Opinion Magazine
Number of visits: 9446244
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુમનામ ગાંધી : નવ ઓળખ્યા જો હોત તમને તો, જીવતર બધું એળે જ હતું

રાજ ગોસ્વામી|Gandhiana|6 August 2019

'ન્યુ યોર્ક ટાઈમ્સ' સમાચારપત્રમાં ૪૦ વર્ષ સુધી કામ કરનાર, અને પછી તેના ઇક્ઝેક્યુટિવ એડિટર બનનાર, જોસેફ લેવીવેલ્ડ, તેમના પુસ્તક 'ગ્રેટ સોલ: મહાત્મા ગાંધી એન્ડ હીઝ સ્ટ્રગલ ફોર ઇન્ડિયા'માં, મહાત્મા ગાંધીએ ૧૯૪૭માં લખેલા એક વિધાનને ટાંકે છે, "મારા જેવા માણસોને, તમારે તેમના જીવનની એકલદોકલ મહાન ક્ષણોના આધારે નહીં, પણ પૂરી જીવનયાત્રા દરમિયાન તેમના પગમાં કેટલી ધૂળ ભરાઈ છે, તેના આધારે મૂલવવા જોઈએ."

આપણે ગાંધીજીને મૂલવવા હોય તો? તો પહેલી વાત એ કે એવી કોઈ જરૂર નથી. આધુનિક ઇતિહાસમાં ગાંધીજી સૌથી વધુ વ્યાખ્યાઈત થયેલું વ્યક્તિત્વ છે. સ્વાતંત્ર્ય સેનાની, મસીહા, ચિંતક, સામાજિક સુધારક, આધ્યાત્મિક સંત, કોમી એકતાના સેવક અને રાષ્ટ્રપિતા તરીકે દુનિયા તેમને ઓળખે છે. તેમની આ અલગ-અલગ ઓળખ પર, ભારતમાં અને ભારતની બહાર, ખૂબ લખાયું છે, અને છતાં ગાંધીજી આપણને કંટાળો નથી આપતા. પેઢી-દર-પેઢી તેમનામાં લોકોની દિલચસ્પી વધતી રહે છે.

ગાંધીજી તમને મંત્રમુગ્ધ કરે છે, મૂંઝવી દે છે, અને એટલે જ એ વિસ્મયથી વશ થઈને આપણે તેમને મૂલવવા પ્રયાસ કરીએ છીએ. એમાંથી જ એક સવાલ એવો ઊભો થાય કે આપણે ગાંધીજીને પૂરેપૂરા ઓળખીએ છીએ કે પછી (તેમના જ શબ્દોમાં) આપણે તેમની એકલદોકલ મહાન ક્ષણોને જ જાણી શક્યા છીએ? ગુજરાતીમાં એને હિમશીલાનું ટોચકું કહે છે. ગાંધીજી આપણને દેખાય છે કે સમજાય છે, તેનાથી પણ વધુ છે.

આપણાથી પણ પહેલાં, વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનને આ વાત સમજાઈ હતી, અને એટલે જ તેમણે લખ્યું હતું, "આવનારી પેઢીઓને વિશ્વાસ નહીં આવે કે હાડ-ચામડાનો આવો કોઈ માણસ પૃથ્વી પર ચાલ્યો હતો."

આ વર્ષે દેશ તેમની ૧૫૦મી જન્મ શતાબ્દી મનાવી રહ્યો છે. કેરળના ‘મલાયમ મનોરમા’ મીડિયા જૂથના 'ધ વીક' અંગ્રેજી સામાયિકે આ પ્રસંગે, નહીં જોયેલા, નહીં સાંભળેલા, છૂપા રહી ગયેલા, ખોવાઈ ગયેલા, ગુમનામ ગાંધીનો પરિચય કરાવ્યો છે. ગાંધી એવો બહુ આયામી હીરો છે, જેના પ્રત્યેક આયામમાંથી એક એવો પ્રકાશ આવે છે, જે તમને ચકાચોંધ તો કરે જ છે, સાથે એવો પણ સવાલ પેદા કરે છે કે આ પ્રકાશમાં કેટલા અજાણ્યા રંગો છે? થોડા સેમ્પલ :

ગાંધી, એક યાત્રી

મહાત્મા ગાંધી આજીવન ચાલતા રહ્યા હતા. એ બહુ ચાલતા હતા. તેમની આત્મકથા 'મારા સત્યના પ્રયોગો'માં તેમણે વિદ્યાર્થીકાળમાં તેઓ રોજ ચાલતા હતા અને પછી તેમના દીકરાઓને પણ ચાલવાની કેવી ટેવ પાડી હતી, તે લખ્યું છે. ઘણીવાર તો તેઓ દિવસના ૧૬ માઈલ ચાલતા હતા. મોટા ભાગની તેમની પ્રતિમાઓમાં, તેઓ હાથમાં લાકડી પકડીને આગળ ચાલતા હોય, તેવી મુદ્રા છે. ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી કહે છે કે તેઓ યાત્રી પણ હતા. ગાંધીજી આફ્રિકાથી ભારત આવ્યા, ત્યારે તેમણે ટ્રેનમાં ભારત ભ્રમણ કર્યું હતું. રાજમોહન લખે છે, "હિંદ સ્વરાજ પુસ્તકમાં તમને દેખાશે કે તેમણે મોટરગાડીઓ, વિમાનો અને ટ્રેનોની ટીકા કરી છે, પણ જહાજો પર હલ્લો નથી કર્યો."

આ 'હિંદ સ્વરાજ' પુસ્તક, ગાંધીજી ઇંગ્લેન્ડથી દક્ષિણ આફ્રિકા જઈ રહ્યા હતા, ત્યારે ૧૯૦૯માં ૧૩ અને ૨૨ નવેમ્બર વચ્ચે, એસ.એસ. કિલ્ડોનાન કાસલ નામના જહાજ પર લખાયું હતું. જમણા હાથે લખી લખીને થાકી જાય, તો ડાબા હાથે લખવા માંડે, એવી જે જાણીતી વાત છે, તે આ 'હિંદ સ્વરાજ' પુસ્તક લખતી વખતની છે. આ પુસ્તકનાં ૨૭૫માંથી ૪૦ પાનાં ડાબા હાથે લખાયાં હતાં. જેમની અસર ગાંધીજી પર બહુ હતી, તે રશિયન લેખક-વિચારક, લીઓ તોલ્સ્ત્તોયના 'હિંદુને પત્ર' પુસ્તકનો અનુવાદ પણ ગાંધીજીએ આ જહાજ પર કર્યો હતો.

૧૮૯૧માં, લંડનમાં બેરિસ્ટરની ડિગ્રી લઈને તેઓ પાછા ભારત આવતા હતા, ત્યારે જહાજ પર ડાયરી લખતા હતા અને માર્ગમાં બંદરો પર જે જોવા મળે તે નોંધતા હતા. ૧૮૯૬માં, પરિવાર સાથે મુંબઈથી ડરબન ગયા, ત્યારે સાથે ચાલતાં બે જહાજ, કૌરલેન્ડ અને નાદિર, તોફાનનો ભોગ બન્યાં હતાં અને કેવી રીતે પ્રવાસીઓએ પોતપોતાની ભાષામાં તેમના ભગવાનોની પ્રાર્થના કરી હતી, તે ગાંધીજીએ જોયું હતું.

૧૯૧૪માં, ૪૫ વર્ષની ઉંમરે, એસ.એસ. અરેબિયા નામના જહાજમાં ગાંધીજી પાછા વતન આવ્યા, તે મહત્ત્વની યાત્રા હતી. રાજમોહન લખે છે, "આ યાત્રામાં, લગ્ન પછી પહેલી વાર, કસ્તૂરબાને તેમના પતિનો સંગ થયો હતો. માર્ગ કે રેલ કે જહાજ કે બીજી કોઈપણ રીતે, આ એક માત્ર યાત્રા એવી હતી, જેમાં મોહનદાસ અને કસ્તૂરબાએ એકલાં જ મુસાફરી કરી હતી.

ગાંધી, એક તબીબ

તે સમયના ભારતમાં બીજા બધા લોકોની જેમ, ગાંધીજી કાયદો ભણવા લંડન ગયા હતા, એ વાત બહુ જાણીતી છે, પણ ઘણાને ખબર નથી કે ૧૮૮૮માં, ૧૮ વર્ષની ઉંમરે, તેમને ચિકિત્સાશાસ્ત્રમાં પણ એટલો જ રસ હતો. તેમને ડોક્ટર બનવું હતું. તે લંડન ગયા, એટલે તેમના સમાજે તેમને 'મ્લેચ્છ' ગણીને નાતબહાર મુક્યા એટલું જ નહીં, તેમના પરિવારને પણ મોહનદાસ મડદાં ઉથલાવે તે મંજૂર ન હતું. તેમના મોટાભાઈએ જ ડોકટરીને બદલે વકાલત કરવાનું તેમને સૂચન કર્યું હતું.

લંડનમાં વકાલતનું ભણતા હતા, ત્યારે પણ દાકતરીને લઈને તેમનું કુતૂહલ યથાવત હતું, પણ ૧૯૦૯માં તેમણે એક મિત્રને કાગળમાં લખ્યું હતું કે, તેમણે અમુક ડોકટરો પાસેથી સાંભળ્યું છે કે તેમણે ભણવા માટે થઈને પચાસ દેડકાં મારી નાખ્યાં હતાં. જો આવું હોય, તો મારે દેડકાં મારીને ભણવું નથી.

પણ તેમને માણસના મન-શરીરની તંદુરસ્તીમાં રસ કાયમ રહ્યો. તેમણે લખ્યું હતું, "જે પણ વ્યક્તિ આરોગ્યના નિયમોનું પાલન કરે છે, તે રોજે રોજ ડોકટરોના દરવાજા નહીં ખખડાવે." દક્ષિણ આફ્રિકામાં તેમના નાના દીકરા દેવદાસનો પ્રસવ ગાંધીજીએ ખુદ કર્યો હતો. આત્મકથામાં તેઓ લખે છે કે "સંતાન માટે ઉમદા સારવાર જોઈતી હતી, પણ ખરા ટાણે નર્સો (કસ્તૂરબાને) છોડીને જતી રહે તો? અને ભારતીય નર્સો તો મળતી ન હતી. એટલે સુરક્ષિત પ્રસવ માટેનું ડો. ત્રિભુવનદાસનું પુસ્તક 'મા-ને શિખામણ' મે વાંચ્યું અને શીખ્યો. મારાં બંને બાળકોની દરકાર મેં જ લીધી."

ગાંધીજી આગળ લખે છે કે "બાળકોને સરખી સંભાળ રાખવા માટે દંપતીઓને બાળઉછેર અને સારવારનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. હું જો આ ભણ્યો ન હોત, તો મારા બાળકોનું આજે જે આરોગ્ય છે, તે ન હોત."

એટલું જ નહીં, દક્ષિણ આફ્રિકામાં સેન્ટ અઇદન મિશન હોસ્પિટલમાં ડો. લાન્સેલોટ પાર્કર બુથના હાથ નીચે ગાંધીજીએ કમ્પાઉન્ડર તરીકે કામ કર્યું હતું. તેઓ રોજ બે કલાક આપતા હતા. એ દર્દીઓની ફરિયાદો નોંધતા અને ડોકટર આવે, ત્યારે એ રજૂ કરતા. આ દવાખાનામાં, આ રીતે જ તેઓ ભારતના વેઠિયા લોકોના પરિચયમાં આવ્યા હતા.

આરોગ્યમાં રસ હોવાના કારણે જ તેઓ આજીવન ઉપવાસ, સ્વચ્છતા, પ્રાકૃતિક ઉપચાર અને પોષણની ભલામણ કરતા રહ્યા. તેમ છતાં, ગાંધીજીનું આરોગ્ય નાજુક હતું. ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં નોધાયા પ્રમાણે ગાંધીજીને ૧૯૧૪માં ફેફસાંમાં સોજો, ૧૯૧૮ અને ૧૯૨૯માં તીવ્ર મરડો, ૧૯૨૫, ૧૯૩૬ અને ૧૯૪૪માં મેલેરિયા, ૧૯૩૯માં આંતરડાનો વિકાર, ૧૯૪૫માં શરદી સાથે ચેપી તાવ, ૧૯૧૯માં હરસ અને ૧૯૨૪માં તીવ્ર અપેન્ડિસાઇટિસની બીમારી થઈ હતી.

દક્ષિણ આફ્રિકામાં, તેમને ખાઉધરા અંગ્રેજોને ઓછું ખાવાની ટેવ પાડવા માટે માન્ચેસ્ટરમાં રચાયેલા 'નો બ્રેકફાસ્ટ એસોસિયેશન'ની જાણ થઈ હતી, અને તેમણે સવારનો નાસ્તો બંધ કરી દીધો હતો. ગાંધીજી લખે છે, "થોડા દિવસ તો અઘરું પડ્યું, પણ માથાનો દુઃખાવો સંપૂર્ણપણે જતો રહ્યો. તેના પરથી મેં તારણ કાઢ્યું કે હું જરૂર કરતાં વધુ ખાતો હતો."

તેમને બ્લડપ્રેસર રહેતું હતું અને તેને કાબૂમાં લેવા તે કપાળ પર ભીની માટી મુકતા. તેમણે દૂધ નહીં પીવા સંકલ્પ કર્યો હતો, પરંતુ આરોગ્યની નાજુકાઈ જોતાં, કસ્તૂરબાના કહેવાથી બકરીના દૂધને રોજીંદા આહારમાં સામેલ કર્યું હતું. ચુસ્ત શાકાહારી, ગાંધીજીનો આહાર સાધારણ રહેતો – દૂધ, દહીં, લસણ, મધ, બાફેલાં ઈંડાં, સોયાબીન, લીલી શાકભાજી, નારંગી, સફરજન અને શેરડીની રસ. સવારે ૪ વાગે એ ગરમ પાણીમાં મધ લેતા.

ગાંધીજીને ભલે સુભાષ ચંદ્ર બોઝની નીતિ-રીતિ પસંદ ન હતી ( વધુ વાંધો તો બોઝને ગાંધીજી પ્રત્યે હતો), તેમ છતાં તેમણે બોઝ માટે આહારનો પ્લાન બનાવ્યો હતો – પાંદડાંવાળા શાકભાજી, સાથે સલાડ, તંદુરસ્ત પેટ માટે ખજૂર, બ્લડ પ્રેસર માટે કાચું લસણ અને લીંબુ તથા મીઠી નારંગીના બદલે મધ.

ગાંધી, એક સંપાદક

ગાંધીજીને સાદગી, સ્વચ્છતા અને સરળતાના પાઠ ક્યાંથી શીખવા મળ્યા? પુસ્તકોના છાપખાનામાંથી. દક્ષિણ આફ્રિકામાં તેમણે ઇન્ટરનેશનલ પ્રિન્ટીંગ પ્રેસ નાખ્યો હતો, જેમાં ૧૯૦૩થી ‘ઇન્ડિયન ઓપીનિયન’ સાપ્તાહિકની છપાઈ શરૂ થઇ હતી. એ સાપ્તાહિક, અન્ય વ્યવસાયિક પત્રો જેવી પ્રોડક્ટ ન હતું, કોપીરાઇટથી મુક્ત હતું, તેમાં બાઈલાઈન કે ડેટલાઈનવાળી માહિતીઓ ન હતી. મશીન ચલાવવા તેમણે સસ્તા આફ્રિકન મજદૂરોની મદદ લીધી હતી. તે અંગ્રેજી અને ગુજરાતી એમ બે ભાષામાં પ્રગટ થતું હતું. થોડો વખત તેમાં હિન્દી અને તમિલ વિભાગો પણ હતા.

તેમાં ગાંધીજીના ક્રાંતિકારી વિચારો રજૂ કરે, તેવી રોજીંદી પ્રવૃતિઓનો સારાંશ આવતો. ગાંધીજી તેમાં લેખકો અને વિચારકોના લખાણો અને અન્ય મોટાં પેપરોનાં કલીપીંગ્સ પ્રગટ કરતા. મોટાભાગનાં લખાણો વિચારોત્તેજક રહેતાં. આ સાપ્તાહિક ૨૦૧૫ સુધી ચાલ્યું, જે ભારતીય વસાહતીઓના કાનૂની અધિકારનું અને રંગભેદના અન્યાયના વિરોધનું માધ્યમ હતું.

ગાંધીજીએ અંગ્રેજીમાં ૧૯૧૯થી ૧૯૩૧ સુધી ‘યંગ ઇન્ડિયા’ અને ૧૯૩૩થી ૧૯૪૨ અને ૧૯૪૬થી ૧૯૪૮ સુધી ‘હરિજન’ સાપ્તાહિકનું પ્રકાશન કર્યું. ‘યંગ ઇન્ડિયા’ 'નવજીવન' નામથી ગુજરાતીમાં આવતું હતું. ‘હરિજન’, ગુજરાતી અને હિન્દીમાં પણ આવતું. આ ત્રણે પેપરને ગાંધીજી 'વ્યુઝપેપર' કહેતા, કારણ કે તેમાં તેમની રાજકીય અને સામાજિક ચળવળના વિચારો રહેતા હતા.

ગાંધીજી ૧૯૧૫માં ભારત પરત ફર્યા, ત્યાર પછી તેમના બીજા પુત્ર મણિલાલ ‘ઇન્ડિયન ઓપીનિયન’ સંભાળતા હતા, અને તેમણે એકવાર પુત્રને પત્રકારત્વની શીખ આપતાં લખ્યું હતું, "ઇન્ડિયન ઓપીનિયન તારે જે સત્ય છે, તે જ લખવું, પણ અસભ્ય ના થવું કે ગુસ્સો ના કરવો. ભાષામાં સંયમ રાખવો. જો ભૂલ થાય, તો કબૂલ કરતાં ખચકાવું નહીં."

ગાંધીજીની હત્યા થઈ, તેના બે મહિના પછી ‘હરિજન’માં એક તંત્રીલેખમાં લખાયું હતું, "ગાંધીજીની નજરમાં, દરેક કામ સેવા હતું. તેમણે જે સ્તરનું પત્રકારત્વ કર્યું હતું, તેને અનુસરીને સમચારપત્રો અને પત્રિકાઓ તેમની યાદગીરીને સાચવી શકે તેમ છે."

ગાંધી, એક ક્રિકેટર

ગાંધીજી ક્રિકેટ, ફૂટબોલ, હોકી બોક્સિંગ કે બીજી કોઈ રમતના ઘેલા ન હતા. તેમને 'વસાહતમાં જન્મેલા ભારતીયો'ની ક્રિકેટ અને ફૂટબોલને લઈને દિવાનગી સમાજમાં આવતી ન હતી. તેમને 'કૃષિની રમત' પસંદ હતી. વીર નરીમાન તરીકે જાણીતા મહાન કૉન્ગ્રેસી નેતા, ખુરશેદ ફરામજી નરીમાને, ગાંધીજીને 'રમત વગરના સંત' તરીકે ઓળખાવ્યા હતા. ‘ઇન્ડિયન ઓપીનિયન’માં રમતના સમાચાર કેમ નથી આવતા, એવું એક વાચકે પૂછ્યું, ત્યારે ગાંધીજીએ જવાબ આપ્યો હતો કે "શરીરની કસરત માટે રમત કામની ખરી, પણ ભારતીયોનો – અને પૂરી માનવ જાતનો – જે પેશો છે, તે કૃષિ ફૂટબોલ, ક્રિકેટ અને બીજી બધી રમતો કરતાં ઉત્તમ રમત છે."

તેમ છતાં, તેમણે ક્રિકેટ પર હાથ અજમાવ્યો હતો. કૌશિક બંદોપાધ્યાય 'મહાત્મા ઓન પીચ' પુસ્તકમાં લખે છે કે ગાંધીજી હાઇસ્કૂલમાં ભણતા હતા, ત્યારે તે ક્રિકેટ રમતા હતા. તેમના સહાધ્યાયી રતિલાલ મેલાભાઈ મહેતા મોહનદાસને અચ્છા ક્રિકેટર ગણતા હતા. તે કહે છે, "અમે ઘણી વખત સાથે ક્રિકેટ રમ્યા હતા અને મને યાદ છે કે તેઓ બેટિંગ અને બોલિંગ બંનેમાં સરસ હતા. જો કે સ્કૂલમાં તેમને શારીરિક અભ્યાસમાં રસ ન હતો." બીજા એક કિસ્સાને યાદ કરીને રતિલાલ કહે છે કે “એક વાર અમે રાજકોટ શહેર અને રાજકોટ કેમ્પની મેચ જોતા હતા. એમાં એક કટોકટીની ઘડીએ ગાંધીજી કહ્યું, ફલાણો ખેલાડી આઉટ થઇ જશે, અને પેલો ખરેખર આઉટ થઈ ગયો!"

ઇતિહાસકાર રામચંદ્ર ગુહા લખે છે કે ક્રિકેટર વિજય મર્ચન્ટની બહેન લક્ષ્મીએ એકવાર ગાંધીજીના હસ્તાક્ષર માગ્યા, ત્યારે તેમણે લક્ષ્મીની ડાયરીનું એ પાનું ખોલ્યું હતું, જેમાં ૧૯૩૩-૩૪ની એમ.સી.સી. ટીમના હસ્તાક્ષર હતા અને ખુદને ૧૭માં ખેલાડી તરીકે ઓળખાવી સહી કરી હતી.

૧૮૮૯માં, તે જ્યારે ઇંગ્લેન્ડ ગયા, ત્યારે ઓળખાણ માટે ત્રણ પત્રો લઈ ગયા હતા. તેમાં એક પત્ર, રણજી ટ્રોફીના જન્મદાતા, જામ રણજીતસિંહનો હતો. આગલા વર્ષે જ, ૧૮૮૮માં, રણજીતસિંહ રમવા માટે ઇંગ્લેન્ડમાં હતા. રણજી ગાંધીજી કરતાં ત્રણ વર્ષ મોટા હતા અને બંને રાજકોટમાં સાથે મોટા થયા હતા.

૩૦ના અને ૪૦ના દાયકામાં બોમ્બે(મુંબઈ)માં પેન્ટાગ્યુલર ક્રિકેટ સ્પર્ધા યોજાતી હતી. તેમાં પાંચ સમુદાયોની ટીમ રહેતી – યુરોપિયનો, હિંદુઓ, મુસ્લિમો, પારસીઓ અને અન્યો (ભારતીય ઈસાઈઓ, બૌદ્ધો અને યહૂદીઓ). દેશમાં હિંદુ-મુસ્લિમ તનાવ વધવા પર હતો, ત્યારે આ પેન્ટાગ્યુલર ક્રિકેટમાં કોમવાદ ભડકાવાનો આરોપ લાગ્યો. હિંદુઓની ટીમ, પરમાનંદદાસ જીવનદાસ હિંદુ જીમખાનાએ, આ બાબતમાં ગાંધીજીની સલાહ માગી, તો તેમણે સ્પર્ધામાં ભાગ લેવાની તેમને ના પાડી. છેવટે ૧૯૪૬માં પેન્ટાગ્યુલર ક્રિકેટ સ્પર્ધા પર પડદો પડી ગયો.

ગાંધી, એક સૈનિક

અહિંસાના પૂજારી યુદ્ધમાં હોય, તે ના માની શકાય, પણ એક નર્સ તરીકે તેમણે દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ સામ્રાજ્ય અને બે બોઅર રાજ્યો – દક્ષિણ આફ્રિકા અને ઓરેન્જ ફ્રી રાજ્ય – વચ્ચેના દ્વિતીય બોઅર યુદ્ધ(૧૮૯૯થી ૧૯૦૨)માં બ્રિટિશરો માટે નેટલ ઇન્ડિયન એમ્બ્યુલન્સ કોર્પ્સની સ્થપના કરી હતી. બોઅર ડચ શબ્દ છે, અને અર્થ થાય છે, ખેડૂત. આ કોર્પ્સમાં ૩૦૦ ભારતીયો અને ૮૦૦ ગિરમીટિયા મજદૂરો હતા. આનો ખર્ચો સ્થાનિક ભારતીયોએ ઉપાડેલો. ગાંધીજીએ સ્પીઓન કોપની લડાઈ(૨૩-૨૪ જાન્યુઆરી ૧૯૦૦)માં સેવા આપી હતી. યુદ્ધમાં કામ કરવા બદલા, બ્રિટીશરોએ ગાંધીજીને ‘કૈસર-એ-હિંદ’ ખિતાબ પણ આપ્યો હતો.

ઝુલુ યુદ્ધમાં પણ ગાંધીજીએ ઇન્ડિયન એમ્બ્યુલન્સ કોર્પ્સ મારફતે સરકારને મદદ કરી હતી. આ ટીમ રોજ ૬૪ કિલોમીટર ચાલીને જખ્મી ઝુલુ લોકોની સારવાર કરતી હતી. આ સેવા માટે પણ ગાંધીજીને રાણીનો દક્ષિણ આફ્રિકા મેડલ આપવામાં આવ્યો હતો. પાછળથી જલિયાંવાલા બાગનો હત્યાકાંડ જોઈને ગાંધીજી એટલા દ્રવી ઉઠ્યા હતા કે આ બંને મેડલ પાછા આપી દીધા હતા.

ગાંધી, એક ફૂટબોલ સંગઠક

વ્યક્તિગત રીતે ગાંધજીને રમતમાં રુચિ ભલે ના હોય, પણ ભાઈચારા અને ટીમ સ્પિરિટનો ફાયદો જોઇને, તેમણે દક્ષિણ આફ્રિકામાં ફૂટબોલને પ્રોત્સાહન આપ્યું હતું. ગાંધીજી મેચમાં જતાં, અને ત્યાં દર્શકોને સંબોધતા. અમુક તસ્વીરોમાં તો એ ખેલાડીઓ સાથે પણ ઊભા રહેલા હતા. તેઓ ફૂટબોલ રમ્યા હોય, તેવો રેકોર્ડ નથી. તેમણે ડર્બન, પ્રિટોરિયા અને જોહાનીસ્બર્ગમાં એમ ત્રણ ફૂટબોલ કલબ ખોલી હતી. આ કલબોને પેસીવ રેસિઝટેન્સ ક્લબ તરીકે ઓળખવામાં આવતી હતી. તેમાંથી જ અત્યાચાર, શોષણ અને વસાહતીવાદ સામેની ગાંધીજીની લડાઈ આવી હતી. ગાંધીજીએ તેમના ફિનીક્સ ફાર્મ અને ટોલ્સટોય ફાર્મમાં ફૂટબોલનું મેદાન પણ બનાવ્યું હતું. ૨૦૦૭ની ફિલ્મ 'ગાંધી, માય ફાધર'માં એક દ્રશ્ય પણ છે, જેમાં આ મેદાનમાં ફૂટબોલ રમતી વખતે ગાંધીજીનો મોટો પુત્ર, હરિલાલ જખ્મી થાય છે.

ગાંધી, એક દત્તક પિતા

ગાંધીજીના પૌત્ર, ગોપાલકૃષ્ણ ગાંધીએ ૨૦૧૫માં 'ઇન્ડિયન એક્સ્પ્રેસ' સમાચારપત્રમાં તર્ક કર્યો હતો કે, "ગાંધીને જો એક દીકરી હોત અને નહેરુને એક દીકરો હોત, તો આ બંન્નેનું જીવન જુદું હોત કે નહીં, તે તો હું ના કહી શકું, પણ એટલું ચોક્કસ છે કે તેમની આસપાસનું જીવન ઘણું જુદું હોત."

ગાંધીજીને ચાર પુત્રો હતા – હરિલાલ ગાંધી, મણિલાલ ગાંધી, રામદાસ ગાંધી અને દેવદાસ ગાંધી. તે ઉપરાંત તેઓ દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા, ત્યારે નાઈકર નામના એક 'અસ્પૃશ્ય' છોકરાને સાથે લાવ્યા હતા. દક્ષિણ ભારતના ઉદારવાદી રાજકરણી, વી.એસ. શ્રીનિવાસ શાસ્ત્રીને ૧૩ સપ્ટેમ્બર ૧૯૧૫ના રોજ લખેલા એક પત્રમાં ગાંધીજી લખે છે, "હું નાઈકરને સાથે લાવ્યો, તે શ્રીમતી ગાંધી(કસ્તૂરબા)ને ગમ્યું ન હતું. તેમણે અને આશ્રમની અન્ય એક મહિલાએ વિદ્રોહ કર્યો હતો. અમદાવાદમાં પણ ખાસી ગુસપુસ થઈ હતી. મેં શ્રીમતી ગાંધીને કહી દીધું કે મને છોડીને જઈ શકે છે અને આપણે સારા મિત્ર રહીશું."

વર્ધા પાસે શેગાંવમાં ગાંધીજી રહેતા હતા, ત્યારે તેમનો ખોરાક, ગોવિંદ નામનો 'અછૂત' છોકરો તૈયાર કરતો હતો.

તેમણે લક્ષ્મી નામની એક 'અછૂત' કન્યાને પણ દીકરી તરીકે દત્તક લીધી હતી. ૧૯૧૫માં, અમદાવાદમાં કોચરબ આશ્રમમાં લક્ષ્મી અને તેનાં માતા-પિતા દુદાભાઈ અને દાનીબહેન ગાંધીજી સાથે રહેતાં હતાં. આ પરિવાર બોટાદનો હતો, અને દુદાભાઈ ત્યાં અંત્યજો માટે શાળા ચલાવતા હતા. ગાંધીજી ત્યાં ગયા, ત્યારે બોલ્યા હતા, "તમને ખબર છે હું બોટાદ કેમ આવ્યો છું? દુદાભાઈએ મને આમંત્રણ આપ્યું છે, એટલે આવ્યો છું. તેમની દીકરી લક્ષ્મી મારી સાથે રહે છે. મેં એને દત્તક લીધી છે. એની પરીક્ષા લેજો. આશ્રમમાં આવ્યા પછી એનામાં સુધારો આવ્યો છે કે બગડી ગઈ છે, તે જોજો. મને આશા છે લક્ષ્મી પાસ થાય."

૧૯૩૩માં, ગાંધીજીએ એક બ્રાહ્મણ છોકરા સાથે લક્ષ્મીનાં લગ્ન કરાવ્યાં હતા. તે વિશે મહાદેવભાઈ ડાયરીમાં લખે છે (૧૪-૩-૧૯૩૩), "આજે લક્ષ્મીનાં લગ્ન છે. તેણે આશીર્વાદ આપતો સુંદર પત્ર લખ્યો. એને વારંવાર લખ્યું કે 'ઇન્દ્રિયો પર જેટલો શક્ય હોય તેટલો કાબૂ રાખજે."

ગાંધી, એક સંત

મહાત્મા ગાંધી સંત હતા કે રાજકારણી, તેને લઈને ઘણી દલીલો છે. પરંપરાગત અર્થમાં તે રાજકારણી ન હતા, પરંતુ બ્રિટિશરો અને મુસ્લિમ લીગના સભ્યો તેમને 'લુચ્ચા રાજકારણી' ગણાવતા હતા. હકીકત એ છે કે તેમની શરૂઆત સંત તરીકેની હતી, પણ પછી અંગ્રેજો સામે સ્વતંત્રતા માટેની લડાઈમાં જેમ જેમ ખુંપતા ગયા, તેમ તેમ તે પ્રકાર-પ્રકારની રાજનીતિનો શિકાર થયા, અને દેશ સ્વતંત્ર થયો, ત્યારે દેશ ચલાવવાની ગરમા-ગરમીમાંથી ખાસ પાછા ખસી ગયા હતા. તેમને તો તે પછી પાકિસ્તાનમાં જઈને કામ (સેવા) કરવું હતું.

એક સંતની માફક તે આશ્રમનો જીવ હતા, તેનો પુરાવો જોહાનીસ્બર્ગમાં ટોલ્સટોય ફાર્મની સ્થાપનામાં છે. ૧૯૧૦માં તેની સ્થાપના થયેલી અને મુખ્યત્વે તે કેદ થયેલા સત્યાગ્રહીના પરિવારોનું નિવાસ્થાન હતું. ૧૯૦૪માં ગાંધીજીએ મધ્ય ડર્બનમાં ફિનીક્સ ફાર્મ સ્થાપ્યું હતું, જેની કલ્પના જોન રસ્કિનના પુસ્તક 'અનટુ ધીસ લાસ્ટ' વાંચીને આવી હતી. ફિનીક્સ ફાર્મ એક નાનકડું ગામડું હતું. એ એક પ્રકારની સહકારી ચળવળ હતી. ત્યાં બધા કામ કરતા અને એક સરખું વેતન મેળવતા. ગાંધીજી તેની રોજીંદી પ્રવૃત્તિમાં સામેલ થતા ના હતા.

એવી સામેલગીરી આવી ટોલ્સટોય ફાર્મમાં. તે ચાર વર્ષ ચાલ્યું અને ગાંધીજીની રાજકીય ચળવળનો પાયો બન્યું. ગાંધીજી સાદા જીવનના હિમાયતી હતા અને તે માટે તેમને આશ્રમો પ્રત્યે વિશેષ પ્રેમ હતો. આફ્રિકાથી તે પાછા આવ્યા, તે પછી ૧૯૧૫માં અમદાવાદમાં કોચરબ અને તે પછી સાબરમતી આશ્રમ અને ૧૯૩૬માં વર્ધામાં સેવાગ્રામ આશ્રમની સ્થાપના કરી. ગાંધીજી પ્રકૃતિએ સંત હતા, તેની ગવાહી આ આશ્રમો પૂરે છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ટાઈમ પત્રિકાએ, ગાંધીજીને ૩૧ માર્ચ ૧૯૩૧ના કવર પેજ પર, 'સંત ગાંધી' તરીકે પેશ કર્યા હતા. ટાઈમ પત્રિકાએ કુલ ત્રણવાર ગાંધીજીને કવર પેજ પર ચમકાવ્યા હતા. ૧ જાન્યુઆરી ૧૯૩૧ના કવર પેજ પર તેમને 'ગાંધી: મેન ઓફ ધ યર' જાહેર કર્યા હતા, અને ૩૦ જૂન ૧૯૪૭ના કવર પર, હત્યાના છ મહિના પહેલાં, 'મોહનદાસ કરમચંદ ગાંધી' તરીકે પેશ કર્યા હતા.

(પ્રગટ : “નવનીત સમર્પણ”, ઑગસ્ટ 2019; પૃ. 31-42)

Loading

6 August 2019 admin
← નમસ્કાર, મૈં રવીશ કુમાર બોલ રહાઁ હૂં …
રવીન્દ્રનાથ : ધણીને દ્વારે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved