આઠ લાખ સુરક્ષાકર્મીઓના વજ્જર પહેરા વચાળે પાક લોકશાહીએ લશ્કરમાન્ય એક ઓર ચૂંટણીશ્વાસ લીધો. લશ્કર અને અંતિમવાદી કે ઉગ્રવાદીઓને સ્વીકાર્ય એવા ઇમરાન ખાન, એક અર્થમાં અંતિમવાદી તત્ત્વોના મુખ્ય પ્રવાહમાં પ્રવેશ અને પ્રતિષ્ઠાના પ્રક્રિયાના લોકશાહી વાહક જેવા છે. સ્વાભાવિક જ આ એ લોકો છે જેમને ભારત સાથે સારા પાડોશી સંબંધની રણનીતિ પ્રતિકૂળ હોઈ શકે. એક પ્રજા તરીકે ભારત છેડે જો આ ચોંપ અને તકેદારીનો તબક્કો છે તો આપણા હુકમરાનોને સારુ એમાં રણોદ્યત વલણની તક (અને કદાચ ગણતરીસરના રાજકારણ મુજબની સગવડ પણ) રહેલી છે.
પાક ઘટનાક્રમની પિછવાઈ પર જોતાં ઘરઆંગણે ઊપસતું અને સમજાતું ચિત્ર શું છે? મુદ્દાની વાત એ છે કે પાક પર્યવેક્ષકો ઇમરાન ખાનમાં ટ્રમ્પનાં દર્શન કરી રહ્યાં છે. વાચકોને યાદ હોય જ કે થોડાં વરસ પર રાજનાથસિંહ બહુ ઉત્સાહથી કહેતા સંભળાયા હતા કે ટ્રમ્પ નમો નીતિને અનુસરનારા છે. હવે રાજનાથસિંહને પક્ષે કોઈ પુનર્મૂલ્યાંકન થયું હોય તો અલબત્ત એ આપણે જાણતા નથી. એટલું જરૂર જાણીએ છીએ કે મોદીની કોશિશ વાજબી રીતે જ નવાઝશરીફ સાથે અને મારફતે સંબંધ-સુધારની હતી. એવો અને એટલો પ્રતિસાદ ઇમરાનખાન તરફથી મળે એમ અત્યારે તો દેખાતું નથી. વળી અંતિમવાદીઓની કથિત મધ્યપ્રવાહમાં પ્રતિષ્ઠા કરવાનો લશ્કરી બેત ભારત-પાક સમધારણ સંબંધોની મથામણને વધુ એક વાર જફા પહોંચાડશે એમ માનવાને અવકાશ રહે છે. નમો અને ઇમરાન ખાન બેઉમાં રહેલ ટ્રમ્પ કેવુંક સંતુલન જાળવી શકે છે એ આપણા ૨૦૧૯ના ચૂંટણીવરસની રીતે ભર્યું નાળિયેર છે. દેખીતી રીતે જ, મે ૨૦૧૪ પછીનાં ચાર વરસનું રિપોર્ટ કાર્ડ જોતાં આપણા સત્તાપક્ષે પુનઃ વિજયી બનવા માટે કાંકકશુંક આક્રમક આલંબન લેવું પડશે. અલબત્ત, પાક પ્રવાહોના જાણતલ દીપક બારડોલીકરનું આશાભર્યું આકલન છે તેમ વ્યાપક માન્યતાથી વિપરીતપણે ઇમરાન જો અમનપસંદ પેશ આવે તો નવી દિલ્હીએ કોઈ બીજું આલંબન શોધવું પડે એમ બને.
ગમે તેમ પણ, આ ક્ષણે ઘરઆંગણે જો કોઈ નિમિત્તે સત્તાપક્ષની રાજકીય ભઠ્ઠી ગરમાયેલી હોય તો તે કથિત ગોરક્ષકોની છેક અખલકના વારાથી હમણેની અલવર ઘટના સમેતની હરકતોની છે. હરકત જો કે એક નરમ પ્રયોગ છે, પણ સામાન્યપણે જેને હેટ ક્રાઈમ કહીએ એવો એક દોર નિતાન્ત જારી છે. અલવર ઘટનામાં, રાજસ્થાનના ગૃહમંત્રી કટારિયાએ કસ્ટોડિયલ મૃત્યુનો જે કેસ ઊભો કરવાની કોશિશ કરી એમાં કથિત ગોરક્ષકોને બચાવવાની મંછા પણ સાફ વરતાય છે. એવો એક વર્ગ, લગભગ લુમ્પન પ્રકારનો (અને વિચારધારાકીય વરખ અગર વહેમનો) અસ્તિત્વમાં આવ્યો છે જે ‘સૈંયા ભયે કોતવાલ’ના ખ્યાલે આશ્વસ્ત જ આશ્વસ્ત છે. એને યથાસંભવ સાચવી લેવામાં શાસન પોતે નિઃશાસન કે દુઃશાસન લેખે ઉભરે છે એનું શું એ સવાલ વિચારધારાકીય આકાઓને કદાચ ખાસ પજવતો નથી. અને સંબંધિતો પૈકી એક મોટા હિસ્સાને આ ‘મૉબ લિન્ચિંગ’ના દોરમાં કોમી દૃઢીકરણનો ચૂંટણીલાભ જણાય છે એ પણ સાચું.
નિઃશાસન/ દુઃશાસન એ મુદ્દો જ કેમ જાણે ચર્ચા બહારનો લેખાય છે. સંઘ પ્રચારક ઇન્દ્રેશકુમાર જેઓ આજકાલ રાષ્ટ્રવાદી મુસ્લિમ મંચનો મોરચો સંભાળી રહ્યા છે એમણે આ દિવસોમાં કહ્યું છે કે લોકો ‘બીફ’ ખાતા બંધ થશે એટલે ‘લિન્ચિંગ’ પણ આપોઆપ શમી જશે … એલિમેન્ટરી, માય ડિયર વૉટ્સન! દૂરાકૃષ્ટ લાગે તો પણ એક પેરેલલ સંભારી આપું કે કટોકટી વખતે ઇંદિરા સરકારની સુપ્રીમ કોર્ટ સમક્ષ સત્તાવાર રજૂઆત હતી કે પોલીસ હસ્તક ખૂન થાય તો તે પણ અત્યારે મૂળભૂત અધિકારો સ્થગિત છે ત્યારે કોઈ કાનૂની નસિયતને આધીન નથી. આજે જે સિનારિયો છે તેમાં મૉબ લિન્ચિંગ કોઈક કેન્દ્રીય મંત્રીને પક્ષે સત્કારટણું બની રહે છે તો કોઈક કેન્દ્રીય મંત્રી એમ પણ કહી નાખે છે કે જેમ જેમ વડાપ્રધાનની લોકપ્રિયતા વધી રહી છે તેમ તેમ લિન્ચિંગ પણ વધતાં જશે. એટલે કે, બીજા શબ્દોમાં વિરોધીઓ આ પ્રકારનાં કાવતરાંથી સરકારને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હત્યા હવે કાયદાના શાસનનો સવાલ નથી, પણ આતયાયીવધને ધર્મ્ય લેખતી ગીતાપ્રોક્ત તરજ પરની બીના છે. આ સંજોગોમાં અગાઉ સહિષ્ણુતાને મુદ્દે જેમણે માનઅકરામ પરત કરવામાં નાગરિકને નાતે ધર્મ જોયો હતો તેમને તેમ જ લિન્ચિંગની ટીકા કરનારાઓને તેઓ જાણે કે હાલની અનવસ્થા માટે જવાબદાર હોય એ રીતે જોવામાં આવે છે. ગેરસરકારી કટોકટીરાજને સરકારી સમર્થનની આ તરાહ વિશે શું કહીશું, સિવાય કે અઘોષિત અને અઘોર કટોકટીરાજ.
શશી થરુર, આવા માહોલની પરિણતિ આગળ ચાલતાં ‘હિંદુ પાકિસ્તાન’ રૂપે જુએ છે. કૉંગ્રેસ શ્રેષ્ઠીઓમાં એક મોટો વર્ગ છે જે આ પ્રકારનાં ટીકાટિપ્પણમાં રહેલી સચ્ચાઈ સમજવા છતાં લાલ લૂગડું જોઈ ભડકતા આખલાની પેઠે પેશ આવે છે. રખે ને હિંદુ મતદાનીય સમર્થન છેક ઓછું થઈ જાય, એવો ભય એમને સતાવે છે. નાગરિક મતદાર તરીકે નાતજાત કે કોમમજહબથી ખેંચાઈને વરતી બેસે એમાં અલગ અલગ છેડેથી કોઈક પક્ષને સારુ આશા તો કોઈક પક્ષને સારુ ભીતિ, એવા આ દિવસો છે. મુદ્દે હિંદુ હોવું અને હિંદુત્વવાદી હોવું; હિંદુ ધર્મમાં માનવું અને હિંદુત્વમાં માનવું; બંને એક વાત નથી – જેમ ઇસ્લામ કે ખ્રિસ્તમત એ ભારતની બંધારણીય મર્યાદામાં કોઈ અલગ રાષ્ટ્રીયતા બેલાશક નથી.
હિંદુ ઓળખ પરના સતત ભારને કારણે વળતી ઓળખના રાજકારણને હવા મળે છે એ સાદો હિસાબ છે. પક્ષો નાગરિકને નાગરિક કરતાં વધુ તો મતદાર તરીકે જુએ અને મતદારોને પણ પોતાને વિશે નાગરિક સિવાયની રીતે વિચારવું ફાવી જાય ત્યારે શું થાય, એ કોમી ધ્રુવીકરણનાં દૂષણો અને ભયસ્થાનો જોયા પછી ખરેખર તો કહેવાની જરૂર જ ન પડવી જોઈએ. રાજીવ ગાંધી, ‘મોસ્ટ ચાર્મિંગ પર્સન’માંથી ‘મેલ શોવિનિસ્ટ પિગ’ (એમ.સી.પી.) તરીકે ઊભર્યા તે શાહબાનુ ઘટના હતી, અને એણે હિંદુ દૃઢીકરણની પ્રક્રિયા માટે ખાસું મોટું મનોવૈજ્ઞાનિક નિમિત્ત પૂરું પાડ્યું હતું તે સૌ જાણે છે. પછીથી બહાર આવેલી (પણ હજુ જાહેર માનસમાં ખાસ અંકિત નહીં થયેલી) વિગત પ્રમાણે રાજીવ ગાંધીને – ‘તો તમે મુસ્લિમોને પોતાના લાગશો’ એવી સલાહ (શાહબાનુ સુધારાની સલાહ) એમ.જે. અકબરે આપી હતી. અકબરને રાજીવ ફળ્યા હશે, પણ અકબર અત્યારે ભા.જ.પ.ને ફળી રહ્યા છે. તમે માત્ર મુસ્લિમ પુરુષોને જ વિચાર કરો છો એવો ટોણો કૉંગ્રેસને મારનાર નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં રાજીવ ગાંધીની આ ગત માટેના સલાહકાર અકબર હોઈ શકે છે! નાગરિકો પોતે, અને પક્ષો પણ, નકરા મતદારોને જોવાનું ક્યારે છોડશે અને મત માગવા સાથે મતઘડતરની જે જવાબદારી છે તે ક્યારે સમજશે?
અડવાણી સાથે એક વાર વાત કરવાનું થયું ત્યારે એમણે ભારત ખાતેના તત્કાલીન પાક હાઇકમિશનર અશરફ કાઝી સાથેનો પોતાનો સંવાદ ટાંક્યો હતો : સિંધથી અહીં આવેલો હું ભારતમાં કેટલી ઊંચી પાયરીએ પહોંચ્યો છું, અને અહીંથી તમારે ત્યાં આવેલા આટલે વરસે પણ મુહાજિરના મુહાજિર છે … ભારત અને પાકિસ્તાન વચ્ચે આ સ્તો ફરક છે. અડવાણીએ વાત તો સોજ્જી કીધી. માત્ર, આ ફરક પાકિસ્તાનને નહીં મળેલા અને ભા.જ.પ.ને જે ખાસ વહાલા નહીં એવા ગાંધી નેહરુ પટેલ મૌલાના આંબેડકર જેવી નક્ષત્રમાળાના નેતૃત્વને આભારી છે. ભારતની જેમ મુકાબલે સ્વસ્થ રાહ નહીં લઈ શકનાર પાકિસ્તાન આજે એક ઓર ભાગલા પછી, વધુ ભાગલાની ગુંજાશ સોતું લશ્કરવાદ-કબીલાવાદ-આતંકવાદની જિંદગી બસર કરી રહ્યું છે. જોવાનું છે કે જે એકંદરમતી વિમર્શે ભારતને વિક્સન અને પ્રફુલ્લનનો અવસર આપ્યો એના વિકલ્પને નામે વિખરાવ, ભટકાવ, અલગાવની આશંકિત ને આતંકિત રાજનીતિ ક્યાં લઈ જશે આપણને.
જુલાઈ ૨૮, ૨૦૧૮
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2018; પૃ. 01-02