‘કોડિયું’ જેનું મુખપત્ર છે તે લોકભારતીની સ્થાપના 28 મે 1953માં બુદ્ધપૂર્ણિમાના દિવસે થઈ હતી. આ દિવસે લોકભારતીની સ્થાપનાને 68 વર્ષ થશે.
દર્શક શતાબ્દીવર્ષે, આંતરરાષ્ટ્રીય કક્ષાના શિક્ષણવિદ્દ ડૉ. રવીન્દ્રભાઈ દવેએ એ વર્ષની નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળાનાં બે વ્યાખ્યાનો આપ્યાં હતાં. ડૉ. દવેએ ‘આજીવન શિક્ષણ’ને જીવનના સશક્તીકરણ અને પ્રદીપ્તિકરણમાં ટોચના સ્થાને પ્રસ્થાપિત કર્યું છે. એમના એ માપદંડ પર લોકભારતી કેટલી ખરી ઊતરી હશે કે તેમણે જાહેર કર્યું કે ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ હવેથી વિશ્વલોકભારતી જ કહેવાવી જોઈએ.’
લોકભારતીનું પૂરું નામ છે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ. ગ્રામવિદ્યાપીઠ માત્ર ગામડાંઓને જ લાગુ પડતી સંકલ્પના નથી. તેના પાયામાં જીવનને અને માણસજાતને સમ્યક, સાચા અર્થમાં સમૃદ્ધ, સમરસ અને સંપોષક બનાવવાની વાત છે. તેની દૃષ્ટિ આપણા દેશની પ્રકૃતિ અને સંસ્કૃતિને અનુરૂપ સ્થિર અને ટકાઉ વિકાસ – ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’ – પર છે.
પ્રાચીનકાળથી આજ સુધી માણસનો સંકલિત, સમ્યક અને સંપોષક વિકાસ કેમ કરવો એ એક પ્રશ્ન રહ્યો છે. વેદોએ તેની જ કેળવણી આપી. ભગવાન બુદ્ધે પણ એ જ કર્યું. આપણા યુગમાં મહાત્મા ગાંધી એ જ કરી ગયા.
બુદ્ધે વેદકાલીન પરંપરાથી એક પગલું આગળ જઈ આ કેળવણી જનસામાન્યને સમજાય એવી, ત્યારની બોલચાલની પાલી ભાષામાં આપી. શિષ્યો તૈયાર કર્યા, સંઘ તૈયાર કર્યો. સ્ત્રીઓને, ઓછું જાણનારાઓને, પાછળ રહી ગયેલાઓને સાથે લીધા. કેવી સુંદર અને સર્વસમાવેશક હશે એ ફિલોસોફી જેને અનેક દેશોએ અપનાવી. જાપાનમાં સોકા ગાક્કાઈ નામનો બૌદ્ધ સંપ્રદાય કહે છે કે દરેક માણસમાં એક પશુ છે અને એક બુદ્ધ છે, કારણ કે બુદ્ધ કોઈ વ્યક્તિ નથી, એ એક અવસ્થા છે. દુ:ખોને, એના કારણોને, તેના ઈલાજને શોધવા સમજવા માટે મહાભિનિષ્ક્રમણ કરવાની જેની તૈયારી હોય તે દરેક પોતાને એ અવસ્થાએ લઈ જઈ શકે. ઈસુએ પોતાના જીવનથી શીખવ્યું કે દરેક માણસે પોતાનો ક્રોસ પોતે જ ઉપાડવાનો હોય છે તેમ બુદ્ધે પોતાના જીવનથી એ શીખવ્યું કે દરેકે પોતાનું મહાભિનિષ્ક્રમણ પોતે જ કરવાનું હોય છે. મહાત્મા ગાંધીએ શીખવ્યું કે દરેક માણસ જ્યાં હોય ત્યાંથી ઊઠીને ઊભો થઈ શકે અને સત્ય – અહિંસાના માર્ગે અન્યાય સામે યુદ્ધે ચડી શકે.
વેદથી અને બુદ્ધથી હજી એક પગલું આગળ જઈ ગાંધીજીએ ગામડામાં જવાની, છેડેના ને છેવડાના માણસ સુધી પહોંચવાની વાત કરી. ગ્રામાભિમુખ હોવું એટલે ગામડાને સમજવું. જ્યાં એક સૌનો હોય અને સૌ એકમાં ભળી શકતા હોય એ સંસ્કૃતિની ઊર્જાને જગાડવી અને યોગ્ય દિશામાં પ્રયોજવી. લોકભારતી આ કરે છે. આ બધી કેળવણીના ક્ષેત્રમાં થયેલી ક્રાંતિઓ છે. કેળવણી આપનારે બૌદ્ધિક ક્રાંતિકારી હોવું અનિવાર્ય છે. એવી ક્રાંતિ જે માત્ર પોતાની સિદ્ધિ પૂરતી સીમિત ન હોય, સ્વને સમસ્ત સુધી પહોંચવા સક્રિય કરતી હોય. કેવી હશે લોકભારતીના આદ્યસ્થાપકોના હૃદયમાં પ્રજ્વળતી ક્રાંતિજ્યોત કે છેક 1938માં આંબલામાં શાળા શરૂ કરી તેઓ તેને માટે ગામડાઓમાં ફરી બાળકો શોધવા નીકળતા હશે! ત્યાંથી શરૂ થયેલી યાત્રા આજે લોકભારતી-સણોસરા, મણાર અને માઈધારમાં પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણ, ખેતી-પશુપાલનને લગતાં સંશોધનો અને તેના વ્યાવસાયિક પાસાને લગતાં અનેક પાયાનાં કાર્યો કરી રહી છે.
બુદ્ધ પણ બુદ્ધત્વ પ્રાપ્ત થયા પછી અટક્યા નથી. દુ:ખનું નિવારણ પોતાને મળ્યું તો બીજાઓને પણ દુ:ખમાંથી કાઢવા જોઈએ – આખી જિંદગી લોકોને જગાડવામાં ખર્ચી, પણ તેમની ભૂમિકા ઉદ્ધારકની નહીં, માર્ગદર્શકની રહી – ઉદ્ધાર તો દરેકે પોતે જ પોતાનો કરવાનો છે. એટલે જ ‘સિદ્ધાર્થ’ નવલકથાનો નાયક જ્યારે બુદ્ધને કહે છે, ‘મને જ્ઞાન આપો.’ ત્યારે બુદ્ધ કહે છે, ‘એ હું ન આપી શકું. હું તને માત્ર એટલું કહી શકું કે મને એ કેવી રીતે મળ્યું.’
ભગવાન બુદ્ધને એમના યુગના મહાન કેળવણીકાર ન કહી શકાય? કિસા ગોતમીને રાઈના દાણા લેવા મોકલી તેમણે મૃત્યુની અનિવાર્યતા જે રીતે સમજાવી તે અદ્દભુત છે. લોકોને પણ પૂછે છે, ‘તમે નેવું વર્ષના વૃદ્ધો જોયા છે? જીર્ણ, ઝૂકેલા, શિથિલ વૃદ્ધોને? એમના કરચલીવાળા, દાંત વિનાના ચહેરા જોઈ તમને કદી એમ થયું છે કે આપણા શરીરનો પણ એક દિવસ આવો જ ક્ષય થશે? તમે એવા વ્યાધિગ્રસ્ત લોકોને જોયા છે જે કોઈના આધાર વિના પોતાના શરીરની સફાઈ પણ ન કરી શકતા હોય? એમની પીડા જોઈને તમને કદી એવો વિચાર આવ્યો છે કે તમે પણ આમ બીમાર થઈ શકો? અને તમે કોઈ શબ, મૃત્યુના બે દિવસ થયા પછીનું કોઈ શરીર જોયું છે? ફૂલેલું, ફિક્કું, વાસ મારતું એ શરીર જોઈ તમને કદી એવું થાય છે કે તમારું શરીર પણ આવું જ નાશવંત છે? તમને એ યાદ રહે છે કે તમે આ બધાથી બચી શકવાના નથી?’
આવા કઠોર પ્રશ્નો કરીને એમને આઘાત આપવામાં નહીં, ક્ષુદ્રતાઓ અને ક્ષણિકતાઓ વચ્ચે મહાલતા જીવને જાગ્રત કરવામાં રસ છે. તેઓ કહે છે, ‘સત્ય જ એકમાત્ર મુક્તિદાતા છે. સત્ય પર જ આસ્થા રાખો, તેના માટે જ ઉદ્યમ કરો અને તેને જ સ્નેહ કરો. જે જાગ્રત છે તેને દુ:સ્વપ્નો ડરાવતા નથી ને પૂર્ણ સંયમિત ‘સ્વ’ જેવું બીજું કોઈ શરણ નથી કારણ કે પોતાની સ્થિતિ માટે માણસ પોતે જ જવાબદાર છે.’
આ પોતાની સ્થિતિ માટે પોતે જ જવાબદાર હોવાની વાત ખૂબ સુંદર અને અર્થપૂર્ણ છે. ઘણાખરા ધર્મોનું એને અનુમોદન પણ છે. તમારું જ કર્મ, ને તેનાં ફળ પણ તમારાં. તમે જ કારણ, તમે જ કાર્ય, તમે જ પરિણામ. તમે જ ભાગ્ય ને તમે જ ભાગ્યવિધાતા. એટલે બધી મહેનત પોતાને વધુ ને વધુ શુદ્ધ અને સમજદાર બનાવવા માટે કરવાની છે. આમ છતાં આ સ્વાર્થ નથી કારણ કે જેમ માણસ શુદ્ધ અને સમજદાર બનતો જાય તેમ તેના સ્પંદનો વધારે કલ્યાણકારી બને અને તે સમાજને વધારે ઉપયોગી થવા માટે જ પ્રેરાય.
જાપાનના સોકા ગાક્કાઈ બુદ્ધિઝમમાં દસ વિશ્વ – ટેન વર્લ્ડનો વિચાર છે. આ દસ વિશ્વ તે હેલ, હંગર, એનિમલિટી, એંગર, હ્યુમાનિટી, હેવન, લર્નિંગ, રિયલાઈઝેશન, બોધિસત્વ અને બુદ્ધ. આ દસ વિશ્વો દરેક માણસની અંદર રહેલાં છે અને માણસ એમાં આવ-જા કરતો રહે છે. એક પળે ક્રોધ આવે, બીજી પળે શાંતિ હોય, ત્રીજી પળે પ્રેમ આવે ને ચોથી પળે ઈર્ષા. વળી પાંચમી પળે તે કોઈના કલ્યાણની કામના કરતો પણ હોઈ શકે! આ વિશ્વો તે ખરું જોતાં મનની વિવિધ અવસ્થાઓ છે.
મન એક અવસ્થામાંથી બીજી પર પહોંચ્યું એટલે હવે ત્રીજી અવસ્થામાં જ જશે એવું નથી. પહેલી પર પાછું પણ જાય. વળી છઠ્ઠી કે સાતમી અવસ્થા પર જાય ને પાછું બીજી કે ત્રીજી અવસ્થામાં પાછું ફરે. આ ચડઉતર સતત ચાલતી રહે છે. એટલે મન ઉચ્ચતા તરફ સતત અને સ્થિર ગતિ કરતું રહે એ અગત્યનું છે. તેને માટે ઘરમાં રોજ ઝપટઝૂપટ અને ઝાડુપોતું કરીએ છીએ તેમ મનને પ્રાર્થનામય રાખવાનું છે. પ્રાર્થનાનો અર્થ અહીં માગણી કે સ્તુતિ નથી, પ્રાર્થના મનને એકાગ્ર અને અમલિન રાખવા માટેની કેળવણી છે. એવું મન પછી એવાં કર્મો તરફ જ જશે જે યોગ્ય અને હિતકારી હોય.
એક નિરીક્ષણ રસપ્રદ છે. ભગવાન વિષ્ણુના દસ અવતારમાં નવમો અને ચોવીસ અવતારોમાં ત્રેવીસમો અવતાર તે બુદ્ધાવતાર ગણાય છે. દસ અવતારમાં મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ આ ક્રમ ઉત્ક્રાંતિની રીતે પણ સમજવા જેવો છે. પૃથ્વી પર પહેલા જળનાં, પછી જળ-સ્થળ બંનેમાં રહેતાં ને તે પછી જમીન પર રહેતાં પ્રાણીઓ ઉત્પન્ન થયાં. ત્યાર પછી પશુમાનવ ને તે પછી માનવ. ક્રમે ક્રમે તેનો ગુણવિકાસ થતો ગયો અને તે હિંસકમાંથી સૌમ્ય, પ્રેમસ્વરૂપ, નિપુણ અને કલ્યાણકારી બન્યો. વિકાસનો આવો જ ક્રમ ચોવીસ અવતારોમાં પણ જોવા મળે છે. આ દસ અવતારને આધ્યાત્મિક વિકાસના સોપાનો તરીકે પણ જોઈ શકાય એમ છે.
ભગવાન બુદ્ધ કહે છે, જીવનનું લક્ષ્ય આનંદ છે. દુ:ખોથી મુક્ત રહેવું હોય તો પવિત્ર જીવન ગાળો. જે જન્મ્યું છે તે લીન થવાનું જ છે. અહંકાર અને તૃષ્ણામાં રાચશો નહીં. ભય રાખશો નહીં. જેનું મન કામનાઓથી લિપ્ત નથી, ઘૃણા કરતું નથી, જેણે શુભ-અશુભ બન્નેનો પરિત્યાગ કર્યો છે તે જાગરુક વ્યક્તિને કોઈ ભય હોતો નથી. જે જાગ્રત છે તેને દુ:સ્વપ્નો સતાવી શકતાં નથી. એ જાણતો હોય છે કે ભલે સાપ જેવી દેખાય, છે તો રસ્સી – કંપવાની જરૂર નથી.
બુદ્ધ કહે છે, ‘સ્વ’ અને ‘હું’ એ બન્નેમાં ફરક છે. જે ‘સ્વ’ને જાણે છે અને ‘હું’ની પરવા કરતો નથી તેને અનંત શાંતિ મળે છે. ‘જે સ્વને ચાહે છે તે સ્વની સુરક્ષા કરતા શીખી જાય છે. સ્વ જ સ્વનું શરણ છે. એક પૂર્ણ સંયમિત સ્વ દ્વારા વ્યક્તિ એવો આશ્રય પામે છે જે દુર્લભ હોય છે. સ્વ જ સ્વને પવિત્ર કે અપવિત્ર કરી શકે છે; બાકી કોઈ, કોઈ બીજાનું કશું સુધારી કે બગાડી શકતું નથી.’
આ શબ્દો અંદરના આકાશમાં સતત પડઘાતા રહો …
e.mail : sonalparikh1000@gmail.com