Opinion Magazine
Number of visits: 9504779
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્થાપત્ય ઉદ્યાન

કનુ સૂચક|Opinion - Opinion|8 July 2019

પોતાના જ પ્રાંગણમાં શ્વેત મયૂરને નૃત્ય કરતાં જોઈને પ્રકૃતિ સ્વયં ઉલ્લસિત થઈ વૃક્ષોનાં પાંદડાંઓને લયબદ્ધ હલાવી મર્મર સૂરે તાલ દેતી હોય, તેવું અનુપમ દૃશ્ય અમેરિકાના હેમિલ્ટન – ન્યુ જર્સીના માનવસર્જિત સ્થાપત્ય ઉદ્યાનમાં જોયું. ૪૨ એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલ આ ઉદ્યાનમાં જીવનના સાંપ્રત સાથે અનુબંધિત ૩૦૦થી વધુ વિવિધ સ્થાપત્યો જુદાજુદા અંતરે, વિશાળ અને જુદાજુદા કદના અને જુદાંજુદાં સ્થળે અત્યંત વિચારપૂર્વક ગોઠવેલાં છે. સરોવરના કિનારે છે, સરોવર બાગમાં છે, સરોવરના ઉપર બાંધેલા પુલના કઠેડા પર અને સરોવરની અંદર પણ છે. જાતજાતના છોડો, ફૂલો અને વેલોના સૌરભપ્રફુલ્લિત વાતાવરણમાં અને ઘટાદાર વૃક્ષોની શીળી છાયામાં બેસી કે કમળવનના તળાવ પાસે ભોજનગૃહના ટેબલ પર બેસી પણ આ સ્થાપત્ય ઉદ્યાનની મજા અને સમજ માણી શકાય છે.

સ્થાપત્યોમાં કલાનો આવિષ્કાર અને ઉન્મેષ છે. પરંતુ બધામાં સામાન્ય, રોજબરોજના માનવજીવનમાં બનતી ઘટનાઓ અને સંબધિત પ્રાણીજગતનું નિરૂપણ છે. વિવિધ સ્થાપત્યોનાં કલાકારો પણ અનેક છે. કેટલાંક કલાકારોની અન્યત્ર રચાયેલી અને સ્થપાયેલી, પ્રસિદ્ધ કલાકૃતિઓની આબેહૂબ પ્રતિકૃતિઓ પણ છે. આ સ્થાપત્યના ઉદ્યાનની રચનાનો ઉદ્દેશ્ય પણ એ જ છે કે દ્વિપાર્શ્વ, ત્રિપાર્શ્વ, ચોપાર્શ્વ સ્થાપત્યની સાંપ્રત કલાની જાણ લેવાય, માણી શકાય અને તેની સર્વ સામાન્ય જનતામાં સમજણ પ્રસરે. આ કલાકૃતિઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા પદાર્થોનું પણ વૈવિધ્ય ધ્યાન ખેંચે તેવું છે. માટી, ઘાસ, ઘાસનો પાલો, વ્યર્થ માની ફેંકી દેવાયેલા અનેક પદાર્થોનું મિશ્રણ, ધાતુઓ અને ધાતુઓના મિશ્રણમાં પણ વૈવિધ્ય રચાયું છે. સમયગાળે નાશ પામી જશે તેવી જાણ સાથે રચાયેલી અનેક કૃતિઓ પ્રકૃતિના બદલાવ સામે અનપેક્ષિત ઝીંક લઈ અણનમ ઊભી છે. અહીં સંગ્રહસ્થાનમાં અને પ્રવેશગૃહમાં કલાકૃતિઓ અને તેની જાણ કરતો ઇતિહાસ પણ આલેખેલ જોવા મળે છે. ૧૯૯૨માં જે. સેવર્ડ જોહ્ન્સન (Seward Johnson) નામના શિલ્પી અને દાનવીરે આ ઉદ્યાન જનતા માટે ખુલ્લો મૂક્યો. આશ્ચર્ય એ વાતનું છે કે આ ઉદ્યાન તરફ લઈ જતા ધોરી રસ્તાઓ પણ ઉદ્યાનના એકભાગ સમાન હોવાથી, તેના ઉપર વિશાળ-રાક્ષસી કદની અને જીવનલક્ષી પ્રતિમાઓ, લોકોનું ધ્યાન આકર્ષિત કરવા, મૂકવામાં આવી છે. 

એક ચિત્રકાર અને સ્થાપત્ય કલાકાર દ્વારા આ ઉત્તમ પરિકલ્પના છે. કલાકારે અન્યત્ર સ્થળોએ પ્રદર્શિત અને સ્થાપિત પોતાની પ્રખ્યાત કૃતિઓની પ્રતિકૃતિઓ અહીં મૂકી છે તેટલું જ નહીં અન્ય કલાકારોનાં પ્રખ્યાત ચિત્રો અને સ્થાપત્યોની કૃતિઓ પણ મૂકી છે. ખાસ બનાવેલાં સંગ્રહસ્થાનમાં તેમનાં નામ સહિત તે કૃતિઓ અંગે માહિતી પણ આપી છે. સાંપ્રત, પ્રભાવલક્ષી કલાકૃતિઓને યોગ્ય અને સુંદર રચનાત્મક ઉદ્યાનમાં અનુકૂળ વાતાવરણ બનાવી મૂકી છે. મુલાકાતીઓને માટે અજબ અનુભવસમ ગ્રામીણ અને પ્રાકૃતિક પરિવેશમાં પ્રવેશ કરાવે છે. આંખ અને મનનો અદ્દભુત ઉત્સવ બની જાય છે. સેવર્ડ જોહન્સને સ્વરચિત બ્રૉંઝ-કલાઈ, તાંબા વગેરેની મિશ્ર ધાતુઓની પૂરા કદની પ્રતિમાઓ મૂકી છે. આ પ્રતિમાઓ અને અન્ય ચિત્રકારોની કલાકૃતિઓની પ્રતિકૃતિઓ આપણી સાથે ભળી જવા અને સંવાદ કરવા ઉત્સુક હોય તેટલી જીવંત લાગે છે.

આ ઉદ્યાનની વિશેષતા એ છે કે તેની લેવાતી કાળજીથી તેનું નાવિન્ય દરેક સમયે પ્રફુલ્લિત લાગે છે. અહીંની પ્રતિમાઓ પ્રતિકૃતિઓ છે એટલે જે જાણીએ છીએ તે જ પ્રદર્શિત થઇ રહ્યું છે. તે જ રીતે બ્રોંઝ ધાતુનો ઉપયોગ પણ નવો નથી. સૈકાઓ જૂનો છે. અન્ય ધાતુઓ કરતાં બ્રોંઝ અધિક મજબૂત અને ટકાઉ છે. ભારતમાં તેનો ઉપયોગ કુષાણ, ગુપ્ત અને ચૌલા સમયકાળથી થતો રહ્યો છે. મોહેંજો દરોમાંથી મળેલ નૃત્યાંગના અને ઘરવપરાશના વાસણો તેનું ઉદાહરણ છે. અહીં એ જ ધાતુકલાનો ઉત્તમ વિનિયોગ કરવામાં આવ્યો છે. એક કૃતિમાં તો આ ધાતુના પ્રયોગથી દર્પણમાં આપણો પ્રવેશ થતો લાગે અને તેની પાસે હરતાંફરતા મયૂરો આપણને અડકીને રમતાં હોય તેવું સામીપ્ય અનુભવાય.

સ્થાપત્ય ઉદ્યાનમાં પ્રવેશ કરીએ તે પહેલાં તેની બહાર પણ અનેક દર્શનીય સ્થાપત્યો એવી રીતે મૂકાયેલાં છે કે તેમની પાસે ઘડીભર ઊભાં રહીએ તો પણ ઘેલું લગાડે. બાંકડા પર અઢેલીને બેસેલો માણસ, બાંકડા પર શરીર લંબાવી છાપું મોઢા પર ઢાંકી સૂઈ ગયેલા, આંખનું ઝેર ઉતારતા માણસ પાસેથી હળવેથી પસાર થઈ જઈએ તેથી તેની મીઠી તંદ્રાને ખલેલ ન પડે. બાંકડા પર બેસી લહેરથી છાપું વાંચતા માણસ પાસે બેસી તે શું વાંચે છે તે જોવા છાપામાં ડોકિયું કરી લેવા મન થાય તે પહેલાં જ ઊંચી નજર કરી તે પૂછે છે ‘આ તમે જાણો છો ?” પગથી પર બાળકને સાઈકલ ચલાવતાં શિખડાવતો પિતા, વાહનોથી વ્યસ્ત માર્ગ પર રખે ઊતરી આવશે તેવો ધ્રાસકો પડે એટલાં જીવંત આ સ્થાપત્યો છે કે તેમની સાથે વાત કરવાનું મન થાય. આ સ્થાપત્યોમાં સાચા કદની પ્રતિમાઓ પણ છે, ઉપરાંત રાક્ષસી કદના સાચા ઘાસમાં ઘાસ કાપતો માણસ અને ભુવનમોહિની સૌંદર્યમૂર્તિ મેરેલિન મનરોથી આકર્ષિત મરુત તેના દેહના છદ્મ ભાગની ઝલક પામવા આક્ળો બની તેના વસ્ત્રને ઉડાડે છે. મનરો તેના આ ઉછ્રંખલ વર્તનથી ક્રોધિત નહીં પણ મુખ પર પ્રસન્નતા સાથે આ તોફાનીની કોશિષ નિષ્ફળ કરવા પોતાના પોષાકને હાથથી પકડી દબાવી લેવાની અર્ધ સફળ પ્રક્રિયાની આબેહૂબ વિશાળ પ્રતિકૃતિ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ પ્રતિમાના મુખ અને અંગોપાંગમાં ભાવ પ્રવહણ એટલું વાસ્તવિક છે કે તે પળને કેમેરામાં કેદ કરનાર અને તેને સ્થાપત્યમાં પરિવર્તિત કરનાર કલાકારોને મનોમન નમન થઈ જાય.

આ ઉપરાંત સાચા થડોમાં રચાયેલ પ્રાકૃતિક સ્થાપત્યો તેમ જ અન્ય અમૂર્ત સ્થાપત્યો જોઇને ઉદ્યાનમાં પ્રવેશ કરીએ. વિશાળ સ્વાગત સભાગૃહ અને તેના પ્રવેશદ્વાર પર પ્રવેશતાં પહેલાં બંધ પ્રવેશદ્વાર પર પ્રવેશ કરવા ઓટલા પર બેસેલા ઉત્સુક દાદા દેખાય. સભાગૃહ સાથે જ જોડાયેલા ઉદ્યાનની  માહિતી આપતાં સંગ્રહસ્થાનમાં પણ સ્થાપત્યોની પ્રતિકૃતિઓ જોવા મળે. તેની પાછળના ભાગના દરવાજાના કાચની બહાર જોઈએ તો નાનકડા શિખર પર સ્વયંમાં મગ્ન, આરામ અવસ્થામાં બેઠેલી સ્ત્રીની વિશાળ પ્રતિમા તરફ ધ્યાન જાય જ. તેને દૂરથી તાકતા રાની બિલાડાના પ્રતીકમાં આપણે સર્વ આવી જઈએ. વાતાનુકૂલ આ ગૃહ છોડી નીકળી પડીએ. તડકા, છાંયડા, જંગલ અને જંગલના એકાંતમાં.

અરે ! જુઓ ત્યાં ઘાસની સુંવાળી બિછાત પર પરીક્ષા પહેલાં, બાગના એકાંતમાં, આડો પડી પુસ્તક વાંચતો પેલો યુવાન ! રસ્તા ઉપર દીકરીના બુટની ખુલ્લી ગયેલી દોરી બાંધતી મા. કૃત્રિમ ધુમાડાના આચ્છાદન સાથે ડાકણો. થોડે દૂર કોલેજમાંથી બંક મારી અહીં આવેલા યુવાન અને યુવતી. ભીતના ટેકે ઊભેલી છોકરીના મુખ પર ઢળેલો યુવાન, બન્નેના મુખ પર આનંદ અને ઉત્તેજના છે. માણસોની અવરજવરની તેમને કોઈ પરવા નથી. અમૂર્ત – abstract સ્થાપત્યોનાં અર્થઘટનો કરતાં આગળ વધતા રહીએ. પ્રાણી જગતનાં સ્થાપત્યો એવી રીતે ગોઠવેલાં છે કે તે દરેકને આપણે સ્વતંત્ર રીતે જોઈ શકીએ. કદમાં મોટા હોવા છતાં તેની સપ્રમાણ દેહરચનાને લીધે તેના સ્વભાવનું સુપેરે દર્શન થાય. તેની એક બાજુ તળાવના કિનારે અંકોડામાં માછલી આવી જાય તેની શાંત પ્રતીક્ષા કરતો માણસ હૂબહૂ અને જીવંત લાગે છે કે તેની બાજુમાં જતાં ખચકાટ થાય કે તેની એકાગ્રતાનો ભંગ રખે તેને ક્રોધિત કરી દેશે તો! 

