Opinion Magazine
Number of visits: 9504153
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જિજ્ઞેશ મેવાણીની દમનકારી ધરપકડ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|27 April 2022

અત્યારના સમયમાં ગુજરાતને મળતાં મળે એવા પ્રગતિશીલ, મૂલ્યનિષ્ઠ અને સમર્પિત ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની શાસકોએ આપખુદ અને દમનકારી રીતે આસામની પોલીસ થકી ધરપકડ કરાવી. સરકારના આ જુલમી કૃત્યની સામે અમદાવાદ સહિત ગુજરાતમાં કેટલીક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે.

ગઈ કાલે  25 એપ્રિલે બપોર પછી જિજ્ઞેશને આસામની કોકરાઝર અદાલતમાં જામીન મળ્યા. પણ તે પછી તરત જ તેમની નજીકના બરપેટા જિલ્લાની પોલીસ દ્વારા ફરીથી ધરપકડ કરવામાં આવી છે.  તારીખ 21 એપ્રિલના ગુરુવારની રાત્રે તેમની ધરપકડ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતી ટ્વિટના આરોપ હેઠળ કરવામાં આવી હતી. સોમવારે જામીન મળ્યા બાદ તરત જ તેમની ધરપકડ તેમણે 22 તારીખે ગુવાહાટીથી કોકરાઝારના માર્ગે મહિલા પોલીસ પર હુમલો કર્યો હતો તેવા આરોપ હેઠળ કરવામાં આવી છે. આ લખાય છે ત્યારે એ આરોપ હેઠળ તેમને અદાલતે પાંચ દિવસની પોલીસ કસ્ટડી આપી છે.

તમામ પ્રકારના વંચિતો માટે સતત મથ્યા કરનારા જિજ્ઞેશની અનેક રીતે અત્યંત ચિંતા ઉપજાવનાર ધરપકડ અંગે ગુજરાતી માધ્યમોમાં ભાગ્યે જ જોવા મળેલી કેટલીક બાબતો અને કેટલાક નોંધપાત્ર મુદ્દા  આ મુજબ છે.

• જિજ્ઞેશે કરેલી ટ્વિટ આ મુજબ હતી : ‘ગોડસે કો અપના આરાધ્ય માનનેવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 તારીખ સે ગુજરાત દૌરે પે હૈ. ઉનસે અપીલ હૈ કી ગુજરાત મેં હિમ્મતનગર, ખંભાત ઔર વેરાવળ મેં જો કૌમી હાદસે હુએ હૈ ઉસકે ખિલાફ શાન્તિ ઔર અમન કી અપીલ કરેં. મહાત્મા મંદિર કે નિર્માતા સે ઇતની ઉમ્મીદ તો બનતી હૈ.’

18 એપ્રિલની આ ટ્વિટની સામે ભારતીય જનતા પક્ષના આસામના બરપેટાના સ્થાનિક નેતા અને બોડોલૅન્ડ ટેરિટોરિયલ  કાઉન્સિલના સભ્ય અરુપ દેએ ફરિયાદ નોંધાવી હતી.

અદાલતે જિજ્ઞેશના જામીન હુકમમાં આ મતલબનું કહ્યું છે : ‘પ્રાથમિક રીતે મેવાણીની ટ્વિટ કોઈ વર્ગ, સમુદાય, ધાર્મિક જૂથ, વંશ, ભાષાનું પ્રતિનિધિત્વ કરતી નથી.’ ન્યાયાધીશ નોંધે છે : ‘ શ્રી નરેન્દ્ર મોદી ગોડસેને પૂજે છે અને તેને ‘ભગવાન ગણે છે’ એ વાક્ય આરોપીને IPC કલમ 120B/153A અને IT Act Section 66 હેઠળ અટકાયતમાં રાખવા માટેનું વાજબી ભૂમિકા પૂરી પાડતું નથી એમ મને લાગે છે.’

[On Monday, the court granted bail to Mevani, saying that the statement (Mevani’s tweet) “prima facie does not represent any class, community, religious group of people, race, language”.

“I do not find reasonable ground to hold the accused in detention for the offence under Section 120 B/153 A.of IPC R/W Section 66 of the IT Act only for the sentence that Mr Narendra Modi worships and considers ‘Godse as God’,” the order said. ]

• જિજ્ઞેશની ધરપકડની આખી પ્રકિયામાં સર્વોચ્ચ અદાલતની 2014ની ગાઇડલાઇન અને ક્રિમિનલ પ્રોસિજર કોડનો ભંગ થયો છે. જિજ્ઞેશ મેવાણીએ કરેલી ટ્વિટ સામે પોલીસે જે કલમો લગાડી છે તે  ન્યાયપૂર્ણ ઠેરવી શકાય તેમ નથી. આ બંને મુદ્દાની  છણાવટ વકાશા સચદેવે The Quaint  નામના પોર્ટલમાં Everything Wrong (Legally) With Jignesh Mevani's Arrest by Assam Police મથાળા હેઠળ લખેલા લેખમાં વાંચવા મળે છે.

(https://www.thequint.com/…/jignesh-mevani-arrest…) 

• આસામમાં જિજ્ઞેશના વકીલ અંશુમાન બોરાએ કહ્યું છે કે  મહિલા પોલીસ પરના હુમલાની વાત ગળે ઊતરે તેમ નથી.

• આસામ પોલીસે જિજ્ઞેશની ધરપકડ કરી તેની સાથે ગુજરાત પોલીસ પણ તેની પાછળ પડેલી હતી. દર્શન દેસાઈ Free Press Journalમાં લખે  છે કે ગુજરાત પોલીસે જિજ્ઞેશના અમદાવાદનાં ઘર પર, તેના ગાંધીનગરના ધારાસભ્યના ક્વાર્ટર પર, તેના ટેકેદારોના ઘરો પર અને જિજ્ઞેશે સ્થાપેલાં રાષ્ટ્રીય  દલિત અધિકાર મંચની કચેરી પર પણ છાપા માર્યા હતા. જિજ્ઞેશના સાથી સુબોધ પરમારના જણાવ્યા મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ તેમને મળેલાં ચાર સરનામાં પર ઝડતી લીધી હતી.  સંગઠનની રખિયાલની કચેરી પરથી તેઓ ડેસ્કટૉપ કમ્પ્યુટર અને સી.પી.યુ. લઈ ગયા.

તદુપરાંત ક્રાઇમના અધિકારીઓ જિજ્ઞેશના નજીકના સાથીદાર કમલેશ કટારિયાની ઑફિસમાં ઘૂસીને તેમનો મોબાઇલ આંચકી લીધો હતો. એ જ રીતે પોલીસે જિજ્ઞેશના એમ.એલ.એ. ક્વાર્ટર્સમાં ઘૂસીને બે ડેસ્ક ટૉપ કૉમ્પ્યુટર્સ, અને સી.પી.યુ. લઈ ગયા અને તેના બે સાથીદારોના મોબાઇલ આંચકી લીધા. આટલું ઓછું હોય તેમ પોલીસ મેવાણીના પાલનપુરમાં રહેતાં આસિસ્ટન્ટ સતીશના ઘરે પહોંચ્યા. સતીશ ઘરે ન હતા તો પોલીસે સતીશનાં મા-બાપનાં મોબાઇલ લઈ લીધાં.

News Click પોર્ટલમાં દમયંતી ધર જિજ્ઞેશના સાથીદારો પર પોલીસે કરેલાં દમન વિશે લખે છે. જિજ્ઞેશની ધરપકડના બીજા દિવસે એટલે કે 22 એપ્રિલે જશોદાનગર, બાપુનગર અને અસારવા વિસ્તારોમાં રસ્તા રોકો કાર્યક્રમ શરૂ થયો. તેમાં જશોદાનગરથી ક્રાઇમ બ્રાંચવાળા જિજ્ઞેશના સાથી કમલેશ કટારિયાને ઊપાડી ગયા. એ જ સમયે પોલીસની એક ટુકડીએ રખિયાલ ખાતે આવેલાં તેમના ઘરની ઝડતી લીધી. કમલેશભાઈએ કહ્યું કે પોલીસે તેમને જ્યારે રાત્રે છોડ્યા ત્યારે એમનું ઘર ઊપરતળે થઈ ગયું હતું. પોલીસે ખૂણેખાંચરે તપાસ કરી. તેમણે ઘરની દિવાલો પર ફટકારી જોયું, જાજમો ખેંચી નાખી, ઘઉંના પીપ જોયાં, બાથરૂમમાં તપાસ કરી, બાળકોનાં નિશાળનાં દફ્તર પણ તપાસ્યાં. આ આખી તપાસ દરમિયાન કમલેશભાઈને ક્રાઇમ બ્રાંચમાં બેસાડવામાં આવ્યા હતા અને તેમનો મોબાઇલ પણ લઈ લેવામાં આવ્યો હતો.

એ જ સમયે જિજ્ઞેશના વધુ એક સાથીદાર જગદીશ ચાવડાની ઘરે પોલીસ જડતી લઈ રહી હતી. પોલીસે તેમને તપાસ હુકમ બતાવ્યો જેમાં તેમના નામ ઉપરાંત જિજ્ઞેશ અને કટારિયાના નામ હતાં. વીસેક પોલીસોએ તેમનું ઘર ઉપરતળે કર્યું. ત્યારબાદ પોલીસ જગદીશભાઈને તેમના ચાંદખેડાના ઘરે લઈ ગઈ. ત્યાં પણ ઘરમાં શોધખોળ કર્યા બાદ તેઓ જગદીશભાઈનું કમ્પ્યુટર લઈ ગયા. કમલેશભાઈ અને જગદીશભાઈ બંનેને પોલીસે તેમનાં ગૅજેટસની જપ્તીનાં કાગળ પર સહી કરાવી અને સાધનો લગભગ એક મહિના બાદ આસામથી પાછાં મેળવી લેવાં જણાવ્યું.

• જિજ્ઞેશની તાનાશાહી ધરપકડની સામે ગુજરાતમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. ગઈ કાલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે અમદાવાદમાં જૂના વાડજ સર્કલથી રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આજે કૉન્ગ્રેસે નોંધપાત્ર પ્રતિકાર રેલી કાઢી હોવાના સમાચાર છે. 22 અને 23 એપ્રિલે કોટડાસાંગાણી, સૂત્રાપાડા, રાપર, ધાનેરા, થરાદ, ચાણસ્મા જેવી અનેક જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન યોજાયાં. અમદાવાદમાં કલેક્ટર કચેરી આગળ થતાં વિરોધ પ્રદર્શનમાં વૉકરને ટેકે, પોસ્ટર પકડીને સાથે ઊભેલા એક ખૂબ ગરીબ ઉંમરલાયક નાગરિકની તસવીર શેર કરીને ‘અમદાવાદ મિરર’ના પત્રકાર જિજ્ઞેશ પરમારે લખ્યું છે : ‘વંચિત સમાજના અધિકારોની રાજનીતિ અને પ્રતિનિધિત્વ અઘરું છે. કેમ કે, તમે જેના હક માટે લડો છો એ સમુદાય રોજ જીવન જીવવા માટે લડે છે. એક દિવસની મજૂરી છોડી કોઈ તમારા પડખે ઊભું રહે તો તેનાથી મોટું કોઈ ઇનામ નથી …’

• નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન – People’s Union for Civil Liberties પણ ધરપકડના વિરોધમાં વિગતવાર નિવેદન આપ્યું છે. 

• જિજ્ઞેશની ધરપકડ અને તેની સામેના વિરોધને મોટાં ગુજરાતી છાપાંમાં નહીંવત સ્થાન મળી રહ્યું છે, જે ચિંતાજનક બાબત છે. 

• ઝુઝારુ જિજ્ઞેશ અણનમ છે. તે આસામમાં બે પોલીસોની વચ્ચે બેઠો હોય ત્યારે ‘પુષ્પા’ ફિલ્મના હિરોની ‘ઝુકેગા નહીં સાલા’ પોઝ આપતો વીડિયો ખૂબ ફરી રહ્યો છે. જ્યારે આપખુદ સરકાર તમને તોડી પાડવા પર ઊતરી હોય ત્યારે આવું કરવા માટે હિમ્મત જોઈએ.

એટલું જ નહીં, પહેલાં કેસમાં ધરપકડ પછી ગુવાહાટી વિમાનઘર પરના વીડિયોમાં જોવા મળે છે કે પોલીસ વાહનમાં બેસતાં બેસતાં ય જિજ્ઞેશે એની ધરપકડને ‘વેન્ડેટા પૉલિટિક્સ’ એટલે કે કિન્નાખોરીનું રાજકારણ ગણાવી હતી. પહેલાં કેસમાંથી જામીન મળવાની સાથે બીજો કેસ ફટકારવામાં આવ્યો. તે વખતે ત્યારે જિજ્ઞેશનો પ્રતિભાવ The Indian Expressએ નોંધ્યો છે. તેને  કોકરાઝારથી બરપેટા લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે વાનમાંથી પત્રકારોને કહ્યું કે ભા.જ.પ. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની ઇમેજ બગાડવા માગે છે. તેઓ તેને નિશાન બનાવીને પદ્ધતિસર રીતે ખતમ કરવા માગે છે. તેમણે રોહિત વેમુલા અને ચન્દ્રશેખર આઝાદ સાથે એવું કર્યું અને હવે તેઓ મને નિશાન બનાવી રહ્યા છે. એ લોકોને દલિતો સાથે ગંભીર પ્રશ્નો છે.

• સરકાર પોલીસ, દમનકારી કાયદા, સી.બી.આઈ., ઇ.ડી., એન.આઈ.એ. જેવી એજન્સીઓના બેફામ ઉપયોગથી માનવ અધિકાર કર્મશીલો, જનવાદી સંગઠનો, વૈચારિક વિરોધીઓ, રાજકીય હરીફોને ખતમ કરવા મક્કમ હોય તેવા  સંખ્યાબંધ કિસ્સા આપણા દેશમાં બની રહ્યા છે.

જિજ્ઞેશ મેવાણી એ કાવતરાનો ભોગ ન બને એ જોવાની માત્ર દલિત વર્ગોની જ નહીં, પણ આખાય નાગરિક સમાજની ફરજ છે.

26 એપ્રિલ 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

27 April 2022 admin
← ગાંધીજીએ કેમ હિન્દુસ્તાની ભાષાની તરફદારી કરી હતી
યુદ્ધ દરેક નિષ્ફળતાનું અંતિમ બહાનું છે →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved