14 ઓક્ટોબરે ધીર મોમાયાનાં જુગાડ પ્રોડક્શનની ફિલ્મ ‘છેલ્લો શો’ ભારતમાં રિલીઝ થઈ. જોઈ. એ પહેલાં એ ટ્રાઇબેક ફિલ્મ ફેસ્ટિવલમાં 10 જૂન, 2021ને રોજ રજૂ થઈ ચૂકી છે. તેને પુરસ્કારો પણ મળ્યા છે. આ ફિલ્મ 1998માં આવેલી ઇટાલિયન ફિલ્મ ‘સિનેમા પેરાડિસો’થી પ્રેરિત હોવાનું કહેવાય છે. એ જે હોય તે, પણ ‘સરસ’, ‘બેસ્ટ’, ક્લાસિક’ જેવા ઘણાં પ્રમાણપત્રોથી આ ફિલ્મ મુઠ્ઠી ઊંચેરી છે. ફિલ્મ ‘ઓસ્કાર’ માટે મોકલાઈ છે એનો સહજ આનંદ દરેક ગુજરાતી અને ભારતીયને હોય જ. ઓસ્કાર મળે તો એ એવોર્ડ વધારે ઊજળો થશે, પણ ધારો કે નથી મળતો તો પણ, ‘છેલ્લો શો’ બધી રીતે ઉત્તમ ફિલ્મ છે. આમ તો ગુજરાતનાં અમરેલી જિલ્લાનાં અતાલા ગામના વતની નલિન પંડ્યા ઉર્ફે પાન નલિનની, ભાવિન રબારી-સમય દ્વારા બતાવાતી, એમનાં બાળપણની અર્ધ આત્મકથનાત્મક ફિલ્મ છે, પણ એમાં ઘણાંનાં બાળપણનો પડઘો દેખાય એમ બને. એક ‘સમય’ હતો, જ્યારે વડીલો નાટક-સિનેમાને નફરતથી જોતા હતા. ફિલ્મમાં કામ કરનાર તો ખરાબ જ હોય, પણ એ જુએ તે પણ ખરાબ જ થઈ જાય એવી માન્યતાનો એ સમય હતો, એટલે જ કદાચ નાયકનું નામ પણ ફિલ્મમાં ‘સમય’ રખાયું છે. એ સમય દર્શાવવા જ ફિલ્મની શરૂઆતમાં પિતા (મિસ્ટર ત્રિવેદી – દીપેન રાવલ) સામે ચાલીને ચલાલાથી ટ્રેનમાં ‘જય મહાકાળી’ ફિલ્મ કુટુંબને બતાવવા લઈ જાય છે. તે એટલે કે એ ધાર્મિક ફિલ્મ હતી. તે સમયના વડીલોને ધાર્મિક ફિલ્મ જોવાનો બાધ ન હતો, પણ એ સિવાયની ફિલ્મોની તેમને સખત પરેજી હતી, તે ત્યાં સુધી કે છોકરો ‘એવી’ ફિલ્મ જુએ તો બગડી જાય. (ફિલ્મની પટ્ટી મોટી દેખાય એમ પડદા પર પાડવી, અરીસાથી સૂર્યપ્રકાશ પડદા સુધી પહોંચાડવો, ફિલ્મની પટ્ટી પરનાં પાત્રો પડદા પર ઓળખવા, ઘરનાં વડીલોનો ફિલ્મ અંગેનો આક્રોશ વેઠવો – આ બધું ઘણાં ઘરોમાં સામાન્ય હતું. આ જ હવામાન મારા ઘરનું પણ હતું. ધાર્મિક ફિલ્મ જોવા મારા બાપા અમને બધાંને લઈ જતાં. એમાં દેવી-દેવતાઓ આવતાં તો માથેથી કાળી ટોપી બે હાથમાં ઝાલીને નમસ્કાર પણ કરતા. એ પછી જો હું એકલો ફિલ્મ જોવા જતો, તો મને ચામડાના પટે પટે મારતા. એક ફિલ્મ જોઈને સુપર ટૉકિઝમાંથી નીકળ્યો, એ જ સમયે બાપાએ બસમાંથી પસાર થતાં મને જોઈ લીધો. પછી ઘરે આવીને ફટકારતા એમણે પૂછ્યું, ’કઇ ફિલ્મ હતી?’ મેં કહ્યું, ’મેરા કસૂર કયા હૈ?’ એ પછી વધારે માર્યો, ત્યારે સતત એક જ સવાલ થતો રહેલો, ’મેરા કસૂર કયા હૈ?’ પણ માર ખાઈને પણ ફિલ્મો જોવાનો ચડસ ઓછો ના થયેલો, તે ત્યાં સુધી કે ‘ગુજરાતમિત્ર’માં ‘ફિલ્મલોક’ નામની ફિલ્મોને લગતી કૉલમ પાંચ વર્ષ ચલાવેલી.)
ફિલ્મો ડિજિટલ બની, તે પહેલાં તેની કચકડાની રીલ આવતી. ફિલ્મની શરૂઆતમાં પ્રમાણપત્ર આવતું, જેમાં તેને અપાતાં સર્ટિફિકેટની તારીખ ઉપરાંત રીલની સંખ્યા કેટલી છે, તે જોવાનું પણ આકર્ષણ રહેતું. ‘છેલ્લો શો’ નવેક વર્ષનાં સમયની ‘ફિલ્મ જિજીવિષા’ની કથા છે. આમ તો સમય અને તેનાં મિત્રો સિંહની ટોળીમાંથી કયો ઊભો થશે એની શરતો મારે છે, દીવાસળીના ખોખાં પરનાં ચિત્રો પરથી વાર્તાઓ જોડે છે. આવાં નિર્દોષ બાળપણ વચ્ચે બાપુજીએ પહેલી વખત ‘જય મહાકાળી’ ફિલ્મ કુટુંબને નજીકનાં શહેરમાં લઈ જઈને બતાવી (લેખક-દિગ્દર્શક પાન નલિનનાં બાળપણની પણ એ જ પહેલી ફિલ્મ) ત્યારથી ફિલ્મનું સમયને ભારે ખેંચાણ ઉપડ્યું. પાછલી ભીંતનાં નાનકડાં બાકોરામાંથી પ્રકાશનો ધૂળિયો પટો સામેના પડદા પર પડે ને એમાંથી મહાકાળી પ્રગટ થાય તેનું ભયમિશ્રિત કુતૂહલ, સમયને સ્કૂલમાંથી ભાગીને ફિલ્મ જોવા ખેંચી લાવે છે, પણ રોજ તો તેને મફતમાં કોણ ફિલ્મ જોવા દે? એનો પણ એ તોડ કાઢે છે. માએ કરી આપેલો ‘ડબ્બો’ પ્રોજેકશનિસ્ટ ફઝલ(ભાવેશ શ્રીમાળી)ને આપે છે ને એ આંગળાં ચાટીને જમતો રહે છે ને બદલામાં પ્રોજેક્શન રૂમમાંથી સમયને ફિલ્મ જોવા દે છે.
લાલ કપડાથી બંધાયેલો આ ડબ્બો પણ એક પાત્ર છે. એમાં વેંગણનાં, ભીંડાનાં રવૈયાં, દાળ ઢોકળી, રોટલો, રોટલા પર ચમકતું લાલ મરચું, લીલી ડુંગળી વગેરે આવે છે. એ આવતું જ નથી, ઘરમાં બા (રિચા મીના) દ્વારા એ કેવી રીતે વટાય-કૂટાય – ભરાય છે તે પણ બતાવાય છે. પાતરાં ચોપડાતાં હોય, વેંગણનાં કાળા-જાંબલી રંગમાં હળદરિયો મસાલો ભરાતો હોય, નજીકમાં અનેક ખાનાઓમાં મસાલાઓ ભર્યા પડ્યા હોય – એ બધું પડદા પર પહેલી વાર આવ્યું છે. એ રીતે તો આ એક ‘મસાલા’ ફિલ્મ પણ છે. ફઝલ તેને ફિલ્મનાં અજવાળાં-અંધારાંની કમાલ સમજાવતાં કહે છે – ફિલ્મમાં બધું ખોટું છે. પ્રેક્ષક અડધો સમય તો થિયેટરમાં અંધારું જ જુએ છે. સમયને અંધારાં અજવાળાંની રમત સમજાવા લાગે છે. તે પ્રકાશ ‘ભણવા’ માંગે છે. પ્રકાશમાં જ વાર્તા બને ને વાર્તામાં જ ફિલ્મ – આટલું તે પામે છે. પડદા પર ફિલ્મ કેવી રીતે સજીવ થાય છે તે જોતાં – જાણતાં સમય માટે ફિલ્મ અનિવાર્ય થઈ પડે છે. વાર્તા કહેવાની રીત એટલે ફિલ્મ. આવું સમજાવતા જઈને દિગ્દર્શક (ફિલ્મમાં ‘દિગદર્શક’ લખાયું છે) ‘છેલ્લો શો’ની વાત પણ વિકસાવી લે છે. ‘જોધા અક્બર’ની (ગીતોની) કોરિયોગ્રાફી ઉપરાંત અનેક ફિલ્મી કલાકારોની ફિલ્મ સમય જુએ છે ને પકડાય છે ત્યારે બાપના હાથનો માર પણ ખાય છે. તેણે ફિલ્મ બનાવવી જ નથી, ફિલ્મ ‘બનવું’ છે. તે અને તેના મિત્રો સમજે છે કે પ્રકાશ જ મૂળ સ્રોત છે. બાકોરામાંથી બહાર પડતાં પ્રકાશમાં ધરાતા પંજામાંથી ઊઠતો લાલાશ પડતો રંગ, ભરબપોરે સૂર્ય સામે ધરાતી હથેળીઓમાં વિસ્તરે છે ને એ શોધી લે છે કે સૂર્ય પણ બાકોરું જ છે ને એમાંથી પડતો પ્રકાશ પૃથ્વી પર આવે છે ત્યારે આકાશ, વાદળ, ખેતર, નદી વગેરે હાલતાં ચાલતાં દેખાય છે. સ્વપ્નિલ સોનવણેની સિનેમેટોગ્રાફીમાં ઘણું બધું સજીવ થઈ ઊઠે છે. (એ રીતે તો આ પૃથ્વીને પડદે પણ કોઈ વિરાટ ફિલ્મ જ ચાલે છે, એવું નહીં?)
ચલાલા રેલવે જંકશનની ચહેલપહેલ ને તે પછીની લીલીછમ શાંતિ ! એકાદ બે ગાડીઓ થોભે એ દરમિયાન સમય પ્લેટફોર્મ પર ચા, વેફર વેચે છે ને ગલ્લામાં પૈસા મૂકતી વખતે એકાદ નોટ સેરવી પણ લે છે. ભણવા માટે ટ્રેનમાં શહેરનાં સ્ટેશને જાય છે ને ત્યાંથી ઊતરી સ્કૂલે પહોંચે તો છે, પણ ભણે છે ફિલ્મ ને તે ય પ્રોજેક્શન રૂમમાં. થિયેટર મેનેજર એ બધું પકડી પાડે છે ને ત્યાંથી તેને તગેડી મુકાય છે, પણ કચકડાની પટ્ટીનું ખેંચાણ એટલું તીવ્ર છે કે એક ભૂતિયા આવાસમાં ફિલ્મ કેવી રીતે બતાવી શકાય એની મથામણ ચાલે છે. ફિલ્મની પટ્ટી કેવી ને કેટલી ખસે તો પડદા પર હાલતી ચાલતી દેખાય એ માટેની કસરતો થાય છે. કોઈ સાઈકલની રિંગ શોધી કાઢે છે, કોઈ બોર્ડમાં ચોરસ બનાવી તેમાંથી પ્રકાશ પાડી ચકરડું ફેરવે છે, એ ફેરવવા સીવવાનું જૂનું મશીન કામમાં લેવાય છે ને એમ બિલકુલ ઘરેલું થિયેટર ઊભું કરાય છે. ફિલ્મ હાલતી તો થાય છે, પણ બોલતી થતી નથી. એ ભાષા આ ટોળી વિવિધ ધ્વનિથી ઉપજાવી લે છે. આ દરમિયાન એક શિક્ષક સમયનો ફિલ્મ બનવાનો ઉદ્યમ પારખે છે ને તે કહે છે – ભાગ અને ભણ. ફિલ્મને લગતી માહિતી સમય શોધતો રહે છે. ટ્રેનની બારીઓ બંધ કરીને નાનકડા છિદ્રમાંથી આવતો પ્રકાશ, બાટલીના કાચમાંથી પસાર થતાં ટ્રેનનાં લીલાં દૃશ્યો ને એની સાથે જ કુદરતી પ્રકાશમાં સરકતી લીલાશ, ટ્રેનના બલ્બ ચોરીને, એમાં પાણી ભરીને એનો ફિલ્મ લેન્સ તરીકે થતો ઉપયોગ … આ બધું જ સમયની શોધને આગળ વધારે છે ને એ સ્થિતિ આવે છે કે ફિલ્મી પ્રોજેક્ટર વગર પણ ફિલ્મની પટ્ટીમાંથી ફિલ્મ બતાવી શકાય ને કરુણતા એ છે કે પ્રોજેક્ટરનો વિકલ્પ ડિજિટલ ફિલ્મોમાં જડતાં પ્રોજેક્ટર, ફિલ્મનાં રીલ્સ, વન સ્ક્રીન થિયેટર … ફાજલ પડવા લાગે છે.
સમય બીજી રીતે પણ પરચો બતાવે છે. રેલવે બ્રોડગેજ થવાની છે ને ચલાલા સ્ટેશન પર હવે ટ્રેનો થોભવાની નથી, પસાર જ થવાની છે. આ સુધરેલા વિકાસમાં મિસ્ટર ત્રિવેદીનો ચાનો સ્ટોલ બંધ થવાની નોબત આવે છે. કમાલ એ છે કે રેલવે વિકસે છે ને કુટુંબો સંકોચાય છે. પ્રોજેકશનિસ્ટ ફઝલ, ફાજલ પડી જાય છે. ફિલ્મની રીલ્સની આ ટોળકી ચોરીઓ કરતી હતી ને એ ચોરી પકડાઈ જતાં ટોળીએ જેલની હવા ખાવી પડે છે. ફિલ્મની ચોરી બહુ કળાત્મક રીતે પકડાય છે. ચોરીને લવાતું રીલ હાથમાંથી છટકીને ગબડવા લાગે છે ને રીલની ચોરીની તપાસ કરતાં પોલીસોના પગમાં આવીને પડે છે. રીલની પેટીની પેટીઓ નકામી થઈ જાય છે. પ્રોજેક્ટરોની ધાતુઓ યંત્રોમાં કચડાઈને ધગધગતો સોનેરી રસ બને છે ને જે તે ધાતુના ચમચા ખણખણવા લાગે છે. એક દૃશ્ય કચકડાની પટ્ટીઓનું એવું ફિલ્માવાયું છે કે ઊંચેથી જુઓ તો નીચે લાખો કાળા નાગ એક્બીજામાં ગૂંથાતાં લાગે. નીચે એટલાં બધાં ગૂંચળાં છે કે એનો છેડો ના જડે. સમયને વૈચારિક રીતે એમાં ઉપરથી નીચે કૂદતો બતાવાયો છે. સમયની તો એ કચકડામાં થતી આત્મહત્યા જ છે. કારણ એ પછી ફિલ્મની પટ્ટીઓ નથી રહેતી. એ પણ મશીનોમાં પ્રોસેસ થઈને, ચમકતાં રંગોની, જુદાં જુદાં માપની, જુદાં જુદાં ખોખાંઓમાં ગોઠવાયેલી બંગડીઓ થઈ ઊઠે છે. એમાં કોઈ બચ્ચન છે, કોઈ સલમાન છે, કોઈ શાહરુખ છે, કોઈ રજનીકાંત છે … આખું ફિલ્મી કચકડું બંગડીઓમાં વર્તુળાઈ ગયું !
વિકાસ જૂનાનો થતો નથી, જૂનું કચડાય છે, તૂટે છે ને નવું સર્જાય છે. પણ બધું નવું સર્જાવાને લાયક નથી, એમ જ બધું જૂનું બદલાવાને લાયક પણ નથી. છતાં બધું બદલાઈને જ રહે છે. સમય પણ નીકળે છે વડોદરા જવા. જે પિતાને સમયના ફિલ્મી અભરખા માન્ય ન હતા, એ પિતાને પ્રતીતિ થઈ જાય છે કે ફિલ્મ સમયનો જીવ છે ને એ સામેથી તેને ગમતું કરવાની અનુકૂળતા કરી આપે છે. છેલ્લું દૃશ્ય છે, સમયની વિદાયનું. બહુ સૂચક છે આ દૃશ્ય. ગાડી ચાલુ થઈ ગઈ છે, માબાપ, બહેન, સ્ટેશને મૂકવાં આવ્યાં છે. ગાડી નીકળે છે ને છેલ્લો ડબ્બો હાથમાં આવે છે. ગામ છૂટતું જાય છે. ગામ જ નથી છૂટતું, ગામઠી બાળપણ પણ છૂટે છે, એ ફિલ્મી ટોળી છૂટે છે જે ફિલ્મને લીધે હતી, પણ ‘ફિલ્મી’ ન હતી, ફઝલ પણ સ્ટેશને નોકરીએ લાગ્યો છે, એ પણ વિદાય આપવા આવ્યો છે, પ્રકૃતિ છૂટે છે ને ફિલ્મ પૂરી થાય છે. પછી એકદમ ફિલ્મી પટ્ટી ગૂંચવાઈ ગઈ હોય તેમ અજવાળું થઈ જાય છે ને જાણે સેલ્યુલોઇડ પટ્ટી હવે ન સંધાવાની હોય તેમ ફિલ્મ પૂરી થાય છે. હવે ફિલ્મની પટ્ટીઓ નહીં હોય એ રીતે પણ એ ‘છેલ્લો શો’ બની રહે છે …
દિગ્દર્શન, સંગીત, અભિનય વગેરે એટલું બધું સંયત છે કે કશું કોઈ પર હાવિ થતું નથી. ફિલ્મ બનાવવાની કે બતાવવાની કોઈ આંજી નાખતી સભાનતા ફિલ્મમાં નથી. ઘણું બધું એવું છે જે આ ફિલ્મમાં વિષય અને રજૂઆતની રીતે પહેલીવાર આવ્યું છે. એ આ ફિલ્મને વિશિષ્ટ બનાવે છે. ફિલ્મ એટલી સહજ રીતે આગળ વધે છે કે તેની સાધારણ ગતિ જ તેને અસાધારણ બનાવે છે. પાત્રોને અને પ્રેક્ષકોને રડવું પણ એવી રીતે આવે છે કે જાણે આવ્યું જ ન હોય. ફિલ્મમાં એક સીદી બાળ પાત્ર બધાંની વચમાં બેઠું છે. ક્લોઝ અપમાં એનો ચહેરો છે. આંખથી રેલો ઊતરીને અટકી ગયો છે ને એને એની પરવા જ નથી. એને લૂંછવાનો ખ્યાલ પણ નથી એની પાસે. આવી નિર્દોષ ને સાહજિક ફિલ્મ છે, ‘છેલ્લો શો.’
કમ સે કમ આ ફિલ્મનો કોઈ શો ‘છેલ્લો શો’ ન બની રહે એટલી ચિંતા તો પ્રેક્ષકોએ કરવાની રહે જ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 ઑક્ટોબર 2022
![]()

