Opinion Magazine
Number of visits: 9446928
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગનેઆન પરસારક મંડળી

દીપક મહેતા|Opinion - Literature|21 May 2018

કાળચક્રની ફેરીએ

મંડળી મળવાથી થતા લાભ કવિ નર્મદે જાણ્યા અને જાહેર ભાષણ દ્વારા લોકોને જણાવ્યા. પણ એ લાભ તરફ આપણું ધ્યાન ખેંચ્યું કેટલાક અંગ્રેજોએ. જુદા જુદા હેતુ માટેની મંડળીઓની શરૂઆત તેમણે કરી કે ‘દેશીઓ’ પાસે કરાવી.

૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટી શરૂ થઈ તે સાથે પશ્ચિમ ભારતમાં ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ એમ મોટે ભાગે મનાતું આવ્યું છે. પણ હકીકતમાં આવી શરૂઆત તે પહેલાં, ૧૮૩૫માં મુંબઈમાં એલ્ફિન્સ્ટન કોલેજની સ્થાપના થઈ તે સાથે થઈ હતી. એ વખતે આ કોલેજમાં જે અંગ્રેજ અધ્યાપકો હતા તે માત્ર પાઠ્યક્રમ પ્રમાણે ભણાવવામાં ઇતિશ્રી માનનારા નહોતા. પણ પોતાના વિદ્યાર્થીઓને સમાજ સુધારો, સાહિત્ય, શિક્ષણ, વગેરે ક્ષેત્રોમાં સક્રિય કરવાની પણ પોતાની ફરજ સમજનારા હતા. આવા બે પ્રોફેસરો તે એ.એમ. પેટન અને આર.ટી. રીડ.

ઇંગ્લન્ડથી મુંબઈ આવી આ કોલેજમાં ભણાવવાની શરૂઆત કર્યા પછી થોડા જ વખતમાં તેમણે પોતાની કોલેજના વિદ્યાર્થીઓને ‘સ્ટુડન્ટ્સ લિટરરી એન્ડ સાયન્ટિફિક સોસાયટી’ની સ્થાપના કરવાની પ્રેરણા આપી. ‘પારસી પ્રકાશ’(દફતર ૧, પાનું ૫૦૬)માં દર્શાવ્યા પ્રમાણે ૧૮૪૮ના જૂન મહિનાની ૧૩મી તારીખે આ સોસાયટીની સ્થાપના થઈ હતી. પ્રો. પેટન તેના પહેલા પ્રમુખ બન્યા હતા. તેની પહેલવહેલી કમિટીમાં નીચેના પારસીઓનો સમાવેશ થયો હતો: દાદાભાઈ નવરોજજી, અરદેસર ફરામજી મૂસ, ફરામજી એદલજી દાવર, બહમનજી પેશતનજી માસતર, કાવશજી એદલજી ખંબાતા, બરજોરજી રુસતમજી મોદી, અને બેહરાંમજી ખરશેદજી ગાંધી. (નામોની જોડણી ‘પારસી પ્રકાશ’ પ્રમાણે) શરૂઆતનાં કેટલાંક વર્ષોમાં એલ્ફિન્સ્ટન કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જ તેના સભ્ય બની શકતા. ૧૮૪૮માં તેના કુલ ૨૧ સભ્યો હતા જે બધા જ એક યા બીજી રીતે એલ્ફિન્સ્ટન કોલેજ સાથે સંકળાયેલા હતા. ૧૮૫૬માં સભ્યોની સંખ્યા વધીને ૧૯૦ થઈ હતી. સભ્યોની સંખ્યા વધવા પાછળનું મુખ્ય કારણ એ કે ૧૮૫૨માં હર કોઈ સુશિક્ષિત પુરુષ માટે સભ્યપદ શક્ય બન્યું હતું. આ સોસાયટીની મુખ્ય કામગીરી હિન્દુસ્તાનની સામાજિક સ્થિતિ વિષે લેખો લખવા, ભાષણો કરવાં, અને તેના ઉપર ચર્ચાઓ કરવી તે હતી. શરૂઆતથી જ તેમાંથી રાજકારણ અને ધર્મને લગતી બાબતોને બાકાત રાખવામાં આવી હતી.

આ સોસાયટીનો કારોબાર — તેમાં વંચાતા નિબંધો અને થતાં ભાષણો — અંગ્રેજીમાં જ થતો. તેથી બધા વિદ્યાર્થીઓ માટે તેમાં ભાગ લેવાનું શક્ય બનતું નહોતું. આ વાત ચકોર અંગ્રેજ અધ્યાપકોના ધ્યાનમાં તરત આવી ગઈ, અને સ્થાનિક ભાષાઓ – મરાઠી અને ગુજરાતીમાં — પણ લખવા બોલવાની સગવડ કરવી જોઈએ એમ તેમને સમજાયું. આથી ૧૮૪૮ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખથી તેમણે સોસાયટીની બે શાખાઓ શરૂ કરાવી – મરાઠી અને ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળી. અમદાવાદમાં એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી શરૂ કરાવી તેના કરતાં થોડી વહેલી આ મંડળી શરૂ થઇ.

આપણા ઘણાખરા ‘જાણકારો’ પણ આજે આ મંડળી વિષે ઓછામાં ઓછું જાણે છે. પારસીઓ જોડાક્ષર વગરની કેવી ‘અશુદ્ધ’ ગુજરાતી ભાષા વાપરતા તેના ઉપહાસભર્યા નમૂના તરીકે તેના સામયિક ‘ગનેઆન પરસારક’નું નામ ઉછાળવા સિવાય આ મંડળી અને તેની કામગીરી વિષે ભાગ્યે જ કોઈ લખે-બોલે છે. આ મંડળીની કામગીરીમાં પારસીઓ વધુ ઉત્સાહથી ભાગ લેતા એ વાત ખરી, પણ તે કેવળ પારસીઓની મંડળી નહોતી. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ યોગ્ય રીતે જ કહ્યું છે: “જ્ઞાન પ્રસારક મંડળી કંઈ માત્ર પારસીઓની સંસ્થા નથી, પરંતુ પારસી, હિંદુ, મુસ્લિમ, એ સઘળી કોમોના લાભ માટે સ્થપાયેલી છે. જે વખતે આ મંડળી સ્થપાઈ તે વખતે પારસીઓ અને હિન્દુઓ એકમેક સાથે મળીને અને બહુ જ મળતાવડાપણાથી વર્તતા હતા. ખરી વાત છે કે તેના સ્થાપકોમાં દાદાભાઈ નવરોજી, પ્રોફેસર રીડ અને પ્રોફેસર પેટન હતા, પણ પારસીઓ જોડે હિંદુ ભાઈઓનો પણ તેમાં મોટો હાથ હતો.” (‘દિવાન બહાદુર કૃ. મો. ઝવેરી લેખસંગ્રહ’, ભાગ ૨, પા. ૧૭૭) તેની પહેલી કારોબારી સમિતિના કુલ આઠ સભ્યોમાંથી ત્રણ હિન્દુઓ હતા, અને પાંચ પારસીઓ હતાં. એટલું જ નહીં તેના પહેલા સરનશીન (પ્રમુખ) રણછોડદાસ ગિરધરભાઈ ઝવેરી હતા. બીજા સભ્યો હતા: પ્રાણલાલ મથુરાદાસ, દાદાભાઈ નવરોજી, મોહનલાલ રણછોડદાસ, બમનજી પેસ્તનજી, બરજોરજી ફરામજી, કાવસજી એદલજી, અને અરદેશર ફરામજી મુસ (સેક્રેટરી).

આ મંડળી તરફથી ૧૮૪૯ના જુલાઈ મહિનાથી ‘ગનેઆન પરસારક’ નામનું માસિક શરૂ કરવામાં આવ્યું. તે શરૂ થયા પછી થોડા જ વખતમાં તેનું જોડાક્ષર વગરનું નામ બદલીને ‘જ્ઞાન પ્રસારક’ કરવામાં આવેલું, પણ એ વાત આપણે ત્યાં ભાગ્યે જ કોઈએ ધ્યાનમાં લીધી છે. ૧૮૬૭ના ડિસેમ્બર સુધી આ માસિક ચાલ્યું હતું. તેના અધિપતિ (તંત્રી) તરીકેની કામગીરી ક્રમશઃ દાદાભાઈ નવરોજી, અરદેશર ફરામજી મુસ, એદલજી નસરવાનજી માસ્તર, કરસનદાસ મૂલજી, જહાંગીરજી મહેરવાનજી પ્લીડર, અને નાનાભાઈ રૂસ્તમજી રાણીનાએ બજાવી હતી. આ મંડળી તરફથી ૧૮૫૨માં અરદેશર ફરામજી મુસે ‘ખોલાસે જાદુ’ નામનું સામયિક શરૂ કરી બે વર્ષ સુધી ચલાવ્યું હતું. જાદુ, મંતર-જંતર, ભૂવા-ડાકણ વગેરેના ભેદનો ભાંડો ફોડી લોકોના મનમાંથી આ બધાં વિશેની અંધશ્રદ્ધા દૂર કરવી એ તેનો હેતુ હતો.

આ ઉપરાંત, આરંભથી જ માતૃસંસ્થાની જેમ આ મંડળીમાં પણ નિયમિત રીતે નિબંધવાચન અને ભાષણોની પ્રવૃત્તિ શરૂ થઈ હતી જે છેક ૧૯૫૬-૧૯૫૭ સુધી ચાલતી રહી હતી. અલબત્ત, તેમાં સાહિત્ય કરતાં ‘લોકોપયોગી’ વિષયો વધુ જોવા મળે છે. અલબત્ત, અવારનવાર સાહિત્ય વિશેનાં વ્યાખ્યાનો પણ યોજાતાં. જેમ કે ૧૯૨૯માં ઝવેરચંદ મેઘાણીએ છ વ્યાખ્યાનો આપ્યાં હતાં. 'લોકસાહિત્ય: ધરતીનું ધાવણ' (૧૯૩૯)ના પહેલા ખંડની પ્રસ્તાવનામાં આવું કથન છે: "…જ્ઞાનપ્રસારક  મંડળીના આશ્રયે લોકગીતો પરનાં છ વ્યાખ્યાનોનું જે આખું સત્ર ૧૯૨૯માં મને સોપાયું હતું એ છયે વ્યાખ્યાનોની માંડણી આ નિબંધોની અભ્યાસભૂમિ પર હતી." આ વ્યાખ્યાનો અંગે જયંતભાઈ મેઘાણીને પૂછાવતાં તેમણે જણાવ્યું છે કે “એ પુસ્તકમાં 'લગ્નગીતોના ધ્વનિ' અને 'હાલરડાં અને બાળગીતો' એ બે પ્રકરણો એમાંનાં બે વ્યાખ્યોનો લેખે આપેલાં. પછી ૧૯૭૧-૭૨માં નવી આવૃત્તિ તૈયાર કરતી વખતે બાકીનાં ચાર વ્યાખ્યાનો તપાસ્યાં હતાં પણ એ બધાં બાપુજીના લોકસાહિત્યના કોઇને કોઇ સંગ્રહની પ્રસ્તાવનારૂપે અપાઇ ગયેલાં તેથી એ અલગ નહોતાં મૂકેલાં એવું સ્મરણ છે. (એમણે પણ તેથી જ ન આપ્યાં હોય.)” 

દર વર્ષે યોજાતાં વ્યાખ્યાનો પછીથી છાપીને પુસ્તિકા રૂપે પ્રગટ થતાં. ૧૮૪૮થી ૧૯૫૭ સુધી સતત આ રીતે વ્યાખ્યાનો છાપવામાં આવ્યાં હતાં. દરેક વ્યાખ્યાન માટે વક્તાને પચાસ રૂપિયાનો પુરસ્કાર અપાતો, જે એ વખતમાં ઓછો તો ન જ કહેવાય. ઘણાં વ્યાખ્યાનોમાં ‘મેજિક લેન્ટર્ન’ નકશા, ચાર્ટ વગેરેનો ઉપયોગ પણ થતો. જરૂર હોય ત્યાં વાજિંત્રો, ગાયન, નૃત્ય, વગેરેનો સમાવેશ પણ થતો. એટલે કે વ્યાખ્યાનો ‘ડેમોન્સસ્ટ્રેશન’ સાથે થતાં. થોડાંક વર્ષ ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં પણ વ્યાખ્યાનો થતાં.

આ મંડળીનું એક મહત્ત્વનું પ્રકાશન તે ‘જ્ઞાનચક્ર’. રતનજી ફરામજી શેઠનાએ તૈયાર કરેલ આ ગુજરાતી એન્સાઇકલોપીડિયાનાં પહેલાં આઠ પુસ્તકો ૧૮૯૮થી આ મંડળીએ ક્રમશઃ પ્રગટ કર્યાં હતાં. પહેલા ભાગની ૧૦૦૦ નકલ ઝડપથી વેચાઈ જતાં ૧૯૦૧માં તેની બીજી આવૃત્તિ છપાઈ હતી. નવમો અને છેલ્લો ભાગ કેટલાંક કારણોસર શેઠનાએ જાતે છપાવ્યો હતો.

૧૯૪૯માં જ્ઞાન પ્રસારક મંડળીની શતાબ્દી ઉજવાઈ હતી અને તે વખતે એક પ્રદર્શનનું આયોજન થયું હતું જેમાં હસ્તપ્રતો, આરંભકાળનાં મુદ્રિત પુસ્તકો અને મુદ્રણની પ્રગતિ દર્શાવતી બીજી કેટલીક સામગ્રી મૂકવામાં આવી હતી. એ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતાં આપેલા પ્રવચનમાં કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ કહ્યું હતું: “આ મંડળીએ આપણા દેશી ભાઈઓમાં અને ખાસ કરીને ગુજરાતી બોલનારી જુદી જુદી કોમોમાં જ્ઞાનનો પ્રચાર કરવાનું બીડું ઝડપ્યું અને અનેક જાતની ચડતી પડતી જોઈ એ પોતાની કાયનાત પ્રમાણે જુદી જુદી રીતે જ્ઞાનનો ફેલાવો કરતી રહી અને છેવટ આજ શતાબ્દીનો આ મહોત્સવ ઉજવવા ભાગ્યશાળી થઈ છે.” (‘દિવાન બહાદુર કૃ. મો. ઝવેરી લેખસંગ્રહ’, ભાગ ૨, પા. ૫૯) આ પ્રદર્શનમાં રજૂ થયેલી વસ્તુઓ અંગે માહિતી આપતું જેહાંબક્ષ બ. વાચ્છાનું પુસ્તક પણ મંડળીએ પ્રગટ કર્યું હતું. ૧૯૫૯માં મંડળીને ૧૧૦ વર્ષ પૂરાં થયાં ત્યારે ખાસ સ્મારક ગ્રંથ પ્રગટ કરવામાં આવ્યો હતો. એ વખતે મંડળીની કારોબારીમાં નીચેના સભ્યો હતા: પોપટલાલ ગોવિંદલાલ શાહ (પ્રમુખ), રૂસ્તમ પેસ્તનજી મસાની (ઉપ-પ્રમુખ), હરસિદ્ધભાઈ દીવેટીઆ, અરદેશર સોરાબજી કાલાપેસી, જ્યોતીન્દ્ર દવે, કાવાસ પીરોજશાહ દસ્તુર, દસ્તુર નૌરોઝ દીનશાહજી મીનોચેહરહોમજી, અને જેહાંબક્ષ બહમનશાહ વાચ્છા. આ ગ્રંથની એક નોંધપાત્ર વિશેષતા એ છે કે તેમાં માત્ર બે જ પાનાંમાં મંડળી વિશેની કેટલીક વિગતો આપી છે. બાકીનાં પાનાંમાં ગુજરાતનાં સાહિત્ય, કેળવણી, વર્તમાનપત્રો, સંગીત, ચિત્રકળા, નાટકો, સ્થાપત્ય, વગેરે વિશેના જાણકારોના લેખ સમાવ્યા છે.

૧૯૫૯ પછી જ્ઞાનપ્રસારક મંડળી ધીમે ધીમે નિષ્ક્રીય બનતી ગઈ અને અંતે વિલય પામી.

——————————————————————————————

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (East), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

Loading

21 May 2018 admin
← Bishop Michael Curry’s rousing royal wedding sermon –
સંસ્કારિતા વિના સંસ્કૃિત અધૂરી છે →

Search by

Opinion

  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved