
પ્રતાપ ભાનુ મહેતા
27 ડિસેમ્બર 2025ના રોજ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના હોલ ખાતે, ‘અચ્યુત યાજ્ઞિક સ્મૃતિ વ્યાખ્યાન’માં પ્રતાપ ભાનુ મહેતાએ ‘સિવિલાઇઝેશન’ (સભ્યતા) અને ‘સિવિલાઇઝેશનલ સ્ટેટ’ની વાત કરી.
તેમણે કહ્યું કે ‘સિવિલાઇઝેશનલ સ્ટેટ’ યુરોપથી આવેલા ‘નેશન સ્ટેટ’થી પણ આગળનું પગથિયું છે, જેમાં પોતાની જૂની સભ્યતાને જ કેન્દ્રમાં રાખવાની અને આધુનિક નેશન સ્ટેટનાં બંધારણથી માંડીને બીજાં બધાં અંગોને ગૌણ ગણવાની વાત હોય છે. સિવિલાઇઝેશનલ સ્ટેટ ભૂતકાળની સભ્યતાની મૂડી લઈને આગળ નથી વધતું; તે ભૂતકાળમાં જ ગોંધી રાખવા ઇચ્છે છે.
આમ તો એવું થાય કે જૂની સભ્યતાને કેન્દ્રમાં રાખવામાં વાંધો શો છે? પણ વાંધો એ છે કે સભ્યતા એટલે શું? તે નક્કી કરવાની આપખુદશાહી સત્તા કેવળ સત્તાધીશ પાસે હોય છે, જે નેશન સ્ટેટના માળખા પ્રમાણે ચૂંટાઈને આવે છે, પણ ત્યાર પછી એ માળખાને બદલે સભ્યતાની સગવડિયા માળા જપે છે. હકીકતમાં તેને સભ્યતાના બહાને પોતાની સત્તા ટકાવવા-વધારવામાં જ રસ હોય છે. અમુક હજાર વર્ષની સભ્યતાના એક માત્ર પ્રતિનિધિ અને તેના અર્થઘટનનો ઇજારો ધરાવતા જણ તરીકે શાસકો બંધારણ અને લોકતાંત્રિક વ્યવસ્થાઓ સહિતની બધી જ બાબતોનો છેદ ઉડાડતા જાય છે.

શરૂઆતમાં તે લોકસમર્થન(ચૂંટણીમાં મળેલા મત)ના જોરે પોતાનો દંડો પછાડતા હોય છે, પણ પછી તો તેનું મહત્ત્વ પણ ઓછું થઈ જાય છે અને મુખ્ય જોર ‘અમુક હજાર વર્ષ જૂની સભ્યતાના એકમેવ પ્રતિનિધિ’ તરીકેનું જ બની જાય છે. તેના જોરે તે ગમે તેવાં બિનલોકશાહી, સરમુખત્યારી પગલાં પણ સભ્યતાને આગળ કરીને લોકોના માથે મારી દે છે.
અત્યારની સરકાર અને RSS; મુસ્લિમ આક્રમણ, અંગ્રેજોનું આક્રમણ અને નહેરુ સરકાર — આ ત્રણને આપણી જૂની સભ્યતામાં પડેલાં મોટાં ભંગાણ માને છે (જે તેમનું સગવડિયું અને ઐતિહાસિક – તથ્યાત્મક રીતે ટકી ન શકે એવું વિકૃત અર્થઘટન છે.) એટલે તેને ભૂંસવા માટે તે બધા પ્રયાસ કરે છે. (અત્યારના ભાઈલોગના કહેવાતા સભ્યતા-પ્રેમમાંથી બીજા માટેનો ધિક્કાર કાઢી નાખીએ તો શું બચે, એ વળી અલગ સવાલ છે.)
હિંદુ ધર્મને સૌથી મોટો ખતરો હિંદુત્વથી છે. કારણ કે હિંદુત્વે હિંદુ ધર્મને કોલોનાઇઝ કર્યો છે. ગુજરાતીમાં કહીએ તો, હિંદુત્વે હિંદુ ધર્મને બથાવી પાડ્યો છે.
આપણા બંધારણમાં આણેલાં મૂલ્યો વિશે ડાબેરીઓ અને જમણેરીઓ એવી ટીકા કરતા રહ્યા કે આ બધાં ઉછીનાં પશ્ચિમી મૂલ્યો છે. તેની સામે, આ મૂલ્યો હકીકતમાં ભારતીય સભ્યતામાંથી જ આવેલાં છે – એ હકીકત ભારપૂર્વક સ્થાપિત કરી શકાઈ નહીં.
આખું વ્યાખ્યાન બાકાયદા પોલિટિકલ સાયન્સના લેક્ચર જેવું હતું, એ તેની ખૂબી તરીકે, અને મર્યાદા તરીકે પણ, કહી શકાય.
[સૌજન્ય : ઉર્વીશ કોઠારી]
28 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

