સ્ત્રી જેટલું બોલીને વ્યક્ત કરે છે, એનાથી અનેકગણું એ મૌન રહીને વ્યક્ત કરે છે.
“મને અંધારા બોલાવે, મને અજવાળા બોલાવે”
સિદ્ધહસ્ત સર્જક અને સાહિત્યકાર પન્નાલાલ પટેલની વાર્તા ‘કંકુ’ પરથી વર્ષ ૧૯૬૯માં બનેલ ગુજરાતી ફિલ્મ ‘કંકુ’ (શ્વેત-શ્યામ) એ જમાનાની નીવડેલ સામાજિક ફિલ્મ કહી શકાય. ફિલ્મી પરિભાષામાં કહીએ તો ‘કંકુ’ એ ગુજરાતી ફિલ્મોની સૌ પહેલી આર્ટ ફિલ્મ પણ કહી શકાય, જેમાં મનોરંજન કરતાં સામાજિક નિસબતને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પન્નાલાલ પટેલની વાર્તાઓમાં ખાસ કરીને ગ્રામીણ પરિવેશની વાસ્તવદર્શી ઘટનાક્રમોનું ગુંફન રહેતું. અમેરિકામાં ફિલ્મ દિગ્દર્શનનું ભણીને આવેલા કાંતિલાલ રાઠોડ નિર્મિત અને દિગ્દર્શિત ફિલ્મ ‘કંકુ’ના મુખ્ય કલાકારો કિશોર જરીવાલા (ખુમોની મુખ્ય ભૂમિકામાં), પલ્લવી મહેતા (કંકુની મુખ્ય ભૂમિકામાં) અને કિશોર ભટ્ટ (મલક ચંદની ભૂમિકામાં) હતાં. આ ઉપરાંત કૃષ્ણકાંત ભૂખણવાલા અને અરવિંદ જોષીએ પણ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. ૧૭મા રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર કાર્યક્રમમાં કંકુ ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિચર ફિલ્મનો એવૉર્ડ પ્રાપ્ત થયો હતો, તો ફિલ્મની નાયિકા પલ્લવી મહેતાને ૬ઠ્ઠા શિકાગો આંતરરાષ્ટ્રિય ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રીનો એવૉર્ડ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત ફિલ્મના દિગ્દર્શક કાંતિલાલ રાઠોડને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવૉર્ડ પ્રાપ્ત થયો હતો, તો ફિલ્મની પટકથા માટે સર્જક પન્નાલાલ પટેલને શ્રેષ્ઠ પટકથાનો એવૉર્ડ પ્રાપ્ત થયો હતો. પતિના મૃત્યુ પછી સમાજ નિર્મિત વિટંબણાઓ, પારિવારિક દબાણ, પુરુષોની ભૂખાળવી નજર સામે જાતની સુરક્ષા અને સામાજિક રૂઢિચુસ્તતાઓનાં સામા વ્હેણ સામે જીવન જીવવાના વિધવા કંકુના એકલપંડીય સાહસ અને હિંમતનું યથાર્થ નિરૂપણ કંકુ ફિલ્મમાં થયું છે. ફિલ્મ વિશે એક લીટીમાં કહેવું હોય તો એમ કહી શકાય કે શ્વેત-શ્યામ રંગોમાં પણ ફિલ્મ કંકુ વાસ્તવિક જીવનના વિવિધ રંગોનું દર્શન કરાવવામાં સફળ રહી છે. અહીં એક વાતનો ઉલ્લેખ કરવો ઘટે કે ૧૯૩૬માં પન્નાલાલ પટેલ રચિત વાર્તા ‘કંકુ’ પરથી ૧૯૬૯માં ગુજરાતી ફિલ્મ ‘કંકુ’ બની હતી અને ‘કંકુ’ ફિલ્મની અપ્રતિમ સફળતાથી પ્રેરાઈને બાદમાં પન્નાલાલ પટેલે ‘કંકુ’ નવલકથા લખી હતી.
એ વખતની મુખ્યધારા અને અત્યંત રૂઢિચુસ્ત સામાજિક પરિસ્થિતિના સંદર્ભમાં જોઈએ તો જરા હટકે એવી આ ફિલ્મ ખરા અર્થમાં નવા વિચારનો એક એવો સામાજિક તણખો હતો જેણે સામાજિક રૂઢિચુસ્તતાના અભેદ્ય તાણાવાણાને ભેદવાનો પ્રયાસ કર્યો હતો. ઉત્તર ગુજરાતના ગામઠી પરિવેશમાં ચિત્રાંકિત આ આખી ફિલ્મ એક ગ્રામીણ સ્ત્રી કંકુની આસપાસ વણાયેલ છે. ખુમા સાથે લગ્ન કરી ઘરસંસાર માંડતી કંકુ લગ્નજીવનની શરૂઆતના દિવસો ઉત્સાહ, ઉમંગ અને ઉમળકાથી વીતાવી રહી હતી. ખુમાના તૂટ્યા-ફૂટ્યા ઘરને સમારવા-શણગારવાના અને ખેતીનાં કામમાં ખુમાના પગલે પગલું દાબતી કંકુ અદમ્ય ઉત્સાહ સાથે ગૃહસંસારના પ્રારંભના દિવસો વીતાવી રહી હતી. નવોઢા કંકુના ગૃહપ્રવેશથી ખુમાની જિંદગીના રંગો ફુલગુલાબી બન્યા હતા. પણ નિયતિને કંઈક જુદું જ મંજૂર હતું. બિમારી સબબ પતિ ખુમો નાની વયે અવસાન પામે છે અને કંકુનો ચૂડી-ચાંદલો નંદવાય છે. ખુમાનું મૃત્યુ થયું ત્યારે કંકુના પેટમાં ગર્ભ પાંગરી રહ્યો હતો. પતિના વિયોગ અને વિરહે કંકુની જિંદગીના સોનેરી રંગો હરી લીધા. ઘર અને ખેતીના સઘળાં કામ એકલા હાથે સંભાળતી વિધવા કંકુ પૂરા મહિને દીકરાને જન્મ આપે છે. હીરિયાના આગમન પછી કંકુના જીવનમાં એક નવો સંચાર પેદા થાય છે. હીરિયાના પાલન-પોષણ અને ઘરના બીજા કામોમાં કંકુનો સમય પસાર થવા લાગે છે.
યુવા વયે વિધવા થનાર કંકુ સમક્ષ ખાધેપીધે સુખી-સંપન્ન પુરુષો તરફથી લગ્ન પ્રસ્તાવ આવવા લાગે છે, પણ આર્થિક સંકડામણ અને અર્ધદગ્ધ મનોરથો છતાં હીરિયાનું પાલન-પોષણ અને ખેતીનાં કામને પ્રાધાન્ય આપી કંકુ એ લગ્ન પ્રસ્તાવો ઠુકરાવી દે છે. હીરિયાના ઉછેરમાં મન પરોવી કંકુ સંસારસુખ માંડવાનું ટાળે છે. આર્થિક સંકડામણને લીધે કંકુને બાજુના ગામના શાહુકાર શેઠ મલકચંદ પાસેથી કરજ લેવાની ફરજ પડે છે. નાની વયે વિધુર થયેલ મલકચંદ એક ઠરેલ અને સાલસ વેપારી છે. નાણાભીડને કારણે કંકુને અવારનવાર મલકચંદની દુકાનેથી શાખે રૂપિયા અને માલસામાન લેવા જવું પડે છે. મલકચંદની હાટડીએ કંકુની વારંવારની આવન-જાવનથી બે વિયોગી જીવના હૈયા લગોલગ આવે છે. મલકચંદના રૂદિયે કંકુ પ્રત્યે સ્નેહની સરવાણી ફૂટે છે તો સામે કંકુની સુષુપ્ત મહેચ્છાઓ પણ મલકચંદ સામે મહોરવા લાગે છે, પણ દીકરા અને ઘરની જવાબદારીને કારણે કંકુ પોતાની સુષુપ્ત કામનાઓને સંયમમાં રાખે છે.
વખત જતા હીરિયો ઉંમર લાયક થાય છે. હીરિયાના લગન લેવાય છે. લગ્ન માટે રૂપિયાની જરૂર પડતા કંકુ રૂપિયા લેવા મલકચંદ પાસે જાય છે. મલકચંદની અંધારી હાટડીમાં રૂપિયાની લેતીદેતી વખતે મલકચંદ અને કંકુ સહજ રીતે નજીક આવે છે અને એક નબળી ક્ષણે કંકુ અને મલકચંદ પોતાનો સંયમ ખોઈ એકબીજા સાથે અંતરંગ થઈ જાય છે. મલકચંદ સાથેના ક્ષણિક સહવાસને પગલે કંકુની દેહાકૃતિમાં ફેરફાર થવા લાગે છે. નાના ગામમાં અચાનક કોઈના ઘરનું નળિયું ખસે એની વાત પણ વાયુવેગે ફેલાઈ જાય છે ત્યારે આ તો કંકુ અને મલકચંદના સંબંધની વાત! ગામમાં મોઢા એટલી વાતો થવા લાગી. ગામના મુખી અને બીજા આગેવાનો પણ કંકુની આ સ્થિતિ વિશે ચર્ચા કરી કંકુને કેવી રીતે આમાંથી બહાર લાવવી એ વિશે મુખીને સલાહ આપવા લાગ્યા. આમાંના ઘણા પુરુષોએ તો લાજ-શરમ નેવે મૂકી કંકુ સાથે ફરી લગ્ન કરવા સુધીની પણ વાત કરી નાખી! જો કે એ બધી વાતો પર ધ્યાન આપ્યા વિના કંકુ હીરિયાના લગ્નની તૈયારી આદરે છે. ગામમાં કંકુ વિશે થતી જાતજાતની વાતોથી હીરિયાને પણ પોતાની મા પ્રત્યે અણગમો ઉપજે છે, પણ પછીથી ઘરની નાજુક આર્થિક સ્થિતિ સામે એકલે હાથે બાથ ભીડી વિકટ પરિસ્થિતિનો હિંમતભેર સામનો કરતી વિધવા મા પ્રત્યે તેને માન થવા લાગે છે.
આખરે રંગેચંગે હીરિયાના લગ્ન થઈ જાય છે. હીરિયાના લગ્ન પછી કંકુ દીકરાને જન્મ આપે છે. સુયાણીએ બાળકનું મોં જોઈને જ કહી દીધું કે દીકરાનો બાપ કોણ છે! દીકરાના જન્મ પછી કંકુ પુન:વિવાહ કરી લે છે અને એ રીતે ઘીના ઠામમાં ઘી પડી જાય છે.
આજથી લગભગ ૫૫ વર્ષ પહેલાના સમયની સાંપ્રત પરિસ્થિતિ જોતા એ સમયે પ્રવર્તમાન સામાજિક રૂઢિઓ સામે એક અલગ વિચાર કહી શકાય એવી આ ફિલ્મની કથાવસ્તુ એ ફિલ્મનું સૌથી ઉજ્જવળ પાસુ છે. નાની વયે વિધવા થતી સ્ત્રીના જીવનની વિતકકથાને ઉજાગર કરતી આ ફિલ્મ આંતરરાષ્ટ્રિય પ્રસિદ્ધિ પામી હતી. કદાચ એ સમયે આ ફિલ્મની કથાવસ્તુની કક્ષાને સમજવા જેટલી સામાજિક સમજણ પ્રવર્તતી નહિ હોય એટલે આંતરરાષ્ટ્રિય કક્ષાએ આ ફિલ્મની નોંધ લેવાઈ હતી.
ફિલ્મના કેટલાક મહત્ત્વપૂર્ણ અંશો:
સ્ત્રી વિશે એમ કહી શકાય કે સ્ત્રી જેટલું બોલીને વ્યક્ત કરે છે એનાથી અનેકગણું એ મૌન રહીને વ્યક્ત કરે છે. નાયિકાપ્રધાન કંકુ ફિલ્મ માટે એમ કહી શકાય કે ફિલ્મની નાયિકા ફિલ્મમાં સંવાદો વડે જેટલું વ્યક્ત કરે છે એનાથી અનેકગણી અભિવ્યક્તિ એના મૌન અને હાવભાવમાં થાય છે. કદાચ આ બાબત ફિલ્મનું સૌથી મોટું જમાપાસું છે.
સામાન્ય રીતે વિધવા સ્ત્રીનું જીવન એટલું સરળ અને સહજ નથી હોતું જેટલું સહજ અને સરળ અન્ય સ્ત્રીઓ માટે હોય છે. કેટલીક સામાજિક પરંપરાઓ, પ્રથાઓ, અને વર્તન તરાહ વિધવાના જીવનને અતિશય વિકટ અને વસમું બનાવી દેતી હોય છે. એ સંદર્ભે જોઈએ તો કંકુ ફિલ્મમાં વિધવા કંકુના પાત્રમાં લાચારી અને વિવશતા નહિ પણ સ્ત્રીની મક્કમતા અને દૃઢતા દર્શાવવામાં આવ્યા છે. ઘણી બધી સામાજિક બાબતોમાં કંકુએ સમાજના વર્તન અને પ્રતિભાવો સામે આંખ આડા કાન કરી પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે કદાચ આ ફિલ્મનું સૌથી સબળ અને મજબૂત પાસું કહી શકાય. આ ફિલ્મ એક મહત્ત્વપૂર્ણ સંદેશ આપે છે અને તે એ કે સ્ત્રી જો મનથી મક્કમ અને અડગ હોય તો સમાજ, સમાજના લોકો કે સામાજિક રૂઢિઓ અને પરંપરાઓ એનું કંઈ બગાડી શકતા નથી. જીવનમાં આવતી પરિસ્થિતિનો વિધવા કંકુ જે બહાદુરી અને હિંમતપૂર્વક પરિસ્થિતિનો સામનો કરી તેમાંથી બહાર આવે છે તે સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ છે.
આ ફિલ્મનું અન્ય એક જમાપાસુ છે તે એ કે અમુક-તમુક બાબતોમાં વિધવા કંકુની પીઠ પાછળ કાનાફૂસી થવા છતાં કંકુને અન્ય સ્ત્રીઓ અને સમાજ તરફથી જરૂરી સહયોગ પ્રાપ્ત થયો છે, જે આજના કહેવાતા વિકસિત સમાજમાં પણ ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. આજનો વિકસિત સમાજ ભૌતિક અને સાધનિક દૃષ્ટિએ ઘણી પ્રગતિ કરી છે પણ કમનસીબે વૈચારિક ઉદારતાની દૃષ્ટિએ હજી ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે. આજના કહેવાતા વિકસિત સમાજમાં પણ સ્ત્રી અને એમાં ય ખાસ કરીને વિધવા સ્ત્રી પ્રત્યે અત્યંત સોફિસ્ટિકેટેડ રીતે એક ખાસ પ્રકારનો ભેદભાવ અને વૈચારિક સંકિર્ણતા દાખવવામાં આવે છે. એક વિધવા સ્ત્રીની પોતાની પણ કોઈ ઇચ્છાઓ, આકાંક્ષાઓ, અરમાનો હોય છે એટલી સાદી સમજનો અભાવ એ વિકસિત સમાજની વૈચારિક સંકીર્ણતા કહી શકાય.
મલકચંદ સાથેના એક દૃશ્યમાં મલકચંદ કંકુને જ્યારે પૂછે છે કે કંકુ તે બીજા લગ્ન કેમ ના કર્યા ત્યારે કંકુ જવાબ આપે છે, “મારા સ્વાર્થ ખાતર મારે હીરિયાને શા માટે ઓશિયાળો બનાવવો, અને આમ પણ મારે બીજા કોઈની તાબેદારી વેઠવી નહોતી.” કંકુના આ જવાબમાં સ્ત્રીની ઉદારતા અને સાથે સાથે મક્કમતાના પણ દર્શન થાય છે, જે પુરુષની સામાન્ય વિચારધારા અને માન્યતાથી તદ્દન અલગ છે.
ફિલ્મનું સૌથી ઉત્તમ પાસું છે શ્વેત-શ્યામ રંગો તેમ જ છાયા-પ્રકાશની ઓથે કંડારાયેલ જીવનની કેટલીક ઘટનામાળ જેમાં શબ્દો કે સંવાદોને કોઈ સ્થાન નથી. કંકુના પાત્રમાં એ વખતની જાજરમાન કહી શકાય એવી અભિનેત્રી પલ્લવી મહેતાનો અભિયન સહજ છતાં લાજવાબ છે. તેમના અભિનયમાં સંવાદો ઓછા અને મનોભાવો વધુ વ્યકત થાય છે. ફિલ્મનો હાર્દ કહી શકાય એવા કંકુ અને મલકચંદ વચ્ચે અંતરંગ પળોના દૃશ્યને સર્જકે છાયા-પ્રકાશની મદદથી જે રીતે ફિલ્માવ્યું છે એ કાબિલ-એ-દાદ છે. કંકુ અને મલકચંદના હોઠ, આંખો અને ચહેરાના હાવભાવ દ્વારા તેમના આંતરિક આવેગોને જે રીતે વ્યક્ત કરવામાં આવ્યા છે એ ફિલ્મનું વધુ એક જમાપાસુ કહી શકાય.
વેણીભાઈ પુરોહિત રચિત ગીતોને દિલીપ ધોળકિયાના સંગીતથી મઢવામાં આવ્યા છે. હળવા લહેકામાં ઈસ્માઇલ વાલેરાના સ્વરમાં ગવાયેલ “લુચ્ચા રે લુચ્ચા લોચનિયાની લૂમ ઓ ગોરી તારુ રાતું ઝોબનિયું રુમઝુમ…” બે જુવાન હૈયાઓના આંતરિક ઉમળકાને વ્યક્ત કરતું સુંદર ગીત છે. ગીત સાંભળતી વખતે મન પ્રફુલ્લિત થઈ જાય એવું સુંદર આ ગીત છે. તેમ જ હંસા દવેના સ્વરમાં ગવાયેલ અન્ય એક ગીત “મુને અંધારા બોલાવે, મુને અજવાળા બોલાવે…” ફિલ્મની નાયિકા કંકુના વ્યથિત મનોભાવોને ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે. આમ, ફિલ્મના તો ચારે ય ગીતો બહુ સરસ છે, પણ આ બે ગીતો વારે વારે સાંભળવા ગમે એવા છે.
સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com
![]()

