
ઇસ્માઈલ મીર
દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં ઈસ્માઈલ મીર એક એવું માણસ છે કે તેનાં ગીત બહુ જ ઓછાં ગવાયાં છે. નેલ્સન મન્ડેલાને આફ્રિકન કેન્દ્રી રાજકારણથી સર્વસમાવેશક વિચારધારામાં અને કર્તૃત્વમાં પલોટનાર હિન્દવી નસ્સલના એ અગત્યના કર્મશીલ હતા. દસકાઓ પછી, જ્યારે મન્ડેલાને જેલમુક્ત કરાયા, ત્યારે વિશ્વપ્રવાસે જતી વેળા, નેલ્સન મન્ડેલાએ ઈસ્માઈલ મીરને જ પોતાના સાથીદાર તરીકે જોડે આવવા નિમંત્રણ આપેલું.
દક્ષિણ આફ્રિકાના રાષ્ટૃપુરુષ નેલ્સન મન્ડેલાના મતાનુસાર, ‘ઈસ્માઇલ મીર મારા મિત્ર હતા … પોતાપણામાં તેમ જ રાજકીય વિચારધારામાં કલપ્નાતીત નેક માણસ.’ મન્ડેલા વિશેષે લખે છે : ‘અમે જુવાન હતા; કાયદાનો અભ્યાસ સાથે કરતા. અને એવો ય વખત હતો જ્યારે હું ખોલવડ હાઉસના ઈસ્માઈલના ફ્લેટમાં રાતવાસો પણ કરી લેતો. અમારા બન્ને માટે એ અગત્યનો સમય હતો. પરિણામે વિવિધ સંસ્કૃતિઓને સમજવાની સુગમતા મળતી અને વિવિધતામાં એકતાના પાઠ ભણવાના સહેલા રહેતા.
‘સાચું કહું તો ત્યાં લગી મને હિન્દીઓની ઓળખ જ નહોતી. એ વખતના રંગભેદી વાતાવરણમાં ઈસ્માઇલ જોડેની ભાઈબંધીને કારણે મારા પૂર્વગ્રહોને પણ ખંખેરી શકાયા. ઈસ્માઈલ તો મારા અદના મિત્ર બની ગયા, પણ સાથે સાથે હું હિન્દીઓને પીછાનતો થયો. મને ડો. દાદુ, મૌલવી તથા યુસૂફ કાછલિયા, ગુલામ અને અમીના પહાડ, અહમદ કથરાડા તેમ જ જે.એન. સિંહનો પરિચય થયો અને તે દરેક જોડેની મૈત્રી પણ સબળ બની. વળી, તે દરેક દક્ષિણ આફ્રિકા માટેની સ્વાતંત્ર્ય લડતનાં સાથી બનીને રહ્યાં.’
મન્ડેલા ઉમેરે છે : ‘હું ઈસ્માઇલ પાસેથી ખૂબ શીખ્યો છું. એ સાર્વત્રિકતામાં માનનારા મનેખ હતા. કોઈ પણ જાતના ભેદભાવ વિના એ પૂરા માનવતાવાદી હતા. માનવીય ભાઈચારાના નિજી લક્ષણમાં તે છૂટછાટ લેનારા હતા જ નહીં.’
•••
ઈસ્માઈલ મીરના દાદા અહમદ મીરને ચાર દીકરા. તેમાં ઈસ્માઈલ મીરના પિતા છોટા મીર સૌથી નાના. તેમના મોટા ભાઈ, મોહમદ અહમદ મીર દક્ષિણ આફ્રિકે લીલા ચરિયાણની ખોજમાં આવેલા, એ પહેલવહેલા મીર. તેમનું વય તે વેળા 17 હશે. એ 1882ની સાલ હતી. હળુ હળુ એમણે ડરબન, જ્હોનાસિબર્ગ, ડંડી [Dundee] તેમ જ વૉશબેન્ક[Waschbank]માં પાથરણ કર્યું અને ધંધોધાપોની જમાવટ કરી. એમના ભાઈઓ દક્ષિણ આફ્રિકા હરવાફરવા ગયેલા પણ ત્યાં સ્થાયી તો છોટા મીર જ થયા. સન 1893માં છોટા મીરે પોતાના નામે − સી.એ. મીર નામે – ધંધો આદરેલો. ઐતિહાસિક તવારીખ અનુસાર, મોહનદાસ કરમચંદ ગાંધીનું ય એ જ વરસે દક્ષિણ આફ્રિકા જવાનું ગોઠવાયેલું.
ક્વાઝુલુ-નાતાલ પ્રાન્તના ડંડી ગામની પડખેના આ વૉશબેન્ક ગામે, છોટા મીરે થાણું નાંખ્યું. એ સમજદાર હતા તેથી એમણે પણ મોટાભાઈ મોહમદ અહમદ મીરની જેમ અનેકને ધંધેધાપે ઠેકાણે પાડ્યાના દાખલા સાંપડે. એમાં એક રામસેવક સિંહ પણ હતા. મૂળે તે તો ગીરમીટિયા હિન્દવી મજૂર હતા. પણ ગામમાં તેમની શાખ ને નામના હતી. હિન્દવી જમાત તેમની અદબ જાળવતી. આમ રામસેવક સિંહ વૉશબેન્કના એક જમીનદાર બની ગયા. બીજી બાજુ, ગામના બીજાત્રીજા વીસેક હિન્દવીઓ સાંજ પડે ને છોટા મીરની દુકાને સાગમટે હળતા મળતા. આવા આ છોટા મીરને ત્યાં, ઈસ્માઈલ મીરનો 05 સપ્ટેમ્બર 1918ના રોજ જન્મ થયો.
આવા ભાઈચારાના, સર્વધર્મસમભાવના, વાતાવરણમાં ઈસ્માઈલનો ઉછેર થયો. વિશ્વવ્યાપક ઇસ્લામની નીતિમત્તાનાં વિવિધ લક્ષણો પિતાના આગ્રહને કારણે ઈસ્માઈલમાં ઊતરતા ગયાં. પિતાની હૂંફે આટલું ઓછું હોય તેમ સાચા મુસ્લિમ બનવાનું અને જોડજોડ સમાજવાદી વિચારધારામાં પલોટાવાનું ય બન્યું.
છોટા મીરે ગાંધીભાઈએ પાઠવેલા કાગળ કાળજીપૂર્વક સાંચવ્યા હતા. સન 1913 દરમિયાનની વિશાળ કૂચ વેળા ઈસ્માઇલના એક કાકા, એમ.એ. મીર ગાંધીના સાથીદાર હતા. એમ.એ. મીરની જેમ, વળી, છોટા મીર પણ ગાંધીજીના ભારે ચાહક હતા. એક માહિતી અનુસાર, હિન્દુસ્તાન પરત ગયેલા ગાંધીની નેતાગીરીથી, વિવિધ ગતિવિધિથી તેમ જ કામગીરીથી મીર પરિવાર વાકેફ રહેતો અને તેથી પ્રસન્ન રહેતો. મોટાભાઈ મોહમદ મીર તો સુરત હતા. તેથી અવારનવાર આવી વિગતોથી દક્ષિણ આફ્રિકાના પરિવારજનોને એ વાકેફ રાખતા. એક વેળા, સુરતમાં ગાંધીની સભા હતી. યજમાનોએ ગાંધીનો કાર્યક્રમ ઘડી કાઢેલો. પરંતુ ગાંધીએ કેટલુંક રદ્દ કરી કરાવીને ‘નાતાલના મારા મોહમદ શેઠને’ મળવા નીકળી ગયેલા !
•••
ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના ‘નાટ્યમહર્ષિ’ તરીકે જાણીતા સુપ્રસિદ્ધ નાટ્યકાર, પ્રભુલાલ દ્વિવેદીને નામ એક કાવ્ય છે :
એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી,
એથી જ શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી.
ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા જેને નથી,
એ જ શૂરા જે મુસીબત જોઈ ગભરાતા નથી.
ખીલે તે કરમાય છે, સર્જાય તે લોપાય છે,
જે ચઢે તે પડે, એ નિયમ બદલાતા નથી.
કંઈક આવું જ છોટા મીરના વ્યાપારી જીવનમાં બને છે. 1929 થી 1939ના સમયગાળામાં આવેલી વિશ્વવ્યાપી મહા મંદી[The Great Depression]ના ઝપાટામાં છોટા મીર આવી ગયા અને ધંધાને જબ્બર ઝાપટ લાગી. અને તેની અસરમાં છોટા મીર પરિવારમાં જે અમીરપણું હતું તેની જગ્યાએ ફકીરી આવી પડી. અને ઈસ્માઈલને ભણતર સાથે નાનીમોટી નોકરી કરવાનો વખત આવી પડ્યો. ઈસ્માઈલને ડરબન ખાતે સ્થળાંતર કરવાનું બન્યું, જ્યા તેમના એક મોટા ભાઈનો ખમીસ બનાવવાનો ધંધો હતો. તેમાં તે જોતરાયા. અને જોડાજોડ નિશાળનું ભણતર પૂરું કરીને સ્થાનિક શાસ્ત્રી કૉલેજમાંથી 1939ના અરસામાં ગ્રેજ્યુએટ થયા. પછી જ્હોનિસબર્ગમાં આવી યુનિવર્સિટી ઑવ્ ધ વીટવૉટર્સરાન્ડ(Witwatersrand)માંથી વકીલાતનું ભણ્યા અને 1950 દરમિયાન એટર્ની તરીકેની કુશળતા હાંસલ કરી. અને પછી, નાતાલ પ્રાંતના વેરુલૅમ [Verulam] ખાતે એમણે વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. ઉદ્દામવાદી રાજકરણથી ઇસ્માઈલ પ્રભાવિત તો હતા તેથી યુનિવર્સિટીમા બીજા જ વરસે તે દક્ષિણ આફ્રિકાના સામ્યવાદી પક્ષમાં જોડાઈ પણ ગયા.
જોહાનિસબર્ગની માર્કેટ સ્ટૃીટમાં ખોલવાડ હાઉસના તેરમા નંબરના ફ્લેટમાં વસવાટ હતો તે વેળા સ્વાતંત્ર્ય સૈનિકોનું એ જાણે કે વડું મથક જ બની ગયેલું. વળી, અહમદ કથરાડાના રાજકીય માર્ગદર્શક પણ અનાયાસે થયા. અહમદ કથરાડાએ એથી તો કહેલું, ઈસ્માઇલ મીર એક વ્યક્તિથી વિશેષ હતા. એ જ ખુદ સંસ્થા રૂપે હોય તેવા અનેક પ્રમાણો છે.
સન 1946ના પાસિવ રેસિસ્ટન્સ (Passive Resistence) આંદોલનમાં અગ્રગણ્ય ભાગ લેનારા તો હતા જ, પણ પછી 1952ના ‘ડિફાયન્સ ઑવ્ અનજસ્ટ લૉઝ’ (Defiance of Unjust Laws)માં ય એ અગ્રેસર બની રહ્યા. 1955માં ‘ફ્રિડમ ચાર્ટર’ ઘડવામાં ય ઈસ્માઇલનો અગ્રગામી ફાળો રહ્યો. અને આફ્રિકન નેશનલ કાઁગ્રેસ તેમ જ નાતાલ ઇન્ડિયન કાઁગ્રેસની કારોબારી સમિતિમાં ય એ કાર્યપ્રવૃત્ત બન્યા.
ગઈ સદીના ચોથા દાયકા વેળા ઈસ્માઈલ મીર તથા બીજા અનેક ઉદ્દામવાદી હિન્દવી નસ્સલના રાજકીય કર્મશીલોએ જૂની પેઢીને હડસેલી હિન્દવી રાજકારણમાં અગ્રેસર રહી કામ હાથ કર્યું. 1945થી ડૉ, યુસૂફ દાદુ સાથે નજીક રહીને પ્રવૃત્ત બની રહ્યા. ટૃાન્સવાલ ઇન્ડિયન કાઁગ્રેસની કારોબારીમાં દાખલ થયા, યુસૂફ દાદુ પ્રમુખ તરીકે અને ઈસ્માઈલ મીર મંત્રી તરીકે. અને આમ આ જોડીએ સાઉથ આફ્રિકન ઇન્ડિયન કાઁગ્રેસનો કારભાર 1946થી હાથ કર્યો, અને તેના નેજા હેઠળ ગાંધી વિચારાધીન સત્યાગ્રહ આદરવાનો નિર્ણય કર્યો. ખુદ ઈસ્માઈલ મીરના જણાવવા મુજબ, ‘એશિયાટિક લેન્ડ ટેન્યોર એન્ડ ઇન્ડિયન રિપ્રેઝન્ટેશન એક્ટનો વિરોધ કરવા સારુ 1946નો આ સત્યાગ્રહ કરવાનો અમારો મનસૂબો હતો. 1952 વેળા ‘ડિફાયન્સ’ (અવજ્ઞા) આંદોલન તેમ જ 1955ના આમ જનતાની કાઁગ્રેસ, ‘ફ્રિડમ ચાર્ટર’ (સ્વાતંત્ર્ય માટેનો ખરીતો) અને 1956 વેળા દેશદ્રોહનો મુકદ્દમો માટેની જમીન તેને કારણે જાણે કે તૈયાર થઈ.’
ઈસ્માઈલ મીરની રાજકીય સમજણ પર જવાહરલાલ નેહરુનાં લખાણોની ભારે મોટી અસર હતી. ઉપરાંત, ‘ઇન્ડસ્ટૃીઅલ એન્ડ કમર્સિયલ વર્કર્સ યુનિયન’ના ક્લેમન્ટ્સ કાડલીનો બચપણથી પ્રભાવ રહેલો હતો. સમય સમય પર વળી એ આફ્રિકન નેશનલ કાઁગ્રેસના વડા ચીફ આલ્બર્ટ લુથુલી તેમ જ કામદાર આંદોલનના એક વડા એલિસન જ્યોર્જ ચેમ્પિયન (Allison George Champion) જોડે સતત સંપર્કમાં રહેતા. આ દિવસો દરમિયાન પોતાની બૌદ્ધિક અને પત્રકારત્વની સમજણ ખીલવી શરૂ થઈ. વળી, એમણે 1937માં સ્થાપેલી ‘લેફ્ટ બૂક કલ્બ’માં જે ચર્ચાવિચારણા થતી રહેતી તેનાથી પણ ઉદારમતી સમજણની બુદ્ધિમતા મજબૂત બનતી ચાલી.
આ સમયગાળા દરમિયાન, વળી, ‘ધ ઇન્ડિયન વ્યૂઝ’ તેમ જ ‘ન્યૂ આઉટલૂક’ સામયિકો માટે તંત્રી લેખો લખતા રહ્યા. એ જ રીતે, ‘ધ લીડર’ સામયિક માટે ‘આઇ રિમેમ્બર’ નામક કોલમ પણ લખતા હતા. આને કારણે હિન્દવી જમાતના લોકો દક્ષિણ આફ્રિકાના સામાજિક અને રાજકીય જીવનમાં રસ લેતા થયા અને જરૂર પડી ત્યારે ભાગ પણ લેતા થયા. 1946ના નાતાલ પ્રાંતે ‘પાસિવ રેસિસ્ટન્સ કેમ્પેઇન’માં ઈસ્માઈલ મીર બીજાઓની સાથે સક્રિયપણે સામેલ હતા. ઈસ્માઇલભાઈ જ્હોનાસિબર્ગમાંથી ‘પાસિવ રેસિસ્ટર’ નામક સાપ્તાહિકનું સંપાદન પણ કરતા હતા. આ બધાને લીધે એમને એક મહિનાની કેદની સજા પણ થયેલી. હકીકતે આફ્રિકીઓ અને હિન્દવી લોકો વચ્ચે દરેક આંદોલન માટે મજબૂતપણે સહકાર રહે તેમ તે માનતા હતા.

ઇસ્માઈલ અને ફાતીમા મીર
સન 1954 દરમિયાન, એમનાં પત્ની તેમ જ ખુદ એમના પર પ્રતિબંધક ધારા અનુસાર પ્રતિબંધ લદાયો હતો. આથી 1952થી 1990ના સમયગાળામાં ઈસ્માઈલ મીરનાં લખાણમાંથી કશું ય અવતરણ લઈ શકાતું નહીં. પરિણામે ઈાસ્માઈલ મીર તખલ્લુસ વાપરીને લખાણ કરતા.
સિદ્ધાન્તનિષ્ઠ આંદોલનકાર, નીવડેલા કામદાર આગેવાન, શિક્ષણકાર, રાજકારણી, વકીલ, તેમ જ દક્ષિણ આફ્રિકામાંના મોટા ભાગના બહુમતી લોકો પર શાસકોનો દાબ તેમ જ તેમના કંગાળ જનજીવન બાબતના ઇતિહાસના લેખક તરીકે નાની વયથી જ વિવિધપણે સક્રિય રહ્યા હતા. ‘નાતાલ ઇન્ડિયન કાઁગ્રેસ’ના ઉપપ્રમુખ હોવાને નાતે તેમ જ ‘સાઉથ આફ્રિકન કાઁગ્રેસ ઑવ્ ટેૃડ યુનિયન્સ’ની નાતાલ શાખાનું પ્રમુખપદ પણ સંભાળેલું હોઈ શાસકોની ઊંડી તવાઈનો ભોગ બનતા રહેલા. આથી જ 1956 વેળા દેશદ્રોહના મુકદમામાંના 156 આગેવાનોમાં ઈસ્માઇલ મીરનો ય સમાવેશ કરાયો હતો. દેશમાં, સન 1960, વેળા કટોકટી લાદવામાં આવી, ત્યારે ચીફ આલ્બર્ટ લુથુલીની જોડાજોડ ઈસ્માઈલ મીરને પણ અટકમાં લેવામાં આવેલા. એ જ સદીના આઠમા દાયકા દરમિયાન, વિશાળ લોકશાહી તંત્ર માટેનું આંદોલન ઊભું કરવા બાબત તે સતત સક્રિય રહેલા. સન 1994માં લોકશાહી મૂલક રાજતંત્ર અમલી બન્યું ત્યારે ક્વાઝુલુ-નાતાલ પ્રાંતની ધારાસભામાં બે સત્ર માટે એ સભ્ય રહ્યા હતા.
દક્ષિણ આફ્રિકાની સ્વાતંત્ર્ય લડતમાં ઉમદા ફાળો આપનાર પ્રાધ્યાપક ફાતીમા મીર જોડે 1951માં એમનું લગ્ન થયેલું. એમના પુ્ત્ર રશીદનું એક કાર અકસ્માતમાં અવસાન થયેલું. એમને બે દીકરીઓ ય હતી : શમીમ અને શેહનાઝ. ઈસ્માઈ મીર પાક મુસ્લિમ હતા. પોતાના વિસ્તારની મસ્જિદમાં એ ઘણી વખત ‘જુમા ખુત્બ:’નો ઉપદેશ આપતા અને ‘તફસિર’ ભણાવતા. 1984 વેળા પોતાની જોડે એ હજ માટે ય જઈ આવેલા. ઈસ્માઈલ મીરના કિમ્મતી જીવનની એકમેકથી ચડિયાતી વિગતમાહિતી આપણને ‘ઍ ફોરચ્યુનેટ મેન’ નામક આત્મકથામાં સાંપડે છે. વિધિની વક્રતા તો એવી કે આ આત્મકથાના અંત ભાગને એ પૂરો ન કરી શક્યા, કેમ કે 01 મે 2000ના રોજ એમનું અવસાન થયું. અને એમના વિદુષી પત્ની ફાતીમા મીરે આ આત્મકથા આટોપી અને પ્રકાશિત કરવાની કાર્યવાહી પણ કરી. જ્યારે નેલ્સન મન્ડેલાએ આ પુસ્તકની દીર્ઘ પણ સરસ પ્રસ્તાવના લખી છે. દક્ષિણ આફ્રિકાની સ્વાતંત્ર્ય લડતમાં વિધવિધ ક્ષેત્રે અગ્રગણ્ય ફાળો આપવા સારુ તત્કાલીન રાષ્ટૃપતિ જેકબ ઝૂમાએ ઇસ્માઈલ મીરને મરણોત્તર ‘ઑર્ડર ઑવ્ લુથુલી’ રૌપ્ય ચંદ્રક એનાયત કરેલો.
06 ઍપ્રિલ 2026
હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ
vipoolkalyani.opinion@btinternet.com
![]()

