ભાષાશાસ્ત્રના નિષ્ણાત તેવા નિવૃત્ત પ્રાધ્યાપક અને તેમનાં પત્નીએ, શારીરિક તકલીફોથી કંટાળીને ગયા મહિને અમદાવાદમાં પોતાના જીવનનો અંત આણ્યો. તેમને ‘નિરીક્ષક’ના તંત્રીશ્રીની અંજલિ સાથે દિવંગત પ્રાધ્યાપકની અંતિમ નોંધ ‘નિરીક્ષક’માં આપણે જોઈ છે.
આ દુઃખદ ઘટના અફસોસજનક હોવા ઉપરાંત કંઈક વિશેષ અર્થમાં અસર કરી જાય તેવી છે, જીવન, જિંદગી અને મૃત્યુ એ દરેક માટે અલગ ને અંગત અનુભવ, સમજ અને અર્થ ધરાવતી હકીકત હોય છે. સૌને માટે આ નિશ્ચિત ઘટના હોવા છતાં તે મહદંશે આકસ્મિક રીતે સતત બનતી રહે છે. દુનિયામાં જ્યારે સોએ માત્ર નવ વ્યક્તિ જ પાંસઠ વર્ષથી વધુ જીવે છે (ભારતમાં તો તે આંકડો ૬.૫૭ છે !) ત્યારે માનવમૃત્યુ કેવું આકસ્મિક છે તે સ્વયંસ્પષ્ટ છે. સંસ્કૃતિ અને શિક્ષણનો પ્રભાવ જો કે તેમાં હકારાત્મક અસર પાડી શકે, પરંતુ તે બીજી અનેક બાબતો પર આધારિત હોય છે. આપણા દેશના સ્વરાજ પછીના ફેરફારો અને અત્યારના, અનુઆધુનિક સમયની અસરોમાં મનુષ્ય વધુમાં વધુ માનસિક તણાવ તેમ જ અસંતોષમાં જીવન પસાર કરી રહ્યો છે. આજે હવે વધતી ઉંમરની સાથે શારીરિક બિમારીને તકલીફોમાં લંબાતું આયુષ્ય કેટલું કંટાળાજનક હોતું હશે, તે માત્ર સંવેદનાપૂર્વક સમજવાનું હોય છે. એક વિદ્વત્જન જ્યારે આ કોયડાના અનિચ્છનીય ઉકેલ માટે નિર્ણય કરે છે, ત્યારે પૂરા સમાજજીવન અને તેની ગતિવિધિઓ સામે શંકાસ્પદ સવાલ ખડો થાય છે. આ ઘટના એકલદોકલ નથી જ તે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ તેને વ્યક્તિગત માની કે મનાવીને તેના વિશે ઉદાસીન રહેવાનું પસંદ કરવામાં આવે છે. શું આ રીતરસમ યોગ્ય, બૌદ્ધિક, સાંસ્કૃતિક, સામાજિક, વિકસિત ને માનવીય ગણી શકાય ?
સંથારો કે તેવા મતલબની સમજથી આવકારેલ પોતાનું મૃત્યુ તે સ્વૈચ્છિક, પોતાના આત્માના કલ્યાણ માટે કરેલું અનુષ્ઠાન છે, તેથી તેવી રીતના મૃત્યુ વિશે અહીં ચર્ચાની વાત નથી. પરંતુ કોઈ પ્રકારનાં માનસિક દબાણ કે વલણને લીધે વહોરી લીધેલ મરણ તે અનિચ્છનીય હોય છે, તેથી આવી માનસિક સ્થિતિનાં કારણો તે મુખ્ય સવાલ હોવો જોઈએ.
આ કારણો દેખીતી રીતે વ્યક્તિગત ગણી લેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે પૂરી સામાજિક જીવનવ્યવસ્થા સાથે સંકળાયેલ હોય છે એ તો સહજ સમજાય તેવું છે કે, આધુનિક સમયમાં માનવીની મનોબળની આંતરિક ક્ષમતા ઝડપથી ઘટી રહી છે. સમાજમાં કુટુંબથી આગળ વધીને વ્યાપક સૌહાર્દના અનુભવના અભાવની અસર પણ સહજ બની રહી છે. સામાજિક માહોલમાં સદ્ભાવના ન હોય તો માનવીય વિકાસની કઈ દિશા સંભવિત બને છે – પ્રગતિ કે પરાગતિ ? સમાજમાં ઉકળાટ, અશાંતિ, અવિશ્વાસ અને ભયનો પ્રભાવ પ્રબળ બનતો રહે, તો માનવવસ્તી અને જંગલનાં પશુજીવનનાં વાતાવરણ વચ્ચે તફાવત નહિવત્ બની રહે છે. આથી, તેનાં મૂળમાં જવાથી આપણી વર્તમાન જીવન-વ્યવસ્થા અને દૃષ્ટિ અથવા અભિગમ વિશે સ્પષ્ટતા થઈ શકે. તે બાબત જ આધુનિકતાની સામે પડકારરૂપ બને છે. સુખ અને આનંદ વિશેની આધુનિક સમજ માનવીય ગુણવિકાસ સાથે કેવી રીતે અનુબંધ સાધે તે વાતને અવગણવામાં આવે છે, તેથી વિદ્વાનો પણ તેને ઉજાગર કરતાં ખચકાટ અનુભવે છે, તેમ જણાય છે. જીવનની ઘરેડમાં ગોઠવાઈ જવાની હોડમાં 'ખરો સુધારો’ શું તે સત્યના આગ્રહની હામ ભરવાનું પણ હવે અનિચ્છનીય બની રહ્યું છે અને તે વલણને આધુનિક સત્ય માનવામાં ડહાપણ ગણાય છે.
આધુનિકતા તે માનવીની જીવનદૃષ્ટિના બદલાવનું મહત્ત્વનું પ્રબળ પરિબળ હોવાનું સમજવામાં આવે છે, ત્યારે સવાલ થાય કે ખરેખર જીવનદૃષ્ટિમાં તે બદલાવ આવે છે? વાસ્તવમાં શું કોઈ જીવનદૃષ્ટિ હોય છે ખરી? જીવન તો હોય છે, પણ તેને જીવવાની કોઈ ચોક્કસ રીત, સમજ, અભિગમ, વિચાર કે નિષ્ઠાની સ્પષ્ટતા હોય છે ખરી? જો તેવું કાંઈ છે જ નહીં, તો વાત સહેલી બની જાય છે, પણ એવું માનવામાં, ધારવામાં કે સમજવામાં આવે છે કે જેમની પોતાની સંસ્કૃતિની ધરોહર છે, તેઓનાં જીવન કોઈ મૂલ્યને ચરિતાર્થ કરવાની સમજથી કે પ્રેરણાથી દોરાયેલાં હોય છે. આ બાબતને સાધારણ રીતે જીવનદૃષ્ટિ તરીકે સમજી લેવામાં આવે છે.
એકવીસમી સદીમાં ભારતનો શહેરી સમાજ અને આધુનિકતાની હવાથી અસરગ્રસ્ત હરેક ભારતીય પોતાનાં સાંસ્કૃતિક મૂળિયાં સાથે કેટલો ને કેવી રીતે જોડાયેલો રહ્યો છે, તે હવે અજાણ્યું નથી. સાંસ્કૃતિક મૂલ્યો વિશે ઉપેક્ષા ઉપરાંત અજ્ઞાનતા એ ઘણી ગંભીર સ્થિતિ હોવાનો અનુભવ સામાન્ય બાબત બની ગઈ છે. તે એ સમજણ તરફ આપણને દોરી જાય છે, જેનો અર્થ છે જીવનમાં શરીર અને તેના પ્રકૃતિગુણો જ સર્વ કાંઈ છે, જે વાસ્તવમાં જડતાનો સ્વભાવ છે. તેને કોઈ ‘અધિક’ ચૈતન્ય તત્ત્વની કે તેનાં સાતત્યનો વિચાર કે સમજ હોવી જરૂરી નથી. જો માનવી તે પ્રકૃતિગત અસ્તિત્વ માત્ર છે, તો સુખી હોવા છતાં શાંતિ અને આનંદના ક્ષણિક નહીં પણ નિરંતર અનુભવથી વંચિત કેમ રહે છે ? વળી, એમ મનાવવામાં આવે છે કે, આધુનિક વિકાસ તે વિજ્ઞાન આધારિત છે. વાસ્તવમાં એમ કહી શકાય કે, વિકાસની વ્યાવસાયિક વ્યવસ્થા પોતાના હિતમાં વિજ્ઞાનનો મતલબી ઉપયોગ કરી રહી છે. તેનાં દુષ્પરિણામ જીવન અને મરણમાં સ્વાભાવિક રીતે પ્રતિબિંબિત થતાં રહે છે.
આ ટૂંકી ચર્ચામાં વધુ તો શું, પણ સમયના બદલાવની ભૂમિગત વાત ઘરના–ગામના–જ એક વડીલની એેમની જબાનમાં : “નાનાભાઈ(ભટ્ટ)ની ભાગવતકથા વખતનાં સંસ્મરણો પણ માલપરા ઉપરાંત આજુબાજુનાં બધાં ગામને એક કુટુંબભાવમાં જોડનારાં યાદ આવે છે … ઘઉંનો લોટ બધા ગામની બહેનોએ ઘેર ઘેર ઘંટીએ હાથે દળી આપેલો. ગાડાંઓમાં ઘઉં ને પછી લોટ લાવવામાં આવેલ … હું જાજરૂઓની ચર ખોદવાની ટુકડીમાં હતો .. !! ગયા એ દિવસો, ફરી ન મળે એ વાતાવરણ, એ માનસિક ભાવનાની શુદ્ધ વિશાળતા !! એ હતું વસુધૈવ કુટુમ્બકમ્!!!!”
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 13