Opinion Magazine
Number of visits: 9448696
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હસવાની ગંભીર આવશ્યકતા

વિરાફ કાપડિયા|Opinion - Opinion|17 May 2018

ઘણી વાર ફરિયાદનો સ્વર ઊઠે છે કે વિનોદ આજકાલ બહુ તાજગીભર્યો જણાતો નથી. યા તો એ બહુ માંદો હોય છે, યા તો એ સાવ ફિક્કો હોય છે.

ગમે તે હોય, પણ મુદ્રણમાં, મૂવીમાં ને ટીવી પર માણસને હસાવવા માટે અઢળક ધન અને શ્રમ ખરચવામાં આવે છે, જે ક્રિયા શિશુને તો એનો ઢીંગલો નજરે ચડ્યો કે સહજ છે. બાળક રામ જો ચાંદાની રુદનયુક્ત હઠ પકડી બેસે તો ચંદ્રનું પ્રતિબિંબ દેખાડીને એમને હસાવી શકાય છે. મોટા ભાગની ટીવી-સિરીઝ તથા કૉમેડીઓ એક કાન કે ચક્ષુમાંથી પસાર થઈ બીજામાંથી નીકળી જાય તેવી હોય છે. એ કિંચિત્‌ સમય-ભંગુર જ નીવડે છે.

એક વાર ટીવી પર ટ્રિવિયા (નજીવી બાબતો) ઉપર સવાલ-જવાબનો શો કરવામાં આવ્યો. બે ટીમોએ સામસામે માહિતી-ચાતુર્યના મોરચા માંડ્યા અને સાવ જ નકામા ઇન્ફર્મેશનના ગોળા ફોડ્યા. ઊબ ઓછી કરવા સૂત્રધારે વચ્ચે-વચ્ચે સ્ટુડિયોના શ્રોતાઓને સવાલ કરવાનું શરૂ કર્યું. એક સવાલ આવો હતો : ‘લગ્નજીવનનાં પચીસ વર્ષ પૂરાં કરનાર દંપતીને સૌથી યોગ્ય ભેટ કઈ ?’ લગભગ તરત જ હૉલ પાછળથી કોઈનો જવાબ આવ્યો : ‘છુટ્ટાં-છુટ્ટાં વેકેશન.’

વાંકા મોં ઉપર ફિક્કું સ્મિત ફેલાવી સૂત્રધાર સિલ્વર જ્યુબિલીનું મહત્ત્વ સમજાવવા લાગ્યા. અને ત્યાં ને ત્યાં જ ચાલુ શોમાં, વળી એક બીજું હાસ્ય જન્મતાંવેંત રૂંધી દેવામાં આવ્યું.

એ એક સચોટ ઉદાહરણ હતું, સ્વયંસ્ફૂર્ત અને ઉપજાવેલા હાસ્ય વચ્ચે તફાવત બતાવતું, ખરેખર રમૂજી અને જોડી કાઢેલી જડતા વચ્ચે તીણી રેખા ખેંચતું. ટીવીનું હાસ્યયંત્ર રોજેરોજ હજારો જોક ઓકી કાઢે છે, પણ ત્યાં જોક વધારે અને હાસ્ય ઓછાં હોય છે. દેખીતી રીતે જે વસ્તુની અછત જણાય છે તે છે રસાળ હસનીયતાની પરખ, તે અંતઃસ્ફુરણા જે માણસને પોતાની જોડે શાંતિથી રહેવામાં સહાય કરી શકે, જે ગ્રાહકોની ગરદી વચ્ચે અતિશ્રમમાં અટવાયેલા દુકાનના ક્લર્કને ડ્યૂટી બજાવવામાં સ્વસ્થતાનો ટેકો આપી શકે. રસાળ હસનીયતાની અંતઃસ્ફુરણા ઉપજાવી કાઢવી મુશ્કેલ છે, કેમ કે તે મોટે ભાગે જીવતાજાગતા મનુષ્યોમાં અને રોજિંદા વાસ્તવિક પ્રસંગોમાં રહેલી છે.

તેથી લેખિત વિનોદના વિશારદો વિશેષ કરીને તે લેખકો છે, જેમનામાં મનુષ્યતાનાં અનિવાર્ય સત્યોને મોટા ઉદ્દામ આકારો આપીને નિરૂપવાની આવડત હોય છે. રમૂજી બનવામાં બહાદુરીની જરૂર છે, કેમ કે તમે કેટલા હાંસીપાત્ર છો, એવું સાંભળવું કોઈને ગમતું નથી. પોતાના પુસ્તકની પ્રસ્તાવનામાં વર્ષો પૂર્વેના એક હાસ્યલેખકે જણાવ્યું ‘આજે લોકો ઘણા ગંભીર છે અને જે લેખક તેમને ગંભીરતાથી ગણનામાં લેતો નથી તેને શંકા અને ચિંતાની નજરે જોવામાં આવે છે.’ પણ આજે બહોળા પ્રસારણના પ્રહસનલેખકોને એવો કશો અંતરાય નડતો નથી. તેઓ તો જનતાના હળવા રંજનને બહુ ગંભીર વ્યવસાય ગણે છે. અને કદાચ તેથી જ તેમનાં ઍસેમ્બ્લી-લાઇન પરથી સરી આવતાં ટીખળો જાણે લંગડાતાં લાગે છે.

પ્રસ્તાવનાના એ લેખકના મતે ‘સાચા વિનોદલેખકને સફળતા મળવાની સંભાવના ઘણી ઓછી છે. એ બાલ્યધ્રુવથી ઊડી આવતાં પારેવાં જેવો છે, જેને ક્યાં ય બેસણું મળતું નથી. … વિનોદલેખકોનો વર્ગ ખિન્ન મનુષ્યોનો વર્ગ છે અને ટોળાંથી જુદા હોવાની આ ભાવના જ એમને એવા બનાવે છે.’

બીજા એક ઉત્તમ વિનોદલેખક ઈ.બી. વ્હાઇટ આ જ વાતને આગળ વધારીને ‘અમેરિકન વિનોદનો ખજાનો’ નામના પુસ્તકમાં કહે છે કે ‘આપણામાંના દરેકમાં જીવનસોંસરવી વિષાદની એક ઊંડી ધારા વહે છે. લગભગ દરેક જણ માનસિક ઊર્ધ્વતાની ક્ષણો અને નિમ્નતાની ક્ષણો વચ્ચે સતત ઝોલાં ખાવાની વિકૃતિ લઈને જીવે છે. અને બેશક, પરિસ્થિતિની કે મૂડની એવી ગમગીની અનુભવવા તમારે વિનોદલેખક હોવાની કોઈ જરૂર નથી. પરંતુ, સહુને ખબર છે તેમ, હસવા અને રડવા વચ્ચે બહુધા ઘણી ઝીણી રેખા ખેંચાયેલી છે. અને એકાદ વિનોદી લખાણ જો કોઈ વ્યક્તિને એવા બિંદુ ઉપર લાવીને મૂકી દે કે જ્યાં એની ભાવાત્મક પ્રતિક્રિયા ભરોસાપાત્ર રહે નહીં અને એવું લાગે કે એ વિપરીત ક્ષેત્ર ભણી ભાંગી પડશે, તો તે એટલા માટે બનતું હોય છે કે વિનોદી લખાણ, કાવ્યરચનાની જેમ, એક વધારાનું આગવું તત્ત્વ ધરાવે છે. એ ચંચળ બાળકની જેમ મોટા ગરમ અગ્નિની પાસે રમતું હોય છે, જેનું નામ છે સત્ય. અને ક્યારેક-ક્યારેક વાચકને એની ઉષ્ણતાનો સ્પર્શ થઈ જાય છે.’

વિનોદ ગમે ત્યારે છાનો છાપો મારે છે

આપણે સૌએ જીવનમાં કોઈ કોઈ વાર એવી ઉષ્ણતા અનુભવી છે, અને હસવા અને રડવા વચ્ચે પસંદગી કરવી પડતી હોય, તો આપણે મોટે ભાગે હસવું સ્વીકારીએ છીએ. જીવનની આધિ અને ઉપાધિ સામે વિનોદવૃત્તિ આપણું પહેલું રક્ષણ છે. વિનોદવૃત્તિને આ રીતે ઓળખાવાઈ છે : ઘટનાઓ કે વિચારોમાં રહેલાં વાહિયાત અને અસંગત તત્ત્વોની કદર અને મુલવણી કરવાની શક્તિ.

વિનોદનું પોતાનું જાણે કે અલાયદું અસ્તિત્વ છે અને એકદમ અણધાર્યા સમયે અને સ્થાને એ આપણી ઉપર છાનો છાપો મારે છે. દાખલા તરીકે, એક નિવૃત્ત બ્યુટી-ક્વીનને કોઈ સામયિક માટે પોતાનો દિવસ કઈ રીતે ગુજરતો તેનું વર્ણન કરવાનું હતું. એણે ગંભીર નિશ્ચયથી શરૂ કર્યું, પણ પછી સવાર સવારમાં જ થોડીક મુશ્કેલી આવી પડી. ‘યા તો હું મારી મદદનીશને ફોન કરીને મને ઉઠાડવા કહેતી યા તો પેલા નાના ઘડિયાળનું ઍલાર્મ વાપરતી જે મૂરખની જેમ ટિકટિકટિક કર્યા કરતું,’ એણે લખ્યું. ‘પછી જલદી-જલદી તૈયાર થઈ જતી … અને ટેબલ પર હારબંધ ગોઠવેલી છેલ્લીઘડીની બધી ચીજો ફટાફટ એક બૅગમાં ઠાલવી દઈ બહાર નીકળતી વખતે મારા શરીરને ચેક કરી લેતી કે બધાં મારાં કપડાં ઉપર છેને.’

ભલે એક ક્ષણ માટે, પણ આ છોકરીએ દુનિયા સામે હાજર થવાની તૈયારીના શુષ્ક ગંભીર નિત્યક્રમને એક હળવાશનો વળાંક આપી દીધો, અને વાચકની કલ્પનામાં એક હાસ્યાસ્પદ ચિત્ર ઊભું કર્યું. ઘણી વાર એવું ચિત્ર વ્યક્તિના પોતાના માનસમાં જ ઉત્પન્ન થતું હોય છે. બીજા વિશ્વયુદ્ધ વેળા લંડનના એક લત્તા પર બૉમ્બમારો થઈ રહ્યો હતો અને ત્યાં રહેતાં એક વયસ્ક દંપતી ઝટઝટ શેલ્ટરમાં જવાની તૈયારીમાં હતાં. પતિ પ્રવેશદ્વાર આગળ ઊભો હતો અને ઉપલે માળેથી પત્ની નીચે ઊતરે તેની અધીરાઈથી વાટ જોતો હતો. થોડો સમય વીતી ગયો ને પત્ની હજી ઉપર જ હતી.

‘ચાલ, ચાલ, મેરી, તું હજુ શું કરી રહી છે?’ પતિએ બૂમ પાડી.

‘મારું દાંતનું ચોકઠું મળતું નથી,’ પત્નીએ ઉપરથી કહ્યું.

‘દાંતનું ચોકઠું? ઓ ભગવાન! તે આ લોકો કંઈ સૅન્ડવિચ નથી ફેંકી રહ્યા!’

દરેક માણસને આવી વાતમાં રમૂજ લાગે જ એવું નથી, કારણ કે વિનોદવૃત્તિ એ ઘણી વ્યક્તિગત બાબત છે. કોઈ માણસ સાવ વિનોદવૃત્તિ વિનાનો પણ લાગતો હોય છે. જો કે એ વાત સંશયાત્મક છે. કોઈને સાવ વિનોદવૃત્તિ રહિત ગણવો એ તો અક્ષમ્ય અપમાન કહેવાય. કોઈ લેખકના શબ્દો છે : ‘માણસો દેશદ્રોહ, ખૂન, ચોરી-લૂંટફાટ, બનાવટી દાંત કે બનાવટી વાળ બધું કબૂલ કરશે, પણ વિનોદનો અભાવ કબૂલ નહીં કરે. એવું સ્વીકારવાનું શૌર્ય જે વ્યક્તિમાં હોય, તેને બધું માફ.’ વિનોદ માણસને પ્રાણીઓથી જુદો પાડતો મોટામાં મોટો ગુણધર્મ છે.

જાત પર હસવું એ ઉમદા લક્ષણ છે : કૉમેડી અને વિનોદ એકસરખાં નથી. વિનોદવૃત્તિનો અર્થ એટલો જ નથી કે સૂચન થાય ત્યારે હસવું, પણ એથી ઘણો વધુ છે. અને હાસ્ય કંઈ હંમેશાં વિનોદવૃત્તિ સાથે જ સંકળાયેલું નથી હોતું. યુદ્ધમાં માણસો ત્યારે પણ હસે છે, જ્યારે જોખમ એમની ઉપરથી પસાર થઈ જાય છે અને એમને કોઈ ઈજા થતી નથી. ભયમાંથી નીપજેલું હાસ્ય હર્ષમાંથી ઊપજેલા હાસ્ય કરતાં ઓછું આનંદદાયક નથી હોતું. તેમ જ બીજું કોઈ કારણ ન હોય અને માત્ર મનની રંગીની અનુભવાતી હોય, ત્યારે પણ લોકો હસે છે. વળી, માણસો પોતાની ભૂલ ઉપર પણ હસે છે, પણ કંઈક ઓછા જોશમાં; અને બીજાની બેવકૂફી અને બદકિસ્મતી ઉપર પણ, અલબત્ત જરાક વધુ જોશમાં.

જાત ઉપર હસવું એ વર્તનમાં ઉતારવાલાયક ઉમદા અને મુશ્કેલ લાક્ષણિકતા છે. તમારી પોતાની મૂર્ખામી સમજવી અને પોતાના જ આડંબરના ફુગ્ગામાં સોય ભોંકવી એ બાહોશી અને બહાદુરી માગી લે એવું આચરણ ગણાય. વિનોદનાં વિચક્ષણો હંમેશાં પહેલપ્રથમ પોતા ઉપર હસતાં હોય છે.

એક માણસ પોતાની પીએચ.ડી.ની ડિગ્રી ઉપર ખુશ હતો, પણ તેને મ્યાનમાં રાખતાં એને આવડતું હતું. એક વાર એણે પ્રવચનમાં કહ્યું, ‘આ ડિગ્રીનો અર્થ એવો છે કે એને મેળવનારને જીવનમાં સૌથી છેલ્લી વાર તપાસી લેવામાં આવ્યો છે, અને પછી સંપૂર્ણ જાહેર કરી દેવામાં આવ્યો છે. એ પછી, કોઈ પણ નવા વિચારો એને આપી શકાય નહીં.’ એ જ દોહ્યલી લાક્ષણિકતા દર્શાવતી એક બીજી ઘટના આમ છે : હસવાના સામયિકના કાર્યાલયમાં એક નોકરીનો ઉમેદવાર આવ્યો, જેને ઉપરીએ ઇન્ટરવ્યૂના અંતમાં છેલ્લો સવાલ આ પૂછ્યો, ‘તમે બીજા ન કરી શકે એવું કશું કરી શકો છો?’ ઉમેદવારે તરત કહ્યું, ‘બેશક, હું મારા પોતાના હસ્તાક્ષર વાંચી શકું છું.’ અને એને નોકરી મળી ગઈ.

વિનોદ જાતજાતનાં પડીકાંઓમાં વીંટાઈને મળે છે, પ્રૅક્ટિકલ જોકથી માંડીને સધાયેલા પ્રતિકાવ્ય સુધી. પણ જે હાસ્ય લોકોને ઉમળકાથી યાદ રહી જાય છે, તે મોટે ભાગે રોજિંદા જીવનમાં અણધાર્યાં ટપકી પડતાં હાસ્યજનક વચનો કે ઘટનાઓ છે. ગાંધીજી એક વાર જેલમાં હતા, ત્યારે ત્યાં નાનામોટા અપરાધમાં સપડાયેલા બીજા કેદીઓ પણ હતા. ગાંધીજીએ જોયું કે કેદીઓને મળવાને દિવસે બધા કેદીઓનાં સગાંવહાલાં ને મિત્રો આવતાં, પણ એક માણસ હંમેશાં સામેની કોટડીમાં એકલો બેસી રહેતો. એક દિવસ કેદીઓને કશી સૂચના માટે એક હૉલમાં એકઠા કરવામાં આવ્યા. દયાથી પ્રેરાઈને સૌની સમક્ષ ગાંધીજીએ એને બહુ મૃદુ સ્વરમાં પૂછી નાખ્યું, ‘ભાઈ રામુ, મેં જોયું છે કે ક્યારે ય તને મળવા કોઈ આવતું નથી. તારે કોઈ સગાંસંબંધી કે મિત્રો નથી શું?’ ‘હાસ્તો, બાપુ, છેને,’ રામુએ હરખાઈને જવાબ આપ્યો, ‘પણ એ બધાં અહીં જ છે.’

આપદા વહેંચવાથી અડધી થાય છે, આનંદ વહેંચવાથી અનેકગણો થાય છે. અને બન્ને પ્રસંગે જીવવામાં સહાયરૂપ વિનોદવૃત્તિનું મૂલ્ય અને મહત્ત્વ સમજવું જરૂરી છે.

વિનોદની કૉમ્યુિનટી : ભારતમાં એક કૉમ્યુિનટી એવી છે કે જેની સંખ્યા બહુ અલ્પ છે, પણ એ ઘટતી સંખ્યામાંથી પણ ગરમાવો મેળવવા એ કૉમ્યુિનટી વિનોદનો સહારો લે છે. જાહેર છે કે આપણે ત્યાં નાટકોની શરૂઆત કરવામાં પારસીઓએ પહેલ કરી હતી, અને એમનાં નાટકો મોટે ભાગે હસવાનાં જ નાટકો હતાં.

એ અંગે કર્ણોપકર્ણ સંભળાતી આવેલી એક ઘટના વ્યક્ત કરવા જેવી છે. નાટકોના પ્રારંભના અને પછી એમની જમાવટના એ જમાનામાં એક નાટકકંપનીએ ‘સત્યવાદી હરિશ્ચંદ્ર’ નામનું ગંભીર નાટક થિયેટરમાં મૂક્યું, જે ખૂબ ચાલવા લાગ્યું. થોડા સમય પછી એની બાજુની જ ગલીમાં પૅરડીમાં પહોંચેલા એક પારસીએ ‘પારસી હરિશ્ચંદ્ર’ નામનું નાટક શરૂ કર્યું. એમાં કશું જ ગંભીર નહોતું; જાતજાતના સીન અને ડાયલૉગ ઍબ્સર્ડના ઓવારા પર તાતાથૈયા કરતા હતા. જેમ કે રાજાના તપથી જેમનું ધ્યાન ખેંચાયું છે, તે ઇંદ્ર દેવલોકમાં બેસૂર કંઠે ગાતા ‘એ કોન કરે છે ટપ ટપ ટપ, મારું ઇંડ્રાસન ડોલાવિયું …’ અને ઇંદ્રની ભૂમિકા કરતો નટ નટખટ હલનચલન સાથે નિરાળું નૃત્ય કરતો.

કહેવાની જરૂર નથી કે આવા ફજેતાઓના શોખીન પ્રેક્ષકો ગંભીર નાટકને બદલે ‘પારસી હરિશ્ચંદ્ર’ની ગલી ભણી ઊમટી પડ્યા. ભાંગી પડેલી કમાણીથી ગુસ્સે થઈને ગંભીર નાટકની કંપનીએ પારસી નાટકકંપની ઉપર બદનામી વગેરેનો કેસ માંડ્યો. જો કે ‘પારસી હરિશ્ચંદ્ર’નો મોટા ભાગનો નફો હૉસ્પિટલની સખાવતમાં જતો હોવાથી કેસ ફાવ્યો નહીં.

વીસમી સદીના પારસી નાટકકારોમાં અદી મરઝબાન, હોમી તવડિયા, નાદર નરીમાન જેવાઓનાં નામ જાણીતાં છે. પરંતુ સામાન્ય પારસીઓની પણ રોજબરોજની જિંદગી હસવા-હસાવવાની પળોથી પરિપૂર્ણ હોય છે. ક્લાસરૂમમાં શિક્ષક પૂછે છે કે ‘સ્પીકર ઑફ ધ હાઉસ’ કોણ છે, અને એક પારસી વિદ્યાર્થી હાથ ઊંચો કરીને જવાબ આપે છે, ‘મારી મમ્મી.’ અને મુંબઈના એક પારસીને મતે બી.બી.સી.નો સાચો અર્થ ફ્‌લોરા ફાઉન્ટન પર આવેલો ‘ભીખા બહેરામનો કૂવો’ છે.

એ વિનોદી કૉમ્યુિનટી ગુજરાતી ભાષાને ગોળમટોળ કરીને જે વાણી પીરસે છે, તે ઘણાંને મીઠી લાગે છે. કોઈ-કોઈ વાર એ કૉમ્યુિનટીના કેટલાક સભ્યોની જીભ ઉપરથી ફૂટતી ભાંડણકલાના મરીમસાલા પણ એમાં ભળેલા હોય છે. એનો પરચો આપતી એક રમૂજ આવી છે : માએ દીકરાને પૂછ્યું, ‘બરજોર, તારા પપ્પા સીરી પરથી પરી ગિયા તે વખતે સું બોલિયા?’ બરજોરે કહ્યું, ‘મા, હું બધા ખરાબ વર્ડ કારી નાખું?’ મા : ’હાસ્તો, બેટા.’ બરજોર : ‘કંઈ નહીં.’

પારસી બાની અવનવા મૌલિક શબ્દપ્રયોગો તેમ જ રૂઢિપ્રયોગોથી ભરપૂર છે, જેમની રચનાઢબ પારસીઓની વિનોદવૃત્તિની સાક્ષી પૂરે છે. પેઢીઓના પ્રયાણની સાથોસાથ એ શબ્દપ્રયોગો ધીરે-ધીરે ભૂંસાઈ જાય તે પહેલાં જાણીતી લેખિકા સુની તારાપોરવાલા અને નોંધપાત્ર પત્રકાર મહેર મારફતિયાએ ભારે શ્રમ અને ખંતથી એમને ‘પારસી બોલ ૨’ નામના પુસ્તકમાં સંકલિત કર્યા છે. એ પુસ્તક વિશે ઉત્સાહભેર અભિપ્રાય આપનાર વ્યક્તિઓ છે સંગીતવિશારદ ઝુબિન મહેતા, લેખક રોહિન્ટન મિસ્ત્રી, તંત્રી પત્રકાર બચી કરકરિયા અને અભિનેતા બોમન ઈરાની.

આપણા રોજિંદા રમૂજદારો : જગતનું સાહિત્ય એવાં પાત્રોથી ભરેલું છે, જેમનો એકમાત્ર ઉદ્દેશ છે વિષાદમાંથી આપણને ઉલ્લાસમાં લાવવાનો, કરુણને હસનીય બતાવવાનો. શેક્સપિયરના રાજાઓ પાસે એમના મશ્કરાઓ હતા, તો સંસ્કૃતના નાયકો પાસે એમના વિશ્વાસપાત્ર સાથી વિદૂષકો હતા.

આજે પણ એવા હસમુખાઓ થકી આપણી રોજબરોજની જિંદગી સમૃદ્ધ છે. મોટી કંપનીઓમાં નાનામોટા જોકરનો રોલ સંભાળી લેતા કામદાર મળી આવે છે. હોટેલોમાં પરિચિત ગ્રાહકને મૃદુ જોકની મફત ડિશ પીરસવા કોઈ ને કોઈ વેઇટર તત્પર હોય છે. કારખાનાંઓના કારીગરોમાં, ક્લબના સભ્યોમાં, રમતગમતની ટીમોમાં — બધાંની વચ્ચે કોઈક નાનો વિદૂષક પોતાની હાજરી શોભાવે છે. શું તેમની કદર થાય છે ? કદાચ જોઈએ તેટલી નહીં.

એક અંગ્રેજ હાસ્યલેખક કહે છે કે લોકો વિનોદ ઉપર લેખ લખતા રહ્યા છે અને ભાષણો આપતા રહ્યા છે અને બહુધા સૌ આવો પ્રારંભિક પ્રશ્ન પૂ્‌છતા રહ્યા છે, ‘આપણે શા માટે હસીએ છીએ?’ પણ એક દિવસ કોઈક એવું કહેશે, ‘શા માટે નહીં?’ અને પૂછનારા પછી કઈ દિશામાં જોશે?

વિનોદ તો અહીં છે જ, બહાર બધેબધ વિહરતો, જીવનની જદ્દોજહદ સામે કવચ ધરતો. જરૂર છે જીવનમાં એને ઉતારો આપવાની, એની થોડી કાળજી કરવાની અને બધું સલામત ટકી રહેશે.     

Email: plainsborochess@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2018; પૃ. 16-18

Loading

17 May 2018 admin
← હવા
સ્મૃિત-શેષ નિરંજન ભગત–એક અંજલિ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved