
રાજ ગોસ્વામી
ગઈ 20મી ઑક્ટોબરે લોકો દિવાળીના દીવડા પ્રગટાવી રહ્યા હતા ત્યારે, હિન્દી સિનેમાના એક બહેતરીન હાસ્યકલાકાર (ગોવર્ધન કુમાર) અસરાનીનો, 84 વર્ષે, જીવનદીપ બુઝાઈ ગયો. ચાર દાયકાઓથી લોકોને હસાવનારા આ કલાકારે ચુપચાપ અલવિદા લીધી હતી. તેમની વિદાયના સમાચાર તેમના અંતિમસંસ્કાર પછી સાર્વજનિક કરવામાં આવ્યા હતા. અસરાની ચાર દિવસ પહેલાં બીમાર પડ્યા હતા. તેમની ઇચ્છા હતી કે તેમના મૃત્યુને મીડિયાથી છેટું રાખવામાં આવે અને તેના પર બહુ શોરબકોર ન થાય. એટલા માટે પત્ની મંજુ, તેમની બહેન, ભત્રીજા અને નજીકના અન્ય લોકોની ઉપસ્થિતિમાં તેમને વિદાઈ આપવામાં આવી હતી.
અસરાનીએ હમણાં બે મહિના પહેલાં જ, જાણીતા ટી.વી. હોસ્ટ ઈરફાન સાથે બી.બી.સી. પર તેમના જીવન અને કામ અંગે વિગતે વાતો કરી હતી. એ તેમનો અંતિમ ઇન્ટરવ્યૂ સાબિત થયો હતો. તેમાં તેમણે તેઓ કેવી રીતે હિન્દી સિનેમામાં આવ્યા અને કેવી રીતે પહેલી ફિલ્મ મળી તેની રોચક વાતો કરી હતી.
એ ફિલ્મ હતી ઋષિકેશ મુખર્જીની ‘ગુડ્ડી.’ 1971માં તે રિલીઝ થઇ હતી. અસરાનીના કહેવા પ્રમાણે, તેમણે સામે ચાલીને ઋષિ’દા પાસે આ ફિલ્મમાં રોલ માંગ્યો હતો. જયપુરમાં જન્મેલા અસરાની દસમું ધોરણ પાસ કરીને ફિલ્મોમાં નસીબ અજમવા માટે મુંબઈ આવી ગયા હતા, પરંતુ કોઈ ગજ ન વાગતાં પાછા જતા રહ્યા અને એક્ટર તરીકે તાલીમ હાંસલ કરવા માટે પૂણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી થઇ ગયા.
ઋષિકેશ મુખર્જી ત્યારે મુંબઈમાં એક મોટા ફિલ્મકાર હતા અને ઇન્સ્ટિટ્યૂટમાં એડિટિંગ ભણાવવા માટે પણ આવતા હતા. તે વખતે તેઓ ધર્મેન્દ્ર સાથે અનુપમા, મજલી દીદી અને સત્યકામ અને સંજીવ કુમાર સાથે આશિર્વાદ જેવી જાણીતી ફિલ્મો બનાવી ચુક્યા હતા. 1971માં, તેઓ રાજેશ ખન્ના સાથે આનંદ અને બાવર્ચી પર કામ કરી રહ્યા હતા. એ વચ્ચે, તેમણે ‘ગુડ્ડી’ નામની એક નાનકડી ફિલ્મ બનાવવા માટે વિચાર કર્યો હતો (ફિલ્મ વિશે આપણે પછી વાત કરીએ).
‘ગુડ્ડી’ હિરોઈન પ્રધાન ફિલ્મ હતી અને તેના રોલ માટે તેમને એક નવી છોકરીની જરૂર હતી. તેની તલાશમાં એકવાર તેઓ ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યા હતા. સાથે તેમની આખી ટીમ હતી. જેમાં લેખક ગુલઝાર પણ હતા. અસરાનીને ખબર પડી કે ઋષિ’દા ફિલ્મ બનાવી રહ્યા છે, એટલે તેઓ તેમની પાસે ગયા અને કહ્યું કે હું અહીં એક્ટિંગનો કોર્સ કરી રહ્યો છું અને મારા માટે કોઈ નાનો-મોટો રોલ હોય તો કહેજો.
“હાં, હોગા તો બતાયેંગે” કહીને ઋષિ’દા જતા રહ્યા. થોડા દિવસ પછી તેઓ પાછા આવ્યા અને અસરાની અંગે પૂછપરછ કરી. અસરાનીને એમ કે તેમને રોલ આપશે, પણ ઋષિ’દાએ કહ્યું, “ગુડ્ડી કે લિયે હમકો એક લડકી ચાહીએ.” તેમને ખબર હતી કે જયા ભાદુરી નામની એક છોકરી ઇન્સ્ટિટ્યૂટમાં એક્ટિંગનો કોર્સ કરી રહી છે.

ઋષિકેશ મુખર્જી અસરાનીને જયા વિશે પૂછ્યું અને કહ્યું કે તેને બોલાવી લાવીશ? અસરાની ગયા ચાની કેન્ટીનમાં. જયા ત્યાં તેની સખીઓ સાથે બેઠી હતી. અસરાનીએ જઈને સંદેશો આપ્યો કે ઋષિકેશ મુખર્જી તને યાદ કરે છે. જયા તેમને મળવા ગઈ. પ્રણામ કર્યા, ચરણસ્પર્શ કર્યાં અને ઋષિ’દા જયા સાથે વાત કરતાં કરતાં દૂર જતા રહ્યા.
અસરાની મૂંઝવણમાં. રોલ કેવી રીતે માંગવો? ત્યાં થોડે દૂર જીપમાં ઋષિકેશ મુખર્જીની ટીમના લોકો બેઠેલા હતા. એમાં ગુલઝાર પણ હતા. અસરાની તેમની પાસે ગયા અને પોતાની ઓળખાણ આપીને કહ્યું કે ઋષિ’દાની ફિલ્મમાં રોલ કેવી રીતે મળે? ગુલઝારે કહ્યું કે હું તો લેખક છું અને ફિલ્મની વાર્તા વિશે કે પાત્રો વિશે કશું જાહેર કરી ના શકું, આ ડિરેકટર બહુ કડક છે, અમને નોકરીમાંથી કાઢી મૂકે.
એટલામાં ઋષિકેશ મુખર્જી અને જયા પાછાં આવ્યાં. અસરાનીએ ફરી હાથ જોડીને કહ્યું કે દાદા, કોઈ રોલ હોય તો કહેજો અને ઋષિ’દાએ કહ્યું, ભાઈ, હશે તો કહીશ, અત્યારે તો છોકરી શોધવા માટે આવ્યો છું. એમાં કહીને તેઓ ક્લાસ લેવા જતા રહ્યા. અસરાનીને ચટપટી હતી કે ફિલ્મમાં કોઈ રોલ છે કે નહીં, પણ કોઈ વાર્તા કહેતું નહોતું.
એટલે તેમણે ફરીથી ગુલઝારને પકડ્યા અને કહ્યું કે સર થોડુંક તો બતાવો. ગુલઝારે કહ્યું, મારું નામ ના આપતો પણ એક નાનકડો રોલ છે. ફિલ્મમાં એક છોકરો હીરો બનવા માટે મુંબઈ આવે છે અને ઝીરો બનીને પાછો જતો રહે છે. અસરાનીએ ઋષિ’દાને ફરી પકડ્યા અને કહ્યું કે દાદા એક છોકરો ગામડેથી મુંબઈ આવે છે એવો રોલ છે ને! ઋષિ’દાએ ફરી ગાજર લટકાવ્યું કે હું મુંબઈ જઈને છોકરીને બોલાવીશ ત્યારે તેને કહીશ.
થોડા દિવસ પછી, જયા ભાદુરીને નામે ઇન્સ્ટિટ્યૂટમાં ઋષિકેશ મુખર્જીનું પોસ્ટકાર્ડ આવ્યું. ‘ગુડ્ડી’ ફિલ્મ માટે તે સત્તાવાર આમંત્રણ હતું. જો કે એ પહેલાં અસરાની મુંબઈ પહોંચી ગયા અને ઋષિ’દાને ફરી વિનંતી કરી કે મને ‘ગુડ્ડી’માં કામ આપો. અસરાનીનો ખંત જોઇને દાદા નમ્યા અને કુંદન નામના એક છોકરાનો રોલ આપ્યો.
કુંદન ફિલ્મ જગતના ગ્લેમરથી ખેંચાઈને મુંબઈ આવે છે અને કાદર ભાઈ (કેશ્ટો મુખર્જી) નામનો એક ઠગ ફિલ્મોમાં કામ આપવાના બહાને તેની પાસેથી પૈસા પડાવી લે છે. કુંદન ઘરમાં પૈસાની ચોરી કરીને મુંબઈમાં નસીબ અજમાવવા આવ્યો હતો, પણ ફિલ્મ જગતની વાસ્તવિકતા તેને તોડી નાખે છે અને અંતે એક જુનિયર આર્ટિસ્ટ બનીને રહી જાય છે.
અસરાનીનો કિરદાર ફિલ્મના કેન્દ્રીય વિષયને ટેકો આપતો હતો; બોલીવુડમાં રીલ-લાઈફ અને રિયલ-લાઈફ ઘણી અલગ હોય છે. સિનેમાના ગ્લેમરથી ખેંચાઈને મુંબઈ દોડી આવતા યુવાનો પર ઋષિકેશ મુખર્જી એક ફિલ્મ બનાવવા માંગતા હતા. ફિલ્મની નાયિકા ગુડ્ડી (જયા ભાદુરી) સ્કૂલગર્લ છે અને ધર્મેન્દ્ર પર ફિદા છે. તે એવું માને છે કે તેનો હીરો પડદા પર જેવો સાહસિક અને ઉદાર છે તેવો જ અસલી જીવનમાં પણ છે. ઋષિ’દા ગુડ્ડીની માસુમિયત મારફતે સિનેમાના ગ્લેમરના ભ્રમને તોડવા માંગતા હતા.
ઋષિ’દા અને ગુલઝાર વચ્ચે એકવાર સહજ રીતે જ વાત થઇ હતી કે ફિલ્મ સ્ટારો પ્રત્યેનો ભક્તિભાવ કેવી રીતે કુમળાં મગજ પર અસર કરે છે. એમાંથી ‘ગુડ્ડી’ ફિલ્મનો વિચાર જન્મ્યો હતો. “ગુડ્ડી” જયા ભાદુરીની કારકિર્દી માટે પણ પાયાનો પથ્થર સાબિત થઇ હતી. પહેલી જ ફિલ્મમાં તેમને બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
ઋષિ’દાએ ‘ગુડ્ડી’માં અમિતાભ બચ્ચનને નવીનની ભૂમિકામાં લીધા હતા (જે કુસુમ ઉર્ફે ગુડ્ડીનો હાથ માંગે છે) પરતું તેમની જ ફિલ્મ ‘આનંદ’માં અમિતાભનું કદ વધી જતાં બંગાળી એક્ટર સુમિત ભાંજાને લીધા હતા. કુસુમની ભૂમિકા પહેલાં મૌસમી ચેટરજીએ ઓફર થઇ હતી પણ તેમણે સ્કૂલનો સ્કર્ટ ડ્રેસ પહેરવાની ના પાડી દીધી હતી, તો ઋષિ’દા પાસે ડિમ્પલ કાપડિયાનો ફોટો પણ હતો, પરંતુ તેમને એવી છોકરી જોઈતી હતી જે દેખાવમાં, મૂરખની હદે, માસૂમ હોય. જયાજીએ તેમની પહેલી જ ફિલ્મમાં રંગ રાખી દીધો હતો.
તેમનો કુંદનનો કિરદાર એટલો વખણાયો કે અસરાની માટે પણ ‘ગુડ્ડી’ લોટરી સાબિત થઇ. “ફિલ્મનું પરિણામ એ આવ્યું કે, “અસરાનીએ પેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “મને આઠ ફિલ્મો મળી અને પછી મેં પાછું વાળીને જોયું નહીં.”
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 06 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

