Opinion Magazine
Number of visits: 9503709
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હોમાય વ્યારાવાલા સાથેનાં સંભારણાંની ‘શબ્દછબિ’

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|4 December 2021

વાચક તરીકે કોઈ પુસ્તક વાંચવાનું શરૂ કર્યા પછીનો મારો પ્રથમ અનુભવ છે કે વાંચતી વખતે ઝણઝણાટીનો અને આંખોમાં આંસુ આવી ગયાં એવો અનુભવ થયો હોય! આંસુ તો કદાચ બીજાં પુસ્તકોમાંથી પસાર થતાં પણ આવ્યાં હશે, પરંતુ અહીં તો અનુભૂતિ જ અનોખી. પુસ્તક વાંચતાં વાંચતાં નજર સમક્ષ સતત બીજી વ્યક્તિ તરવરતી હતી તે હિમાંશી શેલત. ક્યારેક તો એવું પણ લાગે કે કોની વાત વાંચું છું, હોમાયબહેનની કે હિમાંશીબહેનની! અલબત્ત, બન્નેનાં કાર્યક્ષેત્ર અલગ, પરંતુ સ્વર્નિભરતાનો અને હિસાબમાં ચોખ્ખા રહેવાનો બન્નેનો આગ્રહ બરકરાર! બીરેન કોઠારીની લેખિની તો સાદી, સરળ અને સહજ. કોશિયાને સમજાય તેવી. વર્ણનમાં અતિશયોક્તિ તો હોય જ નહીં. પૂરી પ્રામાણિકતા અને નિષ્ઠાથી ઘટનાનું ચિત્રણ એ ખાસિયત આંખે ઊડીને વળગે. પુસ્તકનું શીર્ષક સૂચક છે, જેમાં ‘શબ્દછબી’ શબ્દપ્રયોગ થયો છે, કારણ કે હોમાયબહેન છબીકાર હતાં. પુસ્તકમાં અનેક તસવીરો છે, હોમાયબહેનના હસ્તાક્ષર છે. વૃદ્ધ વ્યક્તિ પુસ્તક સરળતાથી વાંચી શકે તે રીતે ફોન્ટ્‌સ રખાયા છે, એટલે જ હું પુસ્તક સરળતાથી વાંચી શકી, બાકી વાંચવાનો મોહ જતો કરવો પડે, કારણ કે હાલ હું પણ મોતિયો અને ઝામરથી ગ્રસ્ત છું. બીરેને પુસ્તક જીવનસંગિની કામિનીને અર્પણ કર્યું છે, તો એમ કરવું જ જોઈએ, કારણ કે માઈજીને સાચવવાનો ભેખ લેનાર વરની વહુ થવું કાંઈ ખાવાના ખેલ નથી ! આ બાબત તો પરેશભાઈનાં જીવનસંગિની પ્રતીક્ષા માટે પણ એટલી જ સાચી. મને પરેશ પ્રજાપતિના લેખમાં તો ખાસ્સો રસ પડ્યો. તે જ રીતે હોમાયબહેનની મુલાકાતમાં એમણે આપેલા જવાબોમાં પણ.

બીરેન કોઠારી અને પરેશ પ્રજાપતિ-પરિવારોને એમનો પરિચય થયો, ત્યારે હોમાયબહેન વડોદરા સ્થાયી થઈ ગયાં હતાં. જીવનનો એ છેલ્લો સમયખંડ હતો. ભારતનાં પ્રથમ સ્ત્રી-ફોટોગ્રાફર, પદ્મવિભૂષણ હોમાય વ્યારાવાલાને બધાં જ ઓળખે, એ રીતે તો એમના વિશે ખાસ્સી માહિતી મળે છે. આ સંભારણાં વાંચવાં ગમે છે, કારણ કે એ અલગ અનુભવોના કારણે લખાયાં છે. ફોટોગ્રાફર – છબીકાર  તરીકે નિવૃત્તિ લીધા પછી પણ તેઓ સતત પ્રવૃત્તિશીલ રહ્યાં છે. પુસ્તકમાં સતત એમનાં શિસ્તબદ્ધ, સ્વમાની, ખુદ્દાર, જીવંત વ્યક્તિત્વનો પરિચય થતો રહે છે. બાગબાની, ઇકેબાના, આયુર્વેદ, મિસ્ત્રીકામ, રસોઈ, ભરતગૂંથણ અને પોતાનાં અંગત કામમાં સ્વર્નિભરતા એ હોમાયબહેનના નિવૃત્તિકાળની પ્રવૃત્તિ હતી, જેનું વિષદ વર્ણન અહીં મળે છે. વસ્તુનો પુનઃ ઉપયોગ હોમાયબહેનની લાક્ષણિકતા છે, એટલે પોતાને મળેલાં પત્રોનાં પરબીડિયાંને ફરીથી ઉપયોગમાં લેવાં જેવી ચીવટાઈ દાખવવી એમને સહજ છે. ખર્ચનો હિસાબ કરી લેવો અને બીરેનભાઈ કે પરેશભાઈને તે રકમ ચૂકવી દેવાનો આગ્રહ તો ક્યારેક હઠાગ્રહ લાગે. પરંતુ હોમાયબહેનને વાંચીએ-સમજીએ એટલે આ લક્ષણ પણ સહજ લાગે.

પહેલી મુલાકાતથી જ અરસપરસ પ્રેમ પાંગર્યો એવું નથી બન્યું. પછી તે બીરેનભાઈ હોય કે પરેશભાઈ, બીરેનભાઈ અને કામિની વહેલું સમજ્યાં અને અનુકૂળ થતાં ગયાં તે સાચું. પરેશભાઈને સમય લાગ્યો, પરંતુ પછી એમનો સંબંધ માતા-પુત્રની કક્ષાએ પણ પહોંચ્યો. પરેશ-પ્રતીક્ષા એમને માટે અનિવાર્ય બની રહ્યાં. બન્ને પરિવારોનાં સંતાનોને પણ હોમાયબહેનનો પ્રેમ મળ્યો. હોમાયબહેન ન રહ્યાં, તો પરેશભાઈએ એમનું ઘર ખરીદી લીધું અને એમની સ્મૃતિ જાળવી રાખી. એમના અંતિમ સમયે પણ તે હાજર અને અસ્થિવિસર્જન માટે પણ ગંગાતટ સુધી ગયા. તે જ રીતે બીરેનભાઈએ પણ પોતાના ઘરની મિટ્ટીમાં હોમાયબહેનનાં અસ્થિફૂલ વેર્યાં. વડોદરાનાં એક જાહેર બગીચાને હોમાયબહેનનું નામ અપાયું તેમાં મેયર જ્યોતિબહેન પંડ્યાનો ફાળો સવિશેષ, ઉપરાંત એ બાગમાં હોમાયબહેનનાં અસ્થિફૂલ પણ વેરાયાં, તે ભાવાંજલિ પણ ધ્યાનાકર્ષક. પરેશભાઈને તો પોતાના ઘરનાં અસ્થિફૂલમાંથી અંતે હોમાયબહેનની લગ્નની વીંટી પણ પ્રસાદ રૂપે મળી એ તો અદ્‌ભુત ઘટના!

પુસ્તકની શરૂઆતમાં એમના પૂર્વજીવનની ઝાંખી મળે છે. તે મૂળ નવસારીનાં. એમનું બાળપણ, જીવનસાથી માણેકશા, પુત્ર ફારુક, પુત્રવધૂ ધન, એમનાં જીવનચરિત્રકાર સબીના અને અન્ય મિત્રોનો ઉલ્લેખ પણ છે. તેઓ ફોટોગ્રાફર તરીકે જે ઐતિહાસિક તારીખ અને તવારીખનો હિસ્સો બન્યાં છે, તેનો સહેજ પણ ભાર રાખતાં નથી. ગાંધીજી, વલ્લભભાઈ, જવાહરલાલ નહેરુ, ઇન્દિરાજી, શાસ્ત્રીજી અને અનેક મહાનુભાવોની તસવીર એમણે લીધી છે. મહમદઅલી ઝીણાની યાદગાર તસવીર લેતી વખતે તે ખોખા પરથી ગબડી પડ્યાં અને બરાબર એમની સામે પડ્યાં, તે સમયે એમણે સામે એક સ્ત્રીને જોઈને દાખવેલું સૌજન્ય તે ઘટના, વલ્લભભાઈએ પ્રથમ સ્ત્રી-ફોટોગ્રાફર હોમાયબહેન માટે એ અમારી ગુજરાતણ છે એનું દર્શાવેલું ગૌરવ, ઇન્દિરાજી હોમાયબહેનના દીકરાને પોતાના દીકરાઓના જન્મદિનની ઉજવણીમાં નિમંત્રિત કરતાં એ આત્મીયતા, આ બધાં સંભારણાં તે સમયખંડ જીવંત કરી દે છે. એ સમય એવો હતો જ્યારે ફોટોગ્રાફી સરળ ન હતી. માણેકશાજી અને હોમાયબહેન બન્ને ખાસ્સી મહેનત કરતાં. માણેકશાની વિદાય પછી એમણે પણ વરસેકમાં ફોટોગ્રાફી છોડી, બાકી પતિ-પત્ની બન્નેએ ફોટોગ્રાફીનું ખાસ્સું કામ સાથે મળીને કર્યું. એમની દાંપત્યયાત્રા વિશે ઓછી માહિતી આ પુસ્તકમાં છે, પરંતુ જેટલી પણ છે, તે રસપ્રદ અને મનોહર છે. મુખ્ય બાબત તો એ છે કે ચોરાણું વર્ષે પણ કોઈ સ્ત્રી કહે કે હું ક્યાં વૃદ્ધ છું, હું તો જવાન છું. તો એનો મિજાજ સમજવો અનિવાર્ય બને છે. કોઈ પણ સલાહ કે શિખામણ વગર કોઈ પોતાની શરતે જીવન જીવી બતાવે એ  બાબત અનુકરણીય છે. પોતાની નેમપ્લેટથી લઈ ઘરને બારણે ઘંટડીનો રણકાર સાંભળવાનો આગ્રહ જુઓ કે ઘરની ચાવી ક્યાં, કેવી રીતે મૂકવી, ટી.વી.નું રિમોટ હાથવગું રાખવું, મોબાઇલનો ઉપયોગ શીખવો કે ડિજિટલ ફોટોગ્રાફી સમજવી. જેવી અનેક બાબતો પર ઉદ્દભવતી ઘટનાઓ રોચક છે.

પારસીઓ પર અંગ્રેજિયતની અસર વધારે ખાસ કરીને પોતાની ‘પ્રાઇવસી અને પ્રાઇવેટ સ્પેસ’ બાબતે તો એ લક્ષણ આંખે ઊડીને વળગે પણ પ્રેમસંબંધ બંધાયા પછી બીરેન-પરેશ પરિવાર સાથે એમનો સંબંધ અનૌપચારિક થતો રહેલો. અમારો આભાર ન માનવો એવા બીરેન-પરેશના આગ્રહ સામે તેઓ એમને આશીર્વાદ આપતાં અને એમને માટે પ્રાર્થના કરતાં. બીરેનના મતે એમનો જીવંત રહેવાનો ગુણ ધ્યાનાકર્ષક. પોતાના જીવનસાથી માણેકશા અને  દીકરા ફારુકની વિદાય પછી એકલાં રહેવાનું આવ્યું, પરંતુ તેઓ એકલાં હતાં – એકલવાયાં કે એકલતાથી પીડાતાં ન હતાં. વિયોગનું દુઃખ હોય, પણ એને પચાવવાનું એમણે ભાગ્યના લેખ તરીકે સ્વીકાર્યું હતું. ફારુકનાં લગ્નમાં મા-દીકરો જાનૈયા તરીકે બે જ ગયેલાં અને નવવધૂ ધન સાથે પાછા ફર્યાં, ત્યારે ત્રણ એ સાદાઈ પણ ધ્યાન ખેંચે. પોતે આટલાં પ્રતિષ્ઠિત તેનો કોઈ ભાર નહીં તેમ ફારુક આઈ.આઈ.ટી.માં ભણેલો તેનું પણ અભિમાન નહીં. ફારુકની જીવનસંગિની ધન સાથે પણ એમણે હૂંફાળો સંબંધ જાળવી રાખેલો.

મુંબઈ, દિલ્હી, પિલાની અને વડોદરા આ ચાર શહેરોમાં તેઓ રહ્યાં. નવમા દાયકામાં અમેરિકાની મુલાકાતે પણ ગયાં. મુંબઈ અને દિલ્હીમાં તેઓ ફોટોગ્રાફીમાં સતત કાર્યરત હતાં, પરંતુ પિલાની અને વડોદરામાં પ્રમાણમાં નિરાંત હતી, છતાં તેઓ સતત કામ તો કરતાં જ રહેતાં. પોતાની ફિયાટ ગાડી ડાલ ડા-૧૩ માટે આખું પ્રકરણ છે. આ વાંચતી વખતે મને અમૂલકાકાનો એમની ગાડી મોરિસ માટેનો પ્રેમ, મારા પિતાનો અને અમારું સ્ટૂથબેકર કમાંડર માટેનું વળગણ યાદ આવતાં હતાં. એકસો પચીસ પાનાંમાં સમાવિષ્ટ આ સંભારણાં વર્ધન-વર્ધનાઓને સમજવાં અને એમની સાથે કેવી રીતે અનુકૂલન સાધી શકાય, તેની ઝાંખી કરાવે છે. પુસ્તકમાં નિમિષા-ઓળખ, રજનીકુમાર પંડ્યા, બિનીત મોદી, ઉર્વીશ કોઠારી જેવાં જાણીતાં નામોનો ઉલ્લેખ ગમે છે. બીરેનભાઈએ આ સંભારણાં લખીને એક અનોખા સંબંધની પીમળનો અહેસાસ કરાવ્યો, તે બદલ એમનો આભાર.

હોમાય વ્યારાવાલા : તેમની સાથેનાં સંભારણાંની શબ્દછબિ – લેખક : બીરેન કોઠારી – પૃષ્ઠસંખ્યા : ૬  + ૧૩૦ = ૧૩૬, – કિંમતઃ રૂ.૧૨૫/- – વળતર સાથેની કિંમતઃ રૂ. ૧૧૦/- (ભારતભરમાં શિપિંગ ફ્રી – ) દસ નકલ કે તેથી વધુ નકલ મંગાવનાર માટે વિશેષ કિંમતઃ રૂ. ૯૦/- – પુસ્તક મંગાવવા માટે સંપર્કઃ કાર્તિક શાહ – ફોન/વૉટ્‌સેપ : ૯૮૨૫૨ ૯૦૭૯૬

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 13 તેમ જ 06

Loading

4 December 2021 admin
← લોકશાહીમાં વિરોધ કરનારનું સ્થાન પોલીસ સ્ટેશનમાં?!
અસંમતિનો આટલો ભય શેને કારણે ? →

Search by

Opinion

  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન
  • એકસો પચાસમે સરદાર પૂછે છેઃ ખરેખર ઓળખો છો ખરા મને?
  • RSS સેવાના કાર્યો કરે છે તો તે ખતરનાક સંગઠન કઈ રીતે કહેવાય? 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved