દેશની સર્વોચ્ચ અદાલતે હાથથી મળ સફાઈ અને ગટર સફાઈમાં થતાં મોત અંગે તલ્ખ ટિપ્પ્ણી કરતાં જણાવ્યું છે કે ભારતની જેમ દુનિયાનો કોઈ દેશ જાણી બૂઝીને તેના નાગરિકને ગેસ ચેમ્બરમાં ધકેલતો નથી. ગુજરાતની વડી અદાલતે પણ આ જ દિવસોમાં માણસને અંદર ઉતારીને કરાવવામાં આવતી ગટર સફાઈ રોકવાના કોઈ ઠોસ એકશન પ્લાનના મુદ્દે સરકારને ઠમઠોરીને જવાબ માંગ્યો છે. પરંતુ આપણાં સંવેદનહીન વહીવટીતંત્રો અને સરકારોને દેશની અને રાજ્યોની અદાલતોની આ ટીકાની કોઈ તમા નથી. હજુ ગયા જૂનમાં જ વડોદરા જિલ્લાના ડભોઈ પંથકના ફરતીકુઈ ગામે ગટર સફઈ કરતાં સાત વ્યક્તિઓના મોત થયાં હતાં. મોડેલ સ્ટેટ ગુજરાતે તેમાંથી કશો બોધપાઠ લીધો નથી. એટલે હાઈકોર્ટની ટીકાના દિવસે જ પ્રાંતિજમાં ગટરમાં ઉતારીને વધુ એક સફાઈ કામદારને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે.
ભારતની સમાજવ્યવસ્થામાં તળિયે અને વર્ણવ્યવસ્થામાં વર્ણબહારના ગણાવાયેલા લોકોના માથે પરાપૂર્વથી સફાઈ અને હવે આધુનિક જમાનામાં ગટર સફાઈની કામગીરી થોપવામાં આવી છે. ‘રાષ્ટ્રીય ગરિમા અભિયાન’ના અંદાજ મુજબ દેશના કુલ ગટર કામદારોમાં ૯૪ ટકા દલિતો અને બાકીના આદિવાસીઓ અને અન્ય પછાતો છે. સુપ્રીમ કોર્ટના અંદાજ મુજબ કશાં જ સુરક્ષા સાધનો વિના ગટરમાં અંદર ઉતારીને સફાઈ કરાવવાને કારણે દર મહિને દેશમાં ચારથી પાંચ વ્યક્તિના મોત થાય છે. જસ્ટિસ અરુણ મિશ્રા, એમ.આર. શાહ અને બી.આર. ગવઈની ખંડપીઠે એટલે આ કામને નાઝી ગેસ ચેમ્બર સાથે સરખાવ્યું છે.
સરકારી સંસ્થા ‘રાષ્ટૃીય સફાઈ કર્મચારી આયોગ’ના મતે દર પાંચમા દિવસે ગટર કે ખાળકૂવાની સફાઈ દરમિયાન એક કામદારનું મોત થાય છે. ‘રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આંદોલન’ના એક સર્વેનું તારણ જણાવે છે કે ૧૯૯૩થી ૨૦૧૮ સુધીમાં ૧૯૨૭ ગટર કામદારોનાં મોત થયાં છે. અંગ્રેજી અખબાર ‘ધ હિન્દુ’નો એક અહેવાલ, ભારતમાં દર વરસે ૨૨ હજાર સ્ત્રી પુરુષો સફાઈ કામ કરતાં મોતના મુખમાં ધકેલાતાં હોવાનું જણાવે છે. દેશમાં માથે મેલું કે હાથથી મળ સફાઈનાં કામમાં જોતરાયેલા લોકોની સંખ્યા ૫૫,૬૨૫ હોવાનું અને તેમાં ૭૦ ટકા મહિલાઓ હોવાનું સરકારી આંકડા કહે છે. જો કે આ ક્ષેત્રે કામ કરતાં સંગઠનો તે આંકડાને ખૂબ જ ઓછા ગણે છે. એક તરફ આપણે મંગળ અને ચંદ્ર સર કરી રહ્યા છીએ. વિશ્વ ગુરુ અને પાંચ લાખ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવા તરફ જઈ રહ્યા છીએ. દેશ ખુલ્લામાં શૌચથી મુક્ત થઈ ગયાની સરકારી જાહેરાતો થાય છે. તો બીજી તરફ માથે મેલું કહેતાં હાથથી મળ સફાઈ કરનારાની સંખ્યા વધી રહી છે. ગટરમાં ગુંગળાઈને સફાઈ કરનારા મરી રહ્યા છે. આ વિરોધાભાસનો ન તો કોઈ જવાબ છે કે ન તો તેની શરમ. અદાલતી આદેશો છતાં આ મુદ્દાની ગંભીરતા સમજાતી નથી.
૧૯૬૯ના ગાંધી જન્મ શતાબ્દી વરસે માથે મેલુ મુક્તિની સરકારી ઘોષણા થઈ હતી. જે ગાંધીના સાર્ધ શતાબ્દી વરસે પણ પૂરી થઈ નથી. ૧૯૯૩માં તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવે લાલ કિલ્લાની રાંગેથી માથે મેલું નાબૂદ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ સરકારી સંકલ્પબધ્ધતા અને રાજકીય ઈચ્છાશક્તિના અભાવે એ ઠાલું આશ્વાસન જ બની રહ્યું. હવે હાથથી મળ સફાઈ અને ગટર સફાઈની નાબૂદીની છેલ્લી મુદ્દત ૧૫મી ઓગસ્ટ ૨૦૨૨ની જાહેર કરાઈ છે. સુપ્રીમ કોર્ટે ૨૦૧૪માં એક જાહેર હિતની અરજીના ચુકાદામાં ગટર સફાઈ દરમિયાન મૃત્યુ પામનારને રૂ. દસ લાખનું વળતર આપવા આદેશ કર્યો હતો. સરકારો મોટાભાગના કિસ્સામાં વળતર આપીને છૂટી પડે છે અને આ કામની જવાબદારી ખાનગી કંપની અને કો ન્ટ્રાકટર્સ પર ઢોળી દે છે. અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર પ્રતિબંધક ધારો અને સૂકા જાજરૂ બાંધવા પર પ્રતિબંધના કાયદાની જોગવાઈ મુજબ ગટર સફાઈ દરમિયાન થતાં મોતને હત્યા ગણી જવાબદારો સામે કાનૂની પગલાં લેવામાં આવતાં નથી. ન્યાયની અવેજીમાં આર્થિક સહાય આપવી સરકારોને માફ્ક આવે તેવી બાબત છે.
હાથથી મળસફાઈ, ગટર સફાઈ અને ખુલ્લામાં શૌચથી ગુજરાત મુક્ત નથી. રાજ્ય સફાઈ કામદાર નિગમ છેલ્લાં કેટલાંક વરસોમાં ૧૫૨ ગટર કામદારોના મોત થયાંનું કબૂલે છે. ગુજરાત વિધાનસભામાં અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત સરકારને ગટર સફાઈ માટે મશીન ભેટ આપવાની તૈયારી દર્શાવી હતી. ફરતીકુઈમાં સાત સફાઈ કામદારોના મોત પછી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ આવી ઓફર કરી હતી. તે પછી પણ સરકાર જાગતી નથી ધારાસભ્ય અમિત ચાવડાના એલ.એ.ક્યુ.ના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું છે કે રાજ્યમાં હજુ ૩.૭૦ લાખ લોકો ખુલ્લામાં શૌચ જાય છે. આ મળની સફાઈ સ્વાભાવિક રીતે જ દલિતોને કરવાની આવે છે. ગટર સફાઈ અને હાથથી મળ સફાઈ કરનાર કામદારોના પુનર્વસન માટેની જોગવાઈ છતાં સંવેદનશૂન્ય સરકારો અમલ કરતી નથી. ગટરસફાઈથી થતાં મોતના કિસ્સામાં હત્યાનો ક્રિમિનલ ગુનો પણ કદી દાખલ થતો નથી. હવે દિલ્હી, આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુ રાજ્યોએ ગટર સફાઈ માટે યંત્રો અને માનવયંત્રો વસાવ્યાં છે જે સરાહનીય છે.
ગટર સફાઈ કરનારને તાલીમ અને સુરક્ષાના સાધનો આપવાની વાતો હંમેશાં થાય છે. ક્યારેક ગટર કામદારો સાધનોનો ઉપયોગ કરતાં ન હોવાની પણ ફરિયાદો કરાય છે. તે થકી એમ કહેવાય છેકે દલિત કામદારે સલામતીના સાધનો સાથે ગટરમાં ઉતરવું જોઈએ અને પોતાના માથે મરાયેલો આ પરંપરાગત વ્યવસાય, કૌશલ્ય સાથે જાળવી રાખવો જોઈએ. પરંતુ ગટર સફાઈનું કામ કોઈ માનવીએ ગટરમાં ઉતરીને ન જ કરવું પડે તે દિશામાં વિચારાતું નથી. ગટર કામદારના મોત અટકાવવાનો એકમાત્ર ઉપાય માનવી થકી ગટર સફાઈ પર સંપૂર્ણ પ્રતિબંધ જ હોઈ શકે. જો સમાજ અને સરકારને દલિતની જિંદગીની કોઈ કિંમત હોય તો તેણે ગમે તેટલાં મોંઘા સાધનો વસાવવા જ જોઈએ. ગટર કામદારોના મોત પછી હત્યાનો નહીં પણ બેકાળજીનો આરોપ લગાવાય છે. જો કાનૂની રીતે ગટર સફાઈ પ્રતિબંધિત બને તો જ જવાબદારો સામે પગલાં લઈ શકાશે. જ્યાં માનવશ્રમ જીવલેણ બનવાનો નથી એવા ઘણાં ક્ષેત્રોમાં યંત્રોનો ઉપયોગ કરીને ગરીબોને બેકાર બનાવ્યા છે. તો જ્યાં દલિતોના અસ્તિત્વનો પ્રશ્ન હોય તેવા ગટર સફાઈના કામમાં માત્રને માત્ર યંત્રોનો જ ઉપયોગ કેમ થતો નથી? ગટર કામદારોના મોત એ કોઈ ભૂલ, નિષ્કાળજી કે અકસ્માત નથી પણ હત્યા છે. જાણી બૂઝીને ગેસ ચેમ્બરમાં ધકેલવાનું હવે તો અટકવું જ જોઈએ.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 09 ઑક્ટોબર 2019