આપણે બે વાતની ચર્ચા કરી રહ્યા છીએ. એક, શા માટે જેઓ મૌલિક અને મેધાવી છે એ લોકો આસ્તિક હોવા છતાં, શ્રદ્ધાળુ હોવા છતાં, કેટલીકવાર ધાર્મિક હોવા છતાં ધાર્મિક કોમવાદી ઓળખ નથી અપનાવતા? એટલું જ નહીં, પણ જે લોકો ધર્મશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર અને અન્ય પ્રાચ્યવિદ્યાઓનો અભ્યાસ કરે છે કે કર્યો છે એવા લોકો પણ ધાર્મિક કોમવાદથી દૂર રહ્યા છે.
બે, જે લોકો ધાર્મિક કોમી ઓળખ ધરાવે છે એ લોકોનું સત્તાના રાજકારણને છોડીને બીજા કોઈ ક્ષેત્રમાં કોઈ યોગદાન જોવા નહીં મળે. જો થોડુંક ક્યાંક મળી આવશે તો એ પણ ફૂહડ પ્રકારનું હશે. અહીં જ એક વાત સ્પષ્ટ કરી દેવી જોઈએ કે જે લોકો સત્તાના રાજકારણમાં સફળ છે કે થયા છે એ લોકો માત્ર ધાર્મિક કોમી રાજકારણ કરે છે, તેમનું અંગત જીવન જુદું છે. મહમદઅલી ઝીણા, સાવરકર, અડવાણી અને સુબ્રમણ્યમ્ સ્વામી આનાં ઉદાહરણ છે. જગતમાં આવાં બીજાં અનેક ઉદાહરણ મળી આવશે.
શા માટે? કારણ કે ધાર્મિક કોમી માનસ મેધા અને મૌલિકતાને કુંઠિત કરે છે. ગયા સપ્તાહના લેખમાં કહ્યું હતું એમ ધાર્મિક કોમી માનસ ધરાવતા લોકોમાં છ લક્ષણો એવાં જોવાં મળશે જેની ઉપસ્થિતિમાં મેધા અને મૌલિકતા વિકસી જ ન શકે, ખીલવાની વાત તો બાજુએ રહી. આગળ વધતા પહેલાં એ છ લક્ષણો ફરી નોંધી લઈએ :
૧. તેઓ વર્તમાન અને તેની વાસ્તવિકતાઓથી દૂર ભાગે છે અને ઇતિહાસમાં રાચે છે.
૨. તેઓ વર્તમાનની ચિંતા નથી કરતા, પણ સુંદર અને સમૃદ્ધ ભવિષ્યનાં સપનાં જુએ છે. જાણે કે ભવિષ્યને વર્તમાન સાથે કોઈ સંબંધ જ ન હોય.
૩. તેઓ તર્કબદ્ધ વાત નથી કરી શકતા. એકાદ-બે વાક્યથી વધારે તેઓ કોઈ દલીલ નથી કરી શકતા.
૪. તર્કબદ્ધ દલીલના અભાવમાં તેઓ ટીકાકાર ઉપર અજ્ઞાની હોવાનો કે પક્ષપાતી હોવાનો કે હિંદુ ધર્મ વિરોધી હોવાનો આરોપ કરશે અને છેવટે ગાળોનો આશરો લે છે.
૫. તેમનામાં એકલો જાને રે …નો પુરુષાર્થ જોવા નહીં મળે, તેમનો પુરુષાર્થ ટોળાંમાં ખીલે છે.
૬. જૂનવાણી વિચાર અને વર્તણુક તેમ જ અંધશ્રદ્ધાનું પ્રમાણ તેમનામાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળશે.
***
પાતંજલ યોગસૂત્રમાં બીજું (અને ખરું પૂછો તો વિષયપ્રવેશના પહેલા સૂત્ર પછીનું પહેલું જ) સૂત્ર છે: योग: चित्तवृत्ति निरोध: ચિત્તની વૃત્તિઓને રોકે, વારે એ યોગ.
આગળ વધતા પહેલાં આ વૃત્તિઓ શું છે એ સમજી લઈએ. બીજા અન્ય પશુઓ અને પક્ષીઓની સરખામણીમાં માનવી સ્મરણશક્તિ અનેકગણી ધરાવે છે. સારા-માઠા અનુભવો માનવી ચિત્તમાં સંઘરી રાખે છે. એ અનુભવજન્ય સ્મરણ આગળ જતાં સંસ્કાર અને પછી વૃત્તિમાં પરિવર્તિત થાય છે. ધીરેધીરે એ વૃત્તિઓ ચિત્તમાં ઘર કરવા માંડે છે અને ઘનીભૂત થવા લાગે છે. એ એટલી હદે ઘનીભૂત થાય છે કે તે માનવીના વ્યવહારને પ્રભાવિત કરે છે. આવો માનવી વૃત્તિગ્રસ્ત થતો જાય છે એટલે સ્વાભાવિકપણે વર્તમાન અને તેની વાસ્તવિકતાઓથી દૂર ભાગે છે. દૂર ભાગે છે એમ કહેવું પણ ખોટું છે, તે વર્તમાનમાં પ્રવેશી જ શકતો નથી, તેનું ચિત્ત વૃત્તિઓમાં જ રમ્યા કરે છે. તેને ધીરેધીરે તેમાં સુખનો અનુભવ થવા લાગે છે. અતીતની પીડામાં પણ તે સુખ અનુભવે છે અને પ્રતિશોધ અર્થાત્ વેરવૃત્તિમાં પણ તે સુખનો અનુભવ કરે છે.
વૃત્તિઓમાં બે વૃત્તિ પ્રબળ હોય છે. એક સ્થૂળ વિષયસુખ અને બીજો ભય. આને લગતા જે અનુભવો થયા હોય કે કાંઈ સાંભળ્યું હોય એ વૃત્તિ બનીને ચિત્તમાં ઘર કરી જાય છે. માણસ સતત વિષયસુખના મીઠા વિચારોને અને અનુભવેલી પીડાને વાગોળતો રહે છે. જેટલું વાગોળવાનું પ્રમાણ વધારે એટલું વર્તમાનથી દૂર થવાનું પ્રમાણ વધારે. કલાપીએ કહ્યું છે, ‘માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાવો’, તો મનને સુખ આપે એવા મીઠા વિચારો કરતો, ભૂતકાળનાં જખમો અને પીડાઓને ખોતરીખોતરીને રૂઝાવા નહીં દેનારો અને માણેલું સુખ પાછું ભોગવવાના કે પીડા આપનાર સામે વેર વાળવાનાં સપનાં જોતો માનવી તમને ક્યારે ય વર્તમાનમાં જીવતો જોવા નહીં મળે. એ શક્ય જ નથી. જેમ અંધકાર અને પ્રકાશ સાથે ન રહી શકે એમ ભૂત અને ભવિષ્ય વર્તમાનની સાથે ન રહી શકે.
