કોઈ કોઈવાર એવી ઈચ્છા થાય છે કે,
કાચની બંગડી તોડવાની જેમ ચાલ,
બે ચાર કાયદાકાનૂન તોડી નાખું.
માથાના તાજને પછાડું પગને તળિયે.
જેના પગ નીચે છું એને માથે ચડી બેસું.
બંગડી તોડવાની જેમ અવજ્ઞાને ઈચ્છું.
ધરમતલામાં ભરબપોરે બેસી જાઉં,
ઈચ્છા થાય છે ધોમતાપમાં બ્લૅક આઉટનો હુકમ કરું.
ઈચ્છા થાય છે છેતરપીંડીને મારી જનસેવાની સાચી વ્યાખ્યા સમજાવું.
ઈચ્છા થાય છે ઠગનેતાને મોઢે ચૂનો અને મેશ ચોપડું.
ઈચ્છા થાય છે ઑફિસે જવાનું નામ આપી બેલૂરમઠ જાઉં.
ઈચ્છા થાય છે મરઘાંબતકાંની દુકાને ધર્મ-અધર્મનું લિલામ કરું.
ફુગ્ગો ખરીદું, ફુગ્ગો ફોડું.
કાચની બંગડી જોતાવેંત તોડું,
ઈચ્છા થાય છે હવે પૃથ્વીને ઊલટીસૂલટી કરી
મૉન્યુમૅન્ટ પાસે ઊભી રાખીને કહું,
મને કંઇ જ ગમતું નથી.
(સૌજન્ય : પુસ્તક “હાવરા સ્ટેશનના પ્લૅટફૉર્મ પરથી” – સુનીલ ગંગોપાધ્યાયનાં કાવ્યો – અનુવાદ : નલિની માડગાંવકર : પ્રથમ આવૃત્તિ : ૧૯૮૫ : પ્રકાશક : શ્રીમતી કમલિની હર્ષદ ભણશાળી, રજિસ્ટ્રાર શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી મહિલા વિદ્યાપીઠ, ૧, નાથીબાઈ ઠાકરશી રોડ મુંબઈ – ૪૦૦ ૦૨૦)