દસેક મિનિટ જ ચાલેલા જલિયાંવાલા હત્યાકાંડના પડછાયા ખૂબ લાંબા અને ઘેરા હતા. ભારતમાં બ્રિટિશ શાસનના અંતની એ શરૂઆત હતી. ભારતની જનતાએ અનેક સમસ્યાઓ વચ્ચે પણ બ્રિટિશ શાસનના ન્યાય પર રાખેલો વિશ્વાસ આ બનાવથી તૂટ્યો. મહાત્મા ગાંધીએ રાષ્ટ્રવ્યાપી સત્યાગ્રહ શરૂ કર્યો. એ જ વર્ષે ઝીણાએ નાગપુર કૉંગ્રેસ છોડી … શું થયું હતું આ હત્યાકાંડની પહેલાં અને પછી?
ભારતમાં સ્વાતંત્ર્યસંગ્રામની શરૂઆતનો સૌથી ગોઝારો અને ઘાતક બનાવ એટલે જલિયાંવાલા બાગ હત્યાકાંડ. એની સ્મૃતિ આજે પણ આપણું લોહી ગરમ કરી દે છે. 13 એપ્રિલે આ ઘટનાને 113 વર્ષ થશે. આ ઘટના અમૃતસરમાં 1919માં બની હતી.
પહેલા વિશ્વયુદ્ધમાં ભારતના આગેવાનોએ બ્રિટિશ સરકારને સમર્થન આપ્યું હતું. 13 લાખ ભારતીય સૈનિકો યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં મોકલવામાં આવ્યા હતા, જેમાંથી લગભગ 60,૦૦૦ જેટલા સૈનિકો શહીદ થયા. વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ બ્રિટિશ સરકાર ભારતને નક્કર સુધારા આપશે, તેવી આશા ગાંધીજી સહિત સૌને હતી, પણ યુદ્ધ પૂરું થયું એ જ વર્ષે, અંગ્રેજ સરકારે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા લાગુ કરી દીધા અને રાજકીય પક્ષોના સખત વિરોધ છતાં વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યને હણી લેતો રૉલેટ કાયદો માર્ચ 1919માં પસાર કરાવ્યો. આ કાયદા પ્રમાણે સરકાર કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકે, કારણો આપ્યાં વગર ગમે તેટલો સમય કારાવાસમાં રાખી શકે ને તેની સામે અપીલ થઈ ન શકે.
ગાંધીજી જ નહીં, કૉંગ્રેસ તથા મુસ્લિમ લીગ સહિતના મોટા ભાગના પક્ષોએ આ કાયદાનો પ્રચંડ વિરોધ કર્યો. 6 એપ્રિલે મુંબઈમાં સત્યાગ્રહસભા ભરાઈ. દેશભરમાં સભાઓ, સરઘસો, દેખાવો તથા હડતાળોનું આયોજન થયું. દિલ્હી, અમૃતસર, મુંબઈ, અમદાવાદ તથા અન્ય સ્થળોએ તોફાનો ફાટી નીકળ્યાં.
સૌથી ગંભીર પ્રત્યાઘાત પંજાબમાં પડ્યા. પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓડવાયરે લોકોને ધારા સામેના કોઈ પણ પ્રકારના આંદોલનથી દૂર રહેવા સખત ચેતવણી આપી, ગાંધીજીને પંજાબ આવતાં રોક્યા અને પંજાબના આગેવાનો ડૉ. કિચલુ તથા ડૉ. સત્યપાલની 8મી એપ્રિલે ધરપકડ કરી. લોકો ખિજાયા. અમૃતસર તથા પંજાબનાં અન્ય શહેરોમાં બૅંકો, સરકારી મકાનો, સ્ટેશનો વગેરે લૂંટવામાં આવ્યાં. બે-ચાર અંગ્રેજોની પણ હત્યા કરવામાં આવી. પોલીસે ગોળીબાર કર્યા, થોડાં માર્યાં ગયા, થોડા ઘવાયા. ઓડવાયરે 12મી એપ્રિલના રોજ શહેર લશ્કરને હવાલે કર્યું.
લશ્કરી વડા હતા જનરલ રેજિનાલ્ડ ડાયર. એમણે તરત જાહેર સભાઓ, સરઘસો, દેખાવો પર પ્રતિબંધ મૂકતો આદેશ બહાર પાડ્યો. આ આદેશની યોગ્ય જાહેરાત થઈ ન હતી. અમૃતસરના જલિયાંવાલા બાગમાં 13-4-1919ના રોજ સાંજે ચાર વાગ્યે એક જાહેર સભા ભરાઈ, જેમાં લગભગ 10,000 લોકો એકઠા થયા. જલિયાંવાલા બાગ ચારે તરફ ફરતી આશરે પાંચેક ફૂટ ઊંચી દીવાલ સહિતની વિશાળ ખુલ્લી જગા છે. તેને ફક્ત એક જ પ્રવેશદ્વાર છે અને એક સાંકડી ગલીમાંથી તેમાં પ્રવેશી શકાય છે.
સભા શરૂ થતાં જ જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે આ પ્રવેશદ્વારે આવ્યા અને કોઈ ચેતવણી આપ્યા વિના ગોળીબાર કરવાનો હુકમ આપ્યો. લોકોમાં નાસભાગ થઈ. કેટલાક દીવાલો કૂદી ગયા, કેટલાકને આજુબાજુનાં મકાનોમાં રહેતા લોકોએ દોરડાં નાખીને બચાવી લીધા, કેટલાક કૂવામાં કૂદી પડ્યા.
કુલ 1,650 રાઉન્ડ છોડવામાં આવ્યા હતા. લાશોના ઢગલા થયા, અનેક માણસો નાસભાગમાં કચડાઈ મર્યા. ગોળીઓથી વીંધાયેલી દીવાલો પર મોડી રાત સુધી ઘાયલોના ચિત્કારો અથડાતા રહ્યા. સરકારી આંકડા પ્રમાણે માર્યા ગયેલા લોકોની સંખ્યા 376 તથા ઘવાયેલાઓની સંખ્યા 1,200ની હતી. પણ ખરા આંકડા મુજબ મૃત્યુ પામેલાની સંખ્યા 1,200 ઉપર હતી તથા ઘવાયેલાઓની સંખ્યા લગભગ 3,600 જેટલી હતી. ઘવાયેલાઓ માટે સારવારની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
દસેક મિનિટમાં જ પૂરા થઈ ગયેલા આ આખા કાંડના પડછાયા ખૂબ લાંબા પડ્યા. બીજા દિવસે જનરલ ડાયરે ખુલ્લી ધમકી આપી, ‘શાંતિ જોઈતી હશે તો મારા હુકમો માનવા પડશે.’ પોતાના કૃત્યને ‘જરૂરી’ અને ‘વયાપક અસર પાડનારું’ ગણાવી જનરલે કહ્યું કે વધારે ગોળીઓ હોત તો મેં ગોળીબાર ચાલુ રખાવ્યા હોત.’ પંજાબના ગવર્નરે હત્યાકાંડને ટેકો આપ્યો અને માર્શલ લૉ જાહેર કર્યો. દિવસો સુધી, ઘરની બહાર નીકળે તેને 200 વાર સુધી પેટે ઘસડાઈને ચાલવાની શિક્ષા થતી. ડૉક્ટરો કે દૂધ-શાક જેવી ચીજો વેચનારા પણ એમાંથી બાકાત ન હતા. લોકો ઊકળી ઊઠ્યા. લાહોર, શેખપુરા, ગુજરાનવાલા, કસુર વગેરે શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યાં. સરકારે દમનનો કોરડો વીંઝ્યો. સેંકડો લોકોની ધરપકડ કરી ફાંસી અને દેશનિકાલ જેવી સજાઓ આપી.
જલિયાંવાલા હત્યાકાંડ એ ભારતમાં બ્રિટિશ શાસનના અંતની શરૂઆત હતી. ઑડવાયર અને ડાયરનો કાળ બ્રિટિશ ગેરવહીવટનો કાળ ગણાય છે. ભારતની જનતા અનેક સમસ્યાઓ વચ્ચે પણ બ્રિટિશ શાસનના ન્યાય પર વિશ્વાસ રાખતી હતી, એ આ બનાવથી તૂટ્યો. લોકો લોહી ઊકળી ઊઠ્યું, રાષ્ટ્રપ્રેમ પ્રજ્વલિત થયો. મહાત્મા ગાંધીએ રાષ્ટ્રવ્યાપી સત્યાગ્રહ શરૂ કર્યો. એ જ વર્ષે ઝીણાએ નાગપુર કૉંગ્રેસ છોડી. ભાગલાનું બીજ વવાઈ ચૂક્યું.
‘બૉમ્બે ક્રોનિકલ’ના તંત્રી બી.જી. હૉર્નિમાને સરકારની ખફગી વહોરીને પણ આ બનાવ આંતરરાષ્ટ્રીય અખબારોમાં તસવીરો સાથે મૂક્યો. આ ગુસ્તાખી બદલ સરકારે એમને દેશનિકાલ કર્યા. વાઈસરૉય ચૅમ્સફર્ડે હત્યાકાંડની ટીકા કરી. ડાયરને નિવૃત્ત કરી યુરોપ મોકલી દેવાયા. ત્યાં તેમના વખાણ થયા અને તેમને માટે 26,000 પાઉન્ડનું વિશેષ ભથ્થું એકઠું કરાવ્યું. ટાગોર અને દીનબંધુએ આ ઘટનાને ‘ભીષ્ણ કૃત્ય’ ગણાવી. ગાંધીજીએ કહ્યું, ‘આ થોડાં શરીરો પરનો નહીં, દેશના આત્મા પરનો હુમલો છે.’ કવિવર રવીન્દ્રનાથ ટાગોરે પોતાનો નાઈટહૂડનો ખિતાબ સરકારને પાછો આપતાં વાઇસરૉયને કડક પત્ર લખ્યો.
જનરલ ડાયરને કદી પોતાના કૃત્યનો અફસોસ થયો નહીં. 1921ની 21 જાન્યુઆરીએ ‘ગ્લૉબ’માં પ્રગટ થયેલા એક લેખમાં એમણે લખ્યું, ‘ભારતીયોમાં સ્વતંત્રતાને સમજવાની કે ફ્રી પ્રેસ અને ફ્રી સ્પીચનો અધિકાર વાપરવાની બુદ્ધિ નથી. ગાંધી અંગ્રેજ સરકારનો વિરોધ કરે છે, પણ તેનામાં સક્ષમ સરકાર ઊભી કરવાની તાકાત નથી. બ્રિટિશ શાસન ચાલુ રહે તેમાં જ ભારતનું ભલું છે.’
1927માં જનરલ ડાયરનું મૃત્યુ થયું. એમની હત્યા થઈ એવું પણ એક સ્રોત કહે છે. પણ તેઓ જલિયાંવાલાંના ઓળામાંથી છેક સુધી મુક્ત નહીં થઈ શક્યા હોય, કેમ કે મરણ પહેલાં એમણે કહેલું, ‘અમૃતસરની સ્થિતિ જાણનારાઓ કહે છે કે મેં બરાબર કર્યું હતું. પણ બીજા ઘણાબધા છે જે કહે છે કે મેં ખોટું કર્યું હતું. હવે મૃત્યુ નજીક છે, મારો સર્જનહાર જ હવે તો ચુકાદો આપશે …’ ઓડવાયરને 1940માં સરદાર ઉધમસિંહે મારી નાખ્યો અને પોતે ફાંસીએ ચડી ગયો. તેની શહાદતથી દેશના યુવાનોમાં નવી ઊર્જા આવી.
1920 પછી બ્રિટિશ શાસનના પાયા ડગમગવા લાગ્યા. હિંદુમુસ્લિમ હુલ્લડ અને સ્વતંત્રતાની સતત માગણીએ સરકારને નાકે દમ લાવી દીધો. સરકારે નાના બંધારણીય સુધારાઓ કરી બધું ઠંડુ પાડવાનો પ્રયત્ન કર્યો, પણ આ સુધારા એટલા ઓછા, એટલા અપૂરતા હતા કે કૉંગ્રેસ અને મુસ્લિમ લીગને સંતોષ થયો નહીં અને કોમી હિંસા પણ અટકી નહીં. દરમ્યાન બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું અને પૂરું થયું. સદીઓથી શાસન કરતા અંગ્રેજોએ ભારતમાંથી વિદાય લીધી. ભારતે આંતરવિગ્રહ, સામૂહિક હિજરત અને ભાગલા સાથેનું લોહિયાળ સ્વાતંત્ર્ય મેળવ્યું.
બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ટૉની બ્લૅર જલિયાંવાલા હત્યાકાંડને ‘બ્રિટિશ સામ્રાજ્યનું કાળું પ્રકરણ’ કહે છે. 1997માં રાણી એલિઝાબેથ અમૃતસર આવ્યાં ત્યારે તેમને કહ્યું, ‘જલિયાંવાલા બાગમાં જે થયું તે નહોતું થવું જોઈતું, પણ ઇતિહાસને ફરી લખી શકાતો નથી’, જ્યારે તેમના પતિ પ્રિન્સ ફિલિપે આખા બનાવને ‘અતિશયોક્તિભર્યો’ કહી વિવાદો નોતર્યા. સાતેક વર્ષ પહેલા તત્કાલીન બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમેરુને ભારત મુલાકાત દરમ્યાન જલિયાંવાલા બાગ શહીદ સ્મારક પર પુષ્પગુચ્છ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે ‘1919નો હત્યાકાંડ શરમજનક અને રાક્ષસી કૃત્ય હતું.’ બ્રિટિશ વડા પ્રધાન ટેરેસા મેએ આ હત્યાકાંડને 100 વર્ષ થયાં ત્યારે બ્રિટિશ ભારતીય ઇતિહાસમાં 'શરમજનક ડાઘ' ગણાવ્યો હતો. જો કે, તેમણે આ મામલે ઔપચારિક માફી માંગી ન હતી.
જલિયાંવાલા બાગમાં અત્યારે અમેરિકન સ્થપતિ બેન્જામિન પોલ્ક દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્મારક છે. ૧૩ એપ્રિલ ૧૯૬૧માં તેનું ઉદ્દઘાટન તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદે વડા પ્રધાન જવાહરલાલ નેહરુ તેમ જ અન્ય નેતાઓની ઉપસ્થિતિમાં કર્યું હતું.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 10 ઍપ્રિલ 2022