Opinion Magazine
Number of visits: 9448796
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જેના ખીસામાં નાણાં છે તે આ દુન્યામાં શ્યાણાં છે પૈસા હોય નહીં પાસે તે ડાહ્યા ભી દીવાના છે!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|20 December 2018

હૈયાને દરબાર

ગુજરાતી રંગભૂમિનાં અમર ગીત, સાહ્યબો મારો ગુલાબનો છોડ વેલી હું તો લવંગની વિશે એક અઠવાડિયા પૂર્વે આપણે વાત કરી. પરંતુ, તમે જાણો છો કે ગુજરાતી રંગભૂમિની જનેતા કોણ છે? ૧૯મી સદીના પાંચમા દાયકા પહેલાં, ગુજરાત પાસે પોતાની રંગભૂમિ નહોતી. એ વખતે અન્ય જાહેર ક્ષેત્રોની જેમ પારસીઓએ રંગભૂમિને વ્યવસ્થિત આકાર આપવા માટે આગેવાની લીધી હતી. એ રીતે ગુજરાતી રંગભૂમિને જન્મ આપવાનો યશ પારસીઓને જાય છે.

પારસી રંગભૂમિનાં ગીતો એટલે ખડખડાટ હાસ્ય, રમૂજવૃત્તિ અને નિખાલસતા. એમાં ઠઠ્ઠા-મશ્કરી પણ ભળે. પારસી રંગભૂમિના જ્ઞાતા ડૉ. રતન માર્શલ નોંધે છે એમ પારસીઓની રમૂજવૃત્તિનું કારણ એમના ધર્મમાં પલાયનવાદ(એસ્કેપિઝમ)નો અભાવ. એમનો ધર્મ સંસારનો ત્યાગ ન કરતા સંસારમાં જ રહીને સીધા માર્ગે, મર્યાદામાં રહી જીવનનો આનંદ માણવાનું કહે છે. તેઓ માને છે કે જે જીવ યોગ્ય માર્ગે જીવન જીવે એ ઈશ્વર-અહુરમઝદની સૃષ્ટિ રચના અને એના સંચાલન કાર્યમાં સહાય કરે છે. કદાચ આથી જ પારસીઓમાં જીવનનો સાચો આનંદ અને પોતાના આનંદ તેમ જ સુખસાધન સંપત્તિમાં બીજાને ભાગીદાર બનાવીને માણવાની વૃત્તિ સવિશેષ જોવા મળે છે.

રંગભૂમિ પરત્વેની નિષ્ઠાને કારણે દાદાભાઈ નવરોજીના આશીર્વાદથી ઈ.સ. ૧૮૫૩ના ઓક્ટોબરમાં પારસીઓ દ્વારા નાટ્ય મંડળી ક્લબ ખોલવામાં આવી, જે ‘પારસી નાટક મંડળી’ નામે પ્રસિદ્ધ થઈ હતી. આ નાટ્ય મંડળીનું સંચાલન વર્ષો સુધી ફરામજી ગુસ્તાદજી દલાલે કર્યું હતું. આ નાટક મંડળીએ ‘રૂસ્તમ અને સોરાબ’ નામનું પહેલું ગુજરાતી નાટક રજૂ કરી ગુજરાતી રંગભૂમિનું મંગલાચરણ કર્યું હતું . ‘રુસ્તમ સોરાબ’માં રુસ્તમના પાત્રે અસલી ઘોડા પર એન્ટ્રી મારીને પહેલા જ પ્રયોગમાં લોકોનાં દિલ જીતી લીધાં હતાં. જૂની પારસી રંગભૂમિના ભીષ્મ પિતામહ કેખશરૂ કાબરાજી હતા. તેઓ નાટ્યકાર, પત્રકાર, સાહિત્યકાર, એકટર હતા. તેમના હરીશચંદ્ર નાટકના ૧,૧૦૦ શો થયા હતા. નવી રંગભૂમિના પિતામહ અદી મર્ઝબાન હતા. તેમણે ૧-૨ સેટમાં ૨, ૫-૩ કલાકમાં નાટક ભજવાય તેવાં નાટકો તૈયાર કર્યાં હતાં.

૧૮૫૩થી ૧૮૬૯ વચ્ચે લગભગ વીસ અવેતન નાટક મંડળીઓની સ્થાપના થઈ જેના વ્યવસ્થાપકો, દિગ્દર્શકો અને અભિનેતાઓ પારસી હતા. એ સમયે અંગ્રેજી નાટકોનું રૂપાંતર કરીને પારસી-ગુજરાતી નાટકો ભજવવાની શરૂઆત થઇ હતી. ‘રૂસ્તમ અને સોરાબ’ પછી સુરતની એક ક્લબે શેક્સપિયરના નાટક ‘ધ ટેમિન્ગ ઑફ શ્રુ’નું ગુજરાતી રૂપાંતર ‘નઠારી ફિરંગણ ઠેકાણે આવી’ કરીને ભજવ્યું હતું. કેખશરૂ કાબરાજીએ ૧૮૬૭માં ‘વિક્ટોરિયા નાટક મંડળી’ સ્થાપી. પારસી રંગભૂમિના ઇતિહાસમાં સૌથી દીર્ઘ આયુષ્ય ભોગવનારી બે મહાન નાટક મંડળીઓ ‘વિક્ટોરિયા નાટક મંડળી’ અને ‘આલ્ફ્રેડ નાટક મંડળી’નું પારસી રંગભૂમિ ક્ષેત્રે ઘણું મહત્ત્વ રહ્યું. નાટકમાં સ્ત્રીપાત્રને ઉતારવાનો પ્રથમ અખતરો પારસી શખસ દાદી પટેલે કર્યો હતો.

અત્યારની પારસી રંગભૂમિના સુપ્રસિદ્ધ નાટ્યકાર અને રમૂજના રાજા એવા સુરતસ્થિત યઝદી કરંજિયા જૂની પારસી રંગભૂમિનાં એ દિવસો યાદ કરતાં કહે છે, "પારસી રંગભૂમિ એટલે હાસ્યનો ધોધ. આટલાં વર્ષોમાં માંડ એકાદ બે સિરિયસ નાટકો થયાં હશે! મેં પોતે કેટલાં બધાં ગીતો પારસી રંગભૂમિ પર ગાયાં છે. બધાં ગીતો કોમેડી. તમને બે-ત્રણ ઉદાહરણ આપું. એક ગીત એવું હતું જેમાં કહે છે કે જમાનો બદલાયો છે તે લોકો તમે ચેતો.

ફેરવાયો છે આજ જમાનો કોણ સૂણે ફરિયાદ
ઘરમાં ધણીઓને નહીં દાદ…!

બીજું એક ગીત છે :

પપ્પા બૈરી અપાવો રે, પ્રોમીસ આપ્યું છે મને પુરીએ
એના વગર નહીં હું જીવી શકસ, ઝૂરી ઝૂરી મરી જવસ

ત્યારે બાપ કહે :

દીકરા ઉતાવળ ના કર, તું સબૂરી પકડ
બૈરી તને અપાવસ, ધાંધલ ધરપત તું ના કર…!

આવાં તો કંઈ કેટલાં ય ગાયનો અમે ગાયાં છે.

યઝદીભાઈએ પારસી રંગભૂમિને અઢળક નાટકો આપ્યાં છે. ૮૨ વર્ષની વયે પણ નાટ્ય ક્ષેત્રે કાર્યરત યઝદીભાઈ ૬૦-૭૦ વર્ષ પહેલાંના જમાનાની વાત કરતાં કહે છે, "એ વખતે મનોરંજનના કોઈ સાધનો ન હોવાથી લોકો નાટક-ચેટક પ્રત્યે ખૂબ આકર્ષાતા. નાટ્યક્ષેત્રે મારો પ્રવેશ પણ બહુ નાટકીય હતો. મારા પિતા કેમ્બે ઇન્સ્ટિટ્યૂટ નામની વાણિજ્ય સંસ્થા ચલાવે, જેમાં એકાઉન્ટ્સ, ટાઈપ રાઇટિંગ બધું શીખવાડે. એનું વાર્ષિક સ્નેહ સંમેલન એકવાર યોજાયું હતું, જેમાં એમણે એક નાટક કરવાનું હતું. રિહર્સલ તો ઘરમાં જ ચાલે. એ જોવા અમે બધા બેસીએ. પિતાજીએ એમના ફાધર એટલે કે મારા દાદાને આ સ્નેહ સંમેલનમાં આવવા નિમંત્રણ આપ્યું હતું. દાદાને મારા ઉપર ખૂબ પ્રેમ એટલે એમણે કહ્યું કે આ નાલ્લા યઝદીને નાટકમાં ઊતારો તો હું જોવા આવીશ. પપ્પાને હવે છૂટકો નહોતો એટલે નાટકમાં આવતા રાસલીલાના એક દૃશ્યમાં મને કૃષ્ણ તરીકે ઊભો રાખી દીધો. મારે બીજું કંઈ કરવાનું નહોતું. કૃષ્ણની જેમ ફક્ત પગ ક્રોસ કરીને ઊભા રહેવાનું અને હાથમાં વાંસળી ઝાલી રાખવાની. રાસલીલામાં બધા હૃષ્ટપુષ્ટ છોકરાઓ હતા. છોકરીઓનો વેશ પણ છોકરાઓ જ ભજવે ને એવી ધમધમાટી બોલાવે કે દાંડિયા તૂટી જાય. એટલે એમને બાવળના દાંડિયા પકડાવવામાં આવ્યા હતા. બસ પછી તો એ બધા એવા ધમ ધમ પગ પછાડી ગોલ ગોલ ફરીને રાસલીલા કરવા માંડ્યા કે મારા તો ક્રોસ કરેલા પગ ખૂલી ગયા અને હું તો વાંસળી પકડીને ઊભો જ રહી ગયો. રાસ પૂરો થયો ને બધાં સ્ટેજ પરથી જતાં હતાં ત્યારે એમના પગ ભીના થયા. બધા સમજી ગયા અને મશ્કરી કરી બોલવા લાગ્યા કે આ કૃષ્ણે જ ‘લીલા’ કરી લાગે છે. ખરે જ હું એવો ડરી ગયો હતો કે પૂછો નહિ! આવો હતો મારો પહેલો પરફોર્મન્સ!

જો કે હજુ એમને કોઈ ગંભીરતાપૂર્વક અદાકાર બનાવવા તૈયાર નહોતું. "એક તો હું બટકો અને ઉંમરમાં નાનો. પણ એક વાર મારા પપ્પાની શાળાની શતાબ્દીની ઉજવણી હતી. એમાં જે છોકરો સ્ત્રીપાત્ર કરતો હતો એને કાર્યક્રમના આગલા જ દિવસે અછબડા થયા. હવે છેલ્લી ઘડીએ કોને રાખવો એટલે પિતાજીએ મને પૂછ્યું કે દીકરા, તું આ રોલ કરશે? ઘરમાં જ રિહર્સલ ચાલે એટલે પાત્રના ડાયલોગ મને મોઢે જ હતા, એટલે મેં હા પાડી. પણ તકલીફ એ હતી કે સ્ત્રીપાત્રમાં મારાથી પ્રવેશાય નહીં. "હું આવી કહેવાનું હોય ત્યાં "હું આવ્યો એવું જ બોલાઈ જાય. બાપાએ બે-ચાર વખત ધોલ-ધપાટ કરી એટલે પછી યાદ રહી ગયું. એ નાટક તો એવું ઊપડ્યું કે મને તો એમ થયું કે આપણે બહુ મોટા કલાકાર થઈ ગયા. નાટક પૂરો થયા પછી મને પાંચ રૂપિયાનો સરપાવ અને કેટકેટલી ગિફ્ટ મળી હતી! આપણે તો ધરતીથી ઉપર ચાલવા લાગ્યા હતા. ત્યાર બાદ દિલ્હીના નેશનલ ફેસ્ટિવલમાં અમે ચં.ચી. મહેતાનું નાટક ‘મૂગી સ્ત્રી’ કર્યું. એ પણ ખૂબ સરસ ગયું અને મને બેસ્ટ એક્ટરનું પ્રાઈઝ મળ્યું. બસ, ત્યાર પછી પાછું વાળીને જોયું નથી. આજે અમારું આખું કુટુંબ નાટ્ય જગત સાથે સંકળાયેલું છે.

