
રવીન્દ્ર પારેખ
22 સપ્ટેમ્બર, 2025થી GST(ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ)માં 5 અને 18 ટકા એમ, બે જ સ્લેબ લાગુ થતાં સર્વત્ર રાહત રાહતનાં ઢોલનગારાં વાગી રહ્યાં છે ને સરકારે નવરાત્રિ સુધારી દીધી હોય તેવું વાતાવરણ છે. એ ખોટું છે, એવું નથી. 12 ટકા અને 28 ટકાના GST દરો નીકળી જતાં ટેકસનો બોજ ઘટ્યો છે એની ના જ નથી. વેપારી વર્ગને રાહત થઈ છે, તો ચીજવસ્તુઓમાં ભાવમાં ઘટાડો થતાં સામાન્ય લોકોને પણ સસ્તું મળવાની આશા બંધાઈ છે. સરકારે કયાં કારણે આ કર્યું એમાં ન પડીએ તો પણ, સરકારે એ કર્યું તે હકીકત છે. વડા પ્રધાને એમાં વધુ રાહત આપવાના સંકેતો પણ આપ્યા છે, તો એની રાહ જોઈએ. લોકોને તો ટેક્સમાં રાહત જોઈએ જ છે ને એ સાથે જ કર ભરવાની વિધિમાં પણ સરળતા રહે તે અપેક્ષિત છે.
જો કે, ખાટલે મોટી ખોડ તે પ્રજા તરીકે આપણી પ્રમાણિકતાની છે. વેપારી વર્ગ પોતે રાહત મેળવવા માંગે છે, પણ એનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડવા માંગતા નથી. કારમાં ખરીદી નીકળી છે ને તેમાં ઘટેલા ટેક્સની અસર પણ જોવાય છે. આ ખરીદી નીકળવાનું એક કારણ આવી રહેલા તહેવારો પણ છે, એટલે ભાવ ઘટ્યા ન હોત તો પણ તહેવારોની ખરીદી તો નીકળી જ હોત ! ફરિયાદો એવી પણ છે કે લોકોને ઘટેલા GST દરનો લાભ મળી રહ્યો નથી. ઘણી વસ્તુઓ જૂના-મોંઘાં ભાવે જ વેચાઈ રહી છે. વેપારીઓની એક દલીલ એવી છે કે GST ઘટ્યો એ પહેલાં સ્ટોક, જૂના ભાવે ખરીદી લેવાયેલો. એને ઘટેલા દરોનો લાભ ન મળ્યો હોય તો એ વસ્તુઓ સસ્તી શું કામ વેચે? દેખીતું છે કે એ સ્ટોક તહેવારોને ધ્યાનમાં રાખીને ખરીદ્યો હશે, એટલે એ તો તહેવારો પૂરા થાય ત્યાં સુધી મોંઘા ભાવે જ વસ્તુઓ વેચશે. બને કે લોકોને GST ઘટાડાનો લાભ તહેવારોમાં નહીં મળે. નવો સ્ટોક ઘટેલા દરે ખરીદાય ને વેપારીઓ ભાવ ઘટાડે તો નસીબ ! એ કોણ જોવા જવાનું છે કે નવો સ્ટોક જૂના ને મોંઘા ભાવે નહીં જ વેચાય? ઘણીવાર તો એવું લાગે છે કે ભારત એક મેદાન છે, જેમાં નાનાં-મોટાં, ગરીબ-તવંગર, અર્થશાસ્ત્રી-અનર્થશાસ્ત્રી, પ્રજા-સરકાર બધાં જ રમે છે ને બધાં જ એકને મૂર્ખ બનાવી, પોતાની તિજોરી છલકાવે છે. ગરીબની તો તિજોરી જ નથી, પણ તે અમીર થવાના વ્હેમમાં શિકાર થતો રહે છે.
GST કલેકશનના આંકડા સરકાર વખતોવખત જાહેર કરતી રહે છે. જેમ કે, ઓગસ્ટ મહિનામાં GSTનો આંકડો 1.86 લાખ કરોડ રૂપિયા હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 6.5 ટકા વધુ છે. GSTનું સૌથી મોટું કલેક્શન એપ્રિલ, 2025નું 2.37 લાખ કરોડ હતું. નાણાંકીય વર્ષની વાત કરીએ તો 2024-2025માં GST કલેક્શન 22.08 લાખ કરોડ હતું, જે ગયા વર્ષની તુલનામાં 9.4 ટકા વધારે છે. 2020-2021માં ગ્રોસ કલેક્શન 11. 37 લાખ કરોડ હતું. જોઈ શકાશે કે કલેક્શન છેલ્લાં વર્ષમાં લગભગ ડબલ થઈ ગયું છે.
ગુજરાતની વાત કરીએ તો 2024-2025માં તેની GSTની આવક 73,280 કરોડ હતી. હવે GST 5 ટકા અને 18 ટકા થઇ જતાં, દેખીતું છે કે સરકારની કમાણી ઘટે. હજી તો GST ઘટાડાની અસર વર્તાવી માંડ શરૂ થઈ છે, ત્યાં સરકારે રડવાનું શરૂ કરી દીધું છે કે સ્લેબ બે જ રહેતાં કમાણી 10,000 કરોડ જેટલી ઘટી જશે. એ સાથે જ સરકાર એવું પણ માને છે કે GST ઘટતા ઉત્પાદન વધશે અને વસ્તુ સસ્તી થતાં લોકોનો ઉપાડ પણ વધશે. એ પણ ખરું કે ઉત્પાદન વધશે તો રોજગાર પણ વધશે. એ સાથે જ ઉપાડ વધશે તો GST પણ વધશે, એવું આશ્વાસન પણ સરકાર જ લે છે.
અત્યારની કોઈ સરકાર ખોટ ખાઈને GST ઘટાડે એ વાતમાં માલ નથી. તો, ગુજરાત સરકાર પણ એવી ભોળી નથી કે 10,000 કરોડની ખોટ ખાઈને GST ઘટે તો રાસડા લે. કેન્દ્ર સરકાર પણ GSTના દર ઘટતા ગેલમાં આવી ગઈ છે. વડા પ્રધાને પોતે GST બચત ઉત્સવ ઉજવવા પ્રજાને જાહેર સંબોધન 21મી સપ્ટેમ્બર ને રવિવારે સાંજે કર્યું. GST બચતની તો હજી માંડ શરૂઆત જ થઈ છે, પણ ઘણાં તેનો લાભ પ્રજાને આપવા ઉત્સુક જ ન હોય, તો પ્રજા ઉત્સવ ક્યાંથી ઊજવવાની હતી? હકીકત એ છે કે આ લાભ પ્રજાને ઘણો મોડો મળ્યો છે ને એ દરમિયાન સરકારે પૂરી નિર્મમતાથી GST તો વસૂલ્યો જ છે. ટૂંકમાં, લાખો કરોડનો લાભ સરકારને તો થયો જ છે, એટલે એ બચત ઉત્સવ ઊજવે તે સમ્જી શકાય એવું છે.
એ ખરું કે GSTના 5 અને 18 ટકાના સ્લેબ થતા રોજ વપરાશની ચીજવસ્તુઓ સસ્તી થાય, સરકારનો એ હેતુ છે જ, પણ તે વેચનારા વેપારીઓની દાનત સાફ હોય તો શક્ય છે. હેલ્થ ઇન્સ્યોરન્સ પર GST હોવો જ ના જોઈતો હતો, પણ તે વર્ષો સુધી વસૂલાયો ને હવે તે નાબૂદ કરવામાં આવ્યો છે, તો એટલી રાહત થવી તો જોઈએ, પણ તકસાધુ વીમા કંપનીઓ પ્રીમિયમ વધારીને લૂંટે તો વીમેદારને કેટલોક લાભ થશે તે નથી ખબર. એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક ગ્રૂપ ઇન્સ્યોરન્સ સિનિયર્સ માટે 22 સપ્ટેમ્બર, 2025 પછી લેવાયા હોય તો પણ તેમને GST 18 ટકા લાગુ કરાયો છે. પર્સનલ મેડિકલ ઇન્સ્યોરન્સમાં GST પૂરો નાબૂદ થયો હોય તો ગ્રૂપ ઇન્સ્યોરન્સમાં એ લાભ શું કામ ન અપાવો જોઈએ તે સમજાતું નથી. કોઈ 75 વર્ષનો વૃદ્ધ તેનો આરોગ્ય વીમા લેવા જાય તો તેનો વીમો શક્ય નથી, એટલે તેણે ગ્રૂપ ઇન્સ્યોરન્સમાં જવું પડે ને ત્યાં 18 ટકા GST લાગે. હેલ્થ ઇન્સ્યોરન્સ પર્સનલ લેવાનું મુશ્કેલ ને ગ્રૂપમાં લેવાય તો 18 ટકા ટેક્સ લાગે, આ યોગ્ય છે? હેલ્થ ઇન્સ્યોરન્સમાંથી GST સંપૂર્ણ નાબૂદ થયો હોય તો ગ્રૂપમાં તે શું કામ હોવો જોઈએ? આ બેવડી નીતિ દૂર થવી જોઈએ. સિનિયર્સને રાહતની વધુ જરૂર હોય ત્યારે જ તેને 18 ટકા GSTથી લૂંટવો અમાનવીય છે. વારુ, GST મેડિકલ ઇન્સ્યોરન્સ પર ન લાગે તો પણ તેને દવામાં, હોસ્પિટલાઇઝેશનમાં, ઓપરેશનમાં કેટલી રાહત આપશે એની સ્પષ્ટતા નથી. એમાં દરેક બિલે ઠેર ઠેર ટેક્સ લાગે જ છે. એટલે બચત ઉત્સવ કોનો છે એ સમજવાનું અઘરું નથી. વન નેશન, વન ટેક્સ-નો અર્થ એવો તો નથી ને કે ઓછામાં ઓછો એક ટેક્સ તો વસૂલવો જ !
એક બાબત સ્પષ્ટ છે કે GSTમાં થયેલ ઘટાડો છેવટના માણસ સુધી નહીં પહોંચે તો, બચત ઉત્સવ અમુક વર્ગ પૂરતો જ સીમિત બની રહે. વાહનો સસ્તાં થયાં છે ને મોંઘી કારની ખરીદીમાં લાખેક રૂપિયા સુધીનો ઘટાડો કાર કંપનીઓ બતાવી રહી છે, પણ સાધારણ માણસને બેરોજગારી ને મોંઘવારી પીડી રહી છે, તેનું શું?
આવક હોય તો ખરીદી થાય. ખરીદી થાય તો ટેક્સ બચવાનો આનંદ થાય. આવકના જ ઠેકાણાં ન હોય ત્યાં ખરીદી શું ને કર બચત શું? એવું રહ્યું છે કે કર વધારાની તાત્કાલિક અસર સામાન્ય માણસને થાય છે, પણ કર ઘટાડાની અસર તેને ઓછી અને મોડી થાય છે. જીવન રક્ષક દવાઓ સસ્તી થશે, એ ખરું, પણ સસ્તી દવાઓ ખરીદવાની શક્તિ પણ હોવી જોઈએ ને ! સરકારનો એ અંદાજ છે કે કર ઘટાડાથી દૈનિક ખર્ચમાં અંદાજે 13 ટકાની બચત થશે. સરકારનો ઈરાદો લોકોને ખરેખર બચત કરાવવાનો છે, પણ કંપનીઓ અને વેપારીઓ કર રાહતનો લાભ લોકોને આપવાનાં હોય તો જ એની અસર જણાશે. સરકારે બાર લાખ સુધીની આવક કરમુક્ત જાહેર કરી છે, તેમાં GSTની રાહત જોડાય તો દેશવાસીઓના અઢી લાખ કરોડ બચે એવો અંદાજ છે. પ્રધાન મંત્રીએ આત્મનિર્ભર અને સ્વદેશી ભારતનું સપનું જોયું છે, તેમાં આ બધાં પગલાં ઉપકારક નીવડી શકે એમ છે. એ તો જ શક્ય છે જો પ્રજા, વેપારીઓ અને કંપનીઓ ઈમાનદારીથી વર્તે. આ એકલદોક્લનું કામ જ નથી. આ યજ્ઞ છે ને તેમાં સૌ આહુતિ આપે તો જ વાતાવરણ શુદ્ધ થાય, ખરું કે નહીં?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 સપ્ટેમ્બર 2025