આજે દ્વિભાષી કવિ અને ઉર્દૂ સર્જન માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીના એવોર્ડ પ્રાપ્ત કરનાર, પેઈન્ટર જયન્ત પરમારનો જન્મદિવસ છે. કવિને જન્મદિનની સલામ સાથે એમની કવિતા …
ઉર્દૂ દલિત કવિતા
(1)
જાતિ
કાળી માટી પર
પહેરુ છું મેલું ફાટયુંતૂટયું ખમીસ
ને ઊંઘમાં જોવું છું
સોનેરી સપનાં,
હું અમીર જમીનદારનો દીકરો
ગામમાં અકડથી ચાલુ છું
મારું નામ જ કાફી છે
આખી શેરી ઘૂંટણિયે પડે છે
દગડુમાંથી દયા પ્રસાદ થઈ જાઉં છું
કેટલો ખુશ થઈ જાઉં છું
હું સપનામાં
પણ જેવું મારું સપનું તૂટી જાય છે
બધું થઈ જાય છે ઊંધુંચત્તું
નામ બદલું, ગામ બદલું
તો ય હું બચી શકતો નથી
જાતિથી.
જાતિ ત્રોફાયેલી છે
મારા કપાળ પર
જનમોજનમ.
***
(2)
જાતિ
મારા પૂર્વજોએ લોહીલુહાણ હાથે
શાળાનો પાયો નાખેલો.
શાળાની એકેએક ઈંટમાં
એમના લોહીની ખૂશ્બુ છે.
અભણ હતાં એ
પણ મૂક્યો મને નિશાળે
હું વાંચીલખી શકું
કંઈક બની શકું.
મારા શિક્ષકે મને અંદર જવા જ ન દીધો.
મારે બહાર બેસવું પડ્યું
ધોમ ધખતા તાપમાં
મારી સાથે જાનવર હોઉં એમ વર્ત્યા
હું અંદર અંદર ઉકળતો હતો.
મારાં સપનાંનું એક એક ફૂલ
કરમાઈ ગયું
મને ગુસ્સો ચડ્યો
મારી જાત પર, મારા કઠોર હાથ પર
શાળાની એકેએક ઈંટમાં
આવે છે મારા લોહીની સુગંધ.