એ જમાનામાં લેખકો, દિગ્દર્શકો, કલાકારો પણ નાટ્ય પ્રત્યે સમર્પિત હતા. હંમેશાં એકબીજાને મદદ કરવા તત્પર રહેતા. મુંબઈના ફિરોઝ આંટિયાએ મારું નાટક ‘મૂગી સ્ત્રી’ જોયું અને એમને ઘણું ગમ્યું હતું. એમણે કરેલું એક નાટક ‘વાહ રે બહેરામ’ પણ બહુ સરસ હતું. મને એ નાટક સુરતમાં કરવાની ઈચ્છા હતી એટલે મેં એમને પૂછ્યું કે આ તમારું નાટક હું સુરતમાં કરું અમારી ટીમ સાથે? તો એ કહે કે ભલે, કર. પણ મારી રોયલ્ટીનું શું? હવે મને તો રોયલ્ટી ફોયલ્ટી શું એ કંઈ ખબર જ નહોતી. તે મને કહે, "ગધેરા, અમારી પાસેથી નાટક લેવું હોય તો લેખકને પૈસા આપવા પડે. ૨૫ રૂપિયા આપવા પડશે! એ જમાનામાં ૨૫ રૂપિયા એટલે અધધધ! જેમ તેમ કરીને મારી પાસેથી ૧૮ રૂપિયા નીકળ્યા. હું આપવા માંડ્યો એટલે મને કહે કે જા જા દીકરા, તું નાટક કર. જો સફળ અને સરસ થાય તો એ જ મારું મહેનતાણું! આવા કદરદાન લોકો હતા એ વખતે.

કેટલાં ય પારસી નાટકોનાં પાંચસોથી વધુ શો કરી ચૂકેલા તથા ૩૦૦થી વધુ રેડિયો નાટક કરનાર યઝદીભાઈને મોરારિબાપુને હસ્તે પ્રતિષ્ઠિત નટરાજ એવૉર્ડ મળી ચૂક્યો છે. એ પોતે કેટલા ઉદાર છે એ કથા પણ સાંભળવા લાયક છે. "નાટ્યક્ષેત્રે મારી સફળતા અને નિષ્ઠા જોયા પછી પપ્પાએ મારી પાસે એક વચન માંગ્યું હતું કે દીકરા, તારો શોખ પૂરો કરજે પણ નાટકમાંથી કમાણી કરતો નહીં. કલાકાર માટે કલા એ ઈશ્વરની ઈબાદત છે. અને એ વચન મેં આજ દિન પર્યંત નિભાવ્યું છે. હું મારી પ્રશસ્તિ નથી કરતો પરંતુ મારે કહેવું જોઈએ કે અત્યાર સુધી અમારા નાટકોમાંથી લગભગ ત્રણથી સાડા ત્રણ કરોડ રૂપિયા દાનમાં આપવા અમે સહાયભૂત થયાં છીએ. નાટકનો ખર્ચ પૂરો લઈ લઉં પણ બાકીના રૂપિયા આયોજકોના. ૨૦૦૧ની સાલમાં કચ્છ-ગુજરાતમાં ભયાનક ધરતીકંપ થયો એ વખતે અમે બેંગલોર નાટક કરવા માટે ગયા હતા. જલારામ મંદિરના લાભાર્થે શો હતો. એ વખતે મેં આયોજકોને વિનંતી કરી કે નાટકના ઇન્ટરવલ વખતે અમે ઝોળી લઈને ફરીશું અને એમાંથી જે રૂપિયા મળશે તે અમને કચ્છ મોકલવાની ઈચ્છા છે. મારો દીકરો શેહઝાદ સુંદર ગાઇ શકે છે. દીકરી વક્તા છે. એણે દર્શકોને અપીલ કરી. મારા દીકરાએ વૈષ્ણવજનની ધૂન શરૂ કરી ને ઝોળી છલકાવા લાગી. આયોજકોએ પણ પૂરો સહકાર આપી અમને એકને બદલે ચાર નાટકના શો આપ્યા. તમે માનશો, આ ચાર શોમાંથી રૂપિયા ૪૬ લાખ ઊભા કરી અમે કચ્છ મોકલી આપ્યા હતા.

આવી તો કેટકેટલી વાતો પારસી રંગભૂમિ સાથે સંકળાયેલી છે. હજુ થોડાં ગીતો અને પારસીઓના સંગીત ક્ષેત્રે પ્રદાનની રસપ્રદ વાતો બાકી છે. આવતા અંકે એ પૂરી કરીશું. જૂની પારસી રંગભૂમિનાં ગીતો તો તમને એ પેઢી પાસે એમના મોઢેથી જ સાંભળવા મળી શકે. ઇન્ટરનેટ પર આધુનિક પારસી ગીતો સાંભળવાની મજા આવશે, ટ્રાય કરજો. ક્રિસમસ કેરલ્સ જેવા ટ્યુનમાં ઘણાં ગીતો છે. એ રીતે ક્રિસમસની ઉજવણી પણ થઇ જશે.

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 20 ડિસેમ્બર 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=455518

Loading

20 December 2018 admin
← એક ડોસી ડોસાને હજી ‘સવાલ’ કરે છે
Bulandshahr: Unraveling the anatomy of a riot →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved