Opinion Magazine
Number of visits: 9447295
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજી પરની કવિતાઓનો તાજગીસભર સંચય

સંજય સ્વાતિ ભાવે|Gandhiana, Opinion - Opinion|1 October 2023

પુસ્તક પરિચય

સંજય ભાવે

‘સત્યનું કાવ્ય : બાપુ: 75 ગાંધી કાવ્ય’ સચિત્ર, સુરુચિપૂર્ણ અને તાજગીસભર સંચય છે. તે અમરેલી જિલ્લાના નાનકડા ગામ બાબાપુરની શ્રી સર્વોદય વિદ્યા મંદિર સંસ્થાએ, પોતાના અમૃતમહોત્સવી વર્ષના આરંભે, ફેબ્રુઆરીમાં પ્રસિદ્ધ કર્યો છે, પણ તેનું પ્રકાશન ‘યજ્ઞ’એ કર્યું છે.

સંગ્રહની રચનાઓમાં ગાંધીજીના પ્રભાવ અને અભાવ, તેમના વ્યક્તિત્વ અને મહત્ત્વને અનેકવિધ રીતે અભિવ્યક્ત કર્યા છે. તેમાં એકાદ સદીથી બિલકુલ અત્યાર સુધીના સમયગાળાના કવિઓનો સમાવેશ છે. એટલે તેમાંના સહુથી વરિષ્ઠ કવિ પિંગળશી ગઢવી અને અરદેશર ખબરદાર છે. સાહિત્યના ઇતિહાસના ગાંધીયુગ અને અનુગાંધી યુગના સાહિત્યકારો હોય એ સ્વાભાવિક છે.

સંગ્રહની વિશેષતા બિલકુલ અત્યારે કવિતાઓ લખતા-લખતા વાંચતા હોય તેવા ભાવેશ ભટ્ટ અને પારુલ ખખ્ખરની રચનાઓના સમાવેશમાં છે. સાથે તેમનાં પહેલાંની તાજેતરની પેઢીના ઉદયન ઠક્કર અને હરીશ મીનાશ્રુ પણ છે. આવી નોંધપાત્ર સમકાલીનતામાંથી આવતી નજરિયાની તેમ જ રચનારરીતિની નવીનતા સંગ્રહને તાજગી આપે છે. પદ્યરચનાની એકંદર વિવિધતા પણ નોંધપાત્ર છે.

સંગ્રહના સંપાદકો અમિત ચાવડા, અખિલ દવે અને મનીષા રીબડિયા બાબાપુરની નીવડેલી સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ અને અત્યારે અન્યત્ર શિક્ષકો છે. ગાંધી માટેની તેમની આસ્થા અને સાહિત્યિક સૂઝ સંગ્રહમાં દેખાય છે. જો કે ‘અગાઉના સંપાદનોની મોટા ભાગની કવિતાઓ લેવામાં આવી નથી’ એવું વિધાન વિચારણીય છે.

ગાંધીનું મહાત્મ્ય ઉજાગર કરવા માટેની કવિઓની એક દુ:ખદ પ્રેરણા ગાંધીહત્યા છે. તેનાથી અવિનાશ વ્યાસને ‘ઝૂકી પડ્યો હિમાલય’ અને સ્નેહરશ્મિને ‘મોટા ઘરનો મોભ તૂટ્યો આ’ એમ લાગે છે. કવિ ખબરદાર ગાંધીનાં ‘ફૂલવિસર્જન’ વેળાની જનતાની વેદનાની કવિતા લખે છે.

જો કે ઉપેન્દ્ર પંડ્યા માટે હત્યા ‘મહાત્માનું મહાપ્રસ્થાન’ છે. અમીન આઝાદ માટે ગાંધીના મૃત્યુએ અહિંસાને અમર બનાવી છે. મકરંદ દવે કહે છે કે ગાંધીનો અંત અમરોને પણ ઇર્ષાથી બાળે તેવો છે. બ.ક. ઠાકોર ‘ગાંધીજીની શહીદી (પંડિતજીની નભોવાણી)’ નામની રચના કરે છે. 

ગાંધીજીની સમાધિની મુલાકાત અનિરુદ્ધ બ્રહ્મભટ્ટની ત્રણ પંક્તિમાં મૂકાયેલા 16 શબ્દોની કવિતાનો વિષય છે. સંગ્રહની આ સહુથી ટૂંકી કવિતા, કવિઓના નામના કક્કાવારી મુજબ ગોઠવાયેલા સંગ્રહની પહેલી રચના છે. ઉશનસ્‌ રાજઘાટે મંદાક્રાન્તામાં પૂછે છે : ‘કેવી સહેલી સરલ ભૂલવા કેરી આ રીત,ગાંધી !’ યોસેફ મેકવાન પણ ‘રાજઘાટ જોતાં’ કવિતા લખે છે. 

ગોળમેજી પરિષદમાંથી ગાંધીજી ‘હતાશ હૈયે’ પાછાં વળ્યાં તે વિશે ઝવેરચંદ મેઘાણી ‘માતા ! તારો બેટડો આવે  રે..’ નામનું લાંબું ગીત ‘શિવાજીનું હાલરડું’ના તાલે લખે છે. અત્યારના ઉદયન ગોળમેજી વખતે બાપુને ઇંગ્લેંડના ગરીબો, મજૂરો અને બાળકોએ આપેલા પ્રેમની વાત કરે છે. કલ્પનો સાથેની ત્રણ નાની પંક્તિઓની અગિયાર કડીની કવિતાને અંતે તેઓ પૂછે છે : ‘… તમે કહો છો કે ગોળમેજીથી / ગાંધી આવેલા ખાલી હાથે ?’ 

નલીન રાવળની કવિતામાં રંભા દાઈએ આપેલા રામનામના મંત્રથી ડર ભગાડનાર ‘નાનો મોહન’ દક્ષિણ આફ્રિકાના અંધારાંમાં અને નોઆખલીની આગમાં અભયપદ જાળવી રાખે છે. પ્રવીણ ગઢવી ચોટદાર રીતે લખે છે કે રામથી હો ચિ મિન્હ સુધીના નાયકો પદો પર બિરાજ્યાં પણ ‘એકલો ગાંધી કેવળ તું, તાજ ઓ તખ્ત વિહીન’.

‘ગાંધીને પત્ર’માં હિતેન આનંદપરા ફોટા, તેમના નામના રસ્તા, ઇમારતો, ટ્રસ્ટો, પુસ્તકો, વેબસાઈટ ઇત્યાદિ થકી થતાં મહાત્માના મહિમામંડનની વચ્ચે ગાંધી ‘ક્યાં ય નથી’ તેવો કટાક્ષ વિકસાવે છે. સિંતાશુ યશશ્ચન્દ્રની ત્રણ પાનાંની, સાદ્યંત મધ્ય ગુજરાતની બોલીમાં લખાયેલી અઘરી વ્યંજનાત્મક ‘દૂધ’ કવિતા પૂછે છે : ‘ચઈ બચરીનું પીવે દૂધ, ગોંધીડો ?’ 

સંગ્રહની સહુથી લાંબી ચાર પાનાંની કવિતા ‘ગાંધીને માથે કાગડો’ હરીશ મીનાશ્રુની છે. તેમાં સાંપ્રત દેશકાળનું કંઈ કેટલું ય છે – વિદ્યાપીઠ, રિવરફ્રન્ટ, ન્યુ નૉર્મલ, ન્યૂઝ ચૅનલ, સાર્થ જોડણીકોશ, ડેમૉક્રસી, રાફેલ, રાષ્ટ્રવાદ, સુડા બહોતેરી, ફેન્ગ શુઇ, ક્રોમેટોલોજિ, પૉલિટિકલી કરેક્ટ – આવા સંદર્ભોની યાદી લાંબી થઈ શકે.

અંતે પ્રશ્ન છે કે આપણે જેને કાગડો કે બીજું કોઈ પક્ષી સમજી રહ્યા છીએ ‘એ હુમા તો નહીં હોય ને ?’ કેમ કે, ‘કિવાદંતી છે કે / જે વ્યક્તિ પર પડછાયો પડે હુમાનો / એ ચક્રવર્તી બને ભૂમાનો’. રમેશ પારેખની કવિતા ‘બાપુ બોલ્યા’માં કટાક્ષ સાથેનું હાસ્ય છે.

બાપુને કરસનદાસ માણેક ‘હરિનો ખેપિયો’ કહે છે, તો કિસ્મત કુરેશી ‘રાષ્ટ્રના બાગબાં’. એકવીસ શબ્દો અને છ લીટીમાં લાલજી કાનપરિયા લખે છે કે નજીકના ભવિષ્યમાં ‘સપ્તર્ષિ બની જશે અષ્ટર્ષી’. વિપિન પરીખ ગાંધી સાથે ઇસુને મૂકે છે, તો રાજેશ પંડ્યા કબીરને. ચશ્માં,ઘડિયાળ, ચપ્પલ, લાકડી  જેવી ગાંધીની વિવિધ વસ્તુઓમાં તેમના ગુણોના પ્રતીક જોતી એકાધિક રચનાઓ છે.

ગાંધીજનો તેમ જ ગાંધીયુગ કે વિચારની વત્તીઓછી અસર ઝીલનારાની ભાતીગળ રચનાઓ અહીં છે. પિંગળશીભાઈ અને ભૂદર લાલજી જોશી દુહા રચે છે, તો મુરલી ઠાકુર ભજન. 1913માં લખાયેલું ‘સહુથી પહેલું ગાંધીગીત’ એ ‘લલિતજી’ પાસેથી મળે છે.

કૃષ્ણલાલ શ્રીધરાણી અને જયમિત પંડ્યાએ ગુલબંકી છંદમાં લખેલી વીરરસની કવિતાઓ છે. ગાંધી માટેની લાગણી ‘કોલક’ પૃથ્વી છંદમાં તો મનસુખલાલ ઝવેરી અને જયંત પાઠક અનુષ્ટુપમાં, અને સુંદરમ શિખરિણીમાં વ્યક્ત કરે છે. અમૃત ઘાયલ, અશોક ચાવડા, શેખાદમ આબુવાલાની ગઝલો અહીં છે.

આવરણ હકુ શાહની કૃતિનું છે, અને દરેક કવિતાને અનુરૂપ, ગુલામ મોહમદ શેખનાં ચિત્રો સહિતના, ચિત્રો મળે છે. તેનો અને પાનાં પરની મોકળાશભરી માંડણીનો યશ ‘યજ્ઞ’ના પ્રકાશન વૃંદના હંમેશના કસબીઓ પારુલબહેન દાંડીકર, આઝરાબહેન અને જ્યોતિબહેનને આપી શકાય. ચાળીસ વર્ષની આસપાસની ઉંમરના શિક્ષક-સંપાદકો માટે, અત્યારના ગાંધીવિરોધી માહોલમાં, આવો દૃષ્ટિપૂર્ણ સંચય કરવા પાછળના  ચાલકબળ અંગે કુતૂહલ રહે.

સંપાદકોની માતૃસંસ્થા શ્રી સર્વોદય વિદ્યા મંદિરનાં નિયામક તેમ જ આરઝી હકૂમત અને આઝાદી જંગના લડવૈયા દંપતી દમયંતીબહેન અને ગુણવંતરાય પુરોહિતનાં પુત્રી મંદાકિનીબહેન પુસ્તકની આરંભિક નોંધમાં લખે છે : ‘અમૃતમહોત્સવની આથી રૂડી શરૂઆત સર્વોદય માટે બીજી કઈ હોઈ શકે ?આજે જ્યારે ચારે બાજુથી સંકુચિતતા, જડતા અને સ્વાર્થનો પવન  ફુંકાઈ રહ્યો છે ત્યારે પરસ્પર સહજીવન અને સૌહાર્દ ગાંધી જ શીખવી શકે, કેમ કે અસમાનતા અને કટ્ટરતાના વિષને જનમાનસની નસોમાંથી ઉતારવાની જાદુગરી ગાંધી નામના ગારૂડી  પાસે જ છે.’

નવી પેઢીના સંપાદકો અને  ગાંધી તેમ જ સર્વોદય વિશે ઉત્તમ પુસ્તકો પ્રસિદ્ધ કરતાં રહેનાર યજ્ઞ પ્રકાશનના સુમેળથી આવેલું આ ગાંધી કાવ્ય સંપાદન વસાવવા જેવું, પાઠ્યક્રમોમાં મૂકવા જેવું છે. 

‘સત્યનું કાવ્ય’, પ્રકાશક – યજ્ઞ પ્રકાશન, પાનાં 100, રૂ. 60/-

પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન સમિતિ, હિંગલાજ માતાની વાડીમાં, હુજરાપાગા, વડોદરા 390 001, સંપર્ક : 0265 –  2437957, 9016479982 

01 ઑક્ટોબર 2023
[આભાર : ચંદુ મહેરિયા, તોરલબહેન પટેલ, અજય રાવલ, સરલાબહેન ભટ્ટ, હંસાબહેન પટેલ]
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 01 ઑક્ટોબર 2023
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

1 October 2023 Vipool Kalyani
← અનુવાદ વિશે થોડી વાતો 
માણસ સ્વતંત્રતાથી ડરે છે →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved