૨૫મી જુલાઈ ૨૦૧૮ના દિવસે પાકિસ્તાનમા સામાન્ય ચૂંટણી યોજાઈ ગઈ. એ રાષ્ટ્રીય સભાની ૨૭૦ બેઠકો અને પ્રાંતીય સભાની ૫૭૦ બેઠકો માટેની ચૂંટણી હતી.
ચૂંટણી ખાસી રસાકસીભરી હતી. એક તરફ સત્તાપક્ષ મુસ્લિમ લીગ નૂન હતો તો બીજી તરફ તેહરીકે ઈન્સાફ હતો. જો કે પિપલ્સ પાર્ટી, જમાતે ઇસ્લામી, જમિયતે ઉલેમા, એમ.ક્યૂ.એમ. વગેરે પક્ષો પણ મેદાનમાં હતા. પરંતુ મુખ્ય મુકાબલો, કરાશન કેસમાં નાલાયક ઠરેલા ને હાલ જેલવાસ ભોગવી રહેલા, માજી વડાપ્રધાન નવાઝ શરીફના પક્ષ, મુસ્લિમ લીગ અને વિખ્યાત ક્રિકેટર ઇમરાનખાનના પક્ષ તહરીકે ઇન્સાફ વચ્ચે હતો.
તેહરીકે ઇન્સાફ મુખ્યત્વે યુવાનો, ગરીબો, વંચિતોનો પક્ષ ગણાય છે. જ્યારે લીગ શોષણખોરોના પક્ષ તરીકે બદનામ છે. તે ગુંડાઓને પાળે છે અને માફિયા રાજપદ્ધતિ પણ અપનાવે છે.
આ વેળાની ચૂંટણી અત્યંત મહત્ત્વની હતી. એ તબદીલી યાને પરિવર્તન માટે ચૂંટણી હતી. તબદીલી કે સૂત્ર ઈમરાનખાને આપ્યું હતું અને સમગ્ર પાકિસ્તાને એ સૂત્ર ઝીલ્યું હતું ને અને પડઘા ગજાવ્યા હતા. આ પડઘા એટલા જોરદાર હતા કે એના પ્રભાવથી મુસ્લિમ લીગ નિષ્ફળ-નાસીપાસ થઈ ગયેલી લાગતી હતી.
અને ચૂંટણી યોજાઈ, તો વાસ્તવમાં થયું પણ એવું જ. તેહરીકે ઇન્સાફ, રાષ્ટ્રીય સભાની ૨૭૦માંથી ૧૨૦ જેટલી બેઠકો જીતી ગઈ. જ્યારે મુસ્લિમ લીગ સાઠ બેઠકોથી આગળ વધી શકી નહીં.
દેખીતું છે કે હવે પાકિસ્તાનના આગામી વડાપ્રધાન ઈમરાન ખાન હશે. એ પશ્ચિમી હવામાં વર્ષો ગાળી ચૂકેલો અને પશ્ચિમી લોકશાહીના રંગે રંગાયેલો આદમી છે. ઉદાર છે, સ્વચ્છ છે, સંસ્કારી છે, તે મૈત્રી અને મહોબતમાં માને છે. લોકકલ્યાણ અને સમાજોન્નતિમાં માને છે. – આથી કહી શકાય છે કે ચૂંટણી પહેલાં, વિદેશી મીડિયા ઇમરાનખાન વિશે જે ઝેરીલો પ્રચાર કરી રહ્યા હતા તે ખરેખર ભોંઠા પડશે.
એક પત્રકાર તરીકે મારો અનુભવ અને મારું નિરીક્ષણ છે ત્યાં સુધી હું કહી શકું છું, કે ઇમરાન ખાન લડાઈને પસંદ કરતા નથી. શાંતિ તથા સંપમાં માને છે. વળી પાકિસ્તાનના લોકો પણ શાંતિપ્રિય છે. તેમને લડાઈમાં નહીં તેમના પ્રશ્નોના હલમાં રસ છે. તેમને રોજગાર જોઈએ છે, સુયોગ્ય રહેઠાણો, તાલીમગારો, દવાખાના, રસ્તા, પુલો વગેરે જોઈએ છે. તેમને આ જરૂરિયાતો મેળવવામાં રસ છે, લડાઈમાં નહીં. તેઓ જાણે છે કે લડાઈ, પ્રશ્નોનો હલ નથી, બલકે પ્રશ્નોની જન્મદાત્રી છે.
ઇમરાન ખાન વડાપ્રધાન બને એને આપણે આવકારીશું. ખુશ આમદીદ કહીશું. પરંતુ આ પદ એમના માટે સહેલું નહીં હોય એ પણ એટલું જ સાચું. એમ સામે સૌથી મોટો પ્રશ્ન અર્થકારણનો હશે. લીગ સરકારે દેશને અબજોના કરજખાડામાં ઉતારી દીધો છે. આવી દશામાં વિકાસકાર્યો કેમ હાથ ધરવા એનો જવાબ સહેલો નથી. લોકોની અપેક્ષાઓ ને આશાઓ પણ હદ વિનાની હશે. તેમને કેમ સંતોષવા? આપેલાં વચનો કેમ પૂરા કરવાં અને વિરોધપક્ષોના કાવાદાવા તેવા હંગામા અને બીજું ઘણું હશે. એ સૌને ઇમરાન કેમ પહોંચી વળશે? વિચારીએ તો તમ્મર આવી જાય એવી પરિસ્થિતિ છે.
ગમે એમ, પણ પાડોશી દેશો સાથે સંબંધો સુધારશે, લડાઈઓ નહીં થાય એમ છાતી ઠોકીને કહી શકાય છે અને અંતે આ દુઆ કે : અલ્લાહ તઆલા ઈમરાન ખાનની મદદ કરે.
– આમીન.
(યુ.કે.)
Courtesy : https://www.bbc.com/gujarati/international-44981690#
સૌજન્ય :નિરીક્ષક”, 02 અૉગસ્ટ 2018; પૃ. 15