઓમાં બેઠા હતા 24 વર્ષના રાજ કપૂર. રાજ કપૂરે એમને ‘આગ’નાં ગીતો લખવા આમંત્રણ આપ્યું. કવિએ ખુમારીથી કહી દીધું, ‘મેરી કવિતા બિકાઉ નહીં હૈ’. રાજ કપૂરે ખેલદિલીથી કહ્યું, ‘ભલે. પણ મારું આમંત્રણ કાયમી છે.’
સંજોગો એવાં થયા કે કવિ રાજ કપૂરને મળ્યા ને ‘બરસાત’(1949)નાં બે ગીત લખ્યાં. ‘પતલી કમર હૈ’ બન્યું ફિલ્મજગતનું પહેલું આઈટમ સોંગ અને ‘બરસાત મેં’ પહેલું શીર્ષકગીત. નવ વર્ષ પછી ફિલ્મફેરે ગીતકારો માટે ઍવોર્ડ શરૂ કર્યો, પહેલો ઍવોર્ડ મળ્યો શૈલેન્દ્રને, ‘યે મેરા દીવાનાપન હૈ’ માટે. ત્યાર પછી આઠ વર્ષે એમણે પહેલી ફિલ્મ ‘તીસરી કસમ’નું નિર્માણ કર્યું. 28 સંગીતકારો સાથે 171 હિંદી અને છ ભોજપુરી ફિલ્મો માટે ગીતો લખ્યાં. મૃત્યુ પછી પણ ઘણાં વર્ષ સુધી એમનાં ગીતો ફિલ્મોમાં આવતાં રહ્યાં. છેલ્લું ગીત 1989માં ‘મમતા કી છાંવમેં’માં આવ્યું, શબ્દો હતાં ‘મેરા ગીત અધૂરા હૈ – પાસ હો તુમ દૂર ભી હો, કૌન હો તુમ ઉસ પાર, તુમ જો મિલો તો ગીત હો પૂરા, મિલ જાયે મન કે તાર, કોઈ બિખરે તાર સજા દે..’ આ શૈલેન્દ્ર. રાજ કપૂર એમને કવિરાજ કહેતા. કોને શોધે છે કવિરાજ – પોતાના જ અવ્યક્ત સેલ્ફને? ‘કવિરાજ’ શબ્દને અને એના સ્પિરિટને એમણે રાજ કપૂર માટે જ લખેલા એક ગીતમાં સુંદર રીતે વણ્યો છે, ‘કામ નયે નિત ગીત બનાના, ગીત બના કે જહાં કો સુનાના, કોઈ ન મિલે તો અકેલે મેં ગાના, કવિરાજ કહે, ન યે તાજ રહે, ન યે રાજ રહે, ન યે રાજઘરાના, પ્રીત ઔર પ્રીત કા ગીત રહે, કભી લૂટ સકે ન કોઈ યે ખજાના’
‘બરસાત’ પછી 1951માં શૈલેન્દ્રએ ‘આવારા’નાં ‘આવારા હૂં’, ‘તેરે બિના આગ યે ચાંદની’, ‘ઘર આયા મેરા પરદેસી’ અને ‘દમ ભર જો ઉધર મુંહ ફેરે’ આપ્યાં. એ જ વર્ષે ‘નગીના’ – તૂને હાયે મેરે ઝખ્મે જિગર કો છૂ લિયા. અને પછી તો ‘દાગ’ – એ મેરે દિલ કહીં ઓર ચલ, ‘આહ’ – યે શામ કી તનહાઇયાં, ‘દો બીઘા જમીન’ – અપની કહાની છોડ જા, ‘શ્રી 420’ – પ્યાર હુઆ, ઈકરાર હુઆ, ‘સીમા’ – તૂ પ્યારકા સાગર હૈ, ‘જાગતે રહો’ – ઝિંદગી ખ્વાબ હૈ, ‘ચોરી ચોરી’ – યે રાત ભીગી ભીગી, ‘લવ મેરેજ’ – કહે ઝુમ ઝુમ રાત યે સુહાની, પંડિત રવિશંકરના સંગીત નિર્દેશનમાં બનેલી ‘અનુરાધા’ – કૈસે દિન બીતે, ‘આશિક’ – મહેતાબ તેરા ચહેરા, ‘દિલ તેરા દીવાના’ – મુઝે કિતના પ્યાર હૈ તુમ સે’, ‘હરિયાલી ઔર રાસ્તા’ શીર્ષકગીત, ‘બંદિની’ – મેરે સાજન હૈ ઉસ પાર, ‘દિલ એક મંદિર’ – રૂક જા રાત, ‘દૂર ગગન કી છાંવ મેં’ – કોઈ લૌટા દે મેરે, ‘સંગમ’ – હર દિલ જો પ્યાર કરેગા, ‘ગાઈડ’ – તેરે મેરે સપને, ‘આમ્રપાલી’ – તુમ્હેં યાદ કરતે કરતે, ‘એન ઈવનિંગ ઇન પેરિસ’ – રાત કે હમસફર, ‘હલાકૂ’ – આ જા કિ ઇન્તઝાર મેં, ‘રાત ઔર દિન’ – દિલ કી ગિરહ ખોલ દો, ‘તીસરી કસમ’ – સજનવા બૈરી હો ગયે, ‘જ્વેલથીફ’ – રૂલા કે ગયા સપના મેરા, ‘બ્રહ્મચારી’ – મૈં ગાઉં તુમ સો જાઓ ‘પૂનમ કી રાત’ – સાથી રે તુજ તેરે બિન જીયા ઉદાસ હૈ’, ‘મધુમતી’ – દિલ તડપ તડપ કે અને અનેક અનેક.
અને ‘તીસરી કસમ’. આ ફિલ્મ માટે એક વિવેચકે લખ્યું છે, ‘ઈટ ઈઝ લાઈક અ પોએમ ઓન સેલ્યુલોઈડ વિથ અ થ્રેડ ઑફ પેઇન રનીંગ થ્રુ ઈટ.’ સીધાસાદા, ગાતા રહેતા ગાડાવાળા હીરામન (રાજ કપૂર) અને તેની ‘સવારી’ હીરાબાઈ (વહીદા રહેમાન) વચ્ચે 30 કલાકની મુસાફરી દરમ્યાન ગૂંથાતા એક કોમળ સંબંધની આ વાર્તા છે. બાજુમાંથી ગાડું પસાર થાય તો પડદો ખેંચી લેતા હીરામનની નિર્દોષતા જોઈ હીરાબાઈ થોડીવાર માટે ભૂલી જાય છે કે પોતે નૌટંકીની નાચનારી છે જેને ચારઆઠ આના ખર્ચી કોઈ પણ હાલીમવાલી જોઈ શકે છે. ફિલ્મના અંતે તે હીરામનથી દૂર થવા પોતાની જૂની કંપનીમાં ચાલી જાય છે. પ્લેટફોર્મ પર થયેલી અંતિમ મુલાકાતમાં પોતાની શાલ હીરામનને આપતાં હીરાબાઈ કહે છે, ‘તેં મને મહુવાની વાર્તા કરી હતી, જેને વેચી નાખવામાં આવેલી – મૈં ભી બિકી હુઈ હૂં હીરામન. દુ:ખી ન થતો.’ કોરી આંખે છૂટા પડતાં આ બંને પાત્રોનું દર્દ દર્શકોને ભીંજવ્યા વગર રહેતું નથી.
રાજ કપૂર-વહીદા રહેમાનનો સંવેદનશીલ અભિનય, સુંદર ગીતો, અસલી ગ્રામ્ય પરિવેશ, દિગ્દર્શક બાસુ ભટ્ટાચાર્યનું કૌવત, અપુ ટ્રાયોલોજી ફેમ સુબ્રતો મિત્રની સિનેમેટોગ્રાફી આ બધું છતાં ફિલ્મ વ્યાવસાયિક દૃષ્ટિએ નિષ્ફળ ગઈ. ત્રણ ત્રણ વર્ષથી તેની પાછળ ખુવાર થતા રહેલા શૈલેન્દ્ર ભાંગી પડ્યા અને માત્ર 43 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા. પછીનાં વર્ષોમાં ફિલ્મને રાષ્ટ્રપતિનો ચંદ્રક અને ‘ઑલ ટાઈમ ક્લાસિક’નું પદ મળ્યાં. તેના સર્જક તરીકે શૈલેન્દ્રનું નામ અમર થઈ ગયું. પ્રહલાદ અગ્રવાલે પુસ્તક લખ્યું છે, ‘તીસરી કસમ કે શિલ્પકાર શૈલેન્દ્ર.’
શેલીના ‘ટુ અ સ્કાયલાર્ક’ની અમર પંક્તિ ‘અવર સ્વીટેસ્ટ સોંગ્સ આર ધોઝ ધેટ ટેલ ઑફ સેડેસ્ટ થોટ્સ’ પરથી શૈલેન્દ્રએ અદ્દભુત ગીત લખેલું, ‘હૈ સબસે મધુર વો ગીત જિસે હમ દર્દ કે સુરમેં ગાતે હૈં’ શૈલેન્દ્રએ પોતાના વિષે બહુ વાતો કરી નથી. આ શબ્દો જાણે એમની જ કહાણી છે, ‘અપની અપની સબ ને કહ દી, લેકિન હમ ચૂપચાપ રહે, દર્દ પરાયા જિસકો પ્યારા વો ક્યા અપની બાત કહે, ખામોશી કા યે અફસાના રહ જાયેગા બાદ મેરે..
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 21 ડિસેમ્બર 2025
![]()