અને પુરુષાર્થને વર્તમાન સાથે સંબંધ છે. એ પુરુષાર્થ મોક્ષ માટેનો હોય કે ભૌતિક સિદ્ધિ અને સુખ માટેનો હોય, એ વર્તમાનમાં જ હાંસલ કરી શકાય. પુરુષાર્થને ભૂત અને ભવિષ્ય સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. માટે ભગવાન પતંજલિએ કહ્યું છે કે યોગ એ છે જે ચિત્તની વૃત્તિઓને નિરોધે. તેને રોકે, તેને વારે અને તેનું શમન કરે. આ જરૂરી છે, કારણ કે જિંદગીને માત્ર અને માત્ર વર્તમાન જ સાર્થક કરી શકે, ભૂત અને ભવિષ્ય ન કરી શકે. વેદકાલીન ઋષીઓથી લઈને સ્વામી વિવેકાનંદ જેવા મેધાવીઓએ વર્તમાનમાં જીવીને જીવતર સાર્થક કર્યું હતું માટે આજે આપણે તેમના માટે ગૌરવ અનુભવીએ છીએ. જો તેઓ ભૂતકાળની મીઠી દાસ્તાનો યાદ કરીને, જખમોને જીવતા રાખીને રડતા રહીને અને મહાન ભવિષ્યનાં સપનાં જોતાં રહીને જીવ્યા હોત તો તેઓ મહાન ન થયા હોત. પતંજલિ કહે છે કે તમારે જો તમારા જીવતરને સાર્થક કરવું હોય તો વર્તમાનમાં જીવવું પડશે અને તમારા ચિત્તમાં બેઠેલી અને વિચારી-વિચારીને ઘનીભૂત કરેલી વૃત્તિઓ તેમાં બાધક છે. બાધક શું રસ્તામાં મોટો પહાડ છે જેને તમારે ઓળંગવાનો છે. આયખું એક જ મળ્યું છે. નિર્ણય તમારે લેવાનો છે. વૃત્તિગ્રસ્ત બનીને એટલે કે વૃત્તિઓનો શિકાર બનીને તેને તમારે વેડફવું છે કે પછી પુરુષાર્થ કરીને તેને સાર્થક કરવું છે? જો તમે જીવન સાર્થક કરવા પુરુષાર્થનો વિકલ્પ પસંદ કરવાના હો તો એને માટે તમારે વર્તમાનમાં જીવવું પડશે, બીજો કોઈ વિક્પ જ નથી અને જો વર્તમાનમાં જીવવું હોય તો વૃત્તિઓથી મુક્ત થવું પડશે.
યોગ આ છે. બાબા રામદેવ યોગના નામે જે કસરત કરાવે છે એ યોગ નથી. પણ એટલું માનવું પડે કે બાબા રામદેવ પોતે પુરુષાર્થી છે. એ લોકોને ભવ્ય ભૂતકાળનો વારસો યાદ કરાવીને અને એ વારસાને પાછો જીવતો કરવાના ભવિષ્યનાં સપનાં બતાવીને વર્તમાનમાં ધંધો કરે છે. માદળિયાં બંધાવનારાઓ અને ઝાડફૂંક કરનારા બંગાળી બાબાઓ પણ વર્તમાનમાં જીવે છે અને ડરેલાઓને તેમ જ લાલચ ધરાવનારાઓને ભૂત અને ભવિષ્યમાં રાખે છે. મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં વૃત્તિઓનું નિરોધન કઈ રીતે કરી શકાય અને એ દ્વારા વૃત્તિમુક્ત થઈને વર્તમાનમાં પુરુષાર્થી કઈ રીતે થઈ શકાય તેની પ્રક્રિયા બતાવી છે.
મહર્ષિ પતંજલિ એક છેડે છે તો બીજા છેડે એવા લોકો પણ છે જે માનવી વર્તમાનમાં ન પ્રવેશે એમાં સ્વાર્થ ભાળે છે. જેમ પતંજલિએ માનવીને વર્તમાનમાં લઈ આવવાની પ્રક્રિયા વિકસાવી છે એમ બીજા છેડાના લોકોએ માનવી ભૂત અને ભવિષ્યના વિચારો કરતો વૃત્તિગ્રસ્ત બનીને આયખું વિતાવે એની પ્રક્રિયા વિકસાવી છે. વર્તમાનમાં જીવતા મુક્ત અને પુરુષાર્થીને ટોળાંમાં ફેરવી ન શકાય, તેને વાપરી ન શકાય અને તેમને તેનો ઉપયોગ કરવો છે.
એ કેવી પ્રક્રિયા છે એની વાત હવે પછી.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 ઑક્ટોબર 2021