લો, આવી ગઈ સ્મશાનમાં,
ફરી એક વાર !
બહુ વાર ન લાગી આવતાં
અહીંથી જ તો શરૂ કરેલું
જીવવાનું
અહીંનાં જ પિંડને ચિતા પર શેકીને પેટ ઠાર્યું
હવે મારો પિંડ શેકાઈ રહ્યો છે
ને જ્વાળાઓ શાંત થઈ રહી છે
કેટલી બધી ચિતા તો આંસુથી હોલવી છે
આભારી છું સ્મશાનની
જેણે અહીંથી ઉઠાડી
ને અહીં સુવાડી છે
હવે હોલવાઈ ગઈ છું ત્યારે પેટાવવા બેઠા છે
પણ હવે ઊઠવાનું નથી
ઊઠી ગઈ છું
આમ તો જન્મી ત્યારે ચીંથરું જ તો હતી !
ને દેહ સમજાય તે પહેલાં તો
નવા દેહને જન્મ આપ્યો
પતિએ છોડી દીધી પેટ સાથે
તો બાળકી જન્માવી કોઢે
ગાય મારી દાયણ બની
ને એની દેખરેખમાં જન્મ્યું મખમલ
જોકે, આ ચીંથરાએ જીવવાનું તો હતું જ !
તે જીવ્યું પ્લેટફોર્મ પર-
દોડતી ગાડીએ ભીખ આપી
તો કોઈકે કટકા નાખ્યા
એનાં બટકાં કર્યાં
ને વહેંચ્યાં ચીંથરાં વચ્ચે
એ બધાં ચીંથરાં જોડીને મેં
ઓઢ્યું અખંડ માતૃત્વ !
જેનું કોઈ ન હતું
એની હું થઈ
મને નાથ તો હતો
પણ અનાથની ગોદડી હું થઈ
એ ગોદડીમાં મારા પતિનેય મેં સીવ્યો
એ મારું સૌથી મોટું સંતાન છે
મારાથી બમણું મોટું !
એમાં મારી દીકરી અળગી કરી
એને રડતી છોડી
જેથી
બીજી આંખો લૂંછી શકું
આજે કેટલી બધી વહુઓ
અને
જમાઈઓની લીલી વાડી મૂકીને જાઉં છું
એ બધાં મારાં નથી
પણ હું એમની છું
ને હવે કોઈની નથી
મારી પણ નહીં
કૈં ન હતું ત્યારે જીવી
ને હવે બધું છે તો જાઉં છું …
આવજો !
000
e.mail : ravindra21111946@gmail.com