
રાજ ગોસ્વામી
ગયા અઠવાડિયે, બ્રિટિશ પ્રકૃતિપ્રેમી જેન ગુડોલનું અવસાન થઇ ગયું. તેમની ઉંમર 91 વર્ષની હતી. જુનૂન, સખ્ત મહેનત અને સાચો પ્રેમ મનુષ્યને કેવી પ્રકૃતિ અને પ્રાણીઓની સંભાળ રાખવા માટે પ્રેરિત કરી શકે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ જેન ગુડોલ હતાં.
તેમનો સૌથી મોટો પ્રેમ ચિમ્પાન્ઝીની પ્રજાતિ હતી, અને એટલે જેન પ્રાઈમેટોલોજિસ્ટ કહેવાતાં હતાં. ચિમ્પાન્ઝીને મનુષ્ય પ્રજાતિનું સૌથી નજીકનું પ્રાણી ગણવામાં આવે છે. જેનને ચિમ્પાન્ઝીમાં માણસો જેવું શું હોય છે તેનો અભ્યાસ કરવો હતો. તેમણે ઘણાં વર્ષો આફ્રિકાનાં જંગલોમાં ગાળ્યાં હતાં. તેમણે જોયું હતું કે ચિમ્પાન્ઝી માત્ર ફળ ખાતાં નથી, માંસ પણ ખાય છે, સાધનોનો ઉપયોગ પણ કરે છે, અને તેમનાં પણ અલગ-અલગ વ્યક્તિત્વ, મિત્રતા અને સંબંધો હોય છે.
ગુડોલ પહેલી સંશોધક હતી જેણે જોયું હતું કે ચિમ્પાન્ઝી ઘાસની કડક પાંદડીઓ કાઢીને તેમને ઉધઈના દરમાં ઘુસાડતા હતા જેથી કીડાઓને પકડીને ખાઈ શકે. આ શોધ તે સમયે વૈજ્ઞાનિકો માટે ક્રાંતિકારી હતી કારણ કે ત્યાં સુધી એવું જ મનાતું હતું કે ઓજારો બનાવાની ક્ષમતા માત્ર મનુષ્યો પાસે જ છે.
શરૂઆતમાં જેનની પદ્ધતિની ટીકા પણ થઈ હતી, પરંતુ સમય જતાં તેમનું સંશોધન વિશ્વનો સૌથી લાંબો અને સૌથી વિગતવાર જંગલી અભ્યાસ પ્રોજેક્ટ બની ગયો. જેને ચિમ્પાન્ઝીઓને નંબરને બદલે નામો આપ્યાં હતાં અને તેમની દરેક ક્રિયા અને વર્તનનું કાળજીપૂર્વક નિરીક્ષણ કર્યું કરીને વિજ્ઞાનની દુનિયામાં નવો દૃષ્ટિકોણ આણ્યો હતો અને પ્રાણીઓ પ્રત્યેના લોકોના અભિગમને બદલ્યા હતા.
જેન 1965માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મિસ ગુડોલ અને જંગલી ચિમ્પાંઝી’થી દુનિયાભરમાં પ્રસિદ્ધ થયાં હતાં, જેને નેશનલ જ્યોગ્રાફિક દ્વારા નિર્મિત કરવામાં આવી હતી. એક મહિલા જંગલમાં દિવસોના દિવસો સુધી રહે, અનેક પડકારોનો સામનો કરે, ચિત્ર-વિચિત્ર જનાવરો સાથે પનારો પાડે, ચિમ્પાન્ઝીઓ સાથે દોસ્તી કરે તે વાત આજે પણ નવાઈભરી છે.
ગુડોલે તે સમયની પ્રચલિત વૈજ્ઞાનિક રીતોને કિનારો કરીને પોતાની રીતે અને ખુલ્લા મનથી જંગલમાં અભ્યાસ કર્યો હતો. આ લેખ સાથે તેમની એક જગવિખ્યાત તસ્વીર છે, જે તેમના પતિ ડચ ફોટોગ્રાફર હ્યુગો વાન લાવિકે 1964માં લીધી હતી.
તેમાં ગુડોલ સાથે એક બાળ ચિમ્પાન્ઝી સાથે છે, જેને તેમણે ફ્લિન્ટ નામ આપ્યું હતું. તસ્વીરમાં, ગુડોલ ઝુકીને બેઠાં છે અને જમણો હાથ ફ્લિન્ટ તરફ લંબાવે છે. ફ્લિન્ટ તેનો ડાબો હાથ આગળ ધરે છે. આ તસ્વીર જ્યાં લેવામાં આવી હતી તે ગોમ્બે વિસ્તારમાં ગુડોલના પછી આવનારો આ પ્રથમ ચિમ્પાન્ઝી હતો.
2023માં બી.બી.સી. સાથે વાતચીતમાં, ગુડોલે સમજાવ્યું કે આ ડિજિટલ ફોટોગ્રાફીના યુગ કરતાં ઘણી પહેલાની વાત હતી, એટલે તેને પ્રિન્ટ કરેલી તસવીરો જોવા માટે ઘણો સમય રાહ જોવી પડી હતી. “ઇન ફેકટ, મહિનાઓ લાગ્યા હતા,” તેમણે કહ્યું હતું, “કારણ કે એક્સ્પોઝ્ડ રોલ્સને પ્રોસેસિંગ માટે નેશનલ જિયોગ્રાફિકને મોકલવામાં સમય લાગ્યો હતો અને તેમણે પ્રિન્ટ્સ પાછી મોકલી તેમાં સમય ગયો હતો. મેં તસ્વીર જોઈ ત્યારે મને અંદાજ નહોતો કે આ યાદગાર બની જશે, પરંતુ તેણે મને માઇકલએન્જલોના એ પેઇન્ટિંગની યાદ અપાવી જેમાં ભગવાન હાથ લાંબો કરીને માનવ તરફ ઝુકે છે.”
આ તસ્વીરે લોકોને સ્ત્રીના સંશોધનાત્મક દૃષ્ટિકોણના મહત્વને સમજવામાં મદદ કરી. જેને સાબિત કર્યું હતું કે એક યુવાન મહિલા પણ આવું વિશેષ પ્રકારનું સંશોધન કરી શકે છે. તે સમય સુધી, પર્યાવરણ મોટાભાગે પુરુષપ્રધાન હતું. જેન ગુડોલનું કામ જોયા પછી ઘણી હાઈ-પ્રોફાઇલ મહિલાઓ આગળ આવી હતી.
જેન ગુડોલનો જન્મ 1934માં લંડનમાં થયો હતો. બાળપણથી જ તેમને પ્રાણીઓમાં બહુ દિલચસ્પી હતી. ચાર વર્ષની ઉંમરે, જ્યારે તેમણે પ્રથમ વખત મરઘીને ઇંડા આપતી જોઈ હતી, ત્યારે તેમની જિજ્ઞાસા વધુ ગાઢ બની. યુવાવસ્થામાં, તેમણે પ્રાણીઓ વચ્ચે રહેવા અને તેમના વિશે લખવા માટે આફ્રિકા જવાનું સપનું જોયું હતું. 1960માં, પ્રખ્યાત માનવશાસ્ત્રી લુઇસ લીકીની મદદથી, તેઓ તાંઝાનિયા પહોંચ્યાં અને તેમના ઐતિહાસિક સંશોધનની શરૂઆત કરી હતી.
તેમના પરિવાર પાસે તેમને કોલેજ મોકલવા માટેની તાકાત નહોતી, એટલે તેમને ટાઈપિંગ અને શોર્ટહેન્ડ જેવી તાલીમ આપતી સ્કૂલમાં મુકવામાં આવ્યાં હતાં. તેમણે ઑક્સફર્ડમાં કામ કર્યું અને પછી લંડનમાં એક ડોક્યુમેન્ટરી ફિલ્મ કંપની માટે કામ કર્યું. 1956ના વેકેશનમાં ઘરે આવીને તેમણે વેઈટ્રેસનું કામ કર્યું હતું જેથી કેન્યા સુધી સમુદ્રી પ્રવાસ માટે પૈસા ભેગા થાય.
ગુડોલ કોઈ ઔપચારિક લાયકાત વગર, માત્ર પ્રકૃતિના પ્રેમના બળે, પૂર્વી અફ્રિકા ગયાં હતાં અને તેમણે ગોમ્બેમાં બે દાયકાથી વધુ સમય સુધી રહીને ચિમ્પાંઝીઓનો અભ્યાસ કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.
લગભગ સાત દાયકાઓ લાંબી કારકિર્દીમાં, ડૉ. ગુડલે આપણને ચિમ્પાન્ઝીઓની અદ્ભુત બુદ્ધિમત્તાનો પરિચય કરાવ્યો હતો, પરંતુ વધતી ઉંમર સાથે બહેતર રીતે કેમ જીવી શકાય તે પણ શીખવ્યું હતું.
ડૉ. ગુડોલ વર્ષમાં અંદાજે 300 દિવસ મુસાફરી કરતાં હતાં અને તેમના કામ મારફતે આશાનો સંદેશો આપતાં હતાં. તેમના માટે નિવૃત્તિ જેવી કોઈ ધારણા નહોતી. ‘હેલ્થી ટૂ 100’ નામના પુસ્તકના લેખક કેન સ્ટર્ન કહે છે કે દુનિયાભરમાં લાંબા આયુષ્યવાળા લોકોના અભ્યાસ પરથી સાબિત થાય છે કે જે લોકો લાંબી ઉંમર સુધી કામ કરે છે, તેઓ સામાન્ય રીતે વધુ જીવે છે. “આપણે સામાન્ય રીતે કામને સ્ટ્રેસ સાથે જોડીએ છીએ,” સ્ટર્ન કહે છે, “પણ વાસ્તવમાં, મોટી ઉંમરે કામ કરવું સ્વસ્થ અને લાંબી આવરદા માટે લાભકારક છે.”
ગુડોલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “હું ઘરે હોઉં ત્યારે જ કામ નથી કરતી. સાંજ હું મારી બહેન અને પરિવાર સાથે વિતાવું છું. અને ત્યાં કોઇપણ કૂતરો હોય તો ફરવા લઇ જાઉં છું. મારી પાસે શોખ માટે સમય નથી. વીકએન્ડ કે રજા શું કહેવાય તે પણ ખબર નથી. મિટિંગ કરું છું, ઇન્ટરવ્યુ આપું છું, લેકચર આપું છું, લોકો સાથે વાતો કરું છું. આ જ મારું જીવન છે. હું મારા આરોગ્ય વિશે ચિંતા કરતી નથી, હું ફક્ત જીવી રહી છું.”
અવસાનના થોડા વખત પહેલાં એક અન્ય ઇન્ટરવ્યુમાં જેન ગુડોલે કહ્યું હતું, “ફિલસૂફીની દૃષ્ટિએ, તમે જેટલું લાંબુ જીવો એટલું બધું શીખો અને મને એવો દિવસ જોવો નથી જ્યાં હું કશું શીખી ન શકું – ભલેને સામાન્ય ચીજ હોય.”
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 12 ઑક્ટોબર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર