
રવીન્દ્ર પારેખ
અમેરિકા અને ઇઝરાયલ, ઈરાનની સામે પડ્યાંને તેરેક દિવસ થવાના પણ બંને પક્ષો નિર્દોષોનાં મોત વધારવામાં હજી પણ સક્રિય છે. એ કરુણતા છે કે એવા બની બેઠેલા સત્તાધીશને આખા જગતમાં પડકારનાર કોઈ નથી ને બધા જ દેશો તેમના વાહિયાત તુક્કાઓને કુરનીશ બજાવતા અનુસરી રહ્યા છે. ઈરાનના વળતા હુમલાઓમાં પણ નુકસાન ઇઝરાયલ અને અમેરિકા ભોગવી રહ્યાં છે ને કોઈ મચક આપવા તૈયાર નથી. ઈરાનનું ઝનૂન અણુ હુમલાઓ સુધી જવામાં પણ નાનમ અનુભવે એમ નથી. ઈરાનના સર્વોચ્ચ નેતા ખોમેનીનાં મૃત્યુ પછી પણ, ઈરાનનો હુમલાઓનો શોખ પૂરો થયો નથી. જો કે, ઈરાન પાસે તેલની શક્તિ છે, એટલે તેણે પેટ્રોલ, ડિઝલ, ગેસની ભારત, પાકિસ્તાન જેવા દેશોમાં અછત ઊભી કરી છે. અમેરિકાની હાલત અત્યારે કારણ વગરના યુદ્ધની શરૂઆત પછી, મા, મને કોઠીમાંથી કાઢ જેવી છે. નથી ઈરાનને ગળી શકાતું કે નથી તો બહાર કાઢી શકાતું. સાપે છછુંદર ગળ્યા જેવી હાલત છે. આમાં ભારતને નથી ઈરાન સામે શત્રુતા કે નથી ઇઝરાયલ, અમેરિકા સાથે, પણ બે આખલા લડે ને ઝાડનો ખો નીકળે એ રીતે ભારત આજકાલ ‘ગેસ’ ટ્રબલ અનુભવી રહ્યું છે.
આમ પણ આપણે ત્યાં દુઃખને મોટું કરીને જોવાની ટેવ છે. તકલીફ હોય તેના કરતાં ભારતીય પ્રજાને વધુ જ દેખાય છે ને તે મરવા પહેલાં જ ખભે ધોતિયાં નાખતી રહે છે. તેલ ગેસની કટોકટી છે, તેની ના નહીં, પણ ભારતીય વેપારીઓ અછતમાં જ સંગ્રહખોરીમાં પડે છે, જેથી અછતવાળી વસ્તુઓને બ્લેકમાં વેચીને વધુને વધુ હોજરી ભરી શકાય. સરકારે પેનિક ન થવાની ને સંગ્રહ ન કરવાની સલાહો આપ્યા પછી પણ LPG સિલિન્ડરોની અછત ઊભી થઈ છે, તો ક્રૂડનો ભાવ બેરલ દીઠ 100 ડોલર થઈ જતાં પેટ્રોલ, ડિઝલના ભાવ વધવાની બૂમરાણ પણ મચી છે. હોટેલોમાં કોમર્શિયલ ગેસની અછતને કારણે, ધંધા પર ભારે અસરો જોવાઈ રહી છે. ગેસ સિલિન્ડર મળશે કે નહીં એની ફિકરમાં ગુજરાતી જનતા સિલિન્ડરો સાથે લાઈનો લગાવીને ‘ગેસ ટ્રબલ’ વધારી રહી છે.
ઘણી હોટેલોમાં ગેસના સ્ટવ પર બનતી વાનગીઓ મળતી બંધ થઈ છે. કેટલીક હોટેલોએ માત્ર જમવાનું આપવાની તૈયારી રાખીને બીજી આઈટેમો પીરસવાનું બંધ કર્યું છે, તો કેટલાકે ઢોસા, પૂરીનો વિકલ્પ સેન્ડવિચમાં જોયો છે. લગભગ દરેક હોટેલોમાં મેનુ પર કાપ મુકાયો છે. લોકોને એ ચાલવાનું તો નથી, પણ છૂટકો નથી. કેટલાકે સિલિન્ડરને બદલે ઇન્ડકશન સ્ટવ કે બીજી ઇલેક્ટ્રિક ડિવાઈસિસથી કારભાર ચાલુ કર્યો છે. આ બધા વિકલ્પો પછી પણ ગેસની અછત છે તે છે જ ! ઘણાં ધંધા બંધ પડ્યા છે. ઘણાંની નોકરીઓ ગઈ છે ને બીજી આફ્તો તો ઊભી જ છે. રાજ્યમાં ડેરી પ્લાન્ટમાં ગેસ પુરવઠામાં 40 ટકાનો કાપ આવતા, ઘણાં પ્લાન્ટ બંધ કરવાની સ્થિતિ આવી છે, એને કારણે મિલ્ક પાવડરનું ઉત્પાદન ઘટી જવાની ભીતિ વધી છે. ગેસની અછતને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગમાં શટડાઉન લાગુ પડ્યું છે ને 16 હજાર જેટલા ડ્રાઈવરો અને કલીનરોએ નોકરીથી હાથ ધોઈ નાખવા પડ્યા છે.
સરકાર વાયદાઓ તો કરે છે કે એલ.એન.જી.ના બે કાર્ગો નીકળી ચૂક્યા છે, એટલે ગેસ કટોકટી નિવારી શકાશે. વધારામાં રશિયાએ પણ ઓઈલની મદદ કરવાનું કહ્યું છે. વાત તો એવી પણ છે કે હોર્મુઝ્ની સામુદ્રધૂની નજીકથી પસાર થતાં કાર્ગો જહાજને નિશાન બનાવાતાં ભારત સરકારે કહેવું પડ્યું કે કાર્ગો જહાજને નિશાન બનાવવાં દુર્ભાગ્યપૂર્ણ છે, તે એટલે પણ કે ભારતનો મોટા ભાગનો તેલ પુરવઠો અહીંથી પસાર થાય છે. જો કે, બંને દેશોના વિદેશ મંત્રીઓની વાતચીત પછી, ભારતનાં તેલ ટેન્કરોને હોર્મુઝ્ની સામુદ્રધૂની નજીકથી પસાર થવાની મંજૂરી મળી ગઈ છે.
બીજી તરફ સરકાર કોઈ પણ કટોકટીમાં દેશભક્તિ જગાવીને સલાહ સૂચના તો જનતાને જ આપે છે, એ સિવાય તે રાજગાદી ભોગવતી રહે છે. ગેસ કટોકટી સરકારના ઘરો માટે નથી, એટલે તેને તો કોઈ વાંધો આવવાનો નથી, મરો લારીવાળાઓનો થવાનો છે. જનતા સલાહ માટે ને કરકસર માટે જ નથી ને જે ઉપદેશકો પ્રજાને સલાહ ને કરકસરની વાત કરે છે, એમણે શરૂઆત જ ઘરથી કરવી જોઈએ. એ જરૂરી છે, મગર વો દિન કહાં કિ …
એ અત્યંત દુ:ખદ છે કે ભારતીય વેપારીઓ કોઈ પણ અછત વખતે વધુ નફો કેમ રળાય તેની વેતરણમાં રહે છે. રાંધણગેસની અછત છે ત્યારે તેનો બાટલો 900ના 1800 લઈને વેચાય છે, તો કોમર્શિયલ ગેસ 1,918નો સિલિન્ડર 4,000 લઈને વેચાય છે. અપવાદો ઘણાં હશે જ, પણ બ્લેકમાર્કેટિંગ, કરપ્શન ભારતનાં લોહીમાં છે. ગેસ સિલિન્ડર બ્લેકમાં વેચાય છે, તે તો જોયું, સાથે જ કરપ્શનનો દાખલો પણ સામે આવ્યો છે તે પણ જોઈએ.
ગુજરાત શિક્ષણ વિભાગે 16,680 સ્કૂલોમાં પીવાનાં પાણી માટે R૦-UV મશીનનાં મેઈન્ટેનન્સનું 41.73 કરોડનું ટેન્ડર 4 એજન્સીઓને સોંપ્યું છે. આઈમા નામની ખાનગી એજન્સીને આધારે બિનઅનુભવી શ્રીજી સેલ્સે 9 કરોડથી વધુનું કામ મેળવ્યું છે. આઈમાને પણ મેઈન્ટેનન્સનું કામ સોંપાયું છે. ટૂંકમાં, આ એજન્સીઓએ એટલું ભલું શિક્ષણ વિભાગનું કર્યું છે કે 16,680 RO-UV મશીન્સ નવાં ખરીદી શકાય, એથી વધુ રકમનું કામ મેઈન્ટેનન્સનું મેળવ્યું છે. ગમ્મત તો એ છે કે જે સ્કૂલોમાં મશીન જ નથી, એ સ્કૂલોનાં નામ પણ મેઈન્ટેનન્સની યાદીમાં શામેલ છે.
50 લીટરની ક્ષમતા ધરાવતા મશીનની બજાર કિંમત અંદાજે 10,5૦૦ હોય તો મેઈન્ટેનન્સ માટે મશીન દીઠ 9,135ની લહાણી કરવામાં આવી છે. એ જ રીતે 100 લિટરનાં મશીનનાં 16 હજાર, 150 લિટરનાં 25 હજાર, 250 લિટરનાં મશીનની 30,00૦ બજાર કિંમત છે, પણ ટેન્ડરમાં મેઈન્ટેનન્સ અનુક્રમે 15, 18, 23,000 નક્કી થયા છે. યુવી મશીનમાં પણ 40થી 50 ટકા ઊંચી કિંમત મેઈન્ટેનન્સ માટે નક્કી કરવામાં આવી છે. એજન્સીઓ હરામના પૈસા લૂંટવામાં માહિર હોય છે ને એની ખબર ટેન્ડર મંજૂર કરનારને પણ હોય છે, એટલું જ નહીં ક્યાંક તેમની હોજરી પણ ભરાતી હોય છે. સાંઠગાંઠ વગર આ શક્ય જ નથી. બજારમાંથી શિક્ષણ વિભાગ 16,680 મશીન નવાં ખરીદે તો પણ 28.97 કરોડમાં ખરીદી શકાય, પણ સ્ટેટ પ્રોક્યોરમેન્ટ પોલિસીના નિયમો નેવે મૂકીને 41.73 કરોડનું ટેન્ડર મેઈન્ટેનન્સનું કર્યું છે. એજન્સીઓ ભયંકર ભ્રષ્ટાચાર કરે, તેની નવાઈ નથી, પણ 28.97 કરોડનાં નવાં મશીનનું મેઈન્ટેનન્સનું ટેન્ડર 41.73 કરોડનું મુકાય ને કોઈના ય પેટનું પાણી ન હાલે, તો સમજી લેવાનું રહે કે આ કારભાર એકલો એજન્સીનો નથી. આ વંશવેલા મૂળથી સડેલા છે. એમાં સૌથી વાહિયાત વાત કોઈ હોય તો ખાતર પર દિવેલની જેમ, સમિતિઓ રચવાનું, તપાસ કરાવવાનું ને પગલાં ભરવાનું. આ પણ મેઈન્ટેનન્સ ટેન્ડર જેટલું જ ગંદું છે.
આટલા રૂપિયા લૂટાવવા છતાં સ્કૂલોમાં પાયાની જરૂરિયાતોને નામે ધાંધિયાં જ હોય છે. કાગડા બધે જ કાળા, તેમ ભ્રષ્ટાચાર, બ્લેકમાર્કેટિંગ ભારતીય નસેનસમાં ફેલાયેલાં છે. સુરતની શિક્ષણ સમિતિની સ્કૂલોમાં સ્વચ્છતાને નામે ઘોર અઘોર નિર્લજ્જતા ને બેદરકારી જ સામે આવી છે. સમિતિની સત્તર સ્કૂલોમાં સ્વચ્છતાને નામે ભવાડા જ સામે આવ્યા છે. એક તરફ RO મશીનનાં મેઈન્ટેનન્સમાં લૂંટ ચાલે છે, તો સ્કૂલમાં આચાર્યો કાગળ પર જ કસરત કરે છે. પાણીની પરબમાં શેવાળ બાઝી ન જાય ત્યાં સુધી પાણી પીવાતું રહે છે, શૌચાલયોનું બીજું નામ જ દુર્ગંધ હોય તેમ ત્યાં કશું મેન્ટેઈન થતું નથી. સાયન્સ-કોમ્પ્યુટર લેબમાં ધૂળના ઢગલા હોય એવી 17 સ્કૂલોને નોટિસ બજાવવામાં આવી છે. બાકીની સ્કૂલો તપાસાય તો ઘણી સ્કૂલો સ્વચ્છતાને નામે દુર્ગંધ ફેલાવતી જ નજરે ચડશે.
ગેસ ટ્રબલ, પેટથી હોટેલ ઉદ્યોગ ને અન્ય ક્ષેત્રે જોવા મળી છે ને એ ઈરાન-ઇઝરાયલ, અમેરિકાની બેવકૂફીનું પરિણામ છે. એક માણસ દુનિયાને બાનમાં કેવી રીતે લઈ શકે છે તેનો આ યુદ્ધ પુરાવો છે. આવી બેવકૂફીને કારણે જેમણે કોઈનું કંઇ બગડ્યું નથી એવા નિર્દોષો મોતને ઘાટ ઉતરતા રહે છે. કોઈની પણ સત્તાલાલસા, નિર્દોષોનાં મૃત્યુથી વધારે મહત્ત્વની કેવી રીતે હોય તે નથી સમજાતું ને બીજી તરફ પ્રજા પણ ભ્રષ્ટ હોય ને કોઈ પણ રીતે પૈસા બનાવવાનું ન ચૂકે એ શરમજનક છે. આવું એવા લોકો જ કરતા હોય છે, જેમની પાસે હોવી જોઈએ તેથી વધુ ધનસંપત્તિ છે. એક માણસને સારી રીતે જીવવા કેટલું જોઈએ ને માણસ એટલાથી પણ ન ધરાય ત્યારે આઘાત, માણસ બધું અહીં મૂકી જવાં આટલાં હવાતિયાં મારે છે, એનો લાગે છે. પોતાની સાથે નાનામાં નાનો સિક્કો પણ લઇ જવાતો ન હોય ને બધા દાખલાઓનો જવાબ થોડી રાખમાં આવતો હોય તો માણસે પોતાની લાલસાઓ વિષે વિચારવું જોઈએ એવું નથી લાગતું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 માર્ચ 2026
![]()