અરે! અરે! ત્યાં સહેજ જ દૂર એક નાવડીમાં કેટલાં બધાં માણસો સૂરા અને સુંદરીઓ સાથે બેસી આનંદ લઈ રહ્યા છે. સંગીતના આછા સૂર અને સરોવરના સરસર અવાજને માણવા આપણે અણનોતર્યા મહેમાન બની ન શકીએ, પરંતુ દૃશ્યને આંખમાં ઉતારવાની ના થોડાં પાડી શકે ? તળાવ પર બાંધેલા પુલના કઠેડા પર એક વૃદ્ધ યુગલ પોતાની વાતોમાં મસ્ત છે, જાણે વિતેલા જીવનની સ્મૃતિઓ વાગોળે છે. તેની સામેના કઠેડા પર ત્રણ છોકરાંઓ તો બધાં દૃશ્યોને મજાકનો વિષય ગણી હસતાં લાગે છે. હવે ગાઢ જંગલ છે, થોડી આડી આવતી ડાળીઓને હટાવી પ્રવેશ કરીએ તો અહીંના લોકો તો ‘અબ્રમણીય’ કહેવાનો ડોળ કરી આંખો ઝીણી કરી જોવાનું ન ચૂકે તેવું દૃશ્ય છે. બે પુરુષો, ફળ નાસ્તો કરવાની સામગ્રી અને નાનકડાં તળાવમાં સ્નાન કરી આવી નગ્ન અવસ્થામાં બેઠેલી સ્ત્રી છે. જુઓને! તેઓને કંઈ જ પડી નથી. ત્યાં તળાવમાં કોઈ આદિવાસી લાગતી સ્ત્રી પાણીમાં બે પગ મૂકી, વાંકી વળી પોતાનું કામ કરે છે.  થોડું વર્તુળાકારે આગળ વધતાં છોડોની છાયાંમાં બાંકડા પર બેસી બે વૃદ્ધાઓ અહીં જોયેલાં સ્થાપત્યો અંગે પોતાના અભિપ્રાયની આપલે કરે છે. વયથી પ્રાપ્ત અનુભવ અને મુખ પર પ્રજ્ઞાતેજ અભિભૂત કરે તેવાં છે. “પૂર્ણ સમર્પણ” સ્થાપત્ય રાજકપૂરના RK બેનરની યાદ અપાવે છે. સેવર્ડ જોહ્ન્સનનું જ પાંચ ભાગમાં બનેલું ૭૦ફૂટનું ‘અમૂર્ત સ્થાપત્ય’ “હવે તો જાગો – The Awakening” અત્યંત ધ્યાનાર્હ છે. એક શેતાની ચહેરો જમીનની બહાર નીકળવા જોરદાર પ્રયાસ કરે છે. તેના હાથના પંજા અને પગના ઘૂંટણનો ભાગ અને પગનો પંજો પણ બહાર આવી ગયાં છે. સહેજ જ ઊંચે હાથમાં હાથ રાખી, આનંદથી નૃત્ય કરતાં સ્ત્રી-પુરુષોનું શિલ્પ છે. આતંકનો આ પ્રવેશ સાંપ્રતમાં હાહાકાર મચાવનાર આતંકની પ્રતીકાત્મક દશા અને સૂચન પણ છે. આ અને એવાં અન્ય ૨૭૦ સ્થાપત્યો જુદાજુદા કદના અને જુદેજુદે સ્થળે યોગ્ય રીતે મૂક્યાં છે. અહીં દરેકનું વિવરણ શક્ય નથી.

સેવર્ડ જોહ્ન્સન અને પ્રખ્યાત ચિત્રકાર ક્લોડ મોનેના સંયુક્ત આકલનના પરિણામ સ્વરૂપ રેટ રેસ્ટોરાં. તેની આજુબાજુ મોનેના ચિત્ર “Water Lilies and Japanese Bridge” પરથી પ્રેરિત કમળસરોવર, તેની ઉપર પુલ, વૃક્ષો, છોડ અને ફૂલોરસિત વાતાવરણનું સુંદર આયોજન કર્યુ છે. સેવર્ડ જોહ્ન્સને સ્થાપત્યોની રચનાનો  પ્રારંભ કર્યો તે પહેલાં સ્વયં એક પ્રભાવી ચિત્રકાર હતા. તે પરથી રચિત તેમણે અહીં પોતાનાં પણ અમૂર્ત સ્થાપત્યો મૂક્યાં છે. ઉદ્યાનમાં ક્લેમેન્ટ મેડ્મોરે (Clement Meadmore), એન્થોની કેરો (Anthony Caro), બેવરલી પીપ્પર (Beverly Pepper), કીકી સ્મિથ (Kiki Smith), માગ્દેલા અબકાનોવીઝ (Magdalena Abakanowicz), બોઅઝ વાદિયા (Boaz Vaadia) અને જ્યોર્જ સેગલ (George Segal) દ્વારા રચિત સ્થાપત્યોને પણ સ્થાન આપ્યું છે.

આશ્ચર્ય એ વાતનું છે કે આ અપ્રતિમ ઉદ્યાનથી અહીંના જ પણ અને બહારના લોકો સદંતર અજાણ હોવાનું અનુભવાયું. આકર્ષણના આ કેન્દ્રની દેશવિદેશના લોકોએ મુલાકાત લેવી જ જોઈએ.

e.mail : Kanubhai.suchk@gmail.com

પ્રગટ : “નવનીત સમર્પણ”, ઍપ્રિલ 2019; પૃ. 55-60

Loading

8 July 2019 admin
← ઝોલ
મારે સુંદર, સેક્સી નથી દેખાવું →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved