શું ગાંધીહત્યા એ માત્ર એક વ્યક્તિનો ઉન્માદ હતો, કે પછી ગોડસેથી ગોળવલકર સુધી ફેલાયેલું કોઈ સુનિયોજિત રાજકીય કાવતરું?

પ્રકાશ ન. શાહ
ગાંધીનિર્વાણના ઉંબર કલાકોમાં લખી રહ્યો છું ત્યારે ચિત્તમાં કંઈક હથોડાબંધ ટકોરા દઈ રહેલો વૈકલ્પિક પ્રયોગ ગાંધીહત્યા બલકે ગાંધીવધ છે. બાકી દુનિયાએ જે ઘટનાને એક બલિદાની અંતિમ સમર્પણ તરીકે જોઈ, કંઈક અંશે નિર્ઘૃણ હત્યા રૂપે જોઈ, એને આતતાયી વધ તરીકે જોનારા જેમ ત્યારે હશે તેમ અત્યારે પણ છે.
સાધારણપણે ત્રીસમી જાન્યુઆરી પ્રાર્થનાભાવ જગવતી રહે છે – અને એ ઠીક જ છે. પણ કંઈક અવસાદ પ્રેરતી એટલી જ ગીતાપ્રોક્ત મન્યુ જગવતી ઘટના એ નથી એમ તો કહી શકાતું નથી: નિર્વાણથી માંડી વધ સુધીનાં આ વિચારઝોલાંનું તત્કાળ નિમિત્ત હજુ હમણેના કલાકોમાં ગુજરાતવગાં થયેલાં બે પુસ્તકોએ પૂરું પાડ્યું છે: ‘લેટ્સ કિલ ગાંધી’ (તુષાર ગાંધી) અને ‘ગાંધીનો હત્યારો ગોડસે’ (ધીરેન્દ્ર ઝા).
તુષાર અલબત્ત ગાંધીજીના પ્રપૌત્ર તરીકે તેમ જ અજંપ ઉધમાત થકી જાણીતું નામ છે. એને મુકાબલે ધીરેન્દ્ર ઓછા જાણીતા હશે. જો કે, તાજેતરનાં વરસોમાં સંઘકારણના અચ્છા અભ્યાસી તરીકેની એમની પ્રતિભા ચીલેચલુ પત્રકારિતાને વટી ગઈ છે, અને છબછબિયે રાજી રહેતા કલમનવીસોને મુકાબલે ઊંડું અવગાહન કે સંશોધન કરનાર તરીકે ઊભરી છે.
‘લેટ્સ કિલ ગાંધી’ના ગુજરાતી અનુવાદ સાથે તુષાર ગાંધીના એ ફરિયાદબોલ પણ આપણી સામે આવે છે કે અંગ્રેજીમાં પ્રગટ થયાનાં ખાસાં દસબાર વરસે ગુજરાતી વાચક સુધી પહોંચવાનું બન્યું છે. ‘ગોડસે’ વિશે પૂરા કદનું ઠીક ઠીક સંશોધનમંડિત પુસ્તક ગુજરાતીમાં જ નહીં પણ ત્રણ-ચાર વરસ પર અંગ્રેજીમાં આવ્યું ત્યારે ય કદાચ પહેલું જ હશે.
મુદ્દો એ છે કે ગાંધીહત્યા પછી તપાસ થઈ, કેસ ચાલ્યો, ગોડસેને સજા પણ થઈ છતાં કેમ જાણે આખી પ્રક્રિયામાં કદાચ જાણતે છતે પણ કંઈક ચુકાઈ ગયું તે ચુકાઈ જ ગયું. તુષાર ગાંધીએ બધી વિગતો સંકોરીસમેટી કકળતી આંતરડીએ આપેલું ચિત્ર એ છે કે મુંબઈ પોલીસ અને દિલ્હી પોલીસ આ પ્રશ્ને કેટલી શિથિલ રીતે વરતી હતી અને પૂર્વસંકેત સમજી જરૂરી ચોંપમાં મુંબઈનું ખેર-મોરારજી પ્રશાસન કેટલું ઊણુંઊતર્યું હતું.
ગોડસેને ફાંસી થઈ, બીજાઓને ય ઘટતી સજા થઈ, પણ તપાસની કસર તો છેક 1966માં કપૂર પંચ સાથે જ પૂરી થઈ – કોરોબરેટિવ પુરાવાને અભાવે બાઈજ્જત (ખરું જોતાં, બેનિફિટ ઓફ ડાઉટ, બહુ બહુ તો) સાવરકર બહાર આવ્યા હતા, એ સાફ થયું.
સ્વરાજ આગમચ અને વાંસોવાંસ, આગળપાછળ મળીને સાવરકર અને સંઘને આ સંદર્ભમાં સમજવા માટે ધીરેન્દ્રનું ‘ગોડસે’ અને થોડા વખતમાં ગુજરાતીમાં આવનારું ‘ગોળવલકર’ મજબૂત સંશોધનમંડિત સામગ્રી લઈને આવે છે. મુદ્દે, 1948-49માં તપાસ અને કેસના દોરને અંતે સંઘ સૂત્રોએ આપેલી બલકે ઊપજાવેલી છાપ એ હતી કે અમારે અને ગોડસેને કોઈ સંબંધ જ નથી. આરંભે આ પ્રકારના દાવા પછી કેટલીક વિગતોના ઉજાસમાં આ સૂત્રોએ લગીર કોર્સ-કરેક્શનની રીતે એવી મુદ્રા અંગીકાર કરી કે ભાઈ, નથુરામ સંઘમાં પૂર્વે હતો તો ખરો, પણ પછી એ છૂટો થઈ ગયેલો અને ‘હિંદુ રાષ્ટ્ર દળ’ ચલાવતો હતો.
આ વિગત, દાયકાઓ સુધી વિશેષ તપાસને અભાવે જડબેસલાક જામી પડી અને જનતા પક્ષના ઉદ્દભવથી માંડી લોકસભામાં વાજપેયીની છટાદાર રજૂઆત મારફતે એ અધોરેખિત થતી રહી. જો કે, વચમાં 1964માં ગોપાલ ગોડસેએ છૂટ્યા પછી ચોખ્ખું લખ્યું હતું કે અમે અમારી જુબાનીમાં તાત્યારાવ(સાવરકર)ને અને સંઘને બચાવી લીધા હતા. સંઘ-જનસંઘ એ વખતે એટલા ચિત્રમધ્ય નહોતા કે વ્યાપકપણે એની નોંધ લેવાય અને પ્રજાકીય સ્મૃતિમાં તે ઝમે.
ધીરેન્દ્રનું સંશોધન આગળ જાય છે. દસ્તાવેજી સામગ્રીને આધારે એમણે કહ્યું છે કે મહારાષ્ટ્રના સંઘચાલક કાશીનાથ લિમયે અને સાવરકરના સક્રિય સહયોગમાં આ હિંદુ રાષ્ટ્ર દળ કાર્યરત હતું. દળના બૌદ્ધિક વર્ગોમાં ને શિબિરોમાં મુખ્ય વક્તાઓ ઘણે ભાગે સંઘના રહેતા. હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરંભથી ગાંધીહત્યા સુધી ઓછાવત્તા સંકળાયેલા રહ્યા. હિંદુ રાષ્ટ્ર દળના સંચાલનમાં કાશીનાથ લિમયે મારફત સંઘ અને હિંદુ મહાસભા સહયોગી હતા.
ગુજરાતીમાં સદ્યપ્રકાશ્ય ‘ગોળવલકર’માં ધીરેન્દ્રે ઉપસાવેલો મુદ્દો એ છે કે સ્વરાજપૂર્વ થોડાં વરસોમાં સંઘે રજવાડાઓમાં પાકો પ્રવેશ જમાવ્યો હતો અને ભાગલા નજીક જણાયા ત્યારે રાજાઓને આગળ કરીને પોતાનું પ્રભાવક્ષેત્ર ઊભું કર્યું હતું. સ્વતંત્ર રહેવા ઇચ્છતા રજવાડામાં સંભવિત ‘હિંદુ રાજ્ય’ની આશા ને શક્યતાની રાજકીય ગણતરી હતી. એક પછી એક રજવાડામાં સંઘ સ્વયંસેવકોની રાજસલામીથી એક લશ્કરી અર્ધલશ્કરી માહોલ ઊભો કરાયો હતો.
ને થોડું ‘ગાંધી આસપાસ. નેહરુપટેલ ભાગલાની દિશામાં એકતરફી આગળ વધી ગયા પછી ગાંધીએ પોતાની વિરોધ લાગણી છતાં કોમી ઉત્પાતના કારી ઘાને ખાળવા ને રૂઝવવામાં સાર્થક્ય જોયું. બંગાળમાં શાંતિ સ્થાપન પછી ગાંધી પંજાબ જતાં દિલ્હી રોકાયા તે શાંતિસ્થાપન અર્થે રોકાઈ જ પડ્યા. એક રીતે હવે એ એકલા જેવા હતા. દેખીતો ઓસરતો પ્રભાવ હતો. પણ ધીરેન્દ્ર દસ્તાવેજી વિગતો સાથે સમજાવે છે કે શાંતિના નેહરુ પ્રયાસોમાં ને સરદારની મથામણમાં એક એક મોટું બળ બની રહ્યા.
રજવાડે થનગન ને દિલ્હીજેતા થવાનું સપનું જોતા સંઘને માટે આ એક મોટી રુકાવટ હતી. લગભગ એવી લાગણી હતી કે ગાંધી દિલ્હી છોડે પછી આપણે સારુ અવકાશ મળી રહેશે. અમે તોફાનોમાં નથી અને શાંતિ-સહભાગી છીએ એવી અપીલ કરવાનું ગાંધીનું સૂચન ગોળવલકરને ગ્રાહ્ય નહોતું.
ગાંધીહત્યાનો વિધિવત વિરોધ અને આતતાયી વધને અનુમોદના, સંઘ શતાબ્દીએ આની કળ વળશે, ન જાને.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 28 જાન્યુઆરી 2026
![]()

