હરિ, આપણી ગાય.
રસ્તાઓ પર રઝળતી ફરે, કૂડો-કચરો ખાય … !!
ગાય ચરાવવા નહીં જવાની તમે લીધી’તી રઢ
લાકડી-કામળી છોડી અમથી અમથી વ્હોરી વઢ
ગવતરી ગોપાલ વિના કંઇ એકલી ચરવા જાય ..?
હરિ, આપણી ગાય.
શેડકઢાં દૂધ-ગોરસ વિશે આજની પેઢી અજાણ
ડેરીમિલ્કને પનીર પેશ્યુરાઇઝ્ડનું છે બજાર
ધણનું ધાડું, ગોરજટાણું સાવ જ રે વિસરાય.
હરિ, આપણી ગાય.
ગામનાં કોઢ-ગમાણ ગયાં, શહેરમાં તબેલા થયાં
ગૌચર બધાં ય વિકાસપંથે ઓગળી ઉદ્યોગ થયાં
કામધેનુને પ્લાસ્ટિકની કોથળી ચાવી જાય ..!!
હરિ, આપણી ગાય.
માવલડી કહીને ઘણા ય ઠાલો ગર્વ કરે છે
બનવા ભાણું વિદેશીઓનું લાખો ગાય મરે છે
વેપારની ભાષામાં વિદેશી હુંડિયામણ સચવાય ..!!
હરિ, આપણી ગાય.
(સુરત)