સ્ત્રી-પુરુષના સંબંધો તો વિશિષ્ટ છે જ, તેમાં પણ પતિ-પત્ની બનેલાં પુરુષ અને સ્ત્રીના સંબંધો તો અતિ વિશિષ્ટ ગણાયા છે. સ્ત્રી-પુરુષ તો, બહેન-ભાઈ, વહુ-સસરા, ભોજાઈ – દિયર વગેરે પણ છે, પણ તેમની વચ્ચેના સંબંધો પતિ-પત્નીના હોય એવા નથી હોતા. આમ તો કહેવાતા પવિત્ર સંબંધો પણ દૂષિત થઈ રહ્યા છે, પણ મોટે ભાગે પતિ-પત્ની વચ્ચે હોય તેવા સંબંધો, અન્ય સ્ત્રી-પુરુષ સંબંધોમાં મોટે ભાગે નથી હોતા ને એટલું જુદાપણું સચવાઈ રહ્યું છે, તે આશ્વસ્ત કરનારી ઘટના છે. તો, પ્રશ્ન એ થાય કે સમાજ માન્ય પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં એવું શું વિશિષ્ટ છે જે અન્ય સ્ત્રી-પુરુષોના સંબંધમાં નથી? એનો સીધો જવાબ છે, પતિ-પત્ની વચ્ચેનો શરીર સંબંધ. શરીરસંબંધની હવે બહુ છોછ રહી નથી એટલે, પતિ-પત્ની ન હોય એવા સ્ત્રી-પુરુષોમાં પણ શરીર સંબંધ હોઈ શકે છે. ખાસ કરીને બોયફ્રેંડ-ગર્લફ્રેંડ વચ્ચેના સંબંધોને સમાજ માન્યતા નથી આપતો, એટલા પૂરતો એ સંબંધ અંગત કે ખાનગી ગણવો પડે. એની મોટી મર્યાદા એ છે કે તે સંબંધોથી શક્ય બનતા બાળજન્મને સ્વીકૃતિ મળતી નથી. કોઈ સંજોગોમાં બાળજન્મની નોબત આવે તો બાળકથી છૂટકારો એ જ એક વિકલ્પ બચે છે અથવા એવા સંબધને લગ્નમાંમાં ફેરવવા પડે છે ને તો બાળજન્મનો વાંધો કોઈને ન રહે એમ બને.
ટૂંકમાં, બાળજન્મ અપેક્ષિત ન હોય તો શરીર સંબંધની બહુ છોછ હવે સમાજમાં રહી નથી. કોઈના પણ ગમે તેવા સંબંધો બાબતે સમાજ આંખ આડા કાન કરતો પણ થયો છે. છાને ખૂણે હવે ઘણું નભી જાય છે. એવી ક્લબો ચાલે છે જેમાં પતિ-પત્ની થોડો સમય માટે, બીજાનાં પતિ-પત્ની બને છે ને જુદા શરીરનો આનંદ માણે છે. આ જાહેર નથી હોતું ને નથી ત્યાં, બહુ ખાનગી પણ નથી હોતું ! આવા સંબંધો આયાતી સંબંધો છે. આપણે પરદેશની નકલ કરનારી પ્રજા છીએ. આ અદલાબદલી પણ એ નકલખોરીનું જ પરિણામ છે. એક સમય હતો જ્યારે શરીર સંબંધમાં બાળક રહી જવાનો ભય રહેતો ને કદાચ કોઈ સ્ત્રી એમાં સંડોવાઈ હોય તો તેણે બાળકથી છૂટકારો મેળવવો પડતો અથવા તો તેવી સ્ત્રીએ મોતને વહાલું કરવું પડતું અથવા તો સમાજ જ તેને તેવી દિશા ચીંધી બતાવતો. જો જીવતી, તો સ્ત્રીનું જીવન દોઝખથી બદતર થઈ જતું, પણ જ્યારથી ગર્ભ નિરોધકોનો ઉપયોગ વધવા માંડ્યો છે, સ્ત્રી-પુરુષ બાળક ન થાય એની કાળજી રાખે છે. બાળક રહી જવાનો ડર ન હોવાને લઈને કેટલીક સ્ત્રીઓ પણ હવે મુકતાચારમાં માનતી થઈ છે. એનું પરિણામ એ આવ્યું છે કે સ્ત્રી લગ્ન સમયે અક્ષત યૌવના હોય એ આગ્રહ હવે લગભગ પડતો મુકાયો છે. બાળક રહી જવાની ચિંતા રહેતી ન હોવાથી, સ્ત્રી-પુરુષો પ્રેમ કરવા બાબતે વધુ મુક્ત રહેવાં-થવાં લાગ્યાં છે. શરીરનો આનંદ માણવાની રીતો ને યુક્તિ-પ્રવૃત્તિઓનો વ્યાપ અને સમય પણ વધ્યો છે. એને લીધે પતિ પાસેથી પત્નીની ને પત્ની પાસેથી પતિની, શારીરિક અપેક્ષાઓ પણ વધી છે. એ હવે કેવળ એક વિધિ નથી, એ અવસર પણ છે ને એને અવસરની જેમ જ અલબત્ત ! અંગત રીતે ઉજવાય પણ છે.
એક સમય હતો જ્યારે શરીર સંબંધ માટે પતિનો જ આગ્રહ ચાલતો ને અપેક્ષાઓ એક તરફી રીતે જ પૂરી થતી. સ્ત્રીને ઇચ્છા કે જરૂર હોય એવું ખાસ મનાતું નહીં. પછી તો પતિ જ સ્ત્રીને રસ લેતી કરતો, માંગતી કરતો ને એમ એનો પુરુષના શરીરમાં રસ વધતો આવે એમ પણ બનતું. શરૂઆતમાં તો સ્ત્રી તરફથી પહેલ ભાગ્યે જ થતી. આમ છતાં સ્ત્રીને, પુરુષની, સાથી તરીકેની ખોટ અનુભવાતી રહેતી. સામાજિક ઢાંચો જ એવો હતો ને છે કે વર્ચસ્વ આજે પણ મોટે ભાગે પુરુષનું જ રહેતું આવ્યું છે. જો કે, સ્થિતિ હવે થોડી બદલાઈ પણ છે. સ્ત્રી શરણાગતની ભૂમિકામાંથી બહાર આવી રહી છે ને પોતાનો હક માંગતી થઈ છે. પુરુષ પોતાની ઇચ્છાને સંતોષીને અટકી જાય એવું બહુ રહ્યું નથી. સ્ત્રી પોતાની વાતને આગ્રહપૂર્વક કહેતી થઈ છે ને અપેક્ષા રાખતી થઈ છે કે જેમ પત્ની, પતિની ઇચ્છા પૂરી કરે છે, એમ જ પુરુષ પણ પોતાની ઇચ્છાનો પડઘો પાડે. ઘણીવાર ઘરમાં સંતોષ ન મળે તો પુરુષ બીજેથી પણ સંતોષ મેળવવા પ્રયત્ન કરતો રહે છે. એ જ રીતે સ્ત્રી પણ બહારથી સંતોષ મેળવવાનું સાહસ કરતી થઈ છે. એ સહેલું નથી ને તેના પરિણામો જોખમી પણ બનતાં આવે છે, પણ પરિણામોની ચિંતા છતાં, સાહસો નથી જ થતાં એવું નથી.
એ સારું છે કે ખરાબ, એની ચર્ચામાં ન પડીએ તો પણ, પુરુષો કરતાં, સ્ત્રીઓનો શરીર સુખનો આગ્રહ વધતો આવે છે. તે અધૂરી કે અસંતોષી રહેવા નથી માંગતી. પતિ શરીર સુખ ન આપી શકતો હોય તો તે બીજેથી મેળવી લેવાનો ઘણી સ્ત્રીઓને વાંધો નથી પણ પડતો. પુરુષ વિધુર થાય તો તે ફરી પરણવાનું સહજ ગણે છે. એવું સ્ત્રીઓમાં પણ હવે જણાય છે. કોઈ પણ કારણે તે એકલી રહેવા બહુ ઇચ્છુક નથી. સ્ત્રીઓમાં ઘણુંખરું બે સ્થિતિ જોવા મળે છે. ઉચ્ચ ભણતર અને નોકરીને કારણે સ્ત્રી બહુ લગ્નોત્સુક જણાતી નથી. એનો અર્થ એવો નથી કે તેને સજાતીય કે વિજાતીય સંબંધોમાં રસ નથી. બીજી તરફ, વૈધવ્યની સ્થિતિમાં તે બહુ એકલી પણ રહેવા માંગતી નથી. તે પણ ફરી પરણે છે કે જરૂર પ્રમાણે લગ્નેતર સંબંધોમાં પણ મૂકાય છે.
આધુનિક રહેણીકરણી, ખાનપાન, સામાજિક ભૂમિકા ને આનંદ માણવાની આવી મળેલી આધુનિક રીતિઓની, જેમ પુરુષો પર અસરો પડી છે એમ જ સ્ત્રીઓ પર પણ તેનો પ્રભાવ પડ્યો છે. શરીરી પ્રેમ હવે એકતરફી નથી તે દ્વિપક્ષી છે. કોઈ એક જ આનંદ માણે ને બીજું શરણાગતિ સ્વીકારી રાખે એવું ઓછું છે. એ સારું પણ છે. એક વેઠે ને એક માણે એ તો શોષણ ગણાય ને કમ સે કમ પ્રેમમાં એ અપેક્ષિત નથી, પણ એ તો આદર્શ થયો. વ્યવહારમાં જરા જુદું પણ જોવા મળે છે. અત્યારની સ્થિતિ સ્ત્રી-પુરુષમાં એકબીજાનો ઉપયોગ કરી લેવાની વિશેષ જોવા મળે છે. સ્ત્રીનો ઉપયોગ કરી લેવાનું નવું નથી, પણ ત્યારે તે પુરુષો પૂરતું મર્યાદિત હતું. હવે સ્ત્રી પણ એમાં પાછળ નથી. તે પણ પુરુષોને ફગાવતાં શીખી ગઈ છે. આ બધું ગળાકાપ સ્પર્ધામાં ઘણાંને જરૂરી પણ લાગે છે. હશે. જરૂરી પણ હશે, પણ એમાં બંને પક્ષે લાગણીનો છેદ ઊડે છે તે ભૂલવા જેવું નથી. મશીન પણ લાગણી અનુભવતાં થયાં હોય, તો માણસ, મશીન થઈને રહી જાય તે કોઈ રીતે યોગ્ય નથી. સામે મશીન નથી ને પોતે જીવંત વ્યક્તિ છે, તો મશીન બની રહેવાનો કે બીજાને મશીન સમજવાનો ઉપક્રમ માનવ જાતિને ઉપકારક નથી એ સમજી લેવાનું રહે.
હર્ષ, આંસુ, લાગણી, પ્રેમ … મનુષ્યની બહાર નથી. તે મનુષ્યની અંદર છે. તેનું મૂલ્ય મનુષ્યે જ સમજવાનું છે, કારણ તે, તેને માટે જ છે. કોઈને માટે લાગણી થવી, પ્રેમ થવો મનુષ્યને મળેલું અદ્ભુત વરદાન છે. લાગણી મનની હોય ને તે શરીરની ઝંખના કરે ને બંને શરીર, તેવું ઈચ્છે તો એ મિલનથી વધુ સુંદર જગતમાં બીજું કૈં નથી. શૈયામાં મળતું સુખ ને શૈયામાં અપાતું સુખ સ્ત્રી-પુરુષની મનની શાંતિને અકબંધ રાખે છે. ઘણાં યુગલો હૈયે એકબીજાને ખૂબ ચાહતાં હોય, પણ શૈયે સંતોષ ન પામતાં હોય તો તેમના વ્યવહારમાં એ અસંતોષ વખતો વખત છલકાતો રહે છે. ઘણીવાર રિસાયેલાં યુગલો, શૈયે સંતોષ મેળવે છે તો ઘણા ઝઘડાઓનો અંત પણ પથારીમાં જ આવી જતો હોય છે ને નવાં જોમ સાથે નવી સવાર પડતી રહે છે.
એટલું સમજી લેવાનું રહે કે લાગણીમાં વધઘટ થતી રહે, રોજ જ શરીર સંતોષ ન પામે એમ બને, પણ જ્યાં માત્ર ઉપયોગની વાત કેન્દ્રમાં હશે, સંબંધો ઝાઝું ટકતા નથી. એ પણ છે કે મન વગર માળવે ન જવાય, પણ એકલું મન જે શરીરમાં છે તેનું પણ અદકેરું મહત્ત્વ છે. એટલે મન જે શરીરમાં છે, એ શરીર પણ સુખથી વંચિત ન રહે એ પણ જોવાનું રહે જ છે. નથી એકલું મન અલગ રહી શકતું, નથી એકલું તન અલગ રહી શકતું. એ બંને છે તો માણસ છે ને તેની લાગણી છે. મનને કારણે મેળ પડે ને એ જ મન, તનની ઇચ્છા કરે ને એમ મનમેળ અને તનમેળ પડે તો રોજમેળ બેસી જાય છે. જરૂરી છે એકબીજા માટેની ઝંખના ! ઝંખના જ જીવન છે એવું નહીં?
000
e.mail : ravindra21111946@gmail.com