એકદા ગાંધીજીએ કહેલું, “નીગ્રો પ્રજા તરફથી વિશુદ્ધ અહિંસાનો સંદેશ દુનિયાને મળે તેવી સંભાવના છે.” ગાંધીનું આ વિધાન 20મી સદી માટે જાણે પયગંબરની ભવિષ્યવાણી જેવું સાબિત થયું, કેમ કે આફ્રિકન અમેરિકનોએ 1950 અને ‘60ના દાયકામાં નાગરિક અધિકારોની માગ માટે ગાંધીદર્શનનું અનુસરણ કર્યું.
આફ્રિકન-અમેરિકન મહાનુભાવો ડબ્લ્યુ.ઈ.બી.ડુ બોઈ, હાવર્ડ થરમાન અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના જીવન અને કાર્ય દ્વારા ભારત અને આફ્રો-અમેરિકન વચ્ચે સેતુ બાંધવાનો પાયો નખાયેલો. આ ત્રણેય કર્મશીલો મહાત્મા ગાંધી તરફ આકર્ષાયા કેમ કે તેમણે પશ્ચિમી જગતને પડકાર્યુ અને દમિત તથા પીડિત લોકોના નૈતિક બળથી ઇતિહાસ કેમ રચી શકાય તે બતાવી આપ્યું. અશ્વેત અમેરિકનોએ આ વિચારોનું જે રીતે અર્થઘટન કર્યું તેને પરિણામે અમેરિકાનો ઇતિહાસ બદલાઈ ગયો.
ડબ્લ્યુ.ઈ.બી. ડુ બોઈ (W.E.B. Du Bois)
ડબ્લ્યુ.ઈ.બી. ડુ બોઈ કદાચ ગાંધીના સહુ પ્રથમ આફ્રિકન-અમેરિકન ચાહક હતા. તેઓ અમેરિકાના મોટા બુદ્ધિજીવીઓમાંના એક, નાગરિક અધિકારો માટેના લડવૈયા અને શાંતિ સ્થાપવા સતત કર્મશીલ રહેનાર હતા. ગાંધીજીના જન્મ પહેલાં, 1868માં તેમનો જન્મ. ડુ બોઈએ પાન અમેરિકન ચળવળ કે જે સમાજશાસ્ત્રના સિદ્ધાંતો પર આધારિત હતી તે માટે નેશનલ એસોસિયેશન ફોર એડવાન્સમેન્ટ ઓફ કલર્ડ પિપ્લ્સની સ્થાપના કરી. તેઓએ ફિસ્ક અને હાવર્ડ યુનિવસિર્ટી અને બર્નની હમ્બોલ્ટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલો. તેઓ હાવર્ડ યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓ અને વિદ્યાશાખાના વિરોધનો સામનો કરીને પીએચ.ડી.ની ઉપાધિ મેળવનાર સહુ પ્રથમ અશ્વેત વિદ્યાર્થી હતા.
તેમના પુસ્તક ‘ફિલાડેલ્ફિયા નીગ્રો’માં તેમણે સમાજવિદ્યાના સિદ્ધાંતોને આધારે અશ્વેત લોકો ઉતરતી માનવ જાતના લોકો છે તે વાતને પાયા વિનાની સાબિત કરી બતાવી. એ માટે તેમણે સમાજશાસ્ત્રીય પદ્ધતિનો ખૂબ ઝીણવટથી ઉપયોગ કરીને દર્શાવ્યું કે અશ્વેત લોકો પર દમન કરવામાં આવે છે માટે તેઓ યાતના સહન કરે છે. અશ્વેત પ્રજા પરના અત્યાચારોનું કારણ એ નથી કે શ્વેત લોકો માને છે કે તેઓ ઊતરતી કક્ષાની માનવ જાત છે, પરંતુ તેનું કારણ એ છે કે શ્વેત લોકોનો સમાજ અશ્વેત લોકો પ્રત્યે ક્રૂર વર્તન કરે છે. ડુ બોઈએ પોતાની કારકિર્દી અને પુસ્તકો જેવાં કે ધ સોલ્સ ઓફ બ્લેક ફોક, બ્લેક રિકૂન્સટ્રકશન, ધ વર્લ્ડ એન્ડ આફ્રિકા અને ધ ડાર્ક પ્રિન્સેસ દ્વારા અંધારા ખંડના દેશો પર સંસ્થાનો સ્થાપીને ઊભી કરેલી વાસ્તવિક પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો, કે જે શ્વેત લોકોની સમાજવિદ્યા કે જે શ્વેત પ્રજા અશ્વેત પ્રજા કરતાં ઊંચી કક્ષાની છે, તેવી માન્યતા પર આધારિત હતી તેના વિરુદ્ધ હતી. ડુ બોઈનું આ વિધાન પ્રખ્યાત છે, “20મી સદીની સમસ્યા એ રંગની રેખાની છે – ચામડીના ઘેરા અને આછા રંગ ધરાવતા એશિયા, આફ્રિકા, અમેરિકા અને દરિયામાંના અનેક ટાપુઓ પર વસતા માણસો વચ્ચેના સંબંધોની છે.”
1929માં ડુ બોઈએ ગાંધીજીને આફ્રિકન-અમેરિકન લોકોને સંબોધીને એક પત્ર આપવા વિનંતી કરેલી. ગાંધીજી પોતાના દેશબાંધવોની મુક્તિ માટેના સંગ્રામમાં વ્યસ્ત હતા એ સ્વીકારવા છતાં તેમણે લખ્યું, “જાતિ અને રંગભેદની સમસ્યા વિશ્વવ્યાપી છે, અને અમને તમારી મદદની અહીં જરૂર છે.” તેના ઉત્તરમાં ગાંધીજીએ લખ્યું, “બાર મિલિયન જેટલી નીગ્રો પ્રજાએ પોતે ગુલામોના વંશજો છે તે માટે શરમ અનુભવવાની જરૂર નથી. ગુલામ હોવામાં લાંછન નથી. ગુલામોના માલિક હોવામાં બદનામી છે.”
ડુ બોઈને ગાંધીમાં રહેલ એ શક્તિનો પરિચય થયો જેણે રંગભેદની રેખા જે સમાજે અને સંસ્કૃતિએ અશ્વેત સમાજમાં વિક્ષેપ પાડવા, તેનું દમન કરવા અને હિંસા પેદા કરવા ઊભી કરવામાં આવી હતી તેને પડકાર ફેંક્યો. જો કે શ્વેત પ્રજાનો દાવો હતો કે રંગભેદની રેખા સભ્યતાની નિશાની છે. 1948માં લખેલ નિબંધ ‘ગાંધી’માં ડુ બોઈ લખે છે, ગાંધી આ દુનિયાના હયાત હોય તેવા નેતાઓમાં ‘સહુથી મહાન વ્યક્તિ.’ અને ‘શાંતિના રાજકુમાર’ હતા.
વધુમાં તેમણે કહ્યું, એ નોંધનીય છે કે જે વ્યક્તિ ખ્રિસ્તી ધર્મનો અનુયાયી નથી તે એ ધર્મે પ્રબોધેલા સિદ્ધાંતોનું પાલન કરનાર તરીકે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી ગયા. જ્યારે ખ્રિસ્તી ધર્મ તેના બે હજાર વર્ષના અસ્તિત્વના ગાળા દરમ્યાન લડાઈઓ અને પદ્ધતિસરના ખૂન કરાવવાના કાવતારાઓમાં આગળ પડતો ભાગ ભજવતો આવ્યો છે, ત્યારે ગાંધી રાજકીય બાબતોની સમસ્યાઓને ઉકેલવા શાંતિનો વિનિયોગ કેમ કરવો તેનું દૃષ્ટાન્ત પૂરું પાડવામાં આગેવાની કરી ગયા.
ડુ બોઈ ગાંધીને ચાહતા હતા કેમ કે તેમણે પશ્ચિમી સભ્યતાની પાખંડી વૃત્તિને નિરાવૃત્ત કરી. શ્વેત રંગ ધરાવતા ખ્રિસ્તીઓ વાત તો ખ્રિસ્તી અને માનવીય મૂલ્યોની કરતા હતા, પરંતુ બીજી બાજુ અશ્વેત પ્રજા પર મનસ્વી રીતે હિંસા આચરતા હતા અને દુનિયા આખીમાં લડાઈઓ કરવા ઉશ્કેરતા હતા. તેમને ગાંધીમાં માનવ જાતના અસ્તિત્વ ઉપરના ખતરા રૂપ અણુ યુદ્ધની શક્યતાઓ સામે માનવ જાતે કઈ રીતે શાંતિની સ્થાપના માટે લડવું જોઈએ એની રીતનું ઉદાહરણ જોવા મળ્યું.
ગાંધીની માફક ડુ બોઈને પણ શાંતિની તરફદારી કરવા બદલ ખૂબ યાતનાઓ સહેવી પડેલી. તેમની 1951માં યુનાઇટેડ સ્ટેટ્સની સરકાર દ્વારા કોરિયા સામેની લડાઈના વિરોધમાં કરેલ દેખાવ માટે અને પી.આઈ.એસ. ઇન્ફોર્મેશન સેન્ટરમાં સક્રિય હોવા બદલ ધરપકડ કરવામાં આવેલી. તેમના લખાણો પર અમેરિકન યુનિવર્સિટીઝમાં 1950ના દાયકામાં મેકાર્થીના વિચારોના સમર્થન વાળા હોવાને કારણે નિયંત્રણ મુકવામાં આવેલું. તેઓ 1961માં કવામે નક્રૂમાહના (જેમના વિષે થોડા સમય પહેલાં ‘ઓપિનિયન’માં લેખ આવેલો) આમંત્રણથી ડુ બોઈ ઘાના ગયેલા. આફ્રિકાએ આધુનિક જગતને કઈ રીતે આકાર આપ્યો તે વિષે ભૂંસી નાખવામાં આવેલ ઇતિહાસ પર પ્રકાશ નાખવાના પ્રયત્ન રૂપે એન્સાઇક્લોપીડિયા ઓફ આફ્રિકા લખી રહ્યા હતા, ત્યારે ડુ બોઈનું ઘાનામાં જ અવસાન થયું.
હાવર્ડ થરમાન (Howard Thurman)
હાવર્ડ થરમાનનો જન્મ 1899માં ગુલામીથી મુક્ત થયેલ પરિવારમાં થયો હતો. થરમાન ગરીબીમાં ઉછર્યા. જીવનમાં આગળ જતાં તેઓ એ સમયના એક મહાન થિયોલોજિયન બન્યા અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના મુક્તિની થિયોલોજીના વિચારોનો પાયો નાખવા માટે નિમિત્ત બન્યા.
તેમને ધર્મ વિષે પ્રથમ પર્દાફાશ તેમની દાદીમા દ્વારા થયો જેમણે બાઇબલમાંના પૉલના ઉપદેશને નકાર્યો કેમ કે શ્વેત પાદરી ગુલામીને ન્યાયી ઠરાવવા એ પુસ્તકમાંથી વાંચન કરતા તેનું તેમને સ્મરણ હતું. ડુ બોઇની માફક થરમાને પણ હજારો આફ્રિકન અમેરિકન જેને અનુસરતા એ ખ્રિસ્તી ધર્મનાં મૂલ્યોને અશ્વેત દેશોના નાગરિકોની દ્રષ્ટિથી સમજવા કોશિશ કરી.
1935માં હાવર્ડ થરમાન રેવરન્ડ ઑગસ્ટીન રાલ્લા રામના આમંત્રણને માન આપી ચાર સભ્યોના પ્રતિનિધિ મંડળના વડા તરીકે શ્રીલંકા, ભારત અને બર્મા ગયેલા. એ પ્રતિનિધિમંડળ અને થરમાન પોતાની ભારતની મુલાકાતના અંતિમ દિવસો દરમ્યાન ગાંધીજીને મળ્યા. મહાદેવ દેસાઈએ ગાંધીજી કેટલા ઉમળકાથી એ પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા એની નોંધ લખી છે. એ લોકો સાથે થિયોલોજી, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ અને સમાજશાસ્ત્ર વિષે ઊંડાણથી ત્રણેક કલાક સંવાદ થયો. પ્રતિનિધિમંડળના સભ્યોએ અમેરિકામાં નીગ્રો લોકોને સહેવા પડતા અન્યાય અને અત્યાચારો વિષે અને તેને દૂર કરવાની લડતમાં અહિંસા કેટલી ઉપયુક્ત છે તેની ચર્ચા કરી. આ મિલન વખતે ગાંધીજીએ કહેલું કે અશ્વેત પ્રજા જ અહિંસાનો સંદેશ પહોંચાડનાર હશે.
વાતચીત દરમ્યાન ગાંધીજીએ થરમાનને પ્રશ્ન પૂછેલો કે શા માટે અમેરિકામાં વસતા અશ્વેત લોકો ખ્રિસ્તી ધર્મને હજુ અનુસરી રહ્યા છે? કેમ કે તેમનું દમન કરનારા ખ્રિસ્તી છે અને અશ્વેત ઉપરનું દમન તેઓ જ ન્યાયી ઠરાવે છે. તેમણે એમ પણ પૂછેલું, તેઓએ ઇસ્લામ શા માટે ના સ્વીકાર્યો? કેમ કે એ ધર્મ જ સહુથી વધુ ગુલામો અને તેના માલિકોને સમાનતાવાદી દ્રષ્ટિથી જોનારો છે.
આ સવાલના પ્રત્યુત્તર રૂપે થરમાને 1949માં પોતાની એક મહાન કૃતિ Jesus and the Disinheritedમાં ચર્ચનો ધર્મ અને જીસસના ધર્મને ચિત્રિત કર્યો. એ પુસ્તકમાં તેમણે જેમના પર દમન કરવામાં આવતું હોય તેમને કેવા નર્ક જેવા ભયાનક ત્રાસ જેવા કે ભય, છેતરપિંડી અને ધિક્કારનો અનુભવ કરવો પડતો હોય છે, અને તેમની એક એક અનુભૂતિઓ કેવી આત્મઘાતક હોય છે તે વિષે વાત કરી છે. અંતમાં તેઓ એક વિવરણ આપતાં કહે છે, માનવના અસ્તિત્વના એક ભાગ રૂપે પ્રેમ એક સનાતન અને વૈશ્વિક બળ છે કે જેમાં દમન કરનાર અને દમિતને તેમના આધ્યાત્મિક ચૈતન્યને ઊંચે લઇ જઈને અને નવા પ્રકારની માનવ જાત સર્જીને પરિવર્તિત કરવાની શક્તિ ધરાવે છે.
આ પુસ્તકમાં થરમાને ગાંધીજીએ મ્યુરિયલ લેસ્ટરને છેતરપિંડી વિષે લખેલ પત્રમાંથી અવતરણ ટાંક્યું છે: “સત્ય બોલો, ભય રાખ્યા વિના અને કોઈ પણ અપવાદ વિના, અને તમારા હેતુઓ સાથે બીજાના કાર્યો કેવા સંબંધિત હોય છે તે જુઓ. તમે ઈશ્વરનું કાર્ય કરી રહ્યા છો, માટે તમારે માનવીઓના ધિક્કાર કે ઉપેક્ષાથી ડરવાનું કોઈ કારણ નથી. જો તેઓ તમારી વિનંતીઓ સંભાળે અને સ્વીકારે તો તમે સંતુષ્ટ થશો. જો તેઓ તેને નકારે, તો તમારે તેમના અસ્વીકારથી બળ મેળવવું રહ્યું.”
થરમાનને ગાંધીના તત્ત્વદર્શનમાં જીસસના ધર્મના અર્થઘટનની ઝાંખી થઇ. Jesus and the Disinherited પુસ્તક ડૉ. માર્ટિન લ્યુથર કિંગે જ્યારે નાગરિક અધિકારો માટેની ચળવળ શરૂ કરી ત્યારે પોતાની પાસે રાખતા.
માર્ટિન લ્યુથર કિંગ જુનિયર
માર્ટિન લ્યુથર કિંગ કદાચ ગાંધીજીના વિચારોને સહુથી વધુ નિકટથી સમજનાર અને તેનું યથાર્થ અર્ઘટન કરનાર તથા આફ્રિકન-અમેરિકનના મુક્તિ સંગ્રામના ખૂબ પ્રતિષ્ઠિત નેતા ગણાયા. 1929માં અટલાન્ટા જ્યોર્જિયામાં એમનો જન્મ. કિંગે 1955માં મોન્ટગોમરી બસ બહિષ્કારની આગેવાની લીધેલી, સધર્ન ક્રિશ્ચિયન લીડરશિપને પણ નેતૃત્વ પૂરું પાડેલું, વોશિંગટન સુધીની કૂચ પણ તેમણે સંયોજી, વિયેતનામ લડાઈનો વિરોધ કર્યો અને ન્યાય અને શાંતિ સ્થાપવા હેતુ નિર્ધન પ્રજા માટેના અધિકારની ઝુંબેશ પણ ઉઠાવી. પોતાના વક્તવ્ય ‘મારી અહિંસાની યાત્રા’માં ડૉ. કિંગ પોતે પશ્ચિમના વિચારકો પ્લેટો, એરિસ્ટોટલ, રુસો, હોબ્સ અને Rauschenbausch વગેરેના વિચારો જાણ્યા બાદ તેઓ કરી રીતે ગાંધીની અહિંસક વિચારધારા અને તેના અમલ વિષે કઈ રીતે પરિચયમાં આવ્યા તેનું વર્ણન કરતા કહે છે,
“ગાંધી કદાચ વિશ્વના ઇતિહાસમાં પ્રથમ વ્યક્તિ હતા જેમણે જીસસના પ્રેમના નીતિશાસ્ત્રને માત્ર વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા સુધી સીમિત ન રહેવા દઈને વિશાળ પાયા પર એક શક્તિશાળી સામાજિક બળ તરીકે પ્રસ્થાપિત કરી બતાવ્યું. ગાંધી માટે પ્રેમ એ સામાજિક પરિવર્તન માટેનું એક સમર્થ સાધન હતું. હું મહિનાઓથી સામાજિક સુધારાઓ માટેની પદ્ધતિની શોધ કરી રહ્યો હતો તે મને ગાંધીના આ અહિંસક માર્ગ અને પ્રેમના પ્રાધાન્યમાં મળી આવી. બેન્થમ અને મિલના ઉપયોગિતાવાદ, માર્ક્સ અને લેનિનની ક્રાંતિકારી પદ્ધતિ, હોબ્સનો સોશિયલ કોન્ટ્રાકટનો સિદ્ધાંત, રુસોનો ‘પ્રકૃતિ તરફ પાછા વળવા’નો આશાવાદ અને નિત્શેનું અતિમાનવનું તત્ત્વજ્ઞાન એ સર્વેમાં બૌદ્ધિક અને નૈતિક સંતોષ આપે તેવું તત્ત્વ શોધી કાઢવામાં હું નિષ્ફળ રહ્યો જે મને ગાંધીના અહિંસક પ્રતિકારના દર્શનમાં મળી આવ્યું. મને એ વાતની પૂરેપૂરી ખાતરી થઇ કે આ જ એક માત્ર નૈતિક અને વ્યવહારિક સિદ્ધ થયેલ પદ્ધતિ છે જે દમિત પ્રજાને મુક્તિ સંગ્રામ માટે ઉપલબ્ધ છે.”
કિંગને ગાંધીમાં વિશ્વને સમજવાની અને અમેરિકાની દમિત પ્રજાની યાતનાઓ સાથે સુસંગત વાસ્તવિકતાઓને સીધી રીતે બદલવા માટે જીવવાની પદ્ધતિનું દર્શન થયું. તેમણે Reinold Niebuhr ગાંધીનું દર્શન દુષ્ટતાને નિષ્ક્રિય રહીને સ્વીકારી લેવાનું સૂચવે છે તેવી ટીકા તરફ લક્ષ્ય આપેલું અને ‘અનિષ્ટનો પ્રતિકાર ન કરવો’ અને ‘અનિષ્ટનો અહિંસક રીતથી પ્રતિકાર કરવો’ એ બે ધારણાઓ વચ્ચે તફાવત સ્પષ્ટ કરીને કહ્યું કે અનિષ્ટનો અહિંસક રીતથી પ્રતિકાર કરનાર દુષ્ટતાનો હિંમતથી સામનો અને પ્રેમના વિધાયક બળનો ઉપયોગ કરે છે.
1959માં કિંગે ભારતની – ‘ગાંધીની ભૂમિ’ની પ્રખ્યાત યાત્રા કરી. એબોની સામયિકમાં તેમણે લખેલું કે તેઓ ભારતીય સમાજનું ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા હતા, ભારતના લોકો આઝાદી બાદ ઘણી મહાન સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને સાથે સાથે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે તથા જીવનના મુખ્ય સિદ્ધાંત તરીકે શાંતિ જાળવવાની મહાન સભ્યતા અને વારસાની જાળવણી કરી રહ્યા છે તેની પણ નોંધ લીધેલી.
ડબ્લ્યુ.ઈ.બી. ડુ બોઈ, હાવર્ડ થરમાન અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયર એ ત્રણેય અહિંસાના સત્વને ઉજાગર કરનારા મહાનુભાવો હજુ આજે પણ અમેરિકાના લોકોને ગાંધીના કાર્યનો અભ્યાસ કરી, તેનું મૂલ્ય સમજીને તેની સ્તુતિ કરવા પ્રેરણા આપી રહ્યા છે. 2019માં ફિલાડેલ્ફિયામાં આફ્રિકન-અમેરિકન્સ, શ્વેત અમેરિકનો, વિયેતનામી, ભારતીયો, પાકિસ્તાની લોકો અને અન્ય રસ ધરાવનારાઓએ ‘ગાંધીની સાલ’ ઉજવવાનું આયોજન કર્યું, જેથી શાંતિ, સ્વતંત્રતા અને ન્યાય માટે ભવિષ્યમાં પાયો નાખી શકાય તેવી રીતે ગાંધીનાં જીવન અને કાર્યને ફરીને લોકો સુધી પહોંચાડી શકાય તેવો પ્રયાસ કરે છે. ફિલાડેલ્ફિયાની કાઉન્સિલે ગાંધી અને ગાંધીના વિચારોને સાચા અર્થમાં સમજાવનારા આફ્રિકન-અમેરિકાનોનુ સન્માન કરવાનો ઠરાવ પણ પસાર કર્યો છે.
(આ લેખ સન 2019 દરમિયાન “ગાંધી માર્ગ”માં પ્રથમ પ્રકાશિત થયેલો. 6/1/20ના Mkgandhi.orgમાં પ્રગટ થયો. એમની પરવાનગીથી અનુવાદિત લેખ અહીં પ્રસ્તુત છે)
અનુવાદક : આશા બુચ