“મારા સમાજવાદમાં નિરાધાર, દીન, હીન સર્વનો સમાવેશ થાય છે, બલકે એમનો સૌ પહેલાં સ્વીકાર અને સમાવેશ થાય છે. અજ્ઞાન અને આંધળાં, મૂંગાં અને બહેરાં વગેરે અપંગોને ભોગે, તેમની રાખ પર મારે મારી વ્યવસ્થા ઊભી કરવી નથી. પશ્ચિમના લોકોના સમાજવાદની વ્યવસ્થામાં આ બધાનું કદાચ કશુંયે સ્થાન નહીં હોય. દુનિયાની ભૌતિક સાધનસંપત્તિ મેળવવામાં આગળ રહેવું, એ તેમની એકમાત્ર નેમ છે.”
સમાજવાદ શબ્દ આપણે ભણીએ છીએ, સાંભળીએ છીએ, વારંવાર વાપરીએ છીએ, પણ તેનો અર્થ બરાબર જાણીએ છીએ ? સમજીએ છીએ ? સમાજવાદ એક રાજકીય અને આર્થિક વિચારસરણી છે. સમાજવાદ ઉત્પાદનનાં તમામ સાધનોની પેદાશ, સર્જન, વહેંચણી તથા વિનિમય પર સમગ્ર સમાજની સામૂહિક માલિકીની તરફેણ કરે છે. એક વ્યક્તિ કે વર્ગને નહીં પણ સમાજની પ્રત્યેક વ્યક્તિને સમાન ન્યાયના ધોરણે સ્થાન મળવું જોઈએ એવું સમાજવાદ માને છે. તેનો જન્મ કાર્લ માકર્સની રાજકીય વિચારધારામાંથી થયેલો હોવાથી તેને માકર્સવાદ પણ કહેવામાં આવે છે.
સમાજવાદ એ મૂડીવાદની વિચારસરણીની વિરોધી વિચારધારા છે. મૂડીવાદમાં ઉત્પાદનનાં સાધનોની માલિકી તથા તેના ઉપયોગ અને વિનિમય પરનો કાબૂ વ્યક્તિ કે સંસ્થા હસ્તક હોય છે જ્યારે સમાજવાદમાં તે રાજહસ્તક હોય છે. બીજું, મૂડીવાદમાં આર્થિક પ્રવૃત્તિઓનો હેતુ નફો કમાવાનો હોય છે અને એમ કરવા માટે મૂડીપતિઓ સંપૂર્ણપણે સ્વતંત્ર હોય છે, જ્યારે સમાજવાદમાં સાધનોની માલિકી રાજ્યની હોવાથી અને રાજ્ય એ સમાજકલ્યાણના ધ્યેયને વરેલી સંસ્થા હોવાથી આર્થિક પ્રવૃત્તિઓનો હેતુ સામુદાયિક કલ્યાણ સાધવાનો હોય છે. એટલા માટે જ મૂડીવાદમાં ખાનગી મિલકતના અધિકારો અબાધિત હોય છે, જ્યારે સમાજવાદમાં તેમના પર અંકુશો મૂકવામાં આવતા હોય છે. મૂડીવાદમાં સંપત્તિના કેન્દ્રીકરણ પર કોઈ મર્યાદાઓ હોતી નથી, જ્યારે સમાજવાદમાં રાષ્ટ્રીય આવકની ન્યાયી વહેંચણી પર ભાર મૂકવામાં આવતો હોય છે.
આમ છતાં, સમાજવાદ એ એક સંદિગ્ધ ખ્યાલ છે અને તેના અર્થ અંગે વિચારકોમાં ઘણાં મતમતાંતર જોવા મળે છે. જુદા જુદા વિદ્વાનોએ તેની જુદી જુદી સેંકડો વ્યાખ્યા આપી છે. બધી સાચી છે, પણ અધૂરી છે. પાશ્ચાત્ય વિચારક સી.ઈ.એમ. જોડ તો એટલે સુધી કહે છે કે ‘સમાજવાદ એ એક એવી પાઘડી છે જે બધા જ પહેરતા હોવાથી તેનો કોઈ ચોક્કસ આકાર રહેલો નથી.’ સમાજવાદનો ખ્યાલ સમજવામાં બીજી મુશ્કેલી એ છે કે સમાજ શબ્દનો કોઈ ચોક્ક્સ અર્થ પકડી શકાતો નથી. જેમ કે ઉત્પાદનનાં સાધનોની માલિકી સમગ્ર સમાજની હોય છે એમ કહીએ તો કયો સમાજ અથવા તો તેના કયા ઘટકો ? વિશ્વના જુદા જુદા સમાજવાદી દેશોમાં તેની જુદી જુદી પેટર્ન જોવા મળી છે.
સમાજનાં હિતની વાત હોય એટલે ગાંધીજીએ એ વિષે વિચાર્યું જ હોય અને ગાંધીજીના વિચારનું પહેલું લક્ષણ એની મૌલિકતા છે. ગાંધીજીનો સમાજવાદ શું છે તે સમજવાનો અહીં પ્રયત્ન કરીએ.
ગાંધીવાદી સમાજવાદની વિચારધારા ગાંધીજીના ‘હિંદ સ્વરાજ’ અને ‘મારા સપનાનું ભારત’ પુસ્તકોમાં જોવા મળે છે. એમાં તેઓ આદર્શ સમાજનું વર્ણન કરે છે – જેમાં કોઈ શ્રીમંત કે ગરીબ ન હોય, જ્યાં સંસાધનોની સરખી વહેંચણી હોય અને કોઈ પણ શોષણ કે હિંસા વિના અર્થતંત્ર આત્મનિર્ભર હોય. આમ, ગાંધીવાદી સમાજવાદ પશ્ચિમી સમાજવાદથી જુદો પડે છે. ગાંધીવાદી સમાજવાદની મુખ્ય ત્રણ લાક્ષણિકતાઓ છે. એક તો રાજકીય અને આર્થિક શક્તિનું સંયોજન, બીજું ટેકનોલોજી, આધુનિકીકરણ અને મોટા પાયે થતા ઔદ્યોગિકીકરણ પ્રત્યે પરંપરાગત વલણ અને ત્રીજું સ્વ-રોજગાર અને આત્મનિર્ભરતા પર ભાર. ગાંધીજીના મતે રાષ્ટ્રની નૈતિક સુખાકારીને નુકસાન પહોંચાડનારું અર્થશાસ્ત્ર પાપી છે.
ગાંધીવાદી સમાજવાદના મૂળમાં આર્થિક-સામાજિક ન્યાય છે. ગાંધીવાદી સમાજવાદ સ્વ-રાજની આસપાસ કેન્દ્રિત છે. સ્વ-રાજ આર્થિક સ્વતંત્રતામાંથી ઉદ્ભવે છે. આર્થિક સ્વતંત્રતા સ્વાવલંબન અને આત્મનિર્ભરતા દ્વારા પ્રાપ્ત થાય છે. ગાંધીવાદી સમાજવાદ દરેકને તેના શ્રમનો યોગ્ય હિસ્સો મળે એવા આર્થિક વર્ગો વિનાના સમાજની હિમાયત કરે છે. ગાંધીજી જેને સર્વોદય કહેતા તે આ જ છે. સર્વોદયના જ્યોતિર્ધરો વિનોબા અને જયપ્રકાશ નારાયણ કહેતા કે રાજકીય સત્તા સમાજના બૌદ્ધિક, આર્થિક અને માનસિક સ્તરની ઉન્નતિ માટે હોય છે. બૌદ્ધિક ઉન્નતિ માટે શિક્ષણ છે, આર્થિક ઉન્નતિ માટે ઉત્પાદન અને વહેંચણીની પ્રક્રિયાઓ છે. શિક્ષણ, ઉત્પાદન અને વહેંચણીની યોગ્ય પ્રક્રિયાઓ, સમાજની માનસિકતાને ઊંચી લાવે છે.
‘સર્વોદય’ શબ્દનું ગર્ભાધાન થયું ૧૯૦૪માં, જ્યારે રસ્કિનનું પુસ્તક Unto This Last ગાંધીજીના હાથમાં આવ્યું ત્યારે. રસ્કિનના પુસ્તકમાંથી ગાંધીજીને જીવનનું એક નવું દર્શન લાધ્યું. આ પુસ્તકના સારરૂપ મૂળ દર્શનના મુખ્ય સિદ્ધાંતો એમણે આ રીતે તારવી બતાવ્યા : (૧) સહુના ભલામાં આપણું ભલું છે. (૨) સહુના કામની કિંમત એકસરખી હોય, કેમ કે જીવનનિર્વાહનો અધિકાર સહુનો એકસરખો છે. (૩) સાદું અને પરિશ્રમયુક્ત ખેડૂતનું જીવન જ સાચું જીવન છે.
બીજા દિવસથી જ એમણે પોતાના જીવનને વળાંક આપવાનું શરૂ કરી દીધું. દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગ શહેર છોડી ગ્રામવિસ્તારમાં જઈ ફિનિક્સ આશ્રમ સ્થાપ્યો. ત્યાં તેમની ગહન ને ઉદાત્ત જીવન-સાધના ચાલી. ગાંધીજીએ રસ્કિનના શબ્દને પ્રત્યક્ષ જીવનમાં નાણી જોયો, માણી જોયો. ધરતીને ખોળે સાદું ને પરિશ્રમયુક્ત જીવન જીવી જોયું. રસ્કિનની સ્વનિયમનની વાતને વ્યક્તિગત તેમ જ સામુદાયિક કાર્યમાં ઉતારી જોઈ. આમ, રસ્કિનનું વિચારબીજ ગાંધીજીની મનોભૂમિમાં, કર્મભૂમિમાં વિકસતું રહ્યું. એક જીવન-દર્શનરૂપે જ્યારે એ પરિપક્વ થયું, ત્યારે ‘સર્વોદય’ના મંત્રરૂપે પ્રગટ થયું.
ગાંધીજી કહે છે, “આ દેશમાં જેમને હું સમાજવાદી તરીકે ઓળખું છું તેમણે સમાજવાદ અંગીકાર કર્યાનું જાહેર કર્યું તે અગાઉથી હું પોતે સમાજવાદી હોવાનો દાવો કરતો આવ્યો છું. પણ મારો સમાજવાદ મારામાં સ્વાભાવિકપણે વિકસ્યો છે, ગ્રંથકિતાબોમાંથી ગ્રહણ કરેલો નથી. અહિંસા વિષેની મારી અવિચળ શ્રદ્ધામાંથી તે આવ્યો છે. કોઈ પણ માણસ સક્રિય અહિંસાની સાધના કરતો હોય તે સામાજિક અન્યાય સામે માથું ઊંચક્યા વિના રહી જ ન શકે, પછી એવો અન્યાય ગમે ત્યાં થતો હોય. મેં હંમેશાં માન્યું છે કે હિંસા વડે નાનામાં નાના અને નીચામાં નીચલા સ્તરનાને સામાજિક ન્યાય અપાવવાનું અશક્ય છે. મેં વધુમાં એમ પણ માન્યું છે કે, સૌથી નીચલા સ્તરના લોકોને પણ અહિંસા વાટે યોગ્ય તાલીમ આપવામાં આવે તો તેનામાં પોતાનાં દુ:ખો ફેડવાની અને અન્યાયોની સામે લડવાની તાકાત આવે. એ માર્ગ અહિંસક અસહકારનો છે. આપણા સમાજવાદી બિરાદરો અને મારી પદ્ધતિમાં આ ચોખ્ખો ભેદ છે.
“મારા સમાજવાદમાં નિરાધાર, દીન, હીન સર્વનો સમાવેશ થાય છે, બલકે એમનો સૌ પહેલાં સ્વીકાર અને સમાવેશ થાય છે. અજ્ઞાન અને આંધળાં, મૂંગાં અને બહેરાં વગેરે અપંગોને ભોગે, તેમની રાખ પર મારે મારી વ્યવસ્થા ઊભી કરવી નથી. પશ્ચિમના લોકોના સમાજવાદની વ્યવસ્થામાં આ બધાનું કદાચ કશુંયે સ્થાન નહીં હોય. દુનિયાની ભૌતિક સાધનસંપત્તિ મેળવવામાં આગળ રહેવું, એ તેમની એકમાત્ર નેમ છે.
“દાખલા તરીકે, અમેરિકાની નેમ પોતાના એકેએક વતનીને મોટરગાડી મેળવી આપવાની છે. મારી એવી નેમ નથી. મારી નેમ મારો, મારા વ્યક્તિત્વનો પૂરેપૂરો વિકાસ સાધવાની ને તેને વ્યક્ત કરવાની છે. આકાશમાં ઝગમગતા વ્યાધના તારા સુધી નિસરણી ઊભી કરવાની મારી મરજી હોય, તો તેમ કરવાની મને છૂટ હોવી જોઈએ. એનો અર્થ એવો નથી કે, મારે એવું કશુંક કરવા માંડવું છે. પશ્ચિમી પ્રકારના સમાજવાદમાં વ્યક્તિને કોઈ જાતની સ્વતંત્રતા કે છૂટ નથી. તેમાં તમારું પોતાનું એવું કશું નથી, તમારું શરીર પણ તમારું નથી.”
સામાજિક સુધારણા અને ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રે પ્રસિદ્ધ રાષ્ટ્રપ્રેમી અને સામાજિક ચિંતક ગોખલેજીનાં નિવેદનોને ગાંધીજી ઘણી વાર ટાંકતા : આજે દેશની મુખ્ય જરૂરિયાત શિક્ષણ છે. અહીં હું શિક્ષણનો અર્થ કેવળ પ્રાથમિક કે ઔપચારિક શિક્ષણ નથી કરતો, બલકે તેનો અર્થ આપણા અધિકારોના જ્ઞાન અને તેની સાથે સંકળાયેલી આપણી જવાબદારીઓ તથા ફરજોની સમજ એવો કરું છું.
ગાંધીજીનો સમાજવાદ એક જીવનશૈલી બની શકે. સામાજિક અને આર્થિક સમસ્યાઓ તરફનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ બની શકે. અસ્તુ.
[પ્રગટ : “જન્મભૂમિ”, તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪]
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ડિસેમ્બર 2024; પૃ. 20-21