થરથર ધ્રુજે મારા હાથ
હૃદય તૂટે મારું આજ
ભાંગતું હૈયું રડતો ચહેરો
નિ:સાસો નાખું એવો આજ
કર્યું પાપ કેવું મેં આજ
કૂખે કૂંપળ પાંગરી પણ મેં તોડી બાપ
રડી રડીને થાકું આજ
ખોબો ભરીને વહાવું આંસું આજ
સૌ કોઇ બોલ્યા સાગમટે ભાઇ
કે ખોળાનો ખુંદનારો કેમ ન આપ્યો તમે વહુ ?
સાસુ સસરા નાણંદ સૌ કોઇ
સાગમટે પાડે ત્રાડ
નહીં રહેવા દઇએ કૂખે તારી દીકરી વહુ
દીકરી તો સાપનો ભારો વહુ
ખોળાનો ખુંદનારો તારે, ભવ આપણો સૌનો વહુ
તોડી નાખો આ ગર્ભ કાચો ડોક્ટર
વહાવો લોહી પાડો જુદો તેને
વોશબેસીંગમાંથી ફેકો નદીમાં
ઢગ થઇ જાય કચરામાં, સામેલ આજ
મારું તો શું ચાલે બાપ
ધણી ઊઠીને કરાવે પાપ
સૂનમૂન બેઠી વિચારુ છું આજ
કર્યાં મે લગ્ન એટલે થઇ હું ગુલામ ?
કર્યાં છે નારી ચેતનાની એ ચળવળ બાપ
શું કેદ થઇ બેઠી ભાષણો અને ગોષ્ઠિમાં બાપ
દીકરી તો મારા વ્હાલનો દરિયો, એ રહી શબ્દોમાં વાત
કાળજું મારું તૂટે આજ
કેમ કરી મનાવું માંહ્યલોને મારા બાપ
હું તો ભારતની એ નારી
ભાષણો અને સેમિનારોમાં સમાણી
મારું શું ચાલે બાપ
લગ્ન કર્યાં મેં એટલે થઇ હું ધણીની ગુલામ !
e.mail : koza7024@gmail.com