
રવીન્દ્ર પારેખ
કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગનાં રાષ્ટ્રીય સર્વેક્ષણ-2024 ‘પરખ’(પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ)ના રિપોર્ટ મુજબ ગુજરાતનાં શિક્ષણનું ધોરણ એટલું કથળ્યું છે કે તે ટોપ ટેનમાં તો નથી જ, પણ સૌથી નબળું પ્રદર્શન કરનારા રાજ્યોમાં પણ તે તળિયે છે. રિપોર્ટમાં પંજાબ લગભગ તમામ કેટેગરીમાં ટોચ પર છે. વર્ષ 2024 માટે થયેલાં સર્વેક્ષણમાં કેન્દ્ર સરકારે દેશની 74,229 શાળાના 21,15,૦22 બાળકોનાં શિક્ષણની સમીક્ષા કરી ને તેમાં 781 જિલ્લાઓ આવરી લેવામાં આવ્યા. એમાં ટોચના 50 જિલ્લાઓમાં ગુજરાતનો ક્યાં ય પત્તો નથી, પણ સૌથી નબળું પ્રદર્શન કરનારા જિલ્લાઓમાં ગુજરાતના જામનગર, ગીર સોમનાથ, ખેડા, છોટાઉદેપુર, પોરબંદર જેવા અનેક જિલ્લાઓ છે. સૌથી નબળા 50 જિલ્લાઓમાં ખેડાનો 44, છોટાઉદેપુરનો 47 અને પોરબંદરનો 48મો ક્રમ છે.
શાળાકીય સ્તર સુધારવા ગાંધીનગરમાં 5 કરોડને ખર્ચે 2019માં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. એ કેન્દ્ર ચલાવવા 85 લાખનું આંધણ કરાયું છે, એમાં અધિકારીઓનું આર્થિક ધોરણ જરૂર સુધર્યું હશે, પણ શાળાકીય શિક્ષણનું ધોરણ તળિયે ગયું છે. એક શિક્ષકના કહેવા મુજબ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પાછળ કરોડોનો ધુમાડો થયો છે ને દર મહિને લાખોનો ખર્ચ થાય છે, પણ અધિકારીઓ વાતો ને વીડિયો કોન્ફરન્સ કરીને રાજી રહે છે. ઓનલાઈન મોનિટરિંગની વાતો થાય, પણ તે વાતો જ રહે તેની કાળજી રખાય છે. કેટલા ય ખાઈ બદેલા અધિકારીઓને દૂર કરવાની માંગણીઓ થઈ છે, પણ ઉપર બેઠેલાં માઈબાપ સાથે ઘરોબો હોવાથી એ શક્ય બને એમ નથી. અંદરોઅંદર ગુણવત્તાનું એનાલિસિસ થતું રહે છે, પણ તે કુલડીમાં ગોળ ભાંગવાથી વિશેષ કંઇ નથી. એવું ન હોત તો ‘પરખ’ દ્વારા આવેલા રિપોર્ટમાં ગુજરાતનું શિક્ષણ આટલું ઉઘાડું ન પડ્યું હોત !
આમ થવામાં સરકાર શિક્ષકોની ભરતીને મામલે આંગળાં ચાટીને પેટ ભરી રહી છે, તે અનેક કારણોમાંનું મુખ્ય કારણ છે. હકીકત એ છે કે ગુજરાતનાં બજેટમાં સૌથી વધુ બજેટ શિક્ષણ વિભાગનું છે, પણ મોટે ભાગની રકમ ગુણોત્સવ, પ્રવેશોત્સવ, જેવા તાયફામાં ખર્ચાતી હોય તો નવાઈ નહીં ! 2011થી 2025 સુધીમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં માધ્યમિકમાં 7,000 અને ઉચ્ચતર માધ્યમિકમાં 5,500 શિક્ષકોની ઘટ છે. 700 જેટલા આચાર્યો ખૂટે છે. રાજ્યની લગભગ 1,6૦૦ જેટલી સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે. દેશનું કોઈ રાજ્ય આટલું ગરીબ અને રીઢું નથી, જે આટલો સર્વનાશ જોઇને પણ આંખ આડા કાન કરી શકે છે …
ગુજરાતમાં શિક્ષણ વિભાગ મુખ્યત્વે બે કામ કરે છે – ફતવાઓ બહાર પાડે છે અને ડેટા કલેક્ટ કરે છે. એમ કરવાથી શિક્ષણ સુધરી જશે એમ તે માને છે. ફતવા પણ એવા કે એક બહાર પાડીને ભૂલી જવાનો ને બીજો એમ જ વિચાર્યા વગર બહાર પાડી દેવાનો. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં 6 ઓક્ટોબરથી (14 ઓક્ટોબર) એટલે કે આજથી પ્રથમ સત્રાંત પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. એ કાર્યક્રમ પણ સરકારે જ જાહેર કર્યો છે ને તેમાં સ્પષ્ટ આદેશ અપાયો છે કે પરીક્ષા દરમિયાન કોઈ જિલ્લામાં રજા આવતી હોય તો તે રદ કરીને પણ પરીક્ષા ચાલુ રાખવાની રહેશે. તેની ધૂળધાણી કરતો બીજો ફતવો એવો બહાર પડ્યો છે કે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ શરૂ થાય છે, તો તેના કાર્યક્રમો યોજીને તેના ફોટા મોકલી આપવાના રહેશે. આ બંને ફતવા બહાર પાડનાર શિક્ષણ વિભાગને એ ખબર જ નહીં પડતી હોય કે આમાં અક્કલનું પ્રદર્શન થઈ રહ્યું છે? શિક્ષણનું થવાનું હોય તે થાય, પણ વિકાસ(કે વિનાશ?)ના કાર્યક્રમો યોજી બધું બહુ સરસ ચાલી રહ્યું છે તેવા દેખાડા કરવાની સ્કૂલોને ફરજ પડાઈ રહી છે. સ્કૂલોમાં થતાં સરકારી ઉજવણાંઓએ શિક્ષણનું તો ઉઠમણું જ કરી નાખ્યું છે.
આવું બધું ચાલે છે, તે જોનારું આખા ગુજરાતમાં કોઈ જ નથી? આટલા શિક્ષકો, આટલા આચાર્યો, આટલા વાલીઓને આ બધું દેખાતું જ નથી કે તેમણે બાળકોને નમાલાં ને કાયર બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે? આ વેપલામાં ભણાવવાનું તો ક્યાં ય આવતું જ નથી. કમાલ છે ને ! કોઈ કંઇ બોલતું જ નથી. કોઈને કંઇ થતું જ નથી. આટલી મોટી સંખ્યામાં મરેલું જીવનારાં તો કોઈ કાળે ન હતાં !
બને ત્યાં સુધી શિક્ષણનું સ્તર કથળતું જ જાય એને માટે શિક્ષણ વિભાગ બહુ મહેનત કરે છે. આ વખતે શ્રેષ્ઠ નબળાં રાજ્યોમાં કદાચ ગુજરાત સાતમાં ક્રમે છે. આવતે વર્ષે તે દસમાં ક્રમે પહોંચે તે માટે શિક્ષણ ખાતું બનતું બધું કરી છૂટે એમ છે. જો કે, આટલા નમાલા શિક્ષકો, આચાર્યો, વાલીઓ છે, એટલે સરકારને છેક તળિયે જવામાં વાંધો નહીં આવે. આખું રાજ્ય શિક્ષણ વિભાગની પડખે છે. જેમ કે, સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ૨૦૩6માં યોજાનારી ઓલિમ્પિકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રમતવીરો તૈયાર કરવા માંગે છે. તેને માટે યુનિફોર્મ ને બૂટ પણ આપી દેવાયા છે. ખરેખર રમતવીરો તૈયાર થાય તો આનંદ અને ગૌરવ થાય, પણ બાળકો યુનિફોર્મ-બૂટથી રમતવીર ના થઈ જાય તે સમિતિ પણ જાણે છે. ખરેખર તો તેની તાલીમ પણ અપાવી જોઈએ ને વાસ્તવિકતા એ છે કે શિક્ષણ સમિતિના દોઢ લાખ વિદ્યાર્થીઓ માટે વ્યાયામ શિક્ષકો ગણીને 50 છે. આ આંકડો પાછો શાસકો જ આપે છે ને સાથે ઉમેરે છે કે બીજા વ્યાયામ શિક્ષકો દિવાળી પછી આવી જશે. કઈ દિવાળીએ, તેની સ્પષ્ટતા નથી, કારણ કે અગાઉની દિવાળીઓમાં પણ શિક્ષકોનો દુકાળ તો હતો જ !
400 સ્કૂલોમાં 50 વ્યાયામ શિક્ષકો રાખીને સમિતિ 2036ની ઓલિમ્પિક સુધી જવાની છે? સમિતિ હોલસેલમાં હાંકે છે. સમિતિના સજ્જનો તો બચાવમાં એવું પણ કહે છે કે બધા વિદ્યાર્થીઓને કંઇ સંગીત કે વ્યાયામની તાલીમની જરૂર નથી. સમજી શકાય એવું છે કે કેટલા અક્કલવાળા સજ્જનો સમિતિ શોભાવી રહ્યા છે. એમાં સમિતિનો વાંક જ નથી. શિક્ષકોની ઘટ એ આખા રાજ્યનો રાજરોગ છે.
વારુ, જે છે તે શિક્ષકોને ભણાવવા દેવાય છે? એમને તો કારકૂનીમાં કે અન્ય સેવાઓમાં ધકેલાય છે ને યુનિયનો હોવા છતાં તેમને શિક્ષણ સિવાય રાજકીય, સામાજિક પ્રવૃત્તિઓમાં જોતરી દેવાય છે. શિક્ષણ સમિતિના શિક્ષકોને ચાર મહિનામાં 40 પ્રકારની કામગીરી સોંપી દેવાઈ છે. આ અંગે શિક્ષકો કે તેમના યુનિયનોએ કંઇ કહેવાનું નથી? જો કે, બાયડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, અરવલ્લીના મંત્રી અને પ્રમુખે બાયડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, મોડાસાને ૩ ઓક્ટોબર, 2025ને રોજ પત્રમાં જણાવ્યું છે કે શિક્ષક, શિક્ષણ સિવાયની ઓનલાઈન 56 કામગીરીઓ કરે છે. પત્રને અંતે એક સવાલ મુકાયો છે કે આ કામગીરી સરેરાશ 110 દિવસ ચાલે એમ હોય ને સત્ર એમાં જ પૂરું થઈ જાય તો શિક્ષક ભણાવે ક્યારે? શિક્ષકોએ ખરેખર તો ભણાવવાનું જ હોય ને અન્ય કામગીરી માટે કારકૂનોની નિમણૂક કરવાની હોય. આવા તમામ યુનિયનોના પત્રો સરકાર સુધી પહોંચે તો સરકારને ખબર પડે કે માસ્તર કૈં મજૂર નથી.
પરખના રિપોર્ટમાં ગુજરાત સર્વશ્રેષ્ઠ નબળું ઘોષિત થયું તેનો એવો આઘાત શિક્ષણ વિભાગને લાગ્યો કે રિપોર્ટ આવતાંની સાથે જ સ્કૂલોના એક્રિડિટેશનમાં ફેરફાર કરવાની જાહેરાત થઈ ગઈ, એટલું જ નહીં, સમિતિની રચના પણ કરી દેવાઈ ને તેની પહેલી મીટિંગ પણ થઇ ગઈ ને બીજી મીટિંગ 9મીએ મળે ત્યારે તેણે રિપોર્ટ પણ સબમિટ કરી દેવાનો છે. આ ધડાધડી ન થઈ હોત, જો પરખના રિપોર્ટમાં ગુજરાતનું શિક્ષણ તળિયે ન ગયું હોત. સમિતિના વેપલામાં શિક્ષણનું સ્તર કેટલું સુધરશે તે શિક્ષણ વિભાગ જાણે, પણ ગુણોત્સવ કાર્યક્રમ એટલે કે સ્કૂલ એક્રિડિટેશન માટેના ફેમવર્કમાં ફેરફાર કરવાનું તો નક્કી થયું જ છે. આ બધાંમાં ખૂટતા શિક્ષકોની નિમણૂકની કોઈ વાત નથી, વળી છે તે શિક્ષકો વર્ગમાં જઈને ભણાવે તેવા પણ કોઈ એંધાણ નથી, તો સવાલ એ થાય કે સમિતિના રિપોર્ટથી શિક્ષણ સુધરી જશે એવું સરકારને કઈ રીતે લાગે છે?
સો વાતની એક વાત એ કે શિક્ષકો વગર શિક્ષણ કોઈ પણ જન્મમાં સુધરવાનું નથી. એ સિવાયના તમામ વેપલા ખાતર પર દિવેલ સાબિત ન થાય એટલું જોવાનું રહે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 ઑક્ટોબર 2025