
નેહા શાહ
આશરે બે વર્ષથી ચાલતા સતત હુમલા … આશરે ૬૫,૦૦૦ લોકોનાં મૃત્યુ … લાખો ઈજાગ્રસ્ત લોકો અને લાખો ભૂખમરાની કગાર પર ઉભેલા લોકો … આ છે ૨૧મી સદીના ગાઝાની વાસ્તવિકતા ! ઈઝરાઈલ અને પેલેસ્ટીનની વચ્ચેનો સ્થાનિક વિખવાદ માત્ર નથી. ગાઝામાં જે ચાલી રહ્યું છે તે વૈશ્વિક સ્તરની નૈતિક કટોકટી છે. આ કટોકટી આજની નથી, એની શરૂઆત ઈઝરાઈલ દેશની જન્મ સાથે જ થઇ છે, જે હાલમાં એની ચરમસીમા પર છે. બે વર્ષથી આખી દુનિયા જોઈ રહી છે અને અહીં માનવ સંહાર ચાલી રહ્યો છે. આ યુદ્ધ નથી. બે વર્ષ પહેલા હમાસે કરેલો હુમલો અપ્રસ્તુત બની ગયો છે, એના બહાના પાછળ ગાઝા પટ્ટીમાં આવેલા એકે એક શહેર પર વ્યવસ્થિત હુમલા કરી સંપૂર્ણ વિનાશ કરવાને યુદ્ધ ના કહેવાય. જ્યારે ગુનાના પ્રમાણમાં સજા નક્કી થાય ત્યારે ન્યાય થાય. ગાઝાથી જે થોડા ઘણા વીડિયો આપણા સુધી પહોંચે છે એમાં પાકા ઘરો, બહુમાળી મકાનો મિસાઈલ કે ડ્રોન હુમલા પછી પત્તાના મહેલની માફક તૂટી પડતા દેખાય છે. પાછળ સંપૂર્ણપણે તારાજ થયેલું શહેર! હોસ્પિટલો અને શાળા પણ હુમલાથી બચ્યા નથી. મૃત્યુ પામનારામાં સ્ત્રીઓ અને બાળકોનું પ્રમાણ ઘણું મોટું છે! ૧,૨૦૦થી વધુ ડોકટરો અને આરોગ્ય કર્મીઓ તેમ જ ૨૦૦થી વધારે પત્રકારોનાં મૃત્યુ થયા છે – હિંસાથી સત્તા ટકાવી રાખનારને લોકશાહી મૂલ્યોથી કામ કરનાર પત્રકારો માફક નથી આવતા! લાગે છે જાણે ૧૯૪૮થી યહૂદી રાષ્ટ્રનો વિસ્તાર વધારવાનું જે અભિયાન ઈઝરાઈલે શરૂ કર્યું હતું એના ભાગ રૂપે આખું ગાઝા હવે કબજે કરવા માંગે છે અને તે પણ સ્થાનિક રહેવાસી વગર!
એક વર્ષથી સંયુક્ત રાષ્ટ્ર ગાઝામાં માનવ સર્જિત દુષ્કાળની શક્યતા અંગે જગતને ચેતવી રહ્યું હતું, અને ૨૦૨૫ની ૨૨મી ઓગસ્ટે ભૂખમરાની સત્તાવાર જાહેર કરાઈ. સપ્ટેમ્બર મહિનામાં દુષ્કાળ અને ભૂખમરો વધુ ભયાનક બની ફેલાશે એવી શંકા વ્યક્ત થઇ છે. આમ છતાં, ઇઝરાયેલની આર્મી કોઈ પણ પ્રકારની માનવતાવાદી સહાય આ વિસ્તારમાં પહોંચવા નથી દેતી. માર્ચ મહિનાથી કોઈ પણ આવન જાવન બંધ છે! સંયુક્ત રાષ્ટ્ર તરફથી આવતી મદદ પણ નહિ. આ બર્બરતા ૨૧મી સદીમાં પણ થઇ રહી છે – આખી માનવ જાત જોઈ શકે એ રીતે થઇ રહી છે! ઈઝરાઈલ એના શ્રેષ્ઠ હથિયાર અને ગુપ્તચર સેવા સાથે મુશ્તાક છે. ખોબા જેટલું ઈઝરાઈલની આ હિંમત વિશ્વના શક્તિશાળી દેશોની સીધી કે આડકતરી રીતે ભાગીદારી વિના શક્ય નથી ! પાછલા ચાર – પાંચ મહિનાથી યુરોપના દેશો યુદ્ધ અટકવું જોઈએ એવી વાતો કરી રહ્યા છે, પણ એમના પ્રયત્નો ઈઝરાઈલને હુમલાઓ કરતુ બંધ થાય એવું દબાણ ઊભું કરવા માટે પૂરતા નથી.
જ્યાં રાજ્ય સત્તાઓ ઢીલી પડે છે, ત્યાં નાગરિકોને જવાબદારી ઉપાડી લેવી પડે છે. સિડની, લંડન, હેગ, વોશિંગ્ટન ડી.સી., જીનીવા, મેડ્રીડ, ટોક્યો, મેડ્રીડ, દમાસ્કસ, ઢાકા જેવાં દુનિયાના અલગ અલગ ખૂણામાં આવેલાં શહેરોમાં હજારોની સંખ્યામાં લોકોએ ઈઝરાઈલ સામે વિરોધ પ્રદર્શિત કર્યા છે. ભારતમાં પણ મુંબઈ, દિલ્હી અને કલકત્તા જેવાં શહેરોમાં પ્રદર્શન થયા છે જ્યાં ઈઝરાઈલ વિરુદ્ધ કડક નિવેદન આપવા માટે ભારત સરકાર પર દબાણ લાવવાનો હેતુ પણ હતો. પણ, જ્યારે દુનિયાના દેશો ઈઝરાઈલ પર દબાણ ઊભું કરી રહ્યા છે, ત્યારે તેના નાણા મંત્રી બેઝાલેલ સ્મોટ્રિચ – જે તેમના આક્રમક અંતિમવાદી વિચારો માટે અનેક વાર વખોડાઈ ચુક્યા છે અને તેમની પર ઘણાં દેશોએ પ્રતિબંધ મુક્યો છે – તે ભારતના પ્રવાસે આવ્યા છે. બંને દેશો દ્વિપક્ષીય રોકાણ સમજુતી પર હસ્તાક્ષર કરી આર્થિક સહકાર તરફ આગળ વધી રહ્યા છે!
અનેક દેશના અનેક નાગરિકો દેખાવ કરવા ઉપરાંત ગાઝામાં સીધી મદદ પહોંચાડવાનું કામ પણ કરી રહ્યા છે. ફ્રીડમ ફ્લોટિલા ગઠબંધન (એફ.એફ.સી.) ધરા તળે આવું જ કામ કરતા સંગઠનોનું ગઠબંધન છે જે ૨૦૧૦થી ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડવાનાં પ્રયત્નો કરતું રહે છે. હાલમાં ૪૪ દેશોના કર્મશીલો ૨૦થી વધુ બોટમાં ‘ગ્લોબલ સુમુદ ફ્લોટિલા’ ગાઝામાં માનવતાના ધોરણે ખાદ્ય પદાર્થો, દવાઓ, બેબી ફૂડ, જેવી સહાય પહોંચાડવા નીકળ્યા છે. અરેબીકમાં ‘સુમુદ’નો અર્થ છે ખંત, અને ફ્લોટિલા એટલે નૌકાનો કાફલો. આ કાફલામાં સ્વીડનની યુવા કર્મશીલ ગ્રેટા થન્બર્ગ પણ છે, જેના વહાણ પર ૯મી અને ૧૦મી સપ્ટેમ્બરે, બે વાર તુનીશિયાના દરિયામાં ડ્રોનથી હુમલો થયો. નસીબ જોગે ટીમના દરેક સભ્ય બચી ગયા. સુમુદ ફ્લોટિલાને ઈઝરાઈલે ધમકી આપી છે કે તેનાં સભ્યોની આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવશે અને તેમને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે. આ પહેલા પણ જૂનમાં એફ.એફ.સી.નું એક જહાજ મૂળભૂત જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા નીકળ્યું હતું જેને ઇઝરાયેલી દળોએ તેને ગાઝાપટ્ટી સુધી પહોંચતા અટકાવ્યા હતા. ફ્લોટિલા આંતરરાષ્ટ્રીય સમુદાયની નિષ્ફળતાનું પરિણામ છે, જો જનરલ એસેમ્બલી અથવા સુરક્ષા પરિષદે ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડવા માટે નિર્ણાયક પગલાં લીધાં હોત, તો નાગરિક સમાજના કાર્યકરોને પોતાનો જીવ જોખમમાં મૂકી દરિયો ખેડવાની ફરજ પડી ન હોત. વિશ્વ યુદ્ધ પછી વિશ્વ શાંતિ માટે સર્વસંમતીથી લીધેલા નિર્ણયોના લગભગ એંશી વર્ષે નૈતિકતાની એ જ કટોકટી આપણને તાકી રહી છે.
સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર