Opinion Magazine
Number of visits: 9725926
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઘટથી વટ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 March 2026

રવીન્દ્ર પારેખ

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધમાં ઈરાનના સર્વોચ્ચ પદના નેતાઓ પર જોખમો વધતાં આવે છે. ખોમેની પછી તેમના પુત્ર મોજ્તબા ખોમેનીએ ઈરાનની ધુરા સંભાળી, પણ તે આયાતોલ્લા નથી અને તેમના ઘાયલ થવાના અહેવાલ આવે તે પહેલાં નેતા અલી લારીજાની હુમલામાં માર્યા ગયાની પુષ્ટિ થઈ. આ ઘટના પછી ઈરાન પણ વળતો હુમલો કરવાની ફિરાકમાં છે. તે થશે એટલે ઇઝરાયલ વધુ ભડકશે ને વળી ઈરાનનાં તેલક્ષેત્રોનો ધુમાડો કરશે. આ ચાલ્યા જ કરશે, જ્યાં સુધી યુદ્ધ સમાપ્ત નહીં થાય. આ તબક્કે અમેરિકા યુદ્ધ અટકાવવાનું બહાનું શોધી રહ્યું છે. આ બધાંને માટે આ એક ખેલ છે ને તે હજારો નિર્દોષોનાં લોહીથી ખેલાય છે. આ યુદ્ધની આડ અસરોથી ભારત ગેસ કટોકટી અનુભવી રહ્યું છે ને ગેસ પર રંધાતી વાનગીઓ બંધ થઈ છે ને ક્યાંક તો હોટલો, લારીઓ પણ બંધ થઈ રહી છે. એક તરફ ગેસની અછતને કારણે બધું બંધ થઇ રહ્યું છે, તો ગુજરાતમાં છત થઈ શકે તેની અછત ઊભી કરવામાં, બીજું કોઈ નહીં, પણ સરકાર જ કટિબદ્ધ છે.

ગુજરાત સરકારના સતત પ્રયત્નો એવા રહ્યા છે કે તે શ્રેષ્ઠમાં તો ઠીક, નબળામાં પણ શ્રેષ્ઠ રહે. બીજે બધે જ સરકાર અબજો રૂપિયા ખર્ચે છે, પણ કેટલીક બાબતોમાં તે બહુ ગરીબ હોય તેમ કરકસર કરે છે, એ પણ વિક્રમ કરવાની રીતે ને તેની જરા ય સંકોચ વગર કબૂલાત પણ કરે છે. સરકારના જ 27 મંત્રાલયમાંથી 26માં 20 ટકાથી લઈને 68 ટકા જગ્યાઓ ખાલી છે. આમ તો સરકારમાં જ 1.63 લાખ જગ્યાઓ ખાલી છે. ગમ્મત તો એ છે કે રાજ્યના ચૂંટણી પંચ કમિશનર પણ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે. DGP ઓફિસના સાઈબર વિભાગમાં 326 જગ્યાઓ ખાલી છે. પેરા મેડિકલ સ્ટાફમાં 5,000થી વધુ જગ્યાઓ ભરવાની બાકી છે. આ કોન્ટ્રાક્ટ સિસ્ટમને લીધે ને એજન્સીઓને સોંપાયેલાં કામને લીધે સરકાર તેની નબળાઈઓમાં શ્રેષ્ઠ રહી છે ને વચેટિયાઓને કારણે ભ્રષ્ટાચારે પણ માઝા મૂકી છે.

સરકારે જ જાહેર કરેલા આંકડાઓ મુજબ રાજ્યમાં સ્પેશિઆલિસ્ટ ડોક્ટર્સની 2,196 જગ્યાઓ ખાલી છે. આ સ્થિતિ હોય ત્યાં આરોગ્યની કેવીક સ્થિતિ હશે તે કલ્પી શકાય એમ છે. ડોક્ટર્સના પદો હજારોની સંખ્યામાં ખાલી હોય તે કોઈ રીતે ઇચ્છનીય નથી. જ્યાં સૌથી વધુ જગ્યાઓ ખાલી છે તે પાંચ વિભાગો ગૃહ, પંચાયત, આરોગ્ય-પરિવાર, શિક્ષણ અને કૃષિમાં અનુક્રમે 57,160, 36,997, 15,228, 9,102, અને 9,32૩ જગ્યાઓ ખાલી છે. કાયદો અને વ્યવસ્થા પોલીસ વગર કલ્પી ન શકાય, પણ પોલીસતંત્રમાં જ કોન્સ્ટેબલથી લઈને આઈ.જી. કેડરમાં 44,00૦ જગ્યાઓ ખાલી છે. શિક્ષણમાં તો ગુજરાતનો એટલો દાટ વળ્યો છે કે શિક્ષક, આચાર્ય અને પ્રોફેસરની 18,000 જગ્યાઓ ખાલી પડી છે. વિધાનસભામાં કે સંસદમાં કોઈ સભ્યની જગ્યા ખાલી પડે તો તે જગ્યા ભરવા પેટાચૂંટણી થાય છે. ટૂંકમાં, વિધાનસભામાં કે સંસદમાં જગ્યાઓ લાંબા સમય સુધી ખાલી રહેતી નથી, પણ શિક્ષણમાં, પોલીસતંત્રમાં કે અન્ય ક્ષેત્રોમાં વર્ષોથી જગ્યાઓ ખાલી છે ને તે ભરવામાં સરકાર અખાડાઓ જ કરતી રહી છે. કોન્સ્ટેબલની 35,826, PI/PSIની 3,572 જગ્યાઓ ખાલી છે. શિક્ષણમાં શિક્ષકો નથી એટલું જ નહીં, સ્કૂલોનું મકાન પણ જર્જરિત જોવા મળે છે, તે એવું કે પડે તો જીવલેણ અકસ્માત સર્જાય. સ્કૂલ છે, તો તેમાં પૂરતા ઓરડાઓ નથી. વિધાનસભામાં ઓરડાની અછત અંગે માહિતી આપતાં શિક્ષણ વિભાગે લેખિત માહિતી એમ આપી કે રાજ્યનો એવો કોઈ જિલ્લો નથી, જ્યાં ઓરડાની ઘટ ન હોય. છે ને કમાલ ! સરકાર જ અછતની જાહેરાત પણ કરે છે. જેમ કે, બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 1,140 ઓરડાઓની ઘટ છે, જ્યારે માધ્યમિક શાળાઓમાં એ સંખ્યા 62ની છે. છોટા ઉદેપુર જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં 577, પંચમહાલમાં 569, ખેડામાં 524, દાહોદમાં 493… એમ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઓરડાઓની ઘટ જાહેર થઈ છે. આ જાહેરાતોમાં શરમ-સંકોચ નથી, બલકે, તે કોઈ સિદ્ધિ હોય તેમ સરકારે એ આંકડાઓ જાહેર કર્યા છે. આવી ઘટને કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવી રીતે ચાલતું હશે, એની કલ્પના કરવાનું બહુ અઘરું નથી.

એમાં એક વાહિયાત વાત સરકાર આવા કિસ્સાઓમાં કર્યા કરતી હોય છે, તે એ કે શાળામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવા તબક્કાવાર પગલાં લેવામાં આવી રહ્યાં છે. જરા પણ ભરોસો થાય એમ નથી, આવી વાત પર. આવું સરકાર છાશવારે બોલતી રહે છે, પણ ભાગ્યે જ કોઈ પગલાં લેવાય છે. વારુ, શિક્ષકો 2017થી કાયમી થયા નથી, તે સરકાર નથી જાણતી? ઘણીવાર તો શિક્ષણ વિભાગે જ એના આંકડાઓ આપ્યા હોય છે, તો પગલાં લેવા માટે સરકાર કયા મુહૂર્તની રાહ જુએ છે? હકીકતે પગલાંને નામે બહુ ઓછું અમલમાં આવે છે. આ અરાજકતા બીજી બાબતોમાં પણ જોવા મળે છે. અમદાવાદમાં સરકારી સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા 1,72,526 છે, જ્યારે સુરતની સમિતિની સ્કૂલોમાં એ સંખ્યા 1,99,0૦૦ છે, છતાં અમદાવાદમાં 453 શાળાઓ કાર્યરત છે ને સુરતમાં વધુ વિદ્યાર્થીઓ હોવા છતાં સ્કૂલો 362 જ છે. આ સ્થિતિ પણ રાતોરાત ઊભી થઈ નથી, છતાં નવ શાસનાધિકારીની નવી જગ્યાઓ ઊભી કરવાનું છેક હવે વિચારાય છે. હવે વિચારાય છે – અમદાવાદની જેમ સુરતમાં સમિતિના વહીવટનું વિકેન્દ્રીકરણ કરવાનું. આવી અરાજકતા ઠેર ઠેર છે. એટલે ન બોલ્યામાં નવગુણ સમજવાનું વધારે સરળ રહે એમ છે …

શિક્ષણ વિભાગ મોટે ભાગે બેદરકારીથી ચાલતો વિભાગ છે. વિભાગને ચલાવતું કોઈ નથી, વિભાગે જ ચાલવું છે, એટલે ચાલે છે. આવી તો અનેક ક્ષેત્રોમાં લાલિયાવાડી ચાલે છે, પણ વાઘને કોણ કહે કે તારું મોં ગંધાય ! સરકારી નોકરીમાં ભરતી કરતાં જી.પી.એસ.સી., ગૌણસેવા અને પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડમાં 300 જગ્યામાંથી 146 જગ્યા આઉટસોર્સથી 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર ભરાયેલી છે. વધારામાં જી.પી.એસ.સી.માં 25 જગ્યાઓ ખાલી પણ છે. રોજગાર શ્રમ વિભાગમાં જ 2,305 જગ્યાઓ ખાલી છે. આઉટસોર્સિંગનું સરકારને ઘેલું લાગ્યું છે. સરકારની જ 320 ઓફિસોમાં 1.39 લાખ કર્મચારીઓ, અધિકારીઓ આઉટસોર્સિંગથી ‘જમા’ કરવામાં આવ્યા છે, એ પરથી પણ આઉટસોર્સિંગની ઘેલછાનો ખ્યાલ આવશે. વળી આ મફત નથી થતું. તેમને વર્ષે 5,355 કરોડ ચૂકવાય છે. આમાં કટકી ‘કટકા’ જેવડી હોય તો નવાઈ નહીં ! એટલું સારું છે કે સરકાર આઉટસોર્સિંગથી વિધાનસભા કે સંસદમાં નથી બનતી, નહિતર એ પણ થાય તેમાં બે મત નહીં ! સરકારમાં કશું કોન્ટ્રાક્ટ પર નથી, કામચલાઉ નથી. રાજ્ય સરકારમાં 1.23 લાખ અને મંત્રાલયની ગ્રાન્ટ મેળવતી સંસ્થાઓમાં 40,000 જગ્યાઓ ખાલી છે. સરકારે જેટલી જગ્યાઓ મંજૂર કરી છે એ કાયમી ધોરણે ભરવાની હોય છે, પરંતુ જે જગ્યાઓ ભરવામાં આવી છે તેમાં આઉટસોર્સ, 11 મહિનાનો કોન્ટ્રાક્ટ અને ફિક્સ વેતન કેન્દ્રમાં છે. રાજ્યમાં ફિક્સ વેતનની નીતિ 2006થી અમલમાં છે ને તેનો કેસ સુપ્રીમમાં ચાલે છે. કોર્ટનો ચુકાદો આવે ત્યાં સુધીમાં તો ઘણું રંધાઈ ગયું હશે.

અહીં વર્ણવી તે કરતાં પણ વધારે જગ્યાઓ ખાલી છે. ઘણી વાર તો એવું લાગે છે કે આ ખાલી જગ્યાઓથી જ સરકાર ભરેલી ભરેલી છે. નોકરીની જગ્યાઓ ભરાય જ નહીં, તો શિક્ષિત બેકારીની કોઈ જવાબદારી સરકારની ખરી કે કેમ? ને આ બધી કરકસર પણ નહીં, કંજૂસાઈ શેને માટે? એટલી જ કંજૂસાઈ કરવી હોય તો વિધાનસભાની અને સંસદની સીટ કેમ વધારવી પડે છે? અડધી સંસદ કે અડધી વિધાનસભાથી પણ ચાલેને? એમનો કોઈ સભ્ય કોન્ટ્રાક્ટ પર કે ફિક્સ પગારે કેમ નથી? જ્યારથી આઉટ સોર્સિંગ વધ્યું છે, નિમણૂકોમાં કંજૂસાઈ અને એજન્સીઓમાં નફાખોરી વધી છે. સરવાળે તો ભ્રષ્ટાચાર જ વધ્યો છે. લાખો જગ્યાઓ ખાલી રાખીને કારભાર કરવામાં સરકાર નફાખોર વેપારીની જ યાદ અપાવે છે. આનાથી સરકાર તો ઊજળી નથી જ દેખાતી, પણ દરેક ક્ષેત્રમાં ગુણવત્તાને જ દાવ પર લગાવવા જેવું થાય છે.

બધે જ ઘટથી વટ ના પડે એ સમજી લેવાનું રહે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 માર્ચ 2026

Loading

20 March 2026 Vipool Kalyani
← My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families

Search by

Opinion

  • સયાજીરાવ ગાયકવાડને યાદ કરવા એટલે …
  • તેઓ ભલે ‘નિર્દોષ’ છૂટ્યા હશે, પણ વગર વાંકે સજાનું શું?
  • પુલમાં સિક્કો – એક અવલોકન 
  • રાજકીય કોઠાઓને ભેદતું ઉખાણું : ભગતસિંહ
  • ગઝલ

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved