ઇન્હીં લોગોંને … લાગે છે, ‘પાકિઝા’ની નાયિકાએ દેશની લોકશાહી અને નાગરિક સમાજ વતી આપણા એકંદર રાજકીય-શાસકીય અગ્રવર્ગ સામે જ, જાણે કે, આ તહોમતનામું ફરમાવવા ધાર્યું હશે. સોશ્યલ મીડિયાના દુરુપયોગથી માંડીને ડેટાચોરી વગેરે બાબતે ભાજપ અને કૉંગ્રેસ એકબીજા પર જે આરોપ અને પ્રત્યારોપની રમતમાં પડ્યાં જણાય છે એમાંથી (કૉંગ્રેસના લગારે બચાવ વગર) એટલું તો સાફ સમજાય છે કે સોશ્યલ મીડિયાને મોરચે ભાજપની અસરકારક આરંભિક સરસાઈ પછી કૉંગ્રેસે મોડે મોડેથી પણ અંતર કાપી શકવાની ક્ષમતા દર્શાવી ત્યારથી, ભાજપ શ્રેષ્ઠીઓ જુદી રીતે આક્રમક તેવર અજમાવી રહ્યા છે. ખરું જોતાં, એકદમ જ મોરચે ખાબકનાર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને ભારત સરકારનું કાનૂન મંત્રાલય આ બાબતમાં પ્રતિબધ્ધ અને જાગૃત હોત તો જૂન ૨૦૧૭માં ગુગલ અને ફેસબુકની ભ્રષ્ટ નીતિરીતિ સબબ યુરોપીય યુનિયને એમના પર આકરો દંડ ફટકાર્યો તે સાથે જ એમણે ય સાબદા હોવાની સાબિતી આપી હોત. પણ ‘કેમ્બ્રિજ એનાલિટિકા’નું ઓઠું (કૉંગ્રેસ પર ત્રાટકવા માટે) હાથ લાગ્યું ત્યાં સુધી, પૂરા છ મહિના લગભગ, એમણે ‘મૌન કી બાત’નો મહિમા વધુ એકવાર કર્યો !
વસ્તુતઃ ‘કેમ્બ્રિજ એનાલિટિકા’ની કે એ પ્રકારની અન્ય સંડોવણીઓ સબબ બે વાનાં અધોરેખિતપણે સમજવા જોગ છે; અને તે લેહ્ય, ચોષ્ય અને પેય એમ હર તબક્કે આત્મસાત્ કરવા જોગ છે. પહેલી વાત એ કે આ પ્રકારની સેવાનો ઇતિહાસ માત્ર કૉંગ્રેસનો જ નથી, ભાજપનો અને એના જનતા દળ (યુનાઈટેડ) જેવા પુનર્મિલને પ્રગલ્ભ સાથીઓનો પણ છે. મંડળી આખીમાં એક અર્થમાં અને એક હદે ‘ઈન્હીં લોગોં’નો હિસ્સો છે. અને જે બીજું વાનું, તે એ કે આ સેવાઓનો લાભ તમે સકારાત્મક અને રચનાત્મક હેતુઓ સર તેમ લોકમતને ચોક્કસ રાજકીય વળ ને આમળો આપી તથ્યનિરપેક્ષ તોડમરોડ વાસ્તે પણ લઈ શકો છો. ગુગલ, ફેસબુક, કેમ્બ્રિજ એનાલિટિકા વગેરે દરેકની તરફેણ અને વિરોધમાં આ રીતે જોવાનું શક્ય છે. સવાલ એ છે કે ધરાર ધંધાદારી આ સેવાઓનો ઉપયોગ તમે ધોરણસર વ્યાપક હિતમાં કરો છો કે પછી ઈરાદાસરની તોડમરોડ વાસ્તે. પેલાઓ ‘દૂધે ધોયા’ નથી એ તો જાણે કે સમજ્યા, પણ તમે ‘મતે નાહ્યા’ કેમના થયા અને થાવ છો એ તો અમને સમજાવો લગરીક.
આ સોશ્યલ મીડિયા આપણે ત્યાં રેવાલ દોડ્યું આવ્યું, કેવા એ દિવસો હતા! જગતતખતે એને જો ‘અરબ સ્પ્રિંગ’ કહેવાનો ચાલ છે, તો ભારત આંગણે આપણે એનું મહિમામંડન ‘જંતર મંતર વાયા તહરીર’ એ સૂત્રસપાટે કરતા રહ્યા છીએ. એ દિવસો હતા જ્યારે સોશ્યલ મીડિયાએ અણ્ણા હજારેને અશ્રુતપૂર્વ ઊંચક્યા હતા. આ મીડિયા, ૨૦૧૧-૧૨માં ખાસું સ્વયંસેવી હતું તો ઠીક ઠીક પ્રમાણમાં (ખાસ તો ભાજપ થકી) ધંધોપજીવી પણ હતું. અણ્ણાને આગળ કરવામાં કૉંગ્રેસમુક્ત ભારતની લક્ષ્યસિદ્ધિની દૃષ્ટિએ ભાજપને પોતાનો સ્વાર્થ ચોક્કસ જણાતો હતો. ચૈત્રી નવરાત્રના હજુ હમણેના જ એ દિવસો હતા જ્યારે અણ્ણાએ કથિત ગુજરાત મૉડેલ વિશે સરળભોળાં પ્રશંસાવચનો ઉચ્ચાર્યા હતા અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી એને સહારે વૈતરણી પાર કરવાની ગણતરીએ તરત જ પડમાં પધાર્યા હતા. અલબત્ત, ગુજરાતની પ્રત્યક્ષ મુલાકાત પછી એમની સમજનો કૌમારભંગ થયો હતો, પણ એ મહિનાઓ એમને સારુ અને દેશજનતા સારુ ખાસી કિંમત ચૂકવવાના બની રહ્યા હતા.
આ ક્ષણે નજીકનાં વરસોની આટલી ઇતિહાસવિગત સંભારવાનું તત્કાળનિમિત્ત અણ્ણાને ગુરુવારે – ૨૯મી માર્ચે, ઉપવાસના સાતમે દિવસે, મહારાષ્ટ્ર અને કેન્દ્રની ભાજપ સરકારોના સત્તાવાર પ્રતિનિધિઓએ પારણાં કરાવ્યા તે છે. ગુજરાતમાં લોકઆયુક્ત નીમવાની બાબતમાં રાજ્ય સરકારની દિલચોરી અને દિલદગડાઈનો એક સળંગ સિલસિલો રહ્યો છે. એક તબક્કે ગુજરાત હાઈકોર્ટે આ આખી પ્રક્રિયામાં મુખ્યમંત્રીના વલણે ‘મિની કૉન્સ્ટિટ્યુશનલ ક્રાઈસિસ’ સરજી હોવાની બેબાક ટિપ્પણી કરી હતી. ગમે તેમ પણ, આ જ ગુજરાત મોડેલની મોટી છબી હમણેનાં વરસોમાં આપણે દિલ્હી તખતે જોઈ છે. અને સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ શબ્દોમાં કહેવાની નોબત આવી છે કે કેન્દ્ર સરકારે લોકપાલ નહીં નીમવાનું કોઈ જ કારણ નથી.
વાતનો બંધ વાળતાં પૂર્વે કેમ્બ્રિજ એનાલિટિકા અને કૉંગ્રેસના સંબંધ વિશે વ્હીસલ બ્લોઅર તરીકે ઉભરેલા એનાલિટિકાના પૂર્વ કર્મચારી ક્રિસ્ટોફર વાયલી સંદર્ભે એ એક વિગત નોંધી લઈએ કે એમના પરિવારે પાકિસ્તાનમાં સોશ્યલ મીડિયા ક્ષેત્રે પ્રત્યાઘાતી વલણોમાંથી પ્રજામતને બહાર કાઢવામાં પણ કામગીરી બજાવેલી છે. બીજી બાજુ, બ્રિટનની સંસદીય સમિતિમાં થયેલી ચર્ચાઓમાંથી બહાર આવેલી માહિતી મુજબ ભારતમાં કૉંગ્રેસને હરાવવા માટે એક ભારતીય અબજોપતિએ અબજો રૂપિયા ખરચી સોશ્યલ મીડિયાની સેવા ખરીદી હતી.
તરેહવાર સોશ્યલ મીડિયાની ધંધોપજીવી કામગીરી બાબત પ્રજાકીય છેડેથી ભરપેટ ટીકાટિપ્પણ કરીએ, નિઃસંકોચ કરીએ, પણ એક પ્રજાસૂય વાનું પકડીએ, બરાબર પકડીએ, શિંગડેથી અને પૂછડેથી એમ બેઉ છેડેથી મુશ્કેટાટ પકડીએ કે ઈન્ટરનેટ પર ને સોશ્યલ મીડિયાની રાંગે ચઢી બાંગ પોકારતું બધ્ધેબધ્ધું પરબારું સાચું હોવાને કારણ નથી. આ માહિતીના મહાસાગરમાં માંહી પડ્યા મહાસુખ તમે તો જ માણી શકો જો તમારો નીરક્ષીરવિવેક સાબદો હોય. મતાતુર પક્ષોને મતઘડતરની કિંમત નથી એ આપણે ખાસી કિંમત ચૂકવ્યા પછી જો સમજી શક્યા હોઈએ તો હવેના તબક્કે એ પણ સમજી લેવું અનિવાર્ય, રિપીટ, અનિવાર્ય છે કે ‘ઇન્હીં લોગોંને …’ એટલું કહ્યાથી આપણો ઉગાર નથી. જો આ ન સમજીએ તો ફિલ્મ બૉક્સ ઑફિસ પર હિટ જવાની હશે તો જશે, પણ બાઈ લોકશાહી જેનું નામ તેની ફિલ્લમ ઊતરવાનું ચાલુ રહેશે.
બંધ વાળતાં પૂર્વે હજુ એક મુદ્દો. વાચક આને કોઈ અસારવાદી ટિપ્પણી તરીકે કૃપા કરીને ન જુએ. જે જે નાનામોટા પ્રયાસો વિકલ્પબાંધણીના ચાલે છે, એને એક બેરોકટોક ‘અશ્વ’ બાબતે લગામની કોશિશરૂપે ઘટાવવામાં બેશક બાધ નથી. મમતા બેનરજી પ્રાદેશિક પક્ષોના ફેડરલ ફ્રન્ટ માટે જે કોશિશ કરી રહ્યાં છે એમાં અરુણ શૌરીના અંદાજ મુજબ છેલ્લા રાષ્ટ્રીય મતદાનના ૬૯ ટકા જેટલા એકત્રીકરણની સંભાવના છે. આવા પ્રયાસોની મર્યાદા વિશે પૂરતી સભાનતા સાથે પણ એટલું અવશ્ય કહેવું જોઈએ કે અશ્વ-રોકનીયે એક ભૂમિકા ને કંઈક લૉજિક છે. હર કોશિશે આગલી કોશિશોમાંથી શું શીખવા જેવું હતું તે વિશે જાગૃત રહેવાપણું છે. મતદારની નાગરિક નિયતિ, સંભવિત રાજકીય વિકલ્પ અને વૈકલ્પિક રાજનીતિ વચ્ચે સતત મેળ પાડતા રહેવાની હતી, છે અને રહેશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2018; પૃ. 01-02