આવ-જાની બેઉ ક્ષણ સાથે જ છે,
તો કહું ક્યાંથી ચરણ સાથે જ છે.
તું હવા થઈને વહે ને તું ના હો,
તો થતું વાતાવરણ સાથે જ છે.
હોય જો વિસ્મય તો પાછળ જો ન તું,
જ્યાં હશે ત્યાં બાળપણ સાથે જ છે.
આંસુ હો ને આંખ ભીની ના કરે,
તો સમજ કે ક્યાંક રણ સાથે જ છે.
તીર પાછળ ને તરસ આગળ રહે,
બેઉને જોડે હરણ સાથે જ છે.
ત્યાગ કર ખુદનો હંમેશાં સ્નેહમાં,
તું ન હો, પણ, એક જણ સાથે જ છે.
એ ય ઈશ્વર જેમ ના દેખાય પણ,
તું ગમે ત્યાં જા, મરણ સાથે જ છે.
e.mail : ravindra21111946@gmail.com