કોરોના સે આગે જહાં ઔર ભી હૈ
‘નિરીક્ષક’નું ડિજિટલ સંસ્કરણ, રોજબરોજને ધોરણે રમતું મૂક્યું, ચંદુ મહેરિયા અને ઉર્વીશ કોઠારીની પહેલકારી સહભાગિતાથી, ત્યારે એ માટેનો દેખીતો ધક્કો તો ચોખ્ખો જ હતો: સામયિકનું છપાવું અને ટપાલ થવું શક્ય નથી, પણ તંતુ તો છૂટવો ન જ જોઈએ. એમ તો, ગયો દસકો ઊતરતે છ મહિના જેવો ગાળો આવ્યો જ હતો જ્યારે ટેકનિકલ કારણોસર પ્રિન્ટિંગ-પોસ્ટિંગ શક્ય નહોતાં. એ વખતે કેટલાક અંકને ડિજિટલ સ્વરૂપમાં મૂકીને કામ રોડવ્યું પણ હતું. અલબત્ત, એ તો પાક્ષિક ધોરણે, જ્યારે આ વખતે લગભગ રોજની રીતે.
જો કે, બે અવસરો વચ્ચેનું અંતર માત્ર પાક્ષિક ને દૈનિકનું જ છે, એવું તો નથી. વાત એમ છે કે આગલો ગાળો ચાલુ તરેહનો હતો, હાલના ગાળાની પોતીકી તરાહ ને તાસીર છે. આ તરાહ ને તાસીર એક વૈશ્વિક એવી વાઇરસ વિભીષિકા વચ્ચે ઘરબંધીની છે. શરૂમાં નહીં પણ હવે છાપાં જરૂર આવવાં લાગ્યાં છે, અને ચેનલચોવીસા, એ તો સહાયમાં સાક્ષાત્. પણ ઘરબંધ અને એથી ફરજિયાત સહજીવન, એમાં ઠરીને વાંચવાવિચારવાનું લગરીક પણ બનવું જોઈએ ને. મોટી મજલિસ બેલાશક નહીં પણ માંહોમાંહે બેચાર જણ વચ્ચે ધોરણસરની આપલે વાસ્તે કશોક તો જોગસંજોગ હોવો જોઈએ ને. મીડિયા લગભગ મેન્યુફેક્ચર્ડ કન્સેન્ટની ધાટીએ ચાલે છે ત્યારે કશીક રણદ્વીપ સામગ્રી તો જોગવવી જોઈએ ને. વાસ્તે, ‘નિરીક્ષક’ રોજબરોજના ડિજિટલ અવતારમાં: નીરક્ષીર, નીરમ, ને વખતે નેજો પણ.
પાંચેક દાયકા થયા હશે, એક વાર કિંગ્સ્લે માર્ટિનને સાંભળવાનું થયેલું – લૅસ્કી ઈન્સ્ટિટ્યૂટમાં. એમણે કહેલું કે વર્તમાનપત્રોના વ્યાપક પ્રસાર વચ્ચે પણ સામયિકોનું સ્થાન ને ભૂમિકા રહેવાનાં; કેમ કે ‘કમ્પેરિંગ નોટ્સ’ અને તરતમ તપાસ છાપાંમાં શક્ય નયે બને. (સભામાં મેઘાણી હોત તો ટાપશી પૂરત કે આપણું પત્રકારત્વ ‘દેકારાની દશા’ પામ્યું છે અને ‘ભજિયાના ઘાણ’ ઉતારવામાં પડ્યું છે.) છાપાં ને સામયિકો વચ્ચેની કોઈક ભૂમિકા પૂર્તિઓ ન જ ભજવી શકે એમ નથી. પણ બહુધા જે એક પૂર્તિચાળો જોવા મળે છે તે ધોરણસરના સામયિકનો અવેજ નથી તે નથી. એક કટારચી તરીકે હું પણ ચાળાનશીનો પૈકી હોઈ શકું એ કબૂલીને આ કહું છું.
‘ભૂમિપુત્ર’, ‘નયા માર્ગ’, ‘નિરીક્ષક’ એ ત્રણ નામ છેલ્લાં વરસોમાં સાથે લેવાતાં રહ્યાં છે. ઉત્તમ પરમારે રૂઢ કરેલો પ્રયોગ જરી ઉદારતાથી ખપમાં લઉં તો એ આપણા “જાહેરજીવનની પ્રસ્થાનત્રયી” છે. નારાયણ દેસાઈ તો કર્મકુશળ વિચારસેવી રહ્યા. એમણે પાછલાં વરસોમાં, જ્યાં પણ પ્રસંગ મળ્યો – ખાસ તો શિબિરોમાં ને કાર્યકર્તા સંમેલનોમાં – આગ્રહી અનુરોધ કર્યો કે ભલા માણસ, કંઈ નહીં તો આ ત્રણ પત્રો તો વાંચો. (અલબત્ત, જેમ નારાયણભાઈ તેમ અમે તંત્રીઓ ત્યારે પણ જાણતા હતા અને અત્યારે પણ જાણીએ છીએ કે અમે દાદા ધર્માધિકારીથી માંડી રજની કોઠારી લગીની નક્ષત્રમાળાનો અવેજ નથી.)
કલમ તો ઉપાડી હતી આજની બલકે અબઘડીની વાત કરવા સારુ, પણ પચાસ વરસના પટ પર પાછળ ચાલી ગયો અને થોડા આગળના ખયાલમાં પણ. ‘ન્યૂ સ્ટેટ્સમેન’ કહો કે ‘ઈ.પી.ડબલ્યુ.’, અરે ‘દિનમાન’ તેમ જ ‘લોકાયન’, મરાઠી ‘સાધના’, એની મીલીજૂલી આમઆવૃત્તિ. કથિત મુખ્ય ધારામાં નહીં લેવાતી માહિતી અને પ્રવૃત્તિનોંધો. ઘટનાપ્રવાહ વિશે ટીકાટિપ્પણ. અભ્યાસમંડિત કાલદર્શન – અતીત, સામ્પ્રત, અનાગત. કેટલું બધું ગુજરાતી વાટે તળ ગુજરાતી ધોરણે ઉતરવા ઈચ્છે છે. ઉમાશંકર એમના ‘સંસ્કૃતિ’યોગ સંદર્ભે કહેતા તેમ, સમય સાથે ગાઢ અનુસંધાનપૂર્વક જીવવા (અને મથવા) ‘નિરીક્ષકે’ કેટલી મજલ કાપવાની છે એની થોડી હ્રદયવાર્તા, લગરીક હટીને.
રોજબરોજ ડિજિટલ સંસ્કરણમાં શું આપવું જોઈએ? રોજેરોજની કોરોના સંબંધિત સાવચેતીની સાદી સમજ તો હોય જ. કંઈક સમસંવેદન પણ બિંબિત થતું હોય. પણ સર્વાધિક તો વૈશ્વિક ઘરબંધીની ઐતિહાસિક પરિસ્થિતિ વચ્ચે જાગતિક સંગોપન-સંવર્ધનની, આવતી કાલની દુનિયાની ચિંતા હોય. પહેલી એપ્રિલના અંકમાં યુવાલ નોઆહ હરારીનો લેખ આપ્યો ત્યારે લાગલી એક ફેસબૂક ટિપ્પણી આવી પડી હતી કે છાનામાના જે કરવાનું છે તે કરો ને, આવી કાલબાલની ચર્ચા કરતાં. ભાઈ, જલંધર ઊભે હિમાલય દેખાતો થયો તે સાથે આપણે પર્યાવરણી સંતુલન કેવું ને કેટલું ખોટકાવ્યું હશે તે સમજાયું. બીજી પાસ, જે ઈન્ડસ્ટ્રિયલ વેસ્ટ વહેવડાવે છે, એસિડ રેઈન સરજે છે તે એકમો બંધ રહેતાં બેરોજગારી કેવું બિહામણું રૂપ લઈ શકે તે પણ પ્રત્યક્ષ થયું. ગાંધી બચાડો ભોગજોગે અર્થશાસ્ત્રી નહોતો, પણ એના ઉદયકાળમાં પશ્ચિમે ઔદ્યોગિકીકરણવશ જે માનવીય વિટંબણાઓ વેઠી હતી તે વેઠવાનું ચુકાવી આગળ વધી શકાય એ એની ચિંતા ને ચિંતનની બાબત જરૂર હતી. ચર્ચામાં આપણે ચૉમ્સ્કીને લઈ આવ્યા. કામુ જેવા સર્જકને પણ. બીજાયે આવ્યા ને આવશે. કારણ, વ્યક્તિ, સમાજ અને પ્રકૃતિના સંબંધને સંતુલિત ને સંપોષિત ધોરણે નવયોજવા વાસ્તે મહામારી વાટે એક જાસો મળેલ છે – અને જાસો તો રાજ્યની ભૂમિકા વિશે પણ મળેલ છે.
સામાન્યપણે આવે વખતે આપણે રાજ્યની હાલની કામગીરી વિશે યથાર્હ સૂચન, ટીકાટિપ્પણને અગ્રતા આપતા હોઈએ છીએ. સુજાતા રાવ જેવી કેન્દ્રમાં સ્વાસ્થ્ય સચિવનું દાયિત્વ નિભાવનાર તરીકે નીવડેલી પ્રતિભાએ માર્ચ અધવચ કરેલાં નિરીક્ષણ, નુકતેચીની અને સૂચન ત્યારે વડાપ્રધાનના કોઈ કોઈ ચાહકને અળખામણાં પણ થઈ પડ્યાં હશે. જો કે, એપ્રિલનું પહેલું અઠવાડિયું ઉતરતે રાજ્યોને વિશ્વાસમાં લેવાનું (અગાઉ જે ચૂકી જવાયેલું એ) પગલું સુજાતા રાવે માર્ચ અધવચ સૂચવેલું હતું જ. લોકડાઉનના થોડા દિવસો પરની આ નુકતેચીનીમાં કામદાર સ્થળાંતર બાબતે ચિંતા ને તકેદારી પણ પ્રગટ થયાં હતાં. તે સંભાળ વડાપ્રધાનની એકાએક છાકોપાડ શૈલીવશ ન લેવાઈ અને એ વિભીષિકા લોકતંત્રમાં ‘લોક’ ક્યાં એ પાયાનો પ્રશ્ન જગવતી ગઈ. ચૉમ્સ્કીનું એ ચોટડૂક વિધાન પણ શાસન અને મૂડીવાદની સાંઠગાંઠ થકી ઉપેક્ષિત લોક વિશે ફરી એક વાર આપણને સભાન કરી ગયું કે કોરોના વાઇરસની સામે રસી શોધની નજીક તો આપણે વરસો પર હતા, પણ સૌંદર્યપ્રસાધનોની અપેક્ષાએ એમાં નફો નહીં દેખાતાં એ વાત અગ્રતાક્રમમાં પાછળ ઠેલાતી ગઈ.
થાળી-તાળી-દીવા આદિ ભાવનાત્મક નિદર્શન વાટે પ્રજાકીય જાગૃતિ, કૃતજ્ઞતા, એકતા, સંકલ્પ પ્રગટાવવાની રાજ્યની સૂચના પરત્વે આવે પ્રસંગે વાસ્તવિક કાર્યના કર્ટન કૉલ અને વૉર્મિંગ-અપ રૂપ અનુમોદના જ હોય. એ જ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગની આગ્રહી સૂચનાનો વ્યક્તિગત અને વ્યાપક હિતમાં આદર જ હોય. પણ ત્યાં ય સાંપ્રત સંદર્ભમાં તેમ જ ઇતિહાસબોજ અને ઇતિહાસબોધની જિકર સહેજે હોય જ. બલકે એ છૂટી જાય તે નાગરિકને નાતે આપણને પરવડે પણ નહીં.
સોશિયલ ડિસ્ટન્સિંગ આપણા હાડમાં ઊંચનીચગત પડેલું જે છે એનું શું કરીશું, એ એક સવાલ. અને બીજો સવાલ એ કે ઘરબંધી વચાળે પરિવારના સભ્યો પરસ્પર સલામત અંતર જાળવી શકે એવી સોઈ વાસ્તવમાં કેટલા કને. બે સવાલ દેખીતા જુદા લાગે તો પણ પ્રજાસત્તાક સ્વરાજનો સાતમો દાયકો સંકેલાતે એ ભેગા મળે છે એ રીતે કે સ્વાસ્થ્ય અને સુખાકારીના આયોજનમાં અગ્રતાક્રમે લોક ક્યાં છે. વતનમાં જલાવતન જાણે. એમ જ, આ લખતાં સાંભર્યું કે આજકાલ અમેરિકા-ભારત સંબંધમાં જે એક દવા ચર્ચામાં છે, હાઈડ્રોક્સિ-ક્લોરોક્વિન, એ આપણે ત્યાં શક્ય બની એનો યશ રસાયણવિજ્ઞાની પ્રફુલ્લચંદ્ર રાય અને એમણે સ્થાપેલ બેંગોલ કેમિકલના નામે જમે બોલે છે. આપણે વિજ્ઞાનક્ષેત્રે ક્યારેક આગળ હતા એમાંથી પાછા પડવાની શરૂઆત કેમ ને ક્યારે થઈ એનો રાયને જડેલો જવાબ એ છે કે જ્યારથી મહેનતમજૂરી અને જ્ઞાનનું સેવનસંપાદન એમ બે કામનાં જડબેસલાક જુવારાં થયાં ત્યારથી, એટલે કે વર્ણવ્યવસ્થાથી.
વીસપચીસ વરસ પર દક્ષિણ ગુજરાતના એક ગામમાં જવાનું થયું ત્યારે કોઈકને ત્યાં અચાનક જ એક બુઝુર્ગ લેખક સાથે મુલાકાત થઈ ગઈ. બાળકિશોર વર્ષોમાં ‘અખંડ આનંદ’ને પાને અને સસ્તું સાહિત્ય પ્રકાશનમાં જેમની વાર્તાઓ વાંચેલી તે હજુ હયાત છે એ ખયાલે ઉમંગભર્યો હું એમને મળ્યો તો ખરો પણ પળવારમાં મળ્યો એવો પાછો પણ પડ્યો. યાદ નથી ક્યા સંદર્ભમાં એમણે કહેલું કે, ‘એ’ કોમથી દસબાર ફૂટ છેટા સારા. એક બુઝુર્ગ, ધર્મપ્રવણ ને વળી સંસ્કૃતિની વાતો કરતા સજ્જનનાં આ ‘હિતવચનો’ મારે સારુ સાક્ષાત્કારક હતાં. સોશિયલ ડિસ્ટન્સિંગનો આ ક્ષણનો સવિશેષ સંદર્ભ અલબત્ત જુદો છે, પણ જે ચાલુ (જેમ વર્તમાન તેમ પરંપરાપ્રાપ્ત) સંદર્ભ છે તે તો છે જ. જલિયાંવાલાની વરસી અને આંબેડકર જયંતી લગોલગ આ લખાઈ રહ્યું છે ત્યારે ગાંધીજીએ સામાજિક ડાયરશાહીની જિકર કરેલી એ ભૂલવા જેવું નથી.
કેમ કે આપણે કોરોના પ્રકરણની ચર્ચા સમગ્ર સંદર્ભમાં કરવી રહે છે, નિઝામુદ્દીન મરકઝ એ ટાળ્યો ન ટળાય (બલકે, ન જ ટાળવો જોઈએ) એવો ઘટનાક્રમ છે. ઉર્વીશ કોઠારીએ ગુજરાતી અખબારોમાં આ દિવસોમાં એ અંગે જોવા મળેલ લેખોમાં ખાસો જુદો તરી આવે એવો લેખ લખ્યો, તારીખવાર, મુદ્દાવાર, વિગતવાર છતાં મુખ્તેસર. દિલ્હી અને કેન્દ્ર બેઉ સરકારો, પોલીસ, અન્યધર્મી મિલનો, એક આખું ચિત્ર. મરકઝ ઘટનાને લેખમાં એકથી વધુ વાર ગુનાઈત કહેવામાં કોઈ કસર નહીં. પણ ફેસબૂક પર આ લેખ શેર થયો ને જે પ્રતિભાવમારો ચાલ્યો એ ઘણોખરો હિંદુમુસ્લિમ એંગલથી ચાલ્યો, કમરપટ્ટા તળેના પ્રહારો પણ મહીં ભળ્યા. તબલીઘ અને સમગ્ર મુસ્લિમ સમુદાય સમીકૃત થઈ ગયાં અને પ્રગટઅર્ધપ્રગટ ચર્ચાઝોક એ જ કે ‘ગદ્દારો’ને છાવરો છો. (સદ્દભાગ્યે શબેબરાત ટાંકણે મુસ્લિમ આગેવાનોએ કોરોના મર્યાદાના પાલનપૂર્વકની ઉજવણીની અપીલ કરી અને તે પળાઈ પણ સારી.)
મરકઝ ઘટનાક્રમની ગુનાઈતતા (તેથી ટીકાપાત્રતા અને સજાપાત્રતા) બરકરાર રાખીને થોડી વાત કરીશું? મરકઝમાં જે બન્યું તે તબલીઘ વિ. હિંદુ (‘ધ અધર’) એવું નહોતું. એ પોતાનામાં જ સીમિત શ્રદ્ધા-ગાંડપણ હતું. પોતાની સમજ મુજબની સમર્પિતતાગત બેજવાબદારી હતી. એમના સંપર્કમાં અને સંપર્કથી સંક્રાન્ત થઈ શકતો અને થનારો વાઇરસ તબલીઘી મુસ્લિમ, બિનતબલીઘી મુસ્લિમ, બિનમુસ્લિમ માત્રને હાણ પહોંચાડવાનો હતો. એનું સ્વરૂપ મુસ્લિમ વિ. હિંદુનું નહોતું. જેને અંગે આપણે સૌ વાજબી રીતે જ સચિંત છીએ તેવું કોઈ કોમવાદી (કોમ્યુનલ) કૃત્ય એ નહોતું. તબલીઘી મુસ્લિમોના સમુદાય (કોમ્યુનિટી) પૂરતું, તેમના ખુદથી આરંભી કોઈને પણ હાણ પહોંચાડતું કૃત્ય એ જરૂર હતું. બાલની ખાલ જેવા કોઈ બચાવની રીતે નહીં, પણ સહિયારી સમજના શોધનની રીતે આ ગુનાઈત કિસ્સાનું સ્વરૂપ સમજવા જેવું છે – કોમ્યુનલ નહીં પણ કોમ્યુનિટીગત. એટલે સહજ સ્વદેશવત્સલભૂમિકાને બદલે હાલનો રાષ્ટ્રવાદ જે શત્રુખોજમાં જઈ લાંગરે છે એવો જડબેસલાક દાખલો આ નથી. સમજને ધોરણે કરુણા અને હમદર્દીને પાત્ર તો જે કૃત્ય થયું અને એક પછી એક વિસ્તરતું રહ્યું તે ધોરણે નિતાન્ત નસિયતપાત્ર એ ખસૂસ છે. નાગરિકસમાજને ધોરણે ઈષ્ટ હોય તો ‘તમે ભઈસા’બ બહુ ઝીણું કાંતો છો’ એવાં હિતવચનો (ખરેખર તો ટીકાસ્ત્ર) વહોરીને પણ આટલો વિવેક કેળવ્યે જ છૂટકો.
જરી લાંબે પને લખ્યું છે તે એટલા માટે કે રોજબરોજના ડિજિટલ સંસ્કરણને આપણે શા સારુ ‘નાગરિક પહેલ’ કહીએ છીએ તે કંઈક સ્ફુટ થઈ શકે. હજુ જરા ઝીણું કાંતું? છૂટકો જ નથી, કેમ કે નાગરિક મુવા છીએ. હરારીએ મહામારીના દિવસોમાં જે એક મુદ્દો છેડ્યો છે તે આપણા લક્ષમાં રહેવો જોઈશે. મહામારી જેવા પ્રસંગોએ નાગરિકની સ્વાસ્થ્યસંભાળ માટે રાજ્ય વ્યક્તિગત વિગતસંપાદન અને એને આધારે નિયંત્રણ કરે છે. મહામારી પસાર થઈ ગયા પછી પણ એ ડેટા બધો અને એને લગતું ચાંપનિયંત્રણ જો રાજ્ય પાસે જ રહેવાનાં હોય તો? ઇંદિરા ગાંધીની કટોકટી તો નરી આંખે દેખાતી હતી. અહીં ન જેલવાસ, ન મિસા – એવાં કશાં પ્રગટ આયોજન વગર જ તમે સત્તાનિયંત્રિત થઈ જાઓ છો. સમજાય છે? વિચારવિમર્શની દૃષ્ટિએ નાગરિક પહેલ ઠીક જ છે, પણ મિજાજ તો છેવટે નાગરિક હસ્તક્ષેપનો જ જોઈશે.
e.mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 12 ઍપ્રિલ 2020