
રમેશ સવાણી
વડા પ્રધાન મોદી / ગૃહ મંત્રી અમિત શાહ ‘ઘૂસપેઠિયા’ વિશે બોલે તો સમજવું કે ચૂંટણી સાવ નજીક છે !
આ ‘ઘૂસપેઠિયા’ એટલે કોણ? ભક્તો ‘ઘૂસપેઠિયા’નો શું અર્થ કરે છે? ‘ઘૂસપેઠિયા’ શબ્દ સાંભળતાં જ ભક્તોના માનસમાં કેવાં રાસાયણિક ફેરફારો થાય છે? તે મહત્ત્વનું છે. 1857માં દેશની પ્રથમ આઝાદીની ચળવળમાં અંદાજે 2 લાખ મુસ્લિમો શહીદ થયાં હતા. સ્વાતંત્ર્ય સેનાની અશફાક ઉલ્લાહ ખાનને 19 ડિસેમ્બર 1927ના રોજ ફાંસી આપવામાં આવેલ. સ્વતંત્રતા સંગ્રામમાં શહીદ થયેલા લોકોમાંથી લગભગ 30% મુસ્લિમ હતા. તેમ છતાં ભક્તો તો દેશના બધા મુસ્લિમોને ઘૂસપેઠિયા જ માને છે ! જો કે આસામમાં ઘૂસપેઠિયા હિન્દુ પણ છે. ઘૂસપેઠિયા મ્યાનમાર, નેપાળ અને અન્ય દેશોમાંથી પણ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરે છે.
જમીન માર્ગે / જળ માર્ગે / હવાઈ માર્ગે દેશની બોર્ડર ક્રોસ કરીને કોઈ ન આવે તે માટે સુરક્ષા એજન્સી BSF-બોર્ડર સિક્યોરિટી ફોર્સ કેન્દ્ર સરકાર પાસે છે. બોર્ડરનું સંપૂર્ણ નિયંત્રણ કેન્દ્ર સરકાર પાસે છે. જો ‘ઘૂસપેઠિયા’ દેશમાં ઘૂસી જતા હોય તો તેની જવાબદારી રાજ્ય સરકારની નથી પણ કેન્દ્ર સરકારની છે.
દેશમાં એક પણ ઘૂસપેઠિયો ન હોવો જોઈએ. એને દેશમાંથી કાઢીએ મૂકવા 11 વરસનો સમય ઓછો ન કહેવાય.
2024 પહેલા કેટલાં ‘ઘૂસપેઠિયા’ ઘૂસી ગયા હતા? તેમાંથી કેટલાને પરત મોકલી દીધાં? 2014થી 2025 દરમિયાન કેટલાં ‘ઘૂસપેઠિયા’ ઘૂસી ગયા છે? તેમાંથી કેટલાને પરત મોકલી દીધાં? આ વિશે ચોક્કસ આંકડાકીય માહિતી સરકાર જાહેર કરતી નથી !
2004માં, ગૃહ રાજ્ય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલે કહ્યું હતું કે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 12,053, 950 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસપેઠિયા છે. 2016માં, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે ભારતમાં આશરે 20 મિલિયન બાંગ્લાદેશી ઘૂસપેઠિયા ગેરકાયદેસર રીતે રહે છે, જે ઓસ્ટ્રેલિયાની વસ્તી જેટલાં છે. અગાઉ, UPA સરકારે 2004માં 1.2 કરોડનો આંકડો આપ્યો હતો.
રાજ્ય મુજબ જોઈએ તો, પશ્ચિમ બંગાળમાં માન્ય દસ્તાવેજો વિના રહેતા ઘૂસપેઠિયાની સંખ્યા સૌથી વધુ 5.7 મિલિયનથી વધુ હોવાનો અંદાજ છે. આસામ બીજા ક્રમે છે, આશરે 50 લાખ ઘૂસપેઠિયા છે.
22 ઓગસ્ટ 2025ના રોજ વડા પ્રધાન મોદીએ બિહારમાં કહ્યું હતું કે “દેશમાં ઘૂસપેઠિયાની વધતી સંખ્યા ચિંતાનો વિષય છે. બિહારના સરહદી જિલ્લાઓની વસ્તી વિષયક સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. તેથી, NDA સરકારે ઘૂસપેઠિયાને દેશનું ભવિષ્ય નક્કી ન કરવા દેવાનો નિર્ણય લીધો છે. અમે ઘૂસપેઠિયાને બિહારના યુવાનોની નોકરીઓ છીનવી લેવા દઈશું નહીં. આ ખતરાને પહોંચી વળવા માટે, મેં ડેમોગ્રાફી મિશન શરૂ કરવાની જાહેરાત કરી છે, જે ખૂબ જ ટૂંક સમયમાં તેનું કાર્ય શરૂ કરશે.”
2011માં 6,761 બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓને ભારતમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. 2012માં 6,537 બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓને ભારતમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. 2013માં 5,234 ઘૂસપેઠિયાને તેમના દેશમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા 2014માં કુલ 989 ઘૂસપેઠિયાને બાંગ્લાદેશ દેશનિકાલ કરવામાં આવ્યા હતા. 2015માં 474 ઘૂસપેઠિયાને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. 2016માં 308 ઘૂસપેઠિયાને બાંગ્લાદેશ દેશનિકાલ કરવામાં આવ્યા હતા અને 2017માં 51 ઘૂસપેઠિયાને બાંગ્લાદેશ દેશનિકાલ કરવામાં આવ્યા હતા ! આ રીતે ‘ઘૂસપેઠિયા’ સામે કામ થાય તો સદીઓ વીતી જશે ! જો ઘૂસપેઠિયાઓ આપણા યુવાનોની નોકરી છીનવી રહ્યા હોય તો તેમની સામે ગોકળ ગાય કરતાં પણ ધીમી ગતિએ કામ કેમ થઈ રહ્યું છે? શું વડા પ્રધાન / ગૃહમં ત્રીને નેહરુ રોકતા હશે?
આ ઘૂસપેઠિયાઓને રોજગારી આપે છે કોણ? એ કાંઈ હવા ખાઈને જીવી શકે નહીં ! ઘૂસપેઠિયાઓ આપણા યુવાનોની નોકરી કઈ રીતે છીનવી શકે? ઘૂસપેઠિયાઓને સસ્તા દરે કામે રાખનાર માલિક તો હિન્દુઓ જ છે ને? ઘૂસપેઠિયાઓ માટે જવાબદાર હિન્દુઓ કહેવાય કે નહીં?
વડા પ્રધાન મોદીજી કહે છે : “ઘુસપેઠ પર તાળું મારવાની NDAની પાક્કી જવાબદારી છે !” તો ગૃહ મંત્રી અમિત શાહ કહે છે : “મારી જવાબદારી છે ભાઈ, એક વખત દેશની સીમા જોઈને આવો. ત્યાંથી ઘૂસપેઠ કોઈ રોકી ન શકે !” આ બેમાંથી કોને સાચા માનવા? મોદીજીએ 11 વરસમાં ઘૂસપેઠિયાની સમસ્યા હલ કરી નથી હજુ ચાર વરસમાં આ સમસ્યા હલ થાય તેવા અણસાર નથી.
આ ‘ઘૂસપેઠિયા’ મોદીજીને સત્તામાં ટકાવી રાખનાર મહત્ત્વનું પરિબળ છે. ‘ઘૂસપેઠિયા’ વિશે બોલનાર ઓટોમેટિક દેશભક્ત બની જાય છે. એટલે દેશભક્તિનો ‘ડોળ’ મતોનો ધોધમાર વરસાદ આપે છે. ‘ઘૂસપેઠિયા’ ગજબના ચમત્કારી છે; જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે ‘ઘૂસપેઠિયા’ આવે છે અને તે ભા.જ.પ.ને જીતાડીને ચાલ્યા જાય છે !
22 ઓક્ટોબર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